તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક કુદરતી ટેસ્ટ ખેલાડી હસીબ હમીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈંગ્લેન્ડની ટીમ વર્તમાન સમયમાં ભારતના પ્રવાસે આવી છે. પાંચ ટેસ્ટ મેચની પૂર્ણ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ પૂરી થઇ ગઇ છે. રાજકોટ ખાતેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ ભારતે બીજી ટેસ્ટ મેચમાં શાનદાર વિજય મેળવ્યો હતો, જોકે બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ પરાજય બાદ થોડી મુશ્કેલીમાં જરૂર મુકાઇ છે પરંતુ તેને આ શ્રેણીમાં ઓપનિંગ બેટ્સમેન રૂપી હસીબ હમીદ નામનો 19 વર્ષીય યુવા ખેલાડી મળ્યો છે. હસીબ હમીદે રાજકોટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને માત્ર બે ટેસ્ટ મેચમાં જ તેણે એ સાબિત કરી દીધું છે કે તેનામાં ટેસ્ટ ક્રિકેટર બનાવાના તમામ ગુણ રહેલા છે.

મૂળ ગુજરાતના એવા હમીદને બેબી બોયકોટના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. ક્રિકેટ વિશેષજ્ઞોના મતે તેની ખાસિયત એ છે કે તે પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરી શકે છે. આ બાબત હમીદે રાજકોટ તથા વિશાખાપટ્ટનમમાં સાબિત પણ કરી આપી હતી. રાજકોટમાં તેણે સુકાની કૂક સાથે મળીને ઇંગ્લેન્ડને મજબૂત શરૂઆત અપાવી તો બીજી ઇનિંગ્સમાં તેણે 82 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને ભારતને જંગી લક્ષ્યાંક મળે તે સુનિશ્ચિત કર્યું.

વિઝાગ ટેસ્ટમાં પણ તેણે ધૈર્યપૂર્ણ બેટિંગ કરીને એલિસ્ટર કૂકનો સારો એવો સાથ આપ્યો, બંને વચ્ચે 50.2 ઓવર સુધી ભાગીદારી નોંધાઇ, જેમાં તેણે ભારતીય મજબૂત સ્પિન આક્રમણનો 144 બોલ સુધી સામનો કર્યો. મોટા મોટા દિગ્ગજ ખેલાડીઓ ચોથી ઇનિંગ્સમાં બોલને પરખવામાં થાપ ખાઇ જતા હોય છે ત્યારે 144 બોલ સુધી વિરોધી ટીમના બોલર્સને પોતાની વિકેટ ન આપવી તે એક સિદ્ધિ સમાન છે.
ટીમની રણનીતિને અનુકૂળ થઇને રમવું એ હમીદની ખાસિયત છે. જો ઝડપથી રન કરવા હોય અથવા મેચ ડ્રો કરવી હોય અને પિચ પર સમય પસાર કરવો હોય તો પણ હમીદ ઉપર ભરોસો કરી શકાય તેમ છે. ફક્ત 19 વર્ષની વયે ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમના ઓપનર બનવું તે કોઇ પણ યુવા ખેલાડી માટે એ એવરેસ્ટ સર કર્યા જેટલી સફળતા હોય છે. પ્રથમ બે ટેસ્ટ મેચમાં જે પ્રકારનું પ્રદર્શન આ યુવા ખેલાડીએ દર્શાવ્યું છે, તે જોતા ઇંગ્લેન્ડને લાંબા ગાળાનો અને સુકાની કૂકને સાથ આપે તેવો એક ઓપનર મળી ગયો છે.
અન્ય સમાચારો પણ છે...