તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપણી યુનિવર્સિટીઓના કેમ્પસ પર ધૂંધવાતો સેક્યુલર સનેપાત!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આપણી યુનિવર્સિટીઓના કેમ્પસ પર ધંૂધવાતો સેક્યુલર સનેપાત!
આજે ત્રીજી માર્ચને દિવસે આરામ કર્યા પછી બપોરે ઊઠ્યો અને ટીવી ચાલુ કર્યું. પાકિસ્તાનમાં ભારતના કન્હૈયાકુમારની સ્ટાઇલમાં સૂત્રોચ્ચાર થઇ રહ્યા હતા. સભામાં ઝનૂન ચરમસીમા પર હતું. ટીવી પર ચર્ચા ચાલી. ભારતનો એક્ટિવિસ્ટ મધુરેશ કુમાર ભારતની નિંદા એવા ઝનૂનથી કરી રહ્યો હતો, જાણે પાકિસ્તાનની આતંકવાદી હાફિઝ સૈયદનો સગો ભાણેજ નહીં હોય! આપણી યુનિવર્સિટીના કેમ્પસ પર જે બન્યું તેનો પ્રતિઘોષ હોય એવું દૃશ્ય જોયું. પદાર્થવિજ્ઞાનમાં જેને વીજચુંબકીય ઉપપાદન (ઇલેક્ટ્રો-મેગ્નેટિક ઇન્ડક્ષન) કહે છે તેવું જ કોઇ સંવેદન પડદા પર જોવા મળ્યું. પાકિસ્તાન વચન પાળી રહ્યું હતું:

‘ભારતને એક હજાર જખમો (વન થાઉસન્ડ કટ્સ) થકી ઢીલું કરી મૂકવાનું’ વચન! મનમાં થયું, જો વર્ષો પહેલાં પંડિત નેહરુ શેખ અબ્દુલ્લા (શેરે કશ્મીર)ને કોડાઇ કેનાલના કોહિનૂર બંગલામાં કેદ કરી શકતા હોય તો નરેન્દ્ર મોદી ફારૂખ અબ્દુલ્લાને, સૈયદ અલી ગિલાનીને અને અન્ય અલગતાવાદીઓને તિહાર જેલમાં પૂરી ન શકે? સાથે ચિદમ્બરમને પણ રાખી શકાય! પાકિસ્તાનને આપણી લિબરલ ઢીલાશ ફાવતી આવે છે.

વર્ષો પહેલાં રાતે સૂવાની તૈયારી કરતો હતો, ત્યારે ફોનની ઘંટડી રણકી. સામેથી સદ્્ગત રમણભાઇ શાહ બોલી રહ્યા હતા. હું તેમને નામથી પણ ઓળખતો ન હતો, પરંતુ એમની ભાષામાં જબરો વિનય હતો. એમણે વિનંતી કરી અને કહ્યું: ‘ગુણવંતભાઇ, એક સભાનું આયોજન ‘સાધના’ સાપ્તાહિક તરફથી થઇ રહ્યું છે, જેમાં શ્રી મોહન ભાગવતજી પ્રમુખપદે હશે અને તમે એકમાત્ર મુખ્ય વક્તા હશો. ના નહીં પાડો તો આનંદ થશે.’

(એ વખતે ભાગવતજી RSSના સરસંઘચાલક ન હતા. તે વખતે શ્રી કે. સુદર્શનજી સરસંઘચાલક હતા). મેં અત્યંત વિનયપૂર્વક ના પાડી તેથી રમણભાઇ થોડાક ઘવાયા. મને પૂછ્યું: ‘આમ કેમ ના પાડો છો?’ મેં જે જવાબ આપ્યો તે થોડો વિચિત્ર હતો. સાંભળો: ‘સાહેબ, મને બહુ મોટો વાંધો છે. તમે સુદર્શનજીને પૂછી જોશો:

(1) અમદાવાદ આવ્યા હોય ત્યારે એમણે કદી પણ ગાંધી આશ્રમની મુલાકાત લીધી ખરી?

(2) દિલ્હી ગયા હોય ત્યારે એમણે કદી રાજઘાટની મુલાકાત લીધી છે ખરી?

(3) નાગપુરમાં તેઓ રહ્યા હોય ત્યારે એમણે કદી સેવાગ્રામ (વર્ધા)ની મુલાકાત લીધી ખરી? આ ત્રણમાંથી એકાદ પ્રશ્નનો જવાબ હા હોય તો હું આવવા તૈયાર છું.’ રમણભાઇએ મૌન જાળવ્યું ત્યારે મેં કહ્યું: ‘જેમને મહાત્મા ગાંધી વિશે આવો અનાદર હોય તેવા લોકો સાથે હું મંચ પર બેસી ન શકું.’ અમારી વાત પૂરી થઇ, પરંતુ મુ. રમણભાઇનો મારા પ્રત્યેનો આદર પછીનાં વર્ષોમાં એમના દેહવિલય સુધી અકબંધ રહ્યો. બીજે દિવસે સવારે આ બનાવની જાણ મેં મારા મિત્ર અને ‘નિરીક્ષક’ના તંત્રીશ્રી પ્રકાશ ન. શાહને કરી હતી.

