ગુજરાતની નિંદા કરવાની ફેશન બની ગઇ છે!

Gujarat has become the fashion to blame?
Vicharo Na Vrindavan Ma

Vicharo Na Vrindavan Ma

Mar 18, 2012, 12:01 AM IST
Gujaratગુજરાત પ્રત્યે કેન્દ્ર સરકાર ખાર રાખીને ઓરમાયું અને વિરોધી વલણ રાખે છે તેમાં કોંગ્રેસ કલ્ચર પ્રગટ થતું જણાય છે. ૧૯૮૩માં આસામમાં નેલી પંથકમાં કોમી રમખાણો થયાં પછી કમિશન નિમાયું હતું અને અહેવાલ તૈયાર થયો હતો. એમાં લગભગ ૩૦૦૦ મુસલમાનોની હત્યા થઇ હતી. આજ સુધી એ અહેવાલ અભરાઇ પરથી નીચે ઊતર્યો નથી. મારા તાબામાં હોય એટલી તટસ્થતા જાળવીને ગુજરાતની પ્રજાને થતા અન્યાયની વાત કરવી છે. ૨૦૦૨ના વર્ષ પછી એક એવો પવન શરૂ થયો, જેને કારણે ગુજરાતની નિંદા કરવામાં પ્રયોજાતી બૌદ્ધિક બદમાશી ફેશનમાં ફેરવાઇ ગઇ! આ વિધાન કડવું લાગ્યું? કદાચ આ લેખ પૂરો વાંચી લીધા પછી એ વિધાનમાં રહેલું સત્ય આપોઆપ સમજાઇ જશે. આ લખનારને કોંગ્રેસ કે ભાજપ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. ગુજરાતની અસ્મિતા પ્રત્યે અનંત પ્રેમ ખરો, પરંતુ એમાં ‘મરાઠી માનુષ’ સાથે જોડાયેલી સંકુચિતતાનો અંશ પણ નથી. ગાંધીજી, સરદાર અને મોરારજી દેસાઇ પ્રત્યે આદર ઘણો, પરંતુ તેઓ ગુજરાતી હતા તેથી નહીં. ગીતા-ઉપનિષદના નમ્ર વિદ્યાર્થી તરીકે એક વાત સમજમાં આવી છે: વિશાળતા જયજયકારને પાત્ર, પરંતુ સંકુચિતતા દરકિનાર! હા, વિશાળતામાં પણ ન્યાયબુદ્ધિ તો હોવી જ જોઇએ. એક ઘટના બની. વર્ષ ૨૦૦૫ના ઓક્ટોબરની ૨૬મી તારીખે થાણેની પોલીસે હર્ષદ રાણે નામના ગુંડાને કહેવાતા ફેક એન્કાઉન્ટરમાં હણી નાખ્યો હતો. મહારાષ્ટ્રની પૃથ્વીરાજ ચવાણ સરકારે ૨૦૧૦ની ૧૦મી ઓગસ્ટે રાષ્ટ્રીય માનવ-અધિકાર પંચની ભલામણ ધરાર ફગાવી દીધી. પંચની ભલામણ એ હતી કે હર્ષદના પરિવારને રૂપિયા પાંચ લાખનું વળતર આપવામાં આવે. મહારાષ્ટ્ર સરકારે જવાબમાં જણાવ્યું કે હર્ષદ રીઢો ગુનેગાર (hardened criminal) હતો. માનવ-અધિકાર પંચે વળતો જવાબ આપ્યો કે એ ગુનેગાર હતો તેથી એના પરિવારને રાહત ન અપાય એ વાત વાજબી નથી. મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવાણની ઓફિસે પંચને જણાવ્યું કે એન્કાઉન્ટર સાચું (genuine) હતું અને તેથી જો રાહતની રકમ ચૂકવવામાં આવે તો પોલીસના જોસ્સા (morale) પર અવળી અસર પડે. રાષ્ટ્રીય માનવ-અધિકાર પંચ (NHRC) મુંબઇની હાઇકોર્ટમાં ન્યાયની આશા સાથે કેસ માંડી શક્યું હોત, પરંતુ ૨૦૧૨ની ૧૧મી જાન્યુઆરીએ આખો કેસ સંકેલી લેવામાં આવ્યો. ખાસ નોંધવા જેવી હકીકત એ છે કે મહારાષ્ટ્રની સરકારે કોઇ પણ એન્કાઉન્ટર અંગે જરૂરી એવી ન્યાયાધીશ તપાસ નથી કરાવી અને ફોરેન્સિક લેબોરેટરીમાં પણ કોઇ ટેસ્ટ નથી કરાવ્યા. આવું મુંબઇમાં બને તો ચાલે, પરંતુ તિસ્તા સેતલવાડને સતત ગુજરાતની જ ચિંતા! શું માનવ-અધિકારનું મૂલ્ય રાજ્યે રાજ્યે જુદું? આ વાત મુંબઇના અંગ્રેજી અખબાર ‘ફ્રીપ્રેસ જર્નલ’માં તા. ૧૪-૨-૨૦૧૨ને દિવસે પ્રગટ થઇ હતી. અખબારમાં પ્રસિદ્ધ થયેલો એ રિપોર્ટ મને આદરણીય મુ. નગીનદાસ સંઘવીએ મોકલી આપ્યો હતો. માનવ-અધિકાર અંગેના બધા જ નોર્મ્સ શું કેવળ ગુજરાત માટે જ છે? મુંબઇના જોગેશ્વરીમાં બત્રીસ મુસલમાનોને ૧૯૯૩નાં તોફાનો દરમિયાન જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. અયોધ્યાની દુર્ઘટના પછીની કોમી હિંસામાં જે અત્યાચારો થયા તેની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી કૃષ્ણ કમિશનની નિમણુંક થઇ. કમિશનના વિસ્તૃત અહેવાલમાં નામ દઇને તોફાન કરાવનારા શિવસૈનિકો અંગે ગુનાનું સ્પષ્ટ આરોપણ થયું. વિલાસરાવ દેશમુખની કોંગ્રેસી સરકારે એ અહેવાલ અભરાઇ પર ચડાવી દીધો અને ગુનેગારોને સજા કરવાની શરૂઆત પણ ન કરી. બૌદ્ધિક બદમાશીનો બધો જ લાભ કેવળ ગુજરાતને જ શા માટે મળે છે? મહારાષ્ટ્ર સરકાર બાળ ઠાકરેથી બીક અનુભવે છે. વર્ષ ૨૦૧૦ની ૧૭મી જુલાઇને દિવસે સ્વામી અગ્નિવેશે સીમા મુસ્તુફાને આપેલા ઇન્ટરવ્યૂમાં આંધ્રના માઓવાદી આઝાદની હત્યા અંગે વાતો કરી હતી. જુલાઇના પ્રારંભે આંધ્રની પોલીસે ફેક એન્કાઉન્ટરમાં એ હત્યા કરી હતી. આઝાદને નાગપુર રેલવે સ્ટેશનેથી હાઇજેક કરવામાં આવ્યો પછી જંગલમાં લઇ જવામાં આવ્યો હતો. એના મિત્ર હેમચંદ પાંડેને પણ સાથોસાથ પતાવી દેવામાં આવ્યો. પાંડે માઓવાદી ન હતો. આંધ્રની પોલીસે પોઇન્ટ-બ્લેંક અંતરેથી પત્રકાર પાંડેને ઠાર માર્યો હતો. આંધ્રના કોંગ્રેસી ગૃહપ્રધાન કે મુખ્યપ્રધાન સામે એક વાક્ય પણ દેશના કહેવાતા કર્મશીલોએ લખ્યું નથી. તેઓ ગુજરાતની મેથી મારવામાં એટલા તો રમમાણ છે કે દેશના અન્ય પ્રદેશમાં થતાં ફેક એન્કાઉન્ટર્સ ફિક્કાં પડી જાય છે. આવાં બનાવટી એન્કાઉન્ટર્સ ગુજરાતમાં થયેલાં એન્કાઉન્ટર્સ કરતાં અનેકગણાં વધારે હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે. આંધ્રના તત્કાલીન મુખ્યપ્રધાનની ભૂમિકા અંગે સુપ્રીમ કોર્ટ તરફથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની નિમણુંક ક્યારે થશે? હત્યા માટે જવાબદાર હોય એવા આંધ્રપ્રદેશના કોઇ પોલીસ અધિકારી જેલમાં જશે ખરા? આંધ્રમાં આ અંગે તપાસ થશે તેવા વાવડ પણ નથી. બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું તેમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા તે ર્દશ્ય જોઇને સોનિયાજીની આંખમાં આંસુ ઊભરાયાં! એ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મોહનચંદ શર્મા પ્રત્યે સોનિયાજીને કોઇ સહાનુભૂતિ ન થઇ? શું સોનિયાજીનું અશ્રુજળ પણ કોમવાદી? પરિશુદ્ધ સેકયુલરિઝમ તો માનવકેન્દ્રી સંકલ્પના છે. રાજકારણીઓ તો રમત રમે, પરંતુ જેઓ સેક્યુલર કર્મશીલ હોય, તેમણે તો માનવતાવાદી અભિગમ જ અપનાવવો જોઇએ. એમને મન ગુજરાત શું કે આંધ્ર શું? જમ્મુ અને કાશ્મીરમાં આઝાદી પછી ૩૭૦ મંદિરો તૂટ્યાં છે અને એક જૈન દેરાસર ભોંયભેગું થયું. સેકયુલર ગણાતા લોકોએ આવે વખતે ખોંખારો પણ નથી ખાધો! એમણે ગોધરાના સ્ટેશને ડબ્બામાં જીવતા બળી મરેલા ૫૮ માણસોને ‘ઇન્સાન’ હોવાનો દરજજો પણ આપ્યો ખરો? નાણાવટી કમિશનનો અહેવાલ (પૂવૉર્ધ) વાંચ્યા પછી કોઇપણ વિચારવંત માણસ એવું કદી ન કહે કે ડબ્બો અંદરથી સળગ્યો હતો. એવું કહેવું એમાં માનવતાનું ઘોર અપમાન છે અને ન્યાયની અવહેલના છે. શીલ વિનાની કર્મશીલતા એ સેવાક્ષેત્રનું કલંક છે. ગુજરાતની નિંદા કરવાની ફેશન પુરબહારમાં છે. ગુજરાતમાં જનસંઘર્ષ મંચ ખૂબ ગાજે છે. હવે ‘જનસુમેળ મંચ’ ક્યારે રચાશે? ઘા પહોળો કરવાની જાણે હરીફાઇ ચાલે છે. ગુજરાતને થતા અન્યાયનો સૌથી મોટો ગેરલાભ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને થતો રહ્યો છે. ન્યાયશાસ્ત્રનો એક વણલખ્યો નિયમ છે કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ ગણવામાં આવે. આવો લાભ આતંકવાદીને મળ્યો છે, પરંતુ મોદીને નથી મળ્યો. આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી મર્યાદા જાળવવાનું વલણ ભલભલા બૌદ્ધિકોએ બતાવ્યું નથી. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જેની નિમણુંક થઇ હતી, એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના અધ્યક્ષ આર. કે. રાઘવન સામે કર્મશીલો બૂમાબૂમ કરી રહ્યા છે. શું રાઘવન મોદીના પિતરાઇ થાય છે? ગુજરાતનાં તોફાનો અંગે ન્યાયની પ્રક્રિયા હવે પૂરી થવાને આરે છે. નાણાવટી કમિશનનો અહેવાલ (ઉત્તરાર્ધ) પણ હવે ગમે તે દિવસે પ્રગટ થવાનો છે. મોદી જો દોષી સાબિત થાય, તો તેમને સજા થાય એ નક્કી છે. ત્યાં સુધી બકવાસને વિરામ ન આપી શકીએ? ન્યાયની પ્રક્રિયા પૂરી થાય ત્યારે બધું સ્પષ્ટ થવાનું જ છે. ગુજરાત પ્રત્યે કેન્દ્ર સરકાર ખાર રાખીને ઓરમાયું અને વિરોધી વલણ રાખે છે તેમાં કોંગ્રેસ કલ્ચર પ્રગટ થતું જણાય છે. ૧૯૮૩માં આસામમાં નેલી પંથકમાં કોમી રમખાણો થયાં પછી કમિશન નિમાયું હતું અને અહેવાલ તૈયાર થયો હતો. એમાં લગભગ ૩૦૦૦ મુસલમાનોની હત્યા થઇ હતી. આજ સુધી એ અહેવાલ અભરાઇ પરથી નીચે ઊતર્યો નથી. આવું જ કોંગ્રેસપ્રેરિત હુલ્લડો મુરાદાબાદ અને ભાગલપુરમાં થયાં ત્યારે બન્યું હતું. ૧૯૮૪માં શીખ લોકોની કતલ થઇ તે પછી જો ન્યાયની પ્રક્રિયા યોગ્ય માર્ગે ચાલી હોત, તો રાજીવ ગાંધી આજે જીવતા હોત! શીખ લોકોની કતલ કોંગ્રેસી હિન્દુઓ દ્વારા થઇ ત્યારે રાજીવ સરકારે દિલ્હીમાં હળવો લાઠીચાર્જ પણ થવા દીધો ન હતો. આવી ભૂલ બદલ જો કોર્ટ દ્વારા રાજીવ ગાંધી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોત, તો તેઓને આજીવન કારાવાસની સજા થઇ હોત અને એમની હત્યા ન થઇ હોત. કોઇ કર્મશીલે રાજીવ ગાંધીને હત્યારા કે હિટલર કહ્યા ખરા? ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોમાં પોલીસ ફાયરિંગમાં ૨૧૮ માણસો મર્યા હતા અને તેમાં મોટાભાગના હિન્દુઓ હતા. તર્ક અને ન્યાય જેવી કોઇ ચીજ કર્મશીલોને પજવે ખરી? તર્ક અને ન્યાય સ્વભાવે સેકયુલર હોય છે. માનવ-ઈતિહાસમાં ક્યારેય એવી આગ નથી લાગી, જે હોલવાઇ ન હોય. ગુજરાતના ઘા ધીરે ધીરે રુઝાઇ રહ્યા છે. ન્યાય ન્યાયનું કામ જરૂર કરશે. વારંવાર ઘા પહોળા કરીને પોતાનો રોટલો શેકી લેવાની તમન્ના રાખનારા કેટલાક લોકોને ગુજરાત હવે ઓળખી ચૂક્યું છે. એમના મોદીદ્વેષને ગુજરાતદ્વેષમાં ફેરવી નાખવાની જરૂર નથી. (લખ્યા તા. ૨૯-૨-૨૦૧૨, મોરારજીભાઇની વર્ષગાંઠ) પાઘડીનો વળ છેડે ગુજરાત માટે કોઇ સારું બોલે,તો કેટલાકને ખાવાનું પચતું નથી.- મોરારિબાપુ (‘નિરીક્ષક’, ૧૬-૫-૨૦૧૧) નોંધ: ગાંધીનગરની રામકથામાં બોલાયેલા શબ્દો. Blog:http://gunvantshah.wordpress.com વિચારોના વૃંદાવનમાં, ગુણવંત શાહ
X
Gujarat has become the fashion to blame?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી