સખણા રહેજો રાજ-ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સખણા રહેજો રાજ

વિચિત્ર અને વિશિષ્ટ આગગાડી આપણા ગુજરાતમાં છે એટલું જ નહીં, પરંતુ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છે

આજે હું એક આગગાડીની વાત લખું છે. આ એવી આગગાડી છે જેમાં આગનો ઉપયોગ ગાડી ચલાવવામાં ખૂબ ઓછો થાય છે, પરંતુ આગનો ઉપયોગ ઓકવામાં અને ગાડીમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને દઝાડવામાં વધુ થાય છે. એમ પણ લખી શકાય કે આ વિશિષ્ટ પ્રકારની આગગાડીમાં આગનો ઉપયોગ નહીં, પરંતુ દુરુપયોગ થાય છે.

વાચકને થશે કે અત્યારે તમામ ટ્રેન ઇલેક્ટ્રિક અથવા ડીઝલથી ચાલે છે ત્યાં આ લેખક બાબા આદમના સમયની કોલસાથી ચાલતી આગગાડીની વાત લખવા બેઠો છે. લેખક આઉટ ઑફ ડેટ થઈ ગયો લાગે છે.
ખરેખર એવું નથી. હું જે આગગાડીની વાત લખી રહ્યો છું તે અત્યારે પણ અસ્તિત્વમાં છે. આ વિચિત્ર અને વિશિષ્ટ આગગાડી આપણા ગુજરાતમાં છે એટલું જ નહીં, પરંતુ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છે. હવે વાચકોને વધારે મૂંઝવણમાં નાખ્યા વગર ખુલાસો કરું તો એ આગગાડીનું નામ ‘વિધાનસભા એક્સપ્રેસ’ અથવા ‘ધારાસભા એક્સપ્રેસ’ છે.

આ આગગાડી 2012માં કુલ 182 યાત્રિકોને લઈને રવાના થઈ છે. આ તમામ મુસાફરો આગગાડીના પ્રવાસી પણ છે અને ચાલક પણ છે. આ આગગાડીની કરુણતા એવી છે કે જે ચાલકો છે તે ગાડીને ચલાવવાને બદલે ચાલવા દેતા નથી. આ 182 યાત્રિકોમાં બે મોટા જૂથ છે. એક જૂથના લોકો પાવડાથી કોલસા નાખવા જાય તો બીજા જૂથના લોકો હાથ પકડી રાખે છે અને બીજા જૂથના લોકો જો કોલસા નાખવા જાય તો પહેલા જૂથના લોકો હાથ પકડી રાખે છે. પરિણામે આ ગાડી અચલિત અવસ્થામાં જ્યાં ઊભી છે ત્યાં જ ઊભી છે.

બંને જૂથના મુસાફરો એકબીજાના હાથ-પગ પકડી રાખતા હતા ત્યાં સુધી વાંધો નહોતો, પરંતુ થોડા દિવસો પહેલાં હાથ-પગ ભાંગી નાખવા સુધી પહોંચી ગયા. જ્યારે સંસદ ઉપર આતંકવાદી હુમલો થયો ત્યારે આંતકવાદીઓને ઠાર મારતી વખતે આપણા જાંબાઝ રક્ષકોએ કહ્યું હતું કે તમે આતંકવાદી હોવાથી નિર્દય, નિષ્ઠુર અને નિર્લજ્જ હશો તો સમજી શકાય છે, પરંતુ જ્યાં સુધી અમે જીવતાં છીએ ત્યાં સુધી તમને ચૂંટાયા વગર અંદર જવા દઈશું નહીં. સંસદસભાની નાની બહેનનું નામ વિધાનસભા છે.

વિધાનસભા એક્સપ્રેસ ચલાવવાને બદલે હાથ-પગ અને જીભ ચલાવતા ચાલકો કમ મુસાફરો કદાચ ભૂલી ગયા લાગે છે કે 2012માં આ ટ્રેન રવાના થઈ ત્યારે કરોડો ગુજરાતીઓએ રેલવે સ્ટેશન આવીને આપને વહાલથી વળાવ્યા હતા. એ કરોડોમાંથી લાખો લોકોએ તો પોતાનો પવિત્ર અને કીમતી મત આપીને તમારા 182 યાત્રાળુઓની ટિકિટ ખરીદીને આપી છે. અત્યારે એ લોકો છુટ્ટા હાથની મારામારી અને છુટ્ટા મોઢાની ગાળાગાળી કરીને જે પાટાપિંડી કરાવે છે ત્યારે સાચી પીડા માર ખાનારાને થતી નથી, પરંતુ તેમને વળાવવા આવેલા કરોડો ગુજરાતીઓને થાય છે. તેમને મત આપનાર લાખો મતદાતાઓને થાય છે.

આ આગગાડીમાં યાત્રા કરી રહેલા 182 યાત્રિકોને કદાચ ખ્યાલ નથી કે તેમના ઉપર ભરોસો મૂકીને રેલવે સ્ટેશન ઉપર વિદાય આપવા આવેલા લાખો ગુજરાતીઓનાં સપનાં પૂરાં કરવાં એ તેમની નૈતિક ફરજ છે. આ ઝઘડાખોર ઝનૂનીઓએ એક વાત યાદ રાખવા જેવી છે કે જે લોકો 2012માં આપને હારતોરા કરીને ટ્રેનમાં ચડાવી શકે છે એ જ લોકો 2017માં આપની બોચી પકડીને ટ્રેનમાંથી ઉતારી પણ શકે છે. સખણાં રહેજો રાજ.
અન્ય સમાચારો પણ છે...