થોરો : 200 વર્ષની બૌદ્ધિકતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાલ્ફ વાલ્ડો ઇમર્સનને જેવી ખબર પડી કે પોતાના દોસ્તને જેલમાં પૂરી દેવાયા ત્યારે તેઓ દોડીને જેલમાં ગયા. મિત્રને જેલમાં જોઈને ઇમર્સને સહજપણે પૂછ્યું,  ‘તું જેલમાં કેમ છો?’ ત્યારે દોસ્તે જવાબમાં સામો સવાલ કર્યો, ‘તું હજુ બહાર કેમ છો?’ આ જવાબ આપનારા હતા અમેરિકાના વિશ્વવિખ્યાત બૌદ્ધિક, વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરો.
 
થોરો માનતા, ‘જે રાજ્યમાં અન્યાય સામે લડનારાઓ જેલમાં પુરાય છે ત્યારે સમજવું કે ન્યાયપ્રિય લોકોનું સ્થાન જેલમાં છે.’ થોરો અમેરિકામાં ચાલતી ગુલામી પ્રથા અને તેને સમર્થન આપતા કાયદાના પ્રખર વિરોધી હતા તથા અમેરિકા દ્વારા મેક્સિકો સામેના યુદ્ધના પણ ટીકાકાર હતા. તેમણે અન્યાયી કાયદા ચલાવનાર અને અનીતિ પર ચાલતી સરકારના વિરોધમાંં ટેક્સ ભરવાનો ઇનકાર કરી દીધો અને આ ગુનાસર તેમને 24મી જુલાઈ, 1846ના રોજ જેલમાં પૂરી દેવાયા હતા. થોરોએ વિનમ્રતાપૂર્વક જેલની સજા સ્વીકારી પણ કરવેરો નહોતો ચૂકવ્યો. જોકે, પછી તેમના પરિવારની કોઈ મહિલાએ તેમની જાણબહાર વેરો ભરી દેતાં તેમને એક જ દિવસમાં જેલમાંથી મુક્તિ મળી ગઈ હતી. સરકારની અનીતિ અને અન્યાયી નીતિઓ સામે છડેચોક શાંતિપૂર્ણ પ્રતિકાર કરવાનું થોરોએ જ શીખવ્યું હતું. થોરોનો પ્રતિકાર અને જેલવાસ તાજેતરનાં વર્ષોમાં ચાલેલી ઓક્યુપાઇ વૉલ સ્ટ્રીટ જેવી અનેક ચળવળોને પ્રેરણા પૂરું પાડી રહ્યો છે.

હેન્રી ડેવિડ થોરોનો 200મો જન્મદિવસ તાજેતરમાં 12મી જુલાઈના રોજ ઊજવાઈ ગયો. થોરોની દ્વિશતાબ્દી નિમિત્તે નોંધનીય ઉજવણી એ થઈ કે આ દિવસોમાં થોરોનાં બે જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે. આ બે પુસ્તકોમાંથી એક પુસ્તક તો અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સે લખ્યું છે, જેનું શીર્ષક છે, હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોને સિદ્ધાંતો આધારિત જીવન જીવી જનારા મહાનુભાવ તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. થોરો પ્રકૃતિને ખૂબ જ ચાહતા હતા. થોરાના ‘વોલ્ડન’ પુસ્તકમાં તેમના પ્રકૃતિપ્રેમની સાથે સાથે પર્યા‌વરણ માટે આપણી જવાબદારીઓનો બોધપાઠ પણ મળે છે. લૌરાબહેને આજના ગ્લોબલ વૉર્મિંગના પડકારો સામે થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે સમજાવવા પ્રયાસ કર્યો છે.

થોરો પરનું બીજું પુસ્તક જર્મનીમાં લખાયું છે, જેના શીર્ષકનો અંગ્રેજી અનુવાદ ‘હેન્રી ડેવિડ થોરો : પાથ્સ ઑફ એન અમેરિકન ઓથર’ થઈ શકે. જર્મન લેખક ડાઇટર શુલ્ઝે એક ઇન્ટરવ્યૂમાં બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે કે થોરોના વિચારો આજે જેટલા પ્રસ્તુત છે, એટલા ક્યારેય નહોતા. 

અમેરિકા અને ભારત સહિતના દેશોમાં બહુમતીવાદ વકરતો જાય છે ત્યારે થોરોની વાત યાદ આવે છે, ‘સત્ય બહુમતી પાસે જ હોય એમ નહીં, પણ લઘુમતી કે એક વ્યક્તિની વિવેકબુદ્ધિમાંયે એ હોઈ શકે છે.’ લોકો શાંતિથી અન્યાયને જોતા રહે અને ન્યાય માટે આવતી ચૂંટણી સુધી રાહ જોતા રહે, એની સામે થોરોને વાંધો હતો. થોરો માનતા કે સરકારને આપણે સમાજવ્યવસ્થા બરાબર ચાલે એ માટે બનાવેલી છે. કોઈ મશીન બરાબર કામ ન કરે ત્યારે આપણે તેને બંધ કરીએ છીએ તેમ સરકાર જ્યારે યોગ્ય રીતે કામ ન કરે, અન્યાયી બને ત્યારે તેને કામ કરતી બંધ કરવા વિરોધ કરવો જોઈએ. સૃષ્ટિ અને સરકાર/શાસન અંગેના થોરોના વિચારોનું (પુસ્તકોનું) વાંચન તથા મનન-ચિંતન કરીને જ તેમનું દ્વિશતાબ્દી વર્ષ ઊજવવું જોઈએ, ખરું ને? 
 
divyeshvyas.bhaskar@gmail.com
અન્ય સમાચારો પણ છે...