તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાગ્યે જ જોવા મળતો એક અનોખો પ્રેમયોગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ મધુર ગીત પ્રેમની મધુરતા અને જન્નતનો એહસાસ કરાવે છે. પ્રેમનો ભ્રમ માનવીને અંતરિક્ષ અને આકાશી શાંતિ (એટર્નલ પીસ)ની અનુભૂતિ કરાવે છે. પ્રેમ કેમ થાય? આ સવાલનો જવાબ ખુદ શિરી-ફરહાદ, લયલા-મજનૂ, રોમિયો-જુલિયટ પાસે પણ નથી, કારણ કે પ્રેમનું કોઈ કારણ નથી એટલે તેનું તારણ કાઢવું એ પ્રેમ શબ્દનું અપમાન છે. એટલે જ એક ઊર્મિશીલ કવિએ કહ્યું છે, ‘પ્યાર એક અહેસાસ હૈ ઇસે રૂહસે મેહસૂસ કરો.’

જન્મકુંડળીના પાંચમા સ્થાનમાં ગ્રહોએ બેહિસાબ અને ઠસોઠસ પ્રેમ ભર્યો છે. પાંચમું સ્થાન એટલે પ્રેમ-પ્રણય અને સ્નેહનું સ્થાન. અહીં પ્રેમનું હૃદય (હૈયું) છે. અહીં નિરાકાર પ્રેમનો ધબકાર અને આકાર છે. જ્યોતિષશાસ્ત્રમાં પ્રેમયોગ અને પ્રેમરોગના અસંખ્ય ગ્રહયોગ છે. ક્યારેક કુંડળીમાં મંગળ-શુક્ર જોડાય તો પ્રેમ થાય તો ક્યારેક શુક્ર-ચંદ્રનો સંબંધ લાગણીઓનું આકાશ ઊભું કરે છે. આવા અગણિત યોગની ચર્ચા અમે આ વિભાગમાં ખુલ્લા મને કરી છે, કારણ કે સાચા પ્રેમનો અવકાશ ભલે ઓછો હોય, પણ આકાશ તો ખુલ્લું જ છે. થોડાક દિવસ અગાઉ અમારી પાસે એક પ્રેમી યુગલ આવેલું. આ સરસ અને સારસ બેલડી છેક 1979થી એકબીજાના પ્રેમમાં રત હતી. સાત સાત વર્ષ સુધી પ્રેમરસનો આસ્વાદ માણ્યા બાદ 1986માં લગ્ન કર્યાં અને આજે એકબીજામાં મગ્ન છે. ધ્યાનથી તેમની કુંડળીનું નિરીક્ષણ કર્યું તો બંનેની કુંડળીમાં સૂર્ય અને શુક્ર મેષ રાશિમાં સાથે (યુતિ)માં હતાં. જાણે કે ઉચ્ચના સૂર્ય એ કુંડળીના ઊર્મિશીલ ગ્રહ શુક્રને પોતાનું તેજ બક્ષ્યું હોય તેટલો આહ્્લાદક અનુભવ આ પ્રેમી યુગલને જોઈને થયો.
 
પ્રેમના આસમાનની ઊંચાઈને સન્માન બક્ષનારી જુલિયટની કુંડળીમાં પાંચમા પ્રણય સ્થાનની અંદર જ વૃષભના સૂર્ય સાથે સ્વગૃહી શુક્ર બિરાજમાન છે અને કદાચ નહીં, પણ ચોક્કસ સૂર્ય-શુક્રના આ સંબંધે જ ઇતિહાસનાં પાનાં પર રોમિયો જુલિયટને પ્રેમના નામે સુવર્ણ કલમથી અંકિત કર્યા. સૂર્ય-શુક્રનો પ્રેમ ઇહિતાસ તો ધર્મેન્દ્ર અને હેમાની કુંડળીમાં પણ છે તો આ જ યોગ આંધ્રના સીએમ રામારાવ અને પાર્વતીની કુંડળીમાં પણ હતો. સૂર્ય અને શુક્રના સંબંધોમાં એક જબરદસ્ત ચુંબકીય તત્ત્વ (મેગ્નેટિસ્મ) છે અને આથી જ તમે જોજો મોટાભાગની કુંડળીઓમાં કાં તો સૂર્ય શુક્ર સાથે હોય છે અગર આજુબાજુમાં હોય છે અલબત્ત આ એક ખગોળિય (એસ્ટ્રોનોમિકલ) ઘટના છે, કારણ કે શુક્ર બ્રહ્માંડમાં સૂર્યથી કોઈ પણ સંજોગોમાં 47 અંશથી વધારે દૂર જતો નથી. એટલે જ પૃથ્વી નામની કુંડળીમાં શિરી ફરહાદ, રોમિયો જુલિયટ કે હીર રાંઝા સાથે જ છે. સૂર્ય અને શુક્રના સંબંધોને એક અન્ય ટેક્નિક અને યોગ દ્વારા સમજીએ જેવી રીતે જો બુધ સૂર્યની નજીક આવે તો બુદ્ધાદિત્ય યોગનું સર્જન થાય, કારણ કે બુધ એ બુદ્ધિનો ગ્રહ છે અને સૂર્ય પ્રતિષ્ઠા અને તેમનો ગ્રહ છે એટલે જ્યારે જ્યારે બુધ અને સૂર્ય નજીક આવે ત્યારે જગત પરના આવશ્યક બળ અર્થાત્ બુદ્ધિબળમાં વધારો થાય. તેવી જ રીતે શુક્ર એ પ્રેમ, ઊર્મિ, લાગણી, સ્નેહ અને હૃદયના ધબકારાઓમાં પણ ગલગલિયાં કરાવનારો ગ્રહ છે. આથી સૂર્ય શુક્રના જોડાણમાં આવે એટલે પ્રેમનો પ્રકાશ પાથરે છે.
 
જો તમને જ્યોતિષશાસ્ત્રમાં અકેડેમિક રસ હોય તો તમે ખાસ નિરીક્ષણ કરજો કે જ્યારે જ્યારે તમે કોઈ જાહેર મેળાવડામાં જાઓ ત્યારે એવાં દૃશ્ય જોવા મળતાં હોય છે કે એક જ વ્યક્તિની આજુબાજુમાં મોટુંમસ ટોળું ઊભું હોય અને જે તે વ્યક્તિ તે ટોળાની વચ્ચે ઊભો રહી આખા મેળાવડા કે પ્રસંગનું આકર્ષણ કેન્દ્ર બનતો હોય છે. આવી વ્યક્તિની કુંડળી માંગજો તેમાં સૂર્ય-શુક્ર સાથે સાથે જ હશે. જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય શુક્ર સાથે હોય તેવા વ્યક્તિઓમાં એક જબરદસ્ત ચુંબકીય તત્ત્વ હોય છે કે જેના કારણે બાકીનો વર્ગ આપોઆપ તેમને ચોંટી જાય છે જેમ કે લોહચુંબક અને લોખંડનો સંબંધ.
 
સૂર્ય તેજ પુંજ છે અને શુક્ર એ લાગણીઓનો ધોધ-ઊર્મિઓનો ખજાનો છે. શુક્ર એટલે પ્રેમ, સ્નેહ અને સહવાસનો સમન્વય. શુક્ર જ્યારે સૂર્યની નજીક આવે ત્યારે શુક્રના પ્રેમ અને ઊર્મિઓમાં સૂર્યનું તેજ અને બળ પુરાય છે. આથી જન્મકુંડળીમાં સૂર્ય અને શુક્રની યુતિ ધરાવતા જાતકોમાં તેજસ્વી પ્રેમનાં દર્શન થાય છે. આવો જાતક છાશમાં જેમ માખણ તરી આવે તેમ સમાજમાં વિશિષ્ટ રીતે આગવો તરી આવે છે. શુક્ર અને સૂર્યની યુતિવાળો જાતક પોતાના આગવા સ્નેહ અને પ્રેમના તેજસ્વી સ્વરૂપના કારણે લોકોની નજરમાં વસી જાય છે. આવા જાતકો તરફ વિજાતીય વ્યક્તિ ખેંચાણ અનુભવે છે અને પરિણામ સ્વરૂપે આ યુતિના પરિપાકરૂપે આવી યુતિ ધરાવતા જાતકો પ્રેમ પંથ તરફ આગળ વધે છે.    
અન્ય સમાચારો પણ છે...