ભારતીયોને ઊતરતા માનતા અમેરિકનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વોશિંગ્ટનની સંસ્થા 'પીયૂ રિસર્ચ સેન્ટર’નો અભ્યાસ કહે છે કે અમેરિકામાં રહેતા ત્રણ લાખ ભારતીયોમાં ઉચ્ચ શિક્ષણની ટકાવારી ૭૦ ટકા છે અને સ્થાનિકોની ૨૮ ટકા છે

અમેરિકન નાગરિકોની રંગભેદની માનસિકતાને લઇને દુનિયાભરમાં પ્રશ્નો ઉદ્ભવતા રહ્યા છે. બધાં જ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ હોવાનો દાવો કરનારી પ‌શ્ચિ‌મી દુનિયા શ્વેતવર્ણ પ્રત્યે જબરદસ્ત ગ્રંથિ અનુભવે છે. તે લોકો એને બુદ્ધિશાળી, જ્ઞાન અને સુંદરતાનો પર્યાય માનતા રહ્યા છે. એમની આ પ્રકારની સમજ સામે કાળાલોકો એ પોતાની ક્ષમતા અને લાયકાત દ્વારા પડકાર ફેંક્યો છે અથવા તો સામનો કરવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે તેઓ રંગભેદની નીતિ અપનાવીને કાબૂ બહાર જઇ રહ્યા છે.

થોડા દિવસ પહેલાં મૂળ ભારતીય પણ અમેરિકન નાગરિકત્વ ધરાવતી નીના દવુલુરીએ ન્યુર્યોકમાં 'મિસ અમેરિકા’નો ખિતાબ મેળવ્યો ત્યારે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો. આ અધ્યાયની અસર આજે પણ જોવા મળી રહી છે. ભારતીય લોકોએ ખુશીની આ ક્ષણને વધાવી લીધી અને ગર્વનો અનુભવ કર્યો. તો બીજી બાજુ પોતાની જાતને 'મહાન લોકતાંત્રિક’ દેશ માનનારા અમેરિકનોને આ ખિતાબ ન પચ્યો. નીના દવુલુરીએ હજુ આભાર પણ વ્યક્ત નહીં કર્યો હોય અને સોશિયલ સાઇટ્સ પર જાતિભેદ અંગેની ટિપ્પણીઓની ભરમાર થઇ ગઇ. જેને જોઇને લાગે છે કે પોતે ધોળી ચામડીના હોવાની ગર્વાનુભૂતિ મૂળ રહેવાસીઓમાંના અમુક ભાગમાં ઊંડે સુધી ઊતરેલી છે.

ભારતીયો પ્રત્યે નફરત, નસલભેદ અને શ્વેતવર્ણને લીધે શ્રેષ્ઠ હોવાની છલોછલ ભરેલી માનસિકતા અમેરિકનોમાં જોવા મળે છે. ત્યાંની એક ખાનગી ચેનલ ઇએસપીએનના સંસ્થાપક રોક્સેન જોન્સે સીએનએન પર મિસ અમેરિકાને એક પત્ર લખ્યો. તેમણે આ પત્રમાં કહ્યું, 'પ્રિય મિસ અમેરિકા, અમેરિકન સૌંદર્ય કેવું લાગે છે, એ અમને યાદ કરાવવા બદલ આભાર. બાકી અમેરિકનો માટે ચેતવણી એ છે કે હવે અમેરિકાની સુંદર મહિ‌લાઓ છે, સેરેના વિલિયસ, મિશેલ ઓબામા, એન્જેલિના જોલી અને મેરિસા મેયર.’ આ પ્રકારના લખાણથી જરા પણ વિચલિત થયા વગર નીનાએ કહ્યું, 'અત્યારનો સમય રંગથી ઉપર ઊઠવાનો છે. હું હંમેશાં મારી જાતને સૌથી પહેલા અમેરિકન માનું છું અને મારી જાત માટે ગર્વ અનુભવું છું.’

નીનાને ૨૦૦૬માં મિસ ટીન અમેરિકા અને એ જ વર્ષે જુલાઇમાં મિસ ન્યુર્યોકનું સન્માન મળી ચૂક્યું હતું. કહેવાનો અર્થ એ કે નીના ક્યાંકથી કૂદીને આવી નથી. તે એક સારી કોમ્પિટિટર છે અને પોતાની લાયકાતને આધારે વિજયનો તાજ મેળવ્યો છે. અમેરિકા અને અન્ય પ‌શ્ચિ‌મના દેશોમાં ભારતીયોના અપમાનનો આ કંઇ પહેલો કિસ્સો નથી. ૨૦૦૯માં ઓગસ્ટ મહિ‌નામાં અભિનેતા શાહરુખ ખાનને અમેરિકાના ન્યુજર્સી એરપોર્ટ પર બે કલાક સુધી પૂછપરછના નામે રોકવામાં આવ્યો હતો. આ બાબત માટે કોઇ એક શ્વેત પોલિસ અધિકારીને જવાબદાર માનવામાં ન આવ્યા. થોડા સમય પહેલાં યોગગુરુ રામદેવની ઇંગ્લેન્ડના હીથ્રો એરપોર્ટ પર લગભગ ૬ કલાક સુધી તપાસ કરવામાં આવી. પછી કોઇપણ જાતનું સ્પષ્ટીકરણ કર્યા વગર એમને છોડી મૂકવામાં આવ્યા.

પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથે પણ તપાસના નામે રંગભેદી વર્તન કરવામાં આવ્યું. કોલંબિયાના એક શીખ પ્રોફેસર પ્રભજોતસિંહ ઓસામા બિન લાદેન જેવા દેખાતા હોવાને લીધે ૨૪ સપ્ટેમ્બરે શ્વેત છોકરાઓએ તેમને માર માર્યો. આ ઉપરથી એક લોકતાંત્રિક અમેરિકનોની સીમાઓ અહીં જ પૂરી થઇ જાય છે, જ્યાંથી પૂર્વાગ્રહિ‌ત, રંગભેદી, ઘમંડી અમેરિકા પોતાની શરૂઆત કરે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ સ્થિતિ એક અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા પછીની છે. ન્યાય વિભાગ મુજબ આ પ્રકારની બાબતોમાં મૂળવાસીઓને સજા થઇ શકતી નથી.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ તો એવા દેશ છે જ્યાં મધ્યવર્ગીય પરિવારો સાથે સંબંધ ધરાવનારા લોકો જાય છે. આપણા સમાજમાં જેમની રાજનીતિથી લઇને સમાજ સુધી ઊંચી ઓળખાણ છે. પરંતુ એને સમાંતર મોટી સંખ્યામાં શિક્ષિત અને અલ્પશિક્ષિત ભારતીય કારીગરો સારી કમાણીની આશામાં સાઉદી અરબ, કતાર, કુવૈત, થાઇલેન્ડ વગેરે દેશોમાં જાય છે. જેમાંથી ઘણા ખરાને નરક જેવી સ્થિતિમાં કામ કરવાની સાથે રંગભેદી અત્યાચારોને સહન કરવા પડે છે. ખેડૂત અને નિમ્ન મધ્યમવર્ગીય પરિવારોમાંથી વિદેશ ગયેલા કારીગરોની ઘણી વખત હત્યા કરી નાખવામાં આવે છે. ખોટી બાબતોમાં ફસાવી દેવામાં આવે છે. તેમની તકલીફોને લઇને આપણા દેશની જવાબદાર સંસ્થાઓ પણ ખાસ સક્રિયતા દર્શાવતી નથી.'