તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝેન વિચારધારાનું કાળજું ધ્યાન છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદરણીય લોકશિક્ષક શ્રી મોરારિબાપુ અને પ્રિય રામભક્તો,

ઇ.સ. 525ના વર્ષમાં કાંચિપુરમના બંદરેથી એક બૌદ્ધ સાધુ વહાણમાં બેસીને ચીન દેશમાં પહોંચી ગયો. એનું નામ હતું બોધિધર્મ. એ સાધુએ દીવાલ સામે બેસીને લાંબા સમય સુધી ધ્યાન કર્યું. પછી એણે ચીનના લોકોને ધ્યાન કેમ કરવું તે શીખવ્યું. ચીનમાં ધ્યાનનો ઉચ્ચાર ‘ચાન’ થઇ ગયો. જાપાન સાથે નાની મોટી લડાઇઓ થઇ તેથી ચીનનું ‘ચાન’ જાપાનમાં પહોંચ્યું અને ત્યાં ‘ચાન’નો ઉચ્ચાર ‘ઝેન’ થઇ ગયો. આમ ઝેનના પ્રસારનો ઘણો જશ ભારતના સાધુ બોધિધર્મને ફાળે જાય છે.
બુદ્ધ કરુણાવતાર હતા. બુદ્ધ કુરિવાજની સામે થયા અને એમણે કરુણાનો મહિમા વધાર્યો. એમાં સાવ નિમ્ન જ્ઞાતિના અસ્તિત્વનું અભિવાદન હતું

ઝેન વિચારધારાનું કાળજું ‘ધ્યાન’ છે. જાપાનના ઝેન સાધુઓ ‘ટી સેરેમની’ નામની પ્રથામાં રોજ ચા બનાવે ત્યારે ચા બનાવવાની ક્રિયા સાથે એકરૂપ બની જાય છે. ઝેનપંથમાં ધ્યાનનો મર્મ કર્મ અને કર્તા એકાકાર બની જાય તેવા ચિત્તની સહજ અવસ્થામાં રહેલો છે. લામા સૂર્યદાસ કહે છે:

ચાલો ત્યારે એવી રીતે ચાલો,
જાણે બુદ્ધ ચાલી રહ્યા છે!
બેસો ત્યારે એવી રીતે બેસો,
જાણે બુદ્ધ બેઠા છે!
સૂતી વખતે એવી રીતે સૂઓ
જાણે બુદ્ધ સૂતા છે!
વિચારતી વખતે
એવી રીતે વિચારો,
જાણે બુદ્ધ વિચારી રહ્યા છે.
તમે માનો તેટલા તમે
બુદ્ધથી દૂર નથી.

કપિલવસ્તુમાં વિહાર કરવા નીકળેલા રાજકુમાર સિદ્ધાર્થને સમજાયું કે જીવન રોગગ્રસ્ત, ઘડપણગ્રસ્ત અને મૃત્યુગ્રસ્ત છે. મહાભિનિષ્ક્રમણ પછી સંબોધિ પ્રાપ્ત થઇ ત્યારે સિદ્ધાર્થમાંથી બુદ્ધ બનેલા મહામાનવને ચાર આર્યસત્યો જડ્યાં તે હતાં: 1. દુ:ખ છે 2. દુ:ખનું કારણ છે 3. દુ:ખનો ઉપાય છે અને 4. ઉપાય શક્ય છે. વાત આગળ ચાલી અને સમજાયું કે દુ:ખનું ખરું કારણ તૃષ્ણા છે. મુક્તિનો ખરો ઉપાય તૃષ્ણામુક્તિ છે. વાત આગળ ચાલી અને બ્રહ્મવિહારનાં ચાર સોપાનો જાણીતાં થયાં: મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. બુદ્ધની વિચારક્રાંતિમાં ભગવાન માટે કોઇ સ્થાન ન હતું. માણસ જેવું વાવે, તેવું લણે. કર્મનો કાયદો કોઇની શરમ નથી રાખતો અને એમાં ભગવાનની લાગવગ પણ નથી ચાલતી.
યજ્ઞહિંસામાં સદાય ક્રૂરતા કેન્દ્રસ્થાને રહેતી અને અસંખ્ય પશુઓની કતલ થતી. બુદ્ધ એવા કુરિવાજની સામે થયા અને એમણે કરુણાનો મહિમા વધાર્યો. કરુણામૂર્તિ બુદ્ધ કરુણાવતાર હતા. એમાં સાવ નિમ્ન જ્ઞાતિના અસ્તિત્વનું અભિવાદન હતું. સુજાતા નામની ચાંડાળકન્યાની ખીર તથાગતે સ્વીકારી હતી. એ હતી કરુણાની ક્રાંતિ. અકરુણાવાન વિદ્વાન પણ થોડોક ક્રૂર ગણાય. તે જમાનામાં બ્રાહ્મણોનું ‘વિદ્વત્તાભિમાન’ પણ અકરુણાથી ખરડાયેલું હતું. એક પ્રસંગકથા અહીં પ્રસ્તુત છે:

