તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્યુલર-લિબરલ એવા બૌદ્ધિકોને દંભના દુકાનદાર બનવાની શી જરૂર?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં એવા જૂઠા અને બેઇમાન મનુષ્યોને ‘બૌદ્ધિક’ કહેવામાં આવે છે, જેઓ ખુલ્લા મને તિન તલ્લાક પ્રથાની કડવી આલોચના કરતા ન હોય. આવા બુદ્ધિયુક્ત દંભનો કોઇ પાર નથી
નેપોલિયને બ્રિટનને ‘દુકાનદારોનો દેશ’ ગણાવ્યો હતો. અંગ્રેજ સરકાર અર્થલાભ થતો હોય તો ખોટું કરતાં જરા પણ ન અચકાય. પરિણામે વિજય માલ્યા હોય કે લલિત મોદી હોય, બ્રિટન આવા ઠગ લોકોને સંઘરવામાં અને એમને દેશમાંથી રવાના ન કરવામાં અગ્રેસર છે. આપણા દેશને કયા શબ્દોમાં નવાજવો?

મને લાગે છે કે આપણો દેશ ‘દંભના દુકાનદારો’નો દેશ છે એમ નછૂટકે કહેવું પડશે. ધર્મક્ષેત્રે, કર્મક્ષેત્રે, રાજ્યક્ષેત્રે અને સમાજક્ષેત્રે-જ્યાં જુઓ ત્યાં દેશમાં દંભની બોલબાલા છે. લોકોના લોહીમાં દંભ જાણે હિમોગ્લોબીનરૂપે ભ્રમણ કરી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ પામેલો દેશી મનુષ્ય પણ નજર ન લાગે તે માટે ગાલ પર કાળું ટપકું લગાડવા દેતો હોય છે. લગ્નની વિધિમાં વરરાજાને જે જે સૂચનાઓ આપવામાં આવે તેનો અમલ કહેવાતો શિક્ષિત મનુષ્ય પણ બાલસહજ સરળતાથી કરે છે.
કહેવાતો સેક્યુલર અને રેશનલ માણસ પણ ખુલ્લા મને ‘તિન તલ્લાક’ જેવી તર્કવિહીન, ન્યાયવિહીન અને પુરાણી પરંપરાની વિરુદ્ધ બોલવામાં કે લખવામાં ખચકાટ અનુભવે છે. આવી વૃત્તિને આપણે ‘સેક્યુલર દંભ’ કહીશું? જનોઇ સાથે વળગેલા બ્રાહ્મણત્વ સાથે ક્યારના છૂટાછેડા થઇ ગયા હતા, તોય પંડિત નેહરુના મૃત્યુ સુધી એમના શરીર પર જનોઇ હતી. હજી આજે પણ આપણા દેશના બૌદ્ધિકો ઇસ્લામના નામે ચાલતા આતંકવાદને ‘ઇસ્લામી આતંકવાદ’ ગણાવવામાં ભય અનુભવે છે. હિલરી ક્લિન્ટન પણ આવા ભયથી મુક્ત થઇ ન શક્યાં! ક્યારેક ભારતમાં એવા જૂઠા અને બેઇમાન મનુષ્યોને ‘બૌદ્ધિક’ કહેવામાં આવે છે, જેઓ ખુલ્લા મને તિન તલ્લાક પ્રથાની કડવી આલોચના કરતા ન હોય. આવા બુદ્ધિયુક્ત દંભનો કોઇ પાર નથી.

કટારલેખકની કસોટી ક્યારેક સ્પષ્ટ અભિપ્રાય પ્રગટ કરતી વખતે થતી હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલે નિવેદનમાં કહ્યું હતું: ‘ગુજરાતમાં પટેલો ભયભીત છે.’ મેં મારા લેખનું મથાળું બાંધ્યું હતું: ‘હું પટેલ છું અને હું ભયભીત નથી.’ પાટીદાર આંદોલન શરૂ થયું અને એમાં વળી સરદાર પટેલનું નામ પણ લેવાયું. મારા લેખનું મથાળું હતું: ‘એક પાટીદાર તરીકે મારું માથું શરમથી ઝૂકી જાય છે.’ એ લેખ બદલ મારા પર ગંદા (Obnoxious) ટેલિફોન ઓછા નહોતા આવ્યા. સત્ય ગાંધીજીને ગમે, કહેવાતા બૌદ્ધિકોને બિલકુલ ન ગમે! તેવા લોકો જ્ઞાતિવાદનો વિરોધ કરે છે, પરંતુ એમને સાચું બોલવાનું ફાવતું નથી. માત્ર ત્રણ જ પ્રશ્નો પ્રસ્તુત છે.

