તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ગુજરાતી ફિલ્મનાં તો નસીબ ઊઘડી ગયાં ભાઈ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુજરાતી ફિલ્મનાં ૮૧ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમવાર એવી ઘટના બની છે કે કોઈ ઓસ્કર એવોર્ડ વિનર વ્યક્તિ ગુજરાતી ફિલ્મ સાથે સંકળાઈ હોય ૨૦૧૩ની નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ 'ધ ગુડ રોડ’માં 'સ્લમડોગ મિલિયોનેર’ ફેમ રસૂલ ફૂકુટીએ સાઉન્ડ ડિઝાઈન કર્યો છે

ગુ જરાતી ફિલ્મ માટે ખરેખર ગૌરવરૂપ વાત છે કે 'સ્લમડોગ મિલિયોનેર’ માટે સાઉન્ડ મિક્સિંગનો ઓસ્કર એવોર્ડ મેળવનાર રસૂલ ફૂકુટીએ ગુજરાતી ફિલ્મ 'ધ ગુડ રોડ’ માટે પણ સાઉન્ડ ડિઝાઈન-મિક્સિંગ કર્યો છે. તમને થશે કે પૈસા મળતા હોય તો સૌ કોઈ કરે, પણ એવું નથી હોતું. અમુક લેવલે વ્યક્તિ પહોંચ્યા પછી પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે પૈસા લઈને ગમે તેવી ફિલ્મમાં કામ ના કરે. બીજું કે આ ફિલ્મ એવી કોઈ હાઈબજેટ ફિલ્મ પણ નથી કે જેના માટે રસૂલે લાખો રૂપિયાની ફી લઈને કામ કરવાનું સ્વીકાર્યું હોય.

તમે બીજી દલીલ પણ કરી શકો કે ફિલ્મના નિર્માતા કે દિગ્દર્શક સાથે સંબંધ હોય તો પણ વ્યક્તિ દોસ્તીદાવે ફિલ્મ કરી લે. વાત સાચી કે દોસ્તીદાવે નિષ્ણાત તરીકેની પોતાની સેવાઓ આપે, પણ જો પ્રોજેક્ટમાં દમ ના હોય તો પછી આસ્તે રહીને કહી દે કે ભાઈ, આપણી દોસ્તી માટે મેં તારું કામ તો કરી આપ્યું, પણ ફિલ્મમાં ક્યાંય મારા નામનો ઉપયોગ ના કરીશ. આ કેસમાં એવું નથી. રસૂલ ફૂકુટી સત્તાવાર રીતે આ વર્ષની નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ 'ધ ગુડ રોડ’ના સાઉન્ડ ડિઝાઈનર-મિક્સર છે. વાત એમ છે કે આ પ્રોજેક્ટમાં રસૂલને દમ લાગ્યો હોય તો જ તે સંકળાયા હશે.

હવે રસૂલે સાઉન્ડ કર્યો હોય તો તેની વિશેષતા પણ હોવાની જ. એ અંગે ફિલ્મના લાઈન પ્રોડયુસર અમિતાભ સિંધ કહે છે કે 'સામાન્ય રીતે સાઉન્ડ ક્રિએટ કરવા માટે સાઉન્ડના એકથી વધુ ટ્રેક મિક્સ કરવામાં આવે છે, પણ રસૂલે તો ફિલ્મના કેટલાક સિક્વન્સમાં સાઈલન્સ ક્રિએટ કરવા માટે ૭૦ જેટલા ટ્રેક્સ મિક્સ કર્યા છે. રસૂલની આ જ ખૂબી છે કે જે બાબત લોકો ક્યારેય ન વિચારે તેને તે અમલમાં મૂકે છે.’ વાત સાચી છે ઓસ્કર એવોર્ડ એમનેમ તો નહીં મળ્યો હોય ને બીજી એક સ્પષ્ટતા ફિલ્મના નેશનલ એવોર્ડને લઈને.

આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે તે સાચું, પણ...પણ...ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં. ધેટ મીન્સ બધી ભાષાની ફિલ્મો સાથે સ્પર્ધા કરીને નેશનલ એવોર્ડ નથી જીત્યો. માત્ર ગુજરાતી ભાષાની ફિલ્મો વચ્ચે સ્પર્ધા કરીને એવોર્ડ જીત્યો છે. જોકે તેમ છતાં તેનું મહત્ત્વ ઓછું નથી થઈ જતું. એટલા માટે કે આ કેટેગરીમાં પણ વીસ વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યો છે. છેલ્લે ૧૯૯૩માં ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ 'માનવીની ભવાઈ’ને મળ્યો હતો. પાછું તમને થશે કે 'ભવની ભવાઈ’ હશે 'માનવીની ભવાઈ’ નહીં. ના, બરાબર જ છે. કેતન મહેતાની 'ભવની ભવાઈ’ને તો બધી ભાષાની ફિલ્મો વચ્ચે 'બેસ્ટ ફિલ્મ ઓન નેશનલ ઈન્ટિગ્રેશન’નો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ કેટેગરીમાં બીજી કોઈ ગુજરાતી ફિલ્મને એવોર્ડ મળ્યો નથી.