એક ગામમાં ચાતુર્માસ કરી રહેલા તથાગત રોજ ઘરે ઘરે ભિક્ષા માગવા માટે જતા હતા. એક બ્રાહ્મણને એમના પ્રત્યે જબરી ચીડ હતી. કર્મકાંડની આવક ઘટતી જતી હતી. ત્રણચાર દિવસ માટે બહારગામ જતી વખતે બ્રાહ્મણે પત્નીને કડક આજ્ઞા કરી: ‘એ બુદ્ધ જો ઘરે આવે તો એને ભિક્ષામાં કશું જ આપવું નહીં.’ એ જમાનામાં પતિની આજ્ઞા એટલે હુકમ નહીં, વટહુકમ!

બીજા દિવસની સવારે તથાગત આંગણે આવીને ઊભા રહ્યા. બ્રાહ્મણની પત્નીએ એમને વંદન કર્યાં અને અત્યંત વિવેકપૂર્વક કહ્યું: ‘ભગવન્! આપને આપવા માટે આજે મારા ઘરમાં કશુંય નથી.’ બુદ્ધ શાંતિપૂર્વક ચાલી ગયા. આવું ત્રણ દિવસ ચાલ્યું. ચોથે દિવસે પતિ ઘરમાં હાજર હતો અને તથાગતનું આગમન થયું. ક્રોધમાં રાતાપીળા થઇને બ્રાહ્મણે સંભળાવ્યું: ‘ત્રણ ત્રણ દિવસથી મારી પત્ની તમને ‘ના’ પાડે છે તોય તમે શા માટે આવ્યા કરો છો? તમને શરમ નથી?’ ખૂબ શાંતિપૂર્વક બુદ્ધ બોલ્યા: ‘હે બ્રાહ્મણ, તારી પત્ની જે નમ્રતાથી, જે વિવેકથી અને જે આભિજાત્ય સાથે મને ‘ના’ કહેતી હતી તે ના સાંભળવા માટે હું રોજ ફરીથી આવતો હતો.’ બ્રાહ્મણપત્નીની ના પણ માધુર્યથી ભરેલી હતી. બ્રાહ્મણત્વ સાથે એ યુગમાં જોડાયેલી ‘અકરુણા’ હઠીલી હતી.

જ્ઞાનની ગંગા ગંગોત્રી, રુદ્રપ્રયાગ, સોનપ્રયાગ, દેવપ્રયાગ, હૃષિકેશ કે પછી હરદ્વાર સુધી જ વહીને અટકી જાય તે કેમ ચાલે? એ ગંગાએ તો કરુણાપૂર્વક નિમ્નગા થઇને છેક હાવડા બ્રિજની નીચેથી વહીને ગંગાસાગર સુધી પહોંચવું રહ્યું. લોકભોગ્ય એવી પાલિ ભાષામાં ઉપદેશ આપીને જ્ઞાનને બ્રાહ્મણત્વની કેદમાંથી છોડાવીને જ્ઞાનની સરિતાને જનસામાન્ય સુધી પહોંચાડી. આ હતી કરુણાની ક્રાંતિ!