પ્રકાશભાઇએ ત્યારે મને શ્રી રમણભાઇ શાહનો પરિચય આપ્યો હતો. આ વાત કરી તેમાં સત્યને કોઇ ગોબો ન પડે તેની ખાસ કાળજી રાખી છે. સન 2002માં ગોધરાની દુર્ઘટના પછી પ્રકાશભાઇનો અભિગમ ‘અનુગોધરા’ તરફ એવો તો ફંટાયો કે અમારો વિચારભેદ વધી પડ્યો. ‘નિરીક્ષક’ જેવું વિચારપત્ર સેક્યુલર સનેપાતને પનારે પડ્યું, પરંતુ પ્રકાશભાઇ સાથેના મારા સંબંધમાં કડવાશ ન આવી. એનો ઘણો જશ પ્રકાશભાઇના અનેકાંતવાદી આભિજાત્યને જાય છે. ‘નિરીક્ષક’ની ફાઇલો આ બાબતનો દસ્તાવેજી પુરાવો છે.

અમેરિકાના રેડ ઇન્ડિયન લોકોમાં પ્રચલિત એવી કહેવત છે:
દેડકો કદી પણ
પોતે જેમાં રહેતો હોય,
એ તળાવનું પાણી
પી જતો નથી!
મને દેશની િચંતા રહે છે તેનું ખરું કારણ પાકિસ્તાન નથી. ચિંતાનું કારણ ચીન પણ નથી. ચિંતા પજવે તે માટે વ્યાપેલો ભ્રષ્ટાચાર પણ નથી. હિંદુઓને ખાળકૂવામાં ડુબાડતી અંધશ્રદ્ધા ખૂબ ખટકે છે, પરંતુ મારી ઊંઘ ખલેલ પામતી નથી.

દેશના મુસ્લિમ ભાઇઓ  હજી મૂળ પ્રવાહથી વેગળા જ રહે તેનું દુ:ખ હોવા છતાંય મને દેશ તૂટશે એવો ભય લાગતો નથી. મને ખરેખરી પજવણી યુનિવર્સિટીઓનાં કેમ્પસ પર યુવક-યુવતીઓ દેશના ટુકડા થાય તેવાં સૂત્રો પોકારે તે બાબતે થાય છે. મારી ચિંતા છે: દેશ ખતમ થાય તો સેક્યુલરિઝમ શી રીતે બચશે? શ્રી અરવિંદ કેજરીવાલ ગમે અને ન ગમે, પરંતુ તેઓ જાહેરસભામાં ‘ભારત માતા કી જય’ સૂત્ર બોલાવડાવે, તે મને ગમે છે. આજે પાકિસ્તાનમાં દાઉદ ઇબ્રાહિમ અને બુરહાન વાનિના સમર્થનમાં જે સૂત્રોચ્ચારો ઝનૂનપૂર્વક થયા તે મને ખરેખર હચમચાવી ગયા. આવા લોકોને સમજવાનો ઇન્કાર કરનારા સામ્યવાદી બિરાદરો સ્વરાજની લડતના વખતથી દેશવિરોધી વલણ ફેશનભેર અપનાવતા રહ્યા છે.

તેની દસ્તાવેજી વિગતો આપવાનું અત્રે ટાળું છું. એ લોકોએ સુભાષબાબુને પણ છોડ્યા ન હતા. આવાં રાષ્ટ્રવિરોધી વલણો યુનિવર્સિટીઓનાં કેમ્પસ પર પહોંચે ત્યારે દેશનું ભવિષ્ય ઊજળું હોઇ શકે? મોદીવિરોધી સૂત્રો પણ પાકિસ્તાનમાં જોશપૂર્વક બોલાયાં, પરંતુ એ સામે મારે કશુંય કહેવાનું નથી. ભારતના માઓવાદી મિત્રો ચીનમાં જઇને ચીનવિરોધી સૂત્રો પોકારી શકશે ખરા? આ બધું વાણીસ્વાતંત્ર્યને નામે? અમેરિકાની કોઇ યુનિવર્સિટીમાં ઓસામા બિન લાદેન પર સેમિનાર યોજી શકાય ખરો? આ જ લોકો જામિયા યુનિવર્સિટીમાં બહેન શાઝિયા ઇલમીનું પ્રવચન રદ થયું ત્યારે મૌન શા માટે? શાઝિયા ઇલમી એ જ યુનિવર્સિટીનાં વિદ્યાર્થિની છે અને વળી ઊંચા ક્રમે પાસ થનારાં (ટોપર) છે.

સેક્યુલર સનેપાત થયો હોય એવા લોકો વીર સાવરકરને ધિક્કારવામાં જબરો ઉત્સાહ બતાવે છે. એમને એમ કરવાનો અધિકાર છે. વિચારભેદ અકબંધ રાખીને સાવરકરજીના અનન્ય બલિદાનને બિરદાવવાનો ઇનકાર કરનારા આ ‘પ્રગતિશીલો’ દેશ માટે શું કરવા માગે છે? ગાંધીજીએ સાવરકરજીની પ્રશંસા કરી હતી. તિસ્તા સેતલવાડને યુ.પી.એ. સરકારે પદ્મશ્રી આપ્યો હતો. તિસ્તાજી જેલમાં જશે ત્યારે એ એવોર્ડનું શું થશે? નરેન્દ્ર મોદીને જેટલી
ગાળ ભાંડવી હોય તેટલી ભાંડો, પરંતુ
દેશવિરોધી કૃત્યોથી બચવું જરૂરી છે. મોદીનિંદા મોદીને ફળે છે!
ઇઝરાયેલની રચના થઇ તે પહેલાં રચાયેલી કાવ્યપંક્તિ આ પ્રમાણે હતી:

લોકો વગરની ભૂમિ,
ભૂમિ વગરના લોકોની
પ્રતીક્ષા કરી રહી હતી!
સોફોકલીસનું યાદગાર વિધાન છે: ‘સત્ય હંમેશાં મજબૂતમાં મજબૂત દલીલ હોય છે.’ રોજ રાતે ટીવી ચેનલો પર જોરદાર ચર્ચા ચાલે છે. એમાં દેશના કેટલાક બુદ્ધિખોર એવા લિબરલ લોકો બરાડા પાડીને ગધેડાને તાવ ચડે એવી દલીલો કરતા રહે છે. એ લિબરલ બૌદ્ધિક બીજાની દલીલોમાં રહેલું ચપટીક સત્ય સ્વીકારવા માટે તૈયાર નથી હોતો. એને રાષ્ટ્રભક્તિની વાત પ્રત્યે સખત નફરત હોય છે. વર્ષો પહેલાં સુનિલ દત્ત અને નંદાની ભૂમિકાવાળી ફિલ્મ ‘ઉસને કહા થા’ જોઇ હતી. એમાં સાંભળેલું એક વિધાન હજી યાદ છે:
જાનેવાલે સિપાહી સે પૂછો:
 
વો કહાં જા રહા હૈ!
શું રાષ્ટ્રભક્તિ એ સરહદ પર ખપી જનારા સૈનિકની જ જવાબદારી છે? અને હા, શું યુવક-યુવતીઓ, ‘ભારત માતા કી જય’ બોલવામાં શરમ અનુભવે તે દિવસ દૂર ખરો? {
***
પાઘડીનો વળ છેડે
સ્વાતંત્ર્ય વીર સાવરકરની કદર કરવામાં
અને તેમના ક્રાંતિકારી જીવનમાંથી યથોચિત
પ્રેરણા લેવામાં એક પ્રજા તરીકે આપણે ઊણા
ઊતર્યાં છીએ. આપણું એ કમનસીબ છે કે
આપણા રાષ્ટ્રનાયકોને જ્યારે વિદેશથી પ્રશસ્તિ
અને પ્રસિદ્ધિ મળે તો જ અને ત્યારે જ આપણે
તેમનું ગૌરવ કરવાનું મુનાસિબ સમજીએ છીએ.
ઉદાહરણ તરીકે શ્રી રવીન્દ્રનાથ ઠાકુર.
તેમને મળેલા નોબેલ પારિતોષિક પછી જ
આપણે તેમને મહાકવિ તરીકે બિરદાવ્યા!
સાવરકરની બાબતમાં પણ એવું જ બન્યું છે!...
‘1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ’ અને ‘મારી જન્મટીપ’ પુસ્તકો દ્વારા સાવરકરજીએ
ભારતીય યુવાનો સમક્ષ સ્વાતંત્ર્યનો રાષ્ટ્રીય
દસ્તાવેજ અને સ્વાતંત્ર્ય માટેના અપ્રતિમ
સમર્પણનું મહાકાવ્ય પ્રસ્તુત કર્યંુ છે.
- પ્રકાશ ન. શાહ

નોંધ: તા. 28 મે, 1958ને દિવસે વીર સાવરકરજીની 75મી જન્મતિથિ (અમૃતોત્સવ) નિમિત્તે અમદાવાદમાં માણેકચોક ખાતે યોજાયેલી ખાસ સભામાં ઉચ્ચારાયા હતા. પોલિટિકલ સાયન્સના પ્રાધ્યાપક હર્ષદભાઇ યાજ્ઞિકે ‘સાધના’ (તા. 5 જાન્યુઆરી 2013)માં લખેલા લેખમાંથી સાભાર. આ સભામાં હાલ અમેરિકામાં સ્થાયી થયેલા ડૉ. મહેશ મહેતા પણ વક્તા હતા. એમના જીવનનું એ પ્રથમ પ્રવચન હતું.
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો