પંદર વર્ષની મલાલાને નોબેલ પ્રાઇઝ મળશે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો આ પંદર વર્ષની તરુણીને પીસ પ્રાઇઝ આપવામાં આવશે તો ઇતિહાસ રચાશે, પણ અહીં માત્ર વીરતાને સન્માનવાનો ઉદ્દેશ જ નથી. અહીં ખ્રિસ્તી વિરુદ્ધ ઇસ્લામનો જંગ પણ કારણભૂત છે.

'તાલિબાનો અને લશ્કરી હેલિકોપ્ટર્સનું ભયંકર સ્વપ્ન મને ગઈ કાલે આવ્યું. અમારી સ્વાત વેલીમાં મિલિટરી ઓપરેશન્સ શરૂ થયાં ત્યારથી મને આવાં સપનાં આવે છે. મારી માએ મને નાસ્તો કરાવ્યો અને હું શાળાએ ગઈ. મને સ્કૂલે જતાં ડર લાગે છે કારણ કે તાલિબાનોએ છોકરીઓને શાળાએ મોકલવા સામે મનાઈ ફરમાવી છે. ૨૭માંથી માત્ર ૧૧ વિદ્યાર્થીઓ ક્લાસમાં હાજર હતા. તાલિબાનના ફતવાને કારણે વર્ગમાં સંખ્યા ઘટી છે. મારી ત્રણ સહેલીઓ તાલિબાની ફતવા પછી પોતાના પરિવાર સાથે પેશાવર, લાહોર અને રાવલપિંડી ચાલી ગઈ છે. હું શાળાએથી ઘરે આવતી હતી ત્યારે મેં એક માણસને એવું કહેતાં સાંભળ્યો હતો કે હું તને મારી નાખીશ. હું ડરી ગઈ અને ચાલવાની ઝડપ વધારી દીધી. થોડી વારે મેં પાછળ ફરીને જોયું તો, તે માણસ હજી મારો પીછો કરતો હતો. મને રાહત એ વાતે થઈ કે તે શખ્સ ફોન પર વાતો કરતો હતો અને કોઈ અન્યને ધમકાવી રહ્યો હતો.’

માત્ર અગિયાર વર્ષની ઉંમરે પાકિસ્તાનના સ્વાત વિસ્તારના મિંગોરા શહેરમાં રહેતા મલાલા યુસુફઝઈએ બીબીસી ઉર્દૂ સર્વિ‌સ માટે આ બ્લોગ લખ્યો હતો. હવે તો મલાલા પંદર વર્ષની થઈ ગઈ છે અને વિશ્વભરમાં પ્રખ્યાત છે. તાલિબાનો સામે લખવા-બોલવા બદલ ૨૦૧૨માં કટ્ટરવાદી તાલિબાનોએ તેને માથા અને ગરદનમાં ગોળીઓ મારી દીધી હતી અને મલાલા જીવલેણ ઘાયલ થઈ હતી. આ ઘટના પછી મલાલા જગત આખામાં જાણીતી બની ગઈ હતી. હવે એ મલાલાને નોબેલ પારિતોષિક માટે નોમિનેશન મળ્યું છે. આ નોમિનેશન તેના પોતાના દેશ પાકિસ્તાનની સરકારે નથી મોકલાવ્યું, ર્નોવેના શાસક પક્ષ લેબર પાર્ટીના ત્રણ સાંસદોએ તેને નોમિનેટ કરી છે.

પંદર વર્ષની નાનકડી છોકરીને નોબેલ માટે નામાંકન મળ્યું હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના છે. જે રીતે મલાલાને પ‌શ્ચિ‌મી મીડિયા મહત્ત્વ આપી રહ્યાં છે તે જોતાં તેને નોબેલ મળે તેવી સંભાવના પણ ઘણી છે. કટ્ટરવાદી તાલિબાનો સામે બાર-ચૌદ વર્ષની મુસ્લિમ કિશોરી ઝઝૂમે એ વાત જ રોમાંચક છે. જ્યાં ભલભલા ભડવીરો તાલિબાનોની સામે થતા ફાટી પડતા હોય ત્યાં આ તરુણીની હિંમતને દાદ દેવી પડે. માત્ર અફઘાનિસ્તાન જ નહીં પાકિસ્તાનમાં પણ તાલિબાનોની સામે કોઈ થતું નથી.

જ્યારે મલાલાએ પ્રથમ બ્લોગ લખ્યો ત્યારે તો સ્વાત ખીણ પર તાલિબાનોનો કબજો હતો અને પાકિસ્તાનનું લશ્કર તાલિબાનોની સામે લડી રહ્યું હતું. બન્યું હતું એવું કે પાકિસ્તાનમાંના બીબીસી ઉર્દૂ સર્વિ‌સના રિપોર્ટર અબ્દુલ કક્કરે મલાલાના પિતા ઝિયાઉદ્દીન યુસુફઝઈને ૨૦૦૯ની શરૂઆતમાં પૂછયું કે કોઈ એવી મહિ‌લા છે જે તાલિબાનના શાસન હેઠળ મહિ‌લા શિક્ષણની હાલત કેવી છે તેનો ફસ્ર્ટ હેન્ડ બ્લોગ લખી શકે? ઝિયાઉદ્દીન યુસુફઝઈ પોતે એક શાળાના સંચાલક છે, એજ્યુકેશનિસ્ટ તરીકે વિસ્તારમાં તેનું નામ છે. તેણે પોતાની શાળાની એક સોળ વર્ષની છોકરીને બ્લોગ લખવા મનાવી લીધી.

પેલી દીકરી લખવા તૈયાર થઈ, પણ તેના પરિવારે તાલિબાનની બીકથી ના પાડી દીધી. બીબીસીને લખવાનું વચન અપાઈ ચૂક્યું હતું, હવે શું કરવું? એકમાત્ર વિકલ્પ એ હતો કે પોતાની બાર વર્ષની દીકરી મલાલાને જ લખવાનું કહેવું. આમ પણ શિક્ષણ ચળવળકાર તરીકે ઝિયાઉદ્દીને દીકરીને સ્ત્રીશિક્ષણ અને સમાનતાના પાઠ શીખવ્યા હતા. બ્લોગ લખવાના નિમંત્રણના થોડા મહિ‌ના પહેલાં ૨૦૦૮માં ઝિયાઉદ્દીન મલાલાને પેશાવર પ્રેસ ક્લબમાં લઈ ગયા હતા, જ્યાં મલાલાએ તાલિબાનો દ્વારા સ્ત્રીશિક્ષણ ઉપર મુકાયેલા પ્રતિબંધના વિરોધમાં ભાષણ આપ્યું હતું, જેમાં કહ્યું હતું કે 'શિક્ષણ મેળવવાના મારા મૂળભૂત અધિકાર ઉપર તાલિબાન તરાપ કઈ રીતે મારી શકે?’ આ ભાષણની ઘણી ચર્ચા મીડિયામાં થઈ હતી એટલે યુસુફઝઈને ખાતરી હતી કે દીકીર બીબીસીના બ્લોગમાં પણ ઝળકી ઊઠશે.

કદાચ તેને એ ખબર નહોતી કે તાલિબાનો દીકરીને મારી નાખવાનો ફતવો બહાર પાડશે અને ગોળીઓ વરસાવશે. બીબીસીનો બ્લોગ મલાલાએ 'ગુલ મકાઈ’ના ઉપનામથી લખ્યો હતો. ગુલ મકાઈ એટલે મકાઈનું ફૂલ. મલાલા શબ્દનો અર્થ થાય છે 'વિષાદયુક્ત’, 'વ્યથિત’. પશ્તુન કવયિત્રી અને વીરાંગના માલાલાઈ મૈવાંડના નામ પરથી ઝિયાઉદ્દીને દીકરીનું નામ પાડયું હતું. તાલિબાનોએ મિંગારામાં માત્ર છોકરીઓને શાળાએ નહીં જવાનું ફરમાન જ નહોતું કર્યું, તેમણે સેંકડો કન્યા શાળાઓને બોમ્બથી ઉડાવી દીધી હતી, ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. મલાલાએ ૨૪ની જાન્યુઆરી, ૨૦૦૯ના બ્લોગમાં લખ્યું કે 'જ્યારે સેંકડો શાળાઓને ઉડાવી દેવામાં આવી અને અન્ય કેટલીય બંધ થઈ ગઈ ત્યારે સૈન્યને તાલિબાનો સામે કાર્યવાહી કરવાનો વિચાર આવ્યો છે.

