તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂપિયાની નોટ બોલે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારે ક્લબ, મોલ અને મલ્ટિપ્લેક્સના જમાનામાં ડોલર સામે રૂપિયો ગગડે છે અને રૂપિયા સામે માણસ ગગડે છે
પ્રિય વાચક, તું ભલે માણસ હોય અને હું ભલે કાગળ છું પણ તું માણસ હોવા છતાં બે સગા ભાઈઓ પણ સાથે રહી શકતા નથી. અમે કાગળ હોવા છતાં સો સગી બહેનો થોકડી બનીને સાથે રહીએ છીએ. તું માણસ હોવા છતાં ઊંચનીચના ભેદમાં જીવે છે, સવર્ણ અને પછાત, અમીર અને ગરીબ, હિન્દુ અને મુસલમાન, ભણેલા અને અભણ, પીઢ અને નવોદિત સાથે બેસી શકતા નથી. અમે કાગળ હોવા છતાં બે હજારની નોટની ગોદમાં પાંચસોની નોટ, પાંચસોની ગોદમાં સો રૂપિયાની નોટ એમ છેક એક રૂપિયાની નોટ જેવી અંતિમ નોટ સુધી અમે એકબીજાની હૂંફમાં રહીએ છીએ. તમે જે સામ્યવાદ અને સમાજસુધારણાની માત્ર વાતો કરી તે અમે મૌન રહીને જીવી બતાવી છે.

તું મારા જેવા કાગળને ખાતર ઘણીવાર માણસ મટી ગયો. હું ક્યારેય તારા જેવા માણસને ખાતર કાગળ મટ્યો નથી, તેં સ્વાર્થને ખાતર અનેકવાર માનવતા છોડી જ્યારે અમે ક્યારેય અમારી કાગળતા છોડી નથી. તું ભલે સજીવ છે અને હું ભલે નિર્જીવ છું પણ કોઈ ધંધાદારી ખૂનીના હાથમાં સોપારી બનીને પહોંચી જાઉં તો ગમે તેવા સજીવને નિર્જીવ બનાવી શકું છું અને કામચોરીના અવગુણથી પીડાતા કોઈ સરકારી કર્મચારીના હાથમાં લાંચ બનીને પહોંચી જાઉં તો વેતન મળવા છતાં અચેતન જેવા કર્મચારીને ચેતનવંતો બનાવી શકું છું.

માણસ તેં હજારવાર ગીતા વાંચી, લાખવાર સ્થિતપ્રજ્ઞની વાતો કરી છતાં જ્યારે હું તારા હાથમાં, ખિસ્સામાં કે ખાતામાં આવું એટલે તારો રંગ બદલી જાય છે, તારી રોટી, તારાં કપડાં, તારું મકાન, તારી બોલચાલ બદલાઈ જાય છે જ્યારે મારી સામે નજર કર, હું વડાપ્રધાનના હાથમાં જાઉં કે વડા-પાંઉવાળાના હાથમાં, હું સંતના હાથમાં જાઉં કે શેતાનના હાથમાં, હું મુખ્યમંત્રીના હાથમાં જાઉં કે મુફલિસના હાથમાં, કાગળ હોવા છતાં મેં ક્યારેય મારો રંગ બદલ્યો નથી.

હે માણસ! તને એમ હોય કે સમાજમાં મારા કરતાં તારી કિંમત વધારે છે તો મહેરબાની કરીને એવા ભ્રમમાં રહેતો નહીં, જૂના જમાનામાં મારા કરતાં તારું મૂલ્ય વધારે હતું તે હકીકત છે બાકી અત્યારે ક્લબ, મોલ અને મલ્ટિપ્લેક્સના જમાનામાં ડોલર સામે રૂપિયો ગગડે છે અને રૂપિયા સામે માણસ ગગડે છે. મને દેખાડો એટલે લતા મંગેશકર ગાય, ધોની રમે અને અમિતાભ નાચવા માંડે, જ્યારે હું કાગળ હોવા છતાં જગતના કોઈ માણસને જોઈને ગાતી, રમતી કે નાચતી નથી. હું રોડ ઉપર પડી જાઉં તો માણસ મને તરત જ ઉપાડી લે છે.
માલિકનું ધ્યાન ન હોય તો ગમે તે માણસ મને ઉપાડી લે છે, જેથી હું રોડ ઉપર ક્યારેય ઉઘાડી રઝળતી નથી જ્યારે તું માણસ હોવા છતાં કડકડતી ઠંડીમાં ફૂટપાથ ઉપર ઉઘાડો પડ્યો હોય અને તારી માનવજાતના માણસો તને જુએ છતાં જે રીતે મને ઉપાડી લે છે એમ તને કોઈ ઉપાડતું નથી. એનો મતલબ તારી જાતમાં પણ તારા કરતાં મારી પ્રતિષ્ઠા વધુ છે. હે માનવ! મારી તાકાતનો પરિચય તને છેલ્લા અઠવાડિયામાં સમજાઇ ગયો હશે. અત્યારે આખા હિન્દુસ્તાનમાં ક્રિકેટ, હવામાન, બોલિવૂડ કે બીજી કોઈ ચર્ચા થતી નથી. જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર મારી જ ચર્ચા થાય છે. નહિ બાપ નહિ બેટા, નહિ ચાચા નહિ ભૈયા, સબસે બડા રૂપૈયા.

છેલ્લે તારે રાજી થવા જેવી એક વાત કહું તો માણસ તું ભલે નોટ કરતાં ચડિયાતો નથી પણ ઈશ્વર કરતાં ચડિયાતો છે, કારણ કે તું ઈશ્વરનું સર્જન છે અને હું તારું સર્જન છું. ઈશ્વરના સર્જન કરતાં પણ માણસના સર્જનનું મહત્ત્વ વધારે છે એ અર્થમાં માણસ તું ઈશ્વર કરતાં પણ શ્રેષ્ઠ છે.
અન્ય સમાચારો પણ છે...