પ્રભુ મહાવીર સ્વામી દીક્ષા કલ્યાણક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
* જૈન પરંપરામાં તીર્થંકર ભગવંતોના જીવનમાં પાંચ દિવસ અતિ ઉત્તમ ગણાય છે, જેને કલ્યાણક દિવસ કહે છે. સંસાર છોડી દીક્ષા લે તે દિવસ દીક્ષા કલ્યાણક.
જૈનદર્શન પ્રમાણે આ અવસર્પિર્ણ કાળમાં પ્રથમ જિનેશ્વર આદિનાથ ભગવાનથી જૈનધર્મનું પુનરોદ્ધાર થતો ગયો અને અંતિમ 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ આજથી લગભગ 2550 વર્ષ પહેલાં જૈન ધર્મની પુન:સ્થાપના કરી એમ મનાય છે. જૈન પરંપરામાં તીર્થંકર ભગવંતોના જીવનમાં પાંચ દિવસ અતિ ઉત્તમ ગણાય છે, જેને કલ્યાણક દિવસ કહે છે.

માતાની કુક્ષીમાં આવે તે દિવસ ચ્વવન કલ્યાણક
જન્મ પામે તે દિવસ જન્મ કલ્યાણક
સંસાર છોડી સંન્યાસ-દીક્ષા લે તે દિવસ દીક્ષા કલ્યાણક
વીતરાગ બની કેવલજ્ઞાન પામે તે દિવસ કેવલજ્ઞાન કલ્યાણક
સમસ્ત સંસાર ભ્રમણમાંથી મોક્ષ પામે તે નિર્વાણ કલ્યાણક.

કલ્યાણકનો દિવસ એટલે તીર્થંકરના અપૂર્વ પુણ્યબળથી સમસ્ત વિશ્વમાં કલ્યાણકારી, હિતકારી, સુખાકારી અને આનંદકારી હવાનું વાતાવરણ દીપી ઊઠે છે, એટલે જયંતી શબ્દ ન કહેતા કલ્યાણક શબ્દનો પ્રયોગ થાય છે. જેથી જિનેશ્વરદેવનું બહુમાન યોગ્ય રીતે સચવાય છે. ચાલો, આજે જૈનોના ચોવીસમા તીર્થંકર પ્રભુ મહાવીરના દીક્ષા કલ્યાણક દિવસે પ્રભુનાં ગુણગાન કરીએ.
17મી નવેમ્બરે કારતક વદ 10ને શનિવારે પ્રભુના દીક્ષા કલ્યાણક તરીકે જૈનો ઉજવણી કરે છે. પ્રભુના દીક્ષા કલ્યાણકનો એટલે કે મહાવીર પ્રભુએ 30 વર્ષની ઉંમરે કારતક વદ 10 મે દીક્ષા લીધી. તેની પાછળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. જેનું વર્ણન પર્યુષણમાં વંચાય છે. કલ્પસૂત્રમાં અદભુત રીતે જોવા મળે છે. જૈનોના તીર્થંકરો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન સાથે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે પ્રભુની માતાને 14 સ્વપ્નો આવે છે. દીક્ષા કલ્યાણકનો ઇતિહાસ તપાસીએ.

અવધિજ્ઞાનના ધણી પ્રભુ મહાવીરે માતાને કષ્ટ ન પડે તે માટે ગર્ભમાં હલનચલન બંધ કર્યું, પણ આનાથી માતાને સુખ ઊપજવાને બદલે ગર્ભ ગળી ગયો એવી કલ્પનાથી માતાનો કલ્પાંત વધી ગયો અને આખા રાજમહેલમાં ઉલ્કાપાત મચી ગયો, આખા શહેરમાં શોક પ્રસરી ગયો. અવધિજ્ઞાનના બળે પ્રભુએ આ જાણી ફરી હલનચલન શરૂ કર્યું અને આનંદભર્યું વાતાવરણ ઊભું કર્યું. પ્રભુ મહાવીરે કાળનો સ્વભાવ જાણ્યો કે માતાને સુખ ઉપજાવવા કરેલો પ્રયત્ન દુ:ખમાં પરિવર્તિત પામ્યો તેમ હવે પછીનો કાળ સારંુ કરવા જનારને દુ:ખી થવું પડશે. અવધિજ્ઞાનના બળે પ્રભુએ માત-પિતાના અત્યંત રાગને જોઇ નિર્ણય કરી લીધો કે માતા-પિતાની હયાતીમાં સંસાર છોડી દીક્ષા નહીં લઉં.

માત-પિતાનાં અવસાન બાદ 28 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો નિર્ણય લીધો તથા અત્યંત શોકાતુર વડીલ બંધુ નંદિવર્ધને માત-પિતાના તથા વર્ધમાનના વિયોગની અસહ્યતાથી વર્ધમાનને 2 વર્ષ રોકાઇ જવાની વિનંતી કરી અને વર્ધમાને રાજમહેલમાં સાધુ જેવું જીવન 2 વર્ષ સુધી પસાર કર્યું અને છેવટે નંદિવર્ધનની આજ્ઞા લઇ 30 વર્ષની ઉંમરે વર્ધમાને કારતક વદી-10ના દિવસે પંચ મહાવ્રત ઉચ્ચારી જાતે કેશ લોચન કરી દીક્ષા ગ્રહણ કરી શરીર ઉપરનાં તમામ વસ્ત્રો, અાભૂષણો, અલંકારોનો ત્યાગ કરી દેવતાએ આપેલ દેવદુષ્ય વસ્ત્ર માત્ર ગ્રહણ કર્યું. આમ પ્રભુ સંયમી સાધુ બન્યા.

જૈનોના તીર્થંકરો દીક્ષા દિવસ પહેલાં એક વર્ષ સતત રોજ વરસીદાન કરે છે તે માટે લોકાંતિક દેવો વર્ધમાનને દીક્ષાના અવસરની યાદ આપી 1 વર્ષ સુધી વરસીદાનની વિનંતી કરે છે. વર્ધમાન કુમારે એક વર્ષમાં 388 ક્રોડ સોનૈયાનું દાન કર્યું. નંદિવર્ધને દીક્ષાનો ઉત્સવ ઊજવ્યો. પ્રથમ વર્ધમાન કુમારને ક્ષીર સમુદ્રના પાણીથી 1000 કળશોથી અભિષેક કરી સ્નાન કરાવ્યું પછી ચંદન વગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવ્યું. પછી મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ કરી પચાસ ધનુષ (લગભગ 1500 વાર) લાંબી પચ્ચીસ ધનુષ પહોળી છત્રીસ ધનુષ ઊંચી અનેક સ્તંભોથી સુશોભિત ચંદ્રપ્રભા નામની પાલખીમાં વર્ધમાનને બિરાજમાન કર્યા.

તેમના વિશાળ વરઘોડામાં અષ્ટમંગલ, મોટાધ્વજ, 108 ઉત્તમ શણગારોથી હાથી, ઘોડા, રથ, શ્રેષ્ઠી પુરુષો, અશ્વદળ, ગજવળ, રથદળ, પાયદળના ચતુરંગી સૈન્યો હતાં. 1 હજાર પતાકાઓથી શોભતો 1 હજાર યોજન ઊંચો મહેન્દ્ર ધ્વજ હતો. બહોળી સંખ્યામાં રાજાઓ, ક્ષત્રિયો, કોટવાલ, માંડલિકો, કુટુંબીજનો, શેઠિયાઓ સાર્થવાહો દેવો-દેવીઓ તથા નાટક ચેટક નૃત્ય કરનાર વિદૂષકો તથા નગરજનો જયનાદ બોલાવતા વરઘોડાની શોભા વધારતા હતા.

ક્ષત્રિય કુંડના જ્ઞાતખંડ વનમાં અશોકવૃક્ષ નીચે પાલખી ઉતારી કુમાર એક પછી એક આભૂષણો, અલંકારો, વસ્ત્રોનો ત્યાગ કરવા લાગ્યા. છેવટે એકાકી વર્ધમાન નમો સિદ્ધાણં પદ બોલી કરેમિ સામાઇયં સૂત્રો વડે જીવનભર સંસાર ત્યાગની પ્રતિજ્ઞા કરી અણગાર બન્યા તે જ ક્ષણે ચોથું મન:પર્યવજ્ઞાન પામ્યા જેનાથી દરેક જીવોના મનોભાવ જાણી શકે. ત્યાંથી દેવોએ નંદિશ્વર દ્વીપમાં જઇ અષ્ટાનિકા મહોત્સવ કરી સ્વસ્થાને પરત ફર્યા.

પ્રભુના 72 વર્ષના આયુષ્યમાં 30 વર્ષની ઉંમરે લીધેલી દીક્ષા બાદ 12ાા વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા, ઘોર ઉપસર્ગો, કઠોર સાધના કરી પ્રભુ વીતરાગ સર્વજ્ઞ બન્યા અને દેવોએ બનાવેલા સમવસરણમાં બેસી જૈન ધર્મની સ્થાપના કરી, તથા 30 વર્ષ સુધી મોક્ષ માર્ગનો ઉપદેશ આપી જગતનો ઉદ્ધાર કર્યો.
આમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકો એમ ચતુર્વિધ સંઘની સ્થાપનાથી જૈનધર્મની પરંપરા આજ અઢી હજાર વર્ષથી ચાલી આવે છે એમ કુલ 21000 વર્ષ સુધી જૈન ધર્મની આચરણા-વિચારણા અવિરત ગતિથી જગતને ક્ષમા અને શાંતિનો સંદેશ આપતી ભાવના શોભાવતી રહેશે. માટે પ્રભુના આજના દીક્ષા કલ્યાણકના દિવસે વર્તમાનમાં પણ કલ્યાણકનો વરઘોડો, દેરાસરમાં ભવ્ય આંગી, મહાપૂજા દ્વારા એની ઉજવણી આજદિન સુધી ચાલતી આવે છે.