1. હરિયાણામાં મુખ્યપ્રધાન તો જાટ મનુષ્ય જ હોઇ શકે એવી પરંપરાગત માન્યતા હતી. ત્યાં બિનજાટ મનુષ્યને મુખ્યપ્રધાનપદ મળ્યું. બૌદ્ધિકોના ધ્યાનમાં આ હકીકત કેમ ન આવી?
2. ઝારખંડમાં તો આદિવાસી મુખ્યપ્રધાન જ હોઇ શકે. ત્યાં બિન-આદિવાસી મુખ્યપ્રધાન બન્યા. આ વાત બૌદ્ધિકોના ધ્યાનમાં કેમ ન આવી?
3. ગુજરાતમાં આનંદીબહેનની વિદાય પછી કોઇ પટેલ જ મુખ્યપ્રધાન બનશે એવી જોરદાર હવા હતી, પરંતુ બિનપટેલ મુખ્યપ્રધાનની નિમણૂક થઇ, તે વાત ચતુર-સુજાણોના ધ્યાનમાં કેમ ન આવી?
ખરી વાત એ છે કે આપણા દેશમાં જ્ઞાતિવાદી-સેક્યુલર દંભનો કોઇ પાર નથી. એમનું કહેવાતું સેક્યુલરિઝમ કેવળ મોદીનિંદામાં જ સમાઇ જનારું હોય છે.

વર્ષ 2007ના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો. એ ચૂંટણીમાં મોદીના મુખવટાનો ભરપૂર ઉપયોગ થયો હતો. તા. 3-12-2007ને દિવસે ‘દિવ્ય ભાસ્કર’માં મારી કટાર ‘વિચારોના વૃંદાવનમાં’ મથાળું હતું: ‘મોદી કલ્ટથી સાવધાન.’ એ લેખમાં મેં લખ્યું હતું: ‘મોદીનો મુખવટો (માસ્ક) પહેરીને અટવાતા મૂર્ખજનો ભૂંડા જણાય છે. વ્યક્તિપૂજાનો આવો અતિરેક લોકતંત્રને પોષક નથી.’
તા. 19-8-2007ને દિવસે (વિધાનસભાની ચૂંટણીના ત્રણેક મહિના પહેલાં) મેં મારી કટારમાં લખ્યું હતું: ‘જો (નાણાવટી) કમિશન મુખ્યપ્રધાન મોદીને કસૂરવાર ઠેરવે તો શું થાય? એમ બને તો કદાચ થોડી જ મિનિટોમાં તેમનું રાજીનામું આવી પડે.’ આ વાંચીને સર્વોદયસેવક શ્રી જગદીશ શાહનો પત્ર મળ્યો હતો, જેમાં લખ્યું હતું: ‘અમારે આવા ગુણવંત શાહ જોઇએ.’
વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો પછી ‘ચિત્રલેખા’માં મેં બે બાબતોની સ્પષ્ટ ટીકા કરી હતી:

1. ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી ન હતી.
2. મુખ્યપ્રધાન મોદીએ એક પ્રવચનમાં ‘અહમદ મિયાં-પટેલ’ જેવો કટાક્ષયુક્ત શબ્દપ્રયોગ કર્યો હતો.

મેં એક ગુનો જરૂર કર્યો છે. નરેન્દ્ર મોદીમાં પડેલી અપાર શક્યતાઓ જોવામાં અને સમજવામાં ઘણા લોકો કરતાં હું થોડોક આગળ હતો. જેઓ આ બાબતે મારી સાથે અસંમત હોય, તેઓ થોડી રાહ જુએ. પાંચ વર્ષ પછી મારી વાત જરૂર સમજાશે. ત્યાં સુધી એમનો મોદીનિંદા કરવાનો અધિકાર હું સ્વીકારું છું. લોકતંત્રમાં ટીકા કરવાનો અધિકાર છે, જૂઠું બોલવાનો નથી. રાહુલ ગાંધી વારંવાર કહે છે: ‘આ ઉદ્યોગપતિઓની સરકાર છે.’ તેઓ ઉના ગયા ત્યારે જાણીતા ઉદ્યોગપતિ શ્રી ગૌતમ અદાણીના ખાનગી વિમાનમાં શા માટે ગયા? (એમને લઇ જનારા વિમાનનો પાઇલટ મારો ભાણેજ હતો).
છેવટે મારે થોડીક કબૂલાત કરવાની રહે છે. સાંભળો:

- મને સરદાર પટેલનું ચચરે છે, એટલું પંડિત નેહરુનું નથી ચચરતું.
- મને અહમદ પટેલનું ચચરે છે, એટલું સોનિયા ગાંધીનું નથી ચચરતું.
- મને મોરારજી દેસાઇનું ચચરે છે, એટલું ઇન્દિરા ગાંધીનું નથી ચચરતું.
- મને નરેન્દ્ર મોદીનું ચચરે છે, એટલું રાહુલ ગાંધીનું નથી ચચરતું.

ઇસ્લામી આતંકવાદની કડક ટીકા કરવામાં બૌદ્ધિકો ડરે કેમ છે? ખરો ઇસ્લામ આતંકવાદને કદી પણ સહન ન કરી શકે. પયગંબર તો એક પણ નિર્દોષ મનુષ્યની હત્યા સહન ન કરી શકે એવા શાંતિપ્રિય સંત હતા. તેઓ શાંતિ અને ભાઇચારાના પયગંબર હતા. સામાન્યમાં સામાન્ય મુસલમાનને રસૂલેખુદા માટે અત્યંત ઊંડા આદરનો ભાવ હોય છે, હાફિઝ સૈયદ માટે નહીં. ‘તિન તલ્લાક’ કુરાનવિરોધી રિવાજ છે-એવું મુસ્લિમ વિદૂષીઓ ટીવી પર મુલ્લાઓની હાજરીમાં વારંવાર કહે છે. કહેવાતા સેક્યુલર બૌદ્ધિકો આવા નારીવિરોધી કુરિવાજની કડવી ટીકા કરવામાં પાછળ કેમ છે? એ બૌદ્ધિકો આવી અમાનવીય અને નારીવિરોધી પ્રથાનો સામનો માનવ-અધિકારોની દૃષ્ટિએ ન કરે તેમાં પણ દંભ રહેલો છે. હિંદુ બૌદ્ધિકો આ બાબતે મોખરે છે. તમે એમને મળ્યા છો? મળજો.{

પાઘડીનો વળ છેડે
તમે જ્યારે આતંકવાદી હુમલા
વિશે સાંભળો, ત્યારે
એ હુમલો ગમે ત્યાં અને
કોઇ પણ સંજોગોમાં થયો હોય,
તોય તમને ઘણુંખરું એમ જ થશે કે
વળી પાછું મુસ્લિમોએ અામ કર્યું!
અને કદાચ તમે સાચા પણ હશો!
ફરિદ ઝકરિયા (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, July-6, 2016)

નોંધ: ઇસ્લામના ઊંડા અભ્યાસી એવા સદ્્ગત ડો. રફિક ઝકરિયાના સુપુત્ર ફરિદ ઝકરિયા એ અમેરિકામાં રહીને ઉદાત્ત विचाररપ્રથમ કક્ષાના વિચારક બની ચૂક્યા છે. આવી કડવી વાત કહેવામાં તેમણે સાચા સેક્યુલરિઝમનો વિચારશક્તિનો પરિચય કરાવ્યો છે. એમણે પિતાજીનું નામ રોશન કર્યું છે.
અન્ય સમાચારો પણ છે...