તેમણે જો આ વહેલું વિચાર્યું હોત તો આ નોબત જ ન આવી હોત.’ પછી તેણે લખ્યું, 'પાંચ વધુ શાળાઓ બંધ કરાવી દેવાઈ. મને એ સમજાતું નથી કે બંધ કરાવાયેલી શાળાઓને તેઓ બોમ્બથી ઉડાવી શા માટે દે છે?’ અગિયાર-બાર વર્ષની છોકરી કેવું વિચારતી હતી?

તેને સ્વાતની બાલસંસદની ચેરમેન બનાવવામાં આવી. ૨૦૧૧માં ડેસમન્ડ ટુટુએ મલાલાનું નોમિનેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ પીસ પ્રાઇઝ માટે કર્યું અને મલાલા પાકિસ્તાનના ઉદારવાદીઓની લાડકી બની ગઈ.

૨૦૧૨ની નવમી ઓક્ટોબરના રોજ છોકરીએ પરીક્ષા આપીને ઘરે જઈ રહી હતી ત્યારે એક તાલિબાની બંદૂકધારીએ તેમને રોકીને કહ્યું, 'તમારામાંથી મલાલા કોણ છે? જલદી બોલો નહિ‌તર હું તમને બધાંને ગોળીએ દઈશ.’ મલાલા ઓળખાઈ એટલે બંદૂકધારીએ તેના માથામાં ગોળી મારી જે માથામાંથી ગળામાં થઈને મલાલાના ખભામાં ઘૂસી ગઈ. તાલિબાનોએ આ હુમલાની જવાબદારી લેતાં કહ્યું કે, 'મલાલા અશ્લીલતા અને વ્યભિચારનું પ્રતીક હતી એટલે અમે તેને ગોળી મારી છે.’

મલાલાનો પાકિસ્તાન પછી લંડનમાં ઇલાજ કરાવવામાં આવ્યો, હવે તે સ્વસ્થ છે. પાકિસ્તાની સરકારે મલાલાને માલાલાના બ્લોગ ચર્ચા જગાવવા માંડયા એટલે પાકિસ્તાની મીડિયાનું ધ્યાન તેના તરફ ખેંચાયું. બાર વર્ષની બાળા જે સ્પષ્ટતાથી વાત કરતી હતી, પોતાના મુદ્દા રજૂ કરતી હતી તેનાથી રિપોર્ટર્સ પ્રભાવિત થઈ જતા હતા. ટીવી, ચેનલો તેના ઇન્ટરવ્યૂ પ્રસારિત કરવા માંડી. સ્વાતમાં સ્ત્રીશિક્ષણની હિ‌માયતી તરીકે તેનું નામ થવા માંડયું. બીબીસીની બ્લોગ ડાયરી લખવાનું પૂરું થયું ત્યાં ન્યૂ ર્યોક ટાઇમ્સના રિપોર્ટર આદમ એલિકે મલાલા પર એક ડોક્યુમેન્ટરી બનાવી.

આ ડોક્યુમેન્ટરીએ મલાલાને વિશ્વભરમાં પ્રખ્યાત કરી દીધી. હવે તાલિબાનોના પેટમાં તેલ રેડાયું. મલાલાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીને તાલિબાનોને બરાબરના ઝાટક્યા એટલે તાલિબાનોએ રેડિયો પર ઝિયાઉદ્દીનને મારી નાખવાની ધમકી પ્રસારિત કરી. તાલિબાનોની ધમકીઓ ચાલુ રહી, સાથે જ મલાલાને મળતા પ્રતિભાવ પણ વધતા રહ્યા. વીરતા પુરસ્કાર પણ અપાયો.

કેટલાક કટ્ટરવાદી જૂથોએ એવું કહ્યું કે સીઆઇએના કહેવાથી મલાલા પર હુમલાનું ષડ્યંત્ર રચાયું હતું જેથી તાલિબાનોને અને ઇસ્લામને વખોડી શકાય. જોકે આ દાવાઓને કોઈએ બહુ સ્વીકાર્યા નહી. મલાલાને વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવી, તેને પાકિસ્તાનમાં અને ઇસ્લામિક વર્લ્ડમાં સ્ત્રી કેળવણી અને સ્ત્રીમુક્તિની ચેમ્પિયન ગણાવવામાં આવી. યુનાઇટેડ નેશન્સે મલાલાના નામે એક પિટિશન લોન્ચ કરી. જેનો ઉદ્દેશ છે, ૨૦૧પ સુધીમાં વિશ્વનું કોઈ બાળક શિક્ષણવિહોણું ન રહે. હવે તેને નોબેલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ કરવામાં આવી છે.

પંદર વર્ષની તરુણીને પીસ પ્રાઇઝ આપવામાં આવે તો ઇતિહાસ રચાશે, પણ અહીં માત્ર વીરતાને સન્માનવાનો ઉદ્દેશ નથી. અહીં ખ્રિસ્તી વિરુદ્ધ ઇસ્લામનો જંગ પણ કારણભૂત છે. નોબેલ પ્રાઇઝ ઘણી વખત વિવાદમાં ઘેરાઈ ચૂક્યું છે. સામાન્ય રીતે એવું બને છે કે જે લોકોને પ‌શ્ચિ‌મના દેશો વખાણતા હોય, પોતાના દેશમાં જેઓ શાસન કે રૂઢિચુસ્તો કે સ્થાપિત હિ‌તો કે પરંપરા સામે જંગ લડતા હોય તેવા ચીન, રશિયા વગેરેના લોકોને નોબેલ પ્રાઇઝ આપાયાં છે.

ર્નોવેજિયન નોબેલ કમિટી ઉપર મૂડીવાદી પ‌શ્ચિ‌મી સરકારો હાવી રહી છે અને નિર્ણયો ઘણી વખત પોલિટિકલ ગણતરીથી લેવાતા હોય એવું લાગે છે. ગાંધીજીને નોબેલ પીસ પ્રાઇઝ ન અપાયું તેની પાછળ પણ આ જ માનસિકતા કામ કરી ગઈ હતી. નોબેલની આવી થોડી શંકાસ્પદ છાપ છે એટલે એવું લાગે કે મલાલાને પારિતોષિક મળવાની સંભાવના ઘણી વધુ છે. જોકે તેની સ્પર્ધામાં રશિયાની સ્ત્રી ચળવળકાર છે એ પણ રાજકીય ગણતરીમાં લઈ શકાય તેમ છે.

ગમે તે ગણતરીથી આપવામાં આવે, મલાલા જેવી શૂરવીર કન્યાને નોબેલ પીસ પ્રાઇઝ મળે તે આવકારદાયક જ ગણાય. જે પાકિસ્તાન માનવ અધિકારના મુદ્દે, શાંતિના મુદ્દે, ત્રાસવાદના મુદ્દે સતત વખોડાતું રહ્યું છે તેની એક છોકરીને શાંતિ પારિતોષિક અપાય તે વિશ્વભરની બાલિકાઓ માટે ગર્વની વાત છે. મલાલાને એડ્વાન્સમાં શુભેચ્છા.'
kana@dainikbhaskargroup.com