તમે સૌ બેઠાં છો એ ક્યોટો નગરમાં તેત્સુગન નામનો ઝેન સાધુ થઇ ગયો. એમણે કેટલાંક ઝેનસૂત્રોનો સંગ્રહ કર્યો અને પુસ્તક રૂપે પ્રગટ કરવાનો સંકલ્પ કર્યો. એ સમયે બધાં સૂત્રો કેવળ ચીની ભાષામાં જ ઉપલબ્ધ હતાં. પુસ્તકો લાકડાનાં બીબાં વડે છાપવાનાં હતાં અને 7000 નકલો પ્રગટ કરવાનું ધ્યેય હતું. કામ કપરું હતું.

આવા મહાકાર્ય માટે સાધુ તેત્સુગન પદયાત્રા કરતા રહ્યા અને જરૂરી પૈસા ઉઘરાવતા રહ્યા. કેટલાક લોકો એમને સોનાના સિક્કા આપતા, પરંતુ મોટા ભાગના લોકો તો સાવ નાની રકમ દાનમાં આપતા. સાધુ તેત્સુગન સૌનો આભાર સરખા ભાવથી માનતા રહ્યા. દસ વર્ષની પદયાત્રા પછી જરૂર રકમ એકઠી થઇ, પરંતુ બન્યું એવું કે તે વર્ષે મોટી રેલ આવી અને તેત્સુગન તો લોકોના દુ:ખમાં મદદ કરવા માટે પૈસા લઇને ગામડે પહોંચી ગયા તેથી એકઠી કરેલી તમામ રકમ વપરાઇ ગઇ!

સાધુ તેત્સુગને ફરીથી ફાળો ઉઘરાવવા માંડ્યો, પરંતુ જ્યારે જરૂરી રકમ ભેગી થઇ તે વર્ષે પ્રદેશમાં રોગચાળો ફાટી નીકળ્યો અને ફરીથી ફાળાની રકમ ખર્ચાઇ ગઇ. હિંમત હાર્યા વિના તેત્સુગને ફરીથી ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. વીસ વર્ષ વીતી ગયાં પછી છેવટે સાધુની ઇચ્છા પૂરી થઇ. પુસ્તક પ્રગટ થયું. જે બીબાં વડે એ પુસ્તક છપાયું. તે બીબાં આજે પણ ક્યોટોના ઓબાકુ મઠમાં સાચવીને રાખવામાં આવ્યાં છે. જાપાનના લોકો પોતાનાં બાળકોને વાર્તામાં કહે છે: ‘સાધુ તેત્સુગને સૂત્રોની ત્રણ આવૃત્તિઓ બહાર પાડી, પરંતુ આંખે દેખી ન શકાય તેવી પ્રથમ બે આવૃત્તિઓ, નજરે જોઇ શકાય તેવી ત્રીજી આવૃત્તિને ટક્કર મારે તેટલી સુંદર હતી!’ તમે સૌએ દૂર દૂરથી મને શાંતિપૂર્વક ક્યોટોમાં બેસીને સાંભળ્યો તે માટે આભાર માનું છું. આદરણીય બાપુનો સદ્્ભાવ ન હોત તો આવું આયોજન શક્ય બન્યું ન હોત. બુદ્ધ ભગવાનની છાયામાં પંચશીલ પદયાત્રામાં રાજકોટમાં પ્રગટ થયેલું સૂત્ર હતું:

વૃક્ષં શરણં ગચ્છામિ|
સૂર્ય શરણં ગચ્છામિ|
સત્યં શરણં ગચ્છામિ||
ભગવાન બુદ્ધના આશીર્વાદ આપણા સૌની સાથે જ હોય ને! {
}}}
પાઘડીનો વળ છેડ
જ્યારે હું પર્વતોમાં એકલો
ધ્યાન કરી રહ્યો હોઉં ત્યારે
મારા ગુરુ કાયમ હાજરાહજૂર હોય છે.
ત્યાં મારી સાથે
બધા જ બુદ્ધો હોય છે.
- મિલારેપા
(11મી સદીના તિબેટી કવિ)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો