તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેખન સાહિ‌ત્યની સાચકલી સેવા: ધંધો, ધૂળધોયાનો...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હું 'માત્ર સ્વાન્ત: સુખાય’ લખું છું. નિજાનંદ માટે લખું છું એમ કહું તો એ મોટો દંભ ગણાય. સાચું, સાવ સાચું કહું છું કે હું કેવળ પ્રસિદ્ધિ મેળવવા જ લખું છું. મારું નામ છપાયેલું જોઇ હવે મને મારું નામ વાંચવાનું વ્યસન પડી ગયું છે

લખવા કે નહીં લખવા માટે દરેક જણને અંગત કારણો હોય છે, નહીં લખનાર માટે વિશેષ. સાચા અર્થમાં નહીં લખીને એ માણસ સાહિ‌ત્યની સાચકલી સેવા કરવાની ભાવના ધરાવતો હોય છે. લેખનના પ્રયોજન માટે મમ્મટે 'કાવ્યપ્રકાશ’ના બીજા શ્લોકમાં કહ્યું છે કે- આ શ્લોકને ગુજરાતીમાં આ રીતે સમજાવી શકાય: 'કાવ્યયશ, અર્થ કહેતાં ધન, વ્યવહારજ્ઞાન, અમંગલનો નાશ, અવિલંબિત પરમ આનંદ અને કાંતાની પેઠે ઉપદેશ માટે છે.’

લેખનનો હેતુ મમ્મટે ઉપર ગણાવ્યા સિવાયના કોઇ કારણે પણ હોઇ શકે. બહુ ઓછા લોકો 'સ્વાન્ત: સુખાય’, નિજાનંદ માટે લખતા હોય છે. કેટલાક લોકો ટાઇમપાસ કરવા લખતા હોય છે, તો અમુક જણ પાસે બીજો કોઇ ઉદ્યમ નહીં હોવાને કારણે. આ લખનારે હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેને એક વાર પૂછ્યું હતું કે તમે શા માટે લખો છો? ઉત્તરમાં તેમણે જણાવેલું કે લખવા માટે, અક્ષરો સુધરે એ માટે... અને એક કવિએ કોઇનાય પૂછ્યા વગર કવિતા લખવાના કારણમાં જણાવ્યું હતું કે, 'જો હું લખીશ નહીં તો મરી જઇશ.’ જોકે આ કવિને કોઇએ એવું કહ્યું નથી કે ભૈલુ, તું કવિતા નહીં લખે તો તું મરી જઇશ એ વાત અમે માનીએ છીએ, કિન્તુ તું જે લખે છે એ વાંચતાં અમે અધમુઆ થઇ ગયા છીએ એનું શું?

હવે મારી વાત, પહેલાં મને કેટલાક લોકો કુતૂહલથી પૂછતા હતા કે તમે શા માટે લખો છો? એમાંના અમુક લોકો આજે મને એ જ સવાલ ગુસ્સાથી પૂછે છે. કહે છે કે રાજા ભોજના સમયમાં કવિ કાલિદાસ અને એ કક્ષાના કવિઓને હજારો સોનામહોરો અપાતી. એ સમયના કવિઓ ફુલટાઇમ પોએટ્સ હતા. તેમને પૂર્ણ સમયના કવિ રહેવાનું પોષાતું, કેમ કે તે રાજાઓ વડે પોષાતા હતા. આપણે ત્યાં આજે રાજાઓ નથી, મહારાજાઓ છે, પણ એ કોઇના ખપમાં આવતા નથી. અને ખરું પૂછો તો લખવા માટે લેખકને પુરસ્કાર, મહેનતાણું કે લખામણી મળતી હોય છે એની ખબર મેં લખવાનું શરૂ કર્યું ત્યારે મને પણ નહોતી. ઘણાને નહીં હોય. કેટલીકવાર મને પૂછવામાં આવે છે કે આ તમે છાપામાં લખો છો તો એ માટે તમારે છાપાવાળાને શું આપવું પડે? (મારા લેખો વાંચીને એવી શંકા કોઇને થાય તો એ સ્વાભાવિક છે.)

બેસણાં-ઉઠમણાં કે કરોડપતિ વીમા એજન્ટોની જાહેરખબર છપાવવા માટે જેમ છાપાવાળાને પૈસા ચૂકવવા પડે છે એ રીતે છાપામાં લેખ છપાવવા માટેય નાણાં આપવાં પડતાં હશે એવો ખ્યાલ સામાન્ય પ્રજામાં પ્રવર્તે છે અને જ્યારે હું કહું કે 'આમાં તો બે પૈસા (લગભગ એવું જ સમજો ને) સામેથી મળે છે.’ ત્યારે પ્રશ્ન પૂછનાર આશ્ચર્ય કરતાંય વધુ તો અવિશ્વાસથી મારી સામે તાકી રહે છે. જોકે લખનાર બધાને પુરસ્કાર આપવો જોઇએ એવું ગુજરાતી છાપાંના તમામ તંત્રીઓ માનતા નથી. એ પાછી આડવાત થઇ.

મારી વાત કરું તો અર્થોપાર્જન કાજે લખવાનું મેં સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. શરૂઆતમાં પિતાશ્રીથી છુપાવીને લખતો. હું લેખક બનું એ સામે તેમને ભારે ખીજ હતી. તેઓ મને ઘણીવાર ટોકતા ને સ્નેહરશ્મિ અને ઉમાશંકરને બદલે કવિ ન્હાનાલાલનો દાખલો આપી કહેતા, 'કવિઓના હાલ બહુ સારા નથી હોતા, માટે આ બધું તડકે મૂકી ભણવામાં મન પરોવ. એકાદ-બે વખત તો તેમના ગુસ્સાને ઠંડો પાડવા, તે ફાડી કાઢે તે પહેલાં મેં જ મારાં લખાણો ફાડી કાઢયાં હતાં. જોકે એથી ગુજરાતી સાહિ‌ત્યે કશું ગુમાવ્યું હોય એમ આજે મને લાગતું નથી.’

અલબત્ત મારા પિતાનો ભય સાચો હતો. કવિ 'અનામી’એ 'પ્રબુદ્ધ જીવન’માં આલેખેલો મહાકવિ ન્હાનાલાલનો એક કિસ્સો યાદ આવે છે. એકવાર કવિના બંગલાની બહાર મુખ્ય રસ્તા પર કોઇ સેવ-મમરાની લારીવાળો આવ્યો. એમના બંગલાઓમાંથી નીકળી બે નાનાં બાળકોએ કવિનાં લખેલાં કેટલાંક પુસ્તકો આપી સેવ-મમરા લીધાં. કવિને આની ખબર પડી એટલે તે ખેદથી બોલ્યા: 'જીવતેજીવ’ મારાં પુસ્તકોથી સેવ-મમરા ખરીદાય છે. પણ મારે મન તો લેખનને આજીવિકાનું સાધન બનાવવાનો સવાલ જ નહોતો. મારે માટે લેખન એ માત્ર પાનપટ્ટી હતી, જોકે પાનપટ્ટી અને પાનપરાગ આજ-કાલ મોંઘાં થવા માંડયાં છે અને આમ પણ લેખન એ ધૂળધોયાનો ધંધો છે એની ખબર મને વેળાસર પડી ગઇ હતી. કદાચ એટલે જ લખવા માટે પુરસ્કાર મળવો જ જોઇએ એવો દુરાગ્રહ મેં ક્યારેય નથી રાખ્યો. 'કુમાર’ અને 'ગ્રંથ’ જેવાં સામયિકોમાં તો મેં કાયમ મારી ગરજે લખ્યું છે. એકવાર મુ. બચુભાઇ રાવતે મને ગંભીરતાથી કહેલું કે 'કુમાર’ તમને અખબારની જેમ રેમ્યુનરેશન નહીં આપી શકે. ત્યારે મેં હળવાશથી તેમને જણાવ્યું હતું કે તમે લેખ છાપવા બદલ જાહેરખબરનું બિલ ના મોલકતા, બાકી તમારો પ્રેમ એ જ મારે મન મોટો પુરસ્કાર છે.

હવે યશ. મોટાભાગે છાપામાં કોલમ લખનાર માટે પ્રસિદ્ધિ કે લોકપ્રિયતા શબ્દ જ વધારે બંધબેસતો ગણાય. યશ શબ્દ ઘણો મોટો પડે. આ બંને વચ્ચેનો ભેદ પાડતાં મુ. બચુભાઇ રાવતે મને એક વાર કહ્યું હતું કે પ્રસિદ્ધિ તમને અખબાર અપાવશે, પણ પ્રતિષ્ઠા તો તમને 'કુમાર’ દ્વારા જ મળશે. હું 'માત્ર સ્વાન્ત: સુખાય’ લખું છું. નિજાનંદ માટે લખું છું એમ કહું તો એ મોટો દંભ ગણાય. સાચું, સાવ સાચું કહું છું કે હું કેવળ પ્રસિદ્ધિ મેળવવા જ લખું છું. શરૂઆતમાં લખવાનો શોખ હતો, પણ પછી કાગળ પર મારું નામ વારંવાર છપાયેલું જોઇ હવે મને મારું નામ વાંચવાનું વ્યસન પડી ગયું છે. આ ભલે આત્મરતિ હોય તો હોય, છતાં આજે પણ એટલા જ મૌગ્ધ્યથી મારા છપાયેલા નામને હું તાક્યા કરું છું, પંપાળ્યા કરું છું. આ જ મારો નશો છે. આનાથી મોટા નશાની મને ક્યારેય જરૂર પડતી નથી.

પ્રસિદ્ધિની સાથે લેખક તરીકેનું રેકિગ્નશન મળે એની પણ ખેવના ખરી. આ કારણે તો 'શબ્દસૃષ્ટિ’ જેવો ઓછો ફેલાવો ધરાવતા માસિક માટેય લખું છું ત્યારે દિલથી લખું છું. (સંપાદકશ્રી, પ્લીઝ ટેઇક ઇટ ઇઝી...) આપણે ત્યાં અને લગભગ બધે જ આ મુશ્કેલી છે. ખૂબ પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મેળવનાર સર્જકને ઘણીવાર સાહિ‌ત્યિક માન્યતા મળતી નથી, અને સાહિ‌ત્યિક પ્રતિષ્ઠા મેળવેલ કેટલાક સર્જકોને પ્રજા ઓળખતી સુધ્ધાં નથી. કદાચ આના અનુસંધાને જ ભવભૂતિને ખેદથી કહેવું પડયું છે કે- અને લોકપ્રિયતા નામના મૃગજળ પાછળ વરસો સુધી દોડીને હાંફી ગયા બાદ ખબર પડે છે કે બધું વ્યર્થ છે... લોકપ્રિયમાં પ્રિય તો જાણે સમજ્યા, પણ લોક બદલાતા રહે છે, લોકોની રુચિ સતત ફર્યા કરતી હોય છે.) ઉ.ત. ચુનીલાલ વર્ધમાન શાહ-ચુ.વ. શાહ, એક જમાનામાં તેમના નામના સિક્કા પડતા.

તેમનાં પુસ્તકો છાપવા પ્રકાશકો ઘેર ધક્કા ખાતા. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં પણ આવ્યા હતા. આજના વાચકોને પૂછશો તો તે આપને સામે પૂછશે કે ચુ.વ. શાહ કોણ? એવા જ બીજા હતા. નારાયણ વસનજી ઠક્કુર. ક.મા. મુનશીના સમકાલીન. મુનશીએ 'પાટણની પ્રભુતા’માં મીનળ-મુંજાલનો પ્રેમસંબંધ નિરૂપેલો જે જોઇ વાંચીને સૌથી વધારે લાગણી નારાયણ વસનજી ઠક્કુરની દુભાયેલી. આથી તેમણે 'મહારાણી મયણલ્લા યાને ગુજરાતની માતા’ નામની નવલકથામાં એ અર્પણપત્રિકા લખી હતી. મુનશીએ તેમની નવલકથામાં ગુજરાતની એ પવિત્ર મહારાણી મીનળદેવીને ભ્રષ્ટ ચીતરી છે એમ સંબોધીને ઠક્કુરે લખ્યું હતું: 'માતા મીનળદેવી’ આ ભરૂચી બ્રાહ્મણને માફ કરજે... આજે આ નામ લોકો માટે સાવ અજાણ્યું છે, પણ એ લેખક જીવતા ને લખતા ત્યાં સુધી લોકો તેમને પ્રેમથી યાદ કરતા.

એ નારાયણજી વસનજી ઠક્કુરનું બીજું નામ વિનોદ ભટ્ટ જ હશે તે હજી લખે છે ને જીવે છેય ખરો, તો પણ કોઇકવાર એવું બને છે કે તે વિનોદ ભટ્ટ હોવા બદલ ભોંઠપ અનુભવે છે... કિસ્સો કંઇ બહુ જૂનો નથી, એક લગ્નસમારંભમાં મારી સાથે એક દંપતીએ લગભગ પંદર મિનિટ સુધી વાતો કરી. હું રાજી થાઉં એવી મારી માફકસરની પ્રશંસા પણ કરી, અને છૂટા પડતી વખતે એ ભાઇએ મારી સાથે હાથ મિલાવતાં લાગણીભર્યા અવાજે જણાવ્યું: 'તમને મળીને ખૂબ જ આનંદ થયો, દોલત ભટ્ટ...’ મારું નામ દોલત ભટ્ટ હોત તો એ વખતે મને ચોક્કસ આનંદ થયો હોત...

પણ ઉપર્યુક્ત ઘટનાથી હું તદ્દન નાસીપાસ નહોતો થયો, કારણ કમસેકમ એ સાહિ‌ત્યપ્રેમી મારી અટક તો સાચી બોલ્યો જ હતો. આ કંઇ જેવું તેવું આશ્વાસન છે જ્યારે એકલે હાથે નેવું જેટલી હાસ્ય નવલકથાઓ લખનાર વિશ્વવિખ્યાત હાસ્યકાર પી. જી. વુડહાઉસના જીવનમાં મારાથી વધારે કરુણ કહી શકાય એવો કિસ્સો બન્યો હતો તે લખીને આ લેખ પૂરો કરીશ. એક ભોજન-સમારંભમાં વુડહાઉસની બાજુમાં બેસવાનું મળ્યું એ સદ્ભાગ્યથી ગદ્ગદ થઇ જતી એક સ્ત્રીએ વુડહાઉસને કહ્યું: 'મારું આખું કુટુંબ તમારાં પુસ્તકો પર આફરીન છે. હું ઘેર જઇને જ્યારે એમને કહીશ કે આજે તો મેં તમારા પ્રિય લેખક એડગર વોલેસની બાજુમાં બેસીને ભોજન લીધું ત્યારે તે ચકિત થઇને મારી સામે ટગરટગર જોયા કરશે.’ 'તમારી વાતથી હું પણ ચકિત થાઉં છું. સન્નારી’ વુડહાઉસ મનમાં બબડ્યા હતા. (મમ્મટે જણાવેલ લેખન માટેનાં અન્ય પ્રયોજનો મારી યાદીમાં નથી). તા. ક. ધૂળધોયાનો ધંધો કરનારને ધૂળની એલર્જી રાખવી ન પોષાય, એ જ રીતે છાપામાં કોલમ લખનારને તેનું લખાણ પસ્તી થઇ જવાનો ભય ન પરવડે.
- અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી