ખાસ નામોનું સર્વનામીકરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમે ગૂગલ કરો છો એમ કોઇ પૂછે તો આપણે સમજી જઇએ છીએ કે તે ઇન્ટરનેટ પર શોધવાની વાત કરી રહ્યા છે. પરંતુ ગૂગલ એ તો એક કંપનીનું નામ છે જે અનેક માંનું એક વેબ સર્ચ એન્જિન છે. આવી અનેક કંપનીઓ છે. જેમ કે યાહૂ, રિડિફ! પરંતુ આવી અનેક વેબ કંપની કરતાં ગૂગલ આગળ નીકળી ગયું એટલે હવે લોકો વેબ સર્ચ માટે ગૂગલ શબ્દનો જ ઉપયોગ કરે છે. આ ઉદાહરણ છે ખાસ નામના સર્વનામીકરણનું ભાષાશાસ્ત્રમાં જેને મેટોનીમી (metonymy)કહેવામાં આવે છે તે આ સર્વનામીકરણની પ્રક્રિયા સ્મૃતિ પર ઓછો બોજ નાખવા માટે માનવ મન ઉપયોગમાં લેતંુ હોય છે. આમાંથી કાયદાના પ્રશ્નો ઊભા થઇ શકે. જેમ કે કોઇ નામ કોઇ કંપની એ કાનૂની રીતે નોંધાવ્યું હોય તો એ નામ કંપનીનો અધિકાર બની જાય છે. અન્ય લોકો અન્ય ઉપયોગ માટે તે નામ ન વાપરી શકે અને જો કોઇ અન્ય ઉપયોગ માટે તે ખાસ નામ વાપરે તો નામ પર અધિકતર ધરાવનાર કંપની દાવો કરે તો તેને વળતર મળે.
તાજેતરમાં એક ગીત આવ્યું હતું ‘તું નહીં તો તારો ફોટો પણ ચાલશે, ફોટો નહીં તો ફોટો કોપી પણ ચાલશે.’ ઘણા લોકોને આ ફોટોકોપી શબ્દ ન સમજાયો. એક ભાઇએ મને પૂછતાં મેં કહ્યું,‘ફોટોકોપી એટલે ઝેરોક્સ.’ તે ભાઇ કહે, ‘તો આવો સહેલો શબ્દ વાપરવાને બદલે આટલો અઘરો શબ્દ કેમ વાપરે છે?’ ઝેરોક્સ એ કંપનીનું નામ છે, તેણે જે ફોટોકોપીયર (પ્રતિછબી યંત્ર) બનાવ્યું તેને લોકો તે કંપનીના નામથી જ ઓળખવા લાગ્યા. ખાસ નામના સર્વનામીકરણનાં બે શ્રેષ્ઠ ઉદાહરણો ઉપર દર્શાવ્યા છે. પણ પેલા ગીતકારે ઝેરોક્સ શબ્દનો ઉપયોગ કરવાને બદલે ફોટોકોપી શબ્દનો પ્રયોગ કેમ કર્યો તેની પાછળ અન્ય ગીતનો એક કિસ્સો રહેલો છે. હિન્દી સિનેમાનું એક ગીત હતું ‘મૈં ઝંડુ બામ હુઇ ડાર્લિંગ તેરે લિયે.’ હવે ઝંડુ એ કંપનીનું નામ છે જે એ નામથી બામ બનાવે છે. આ કંપનીએ પોતાના ખાસ નામના અન્ય ઉપયોગ સામે ફિલ્મના નિર્માતા સામે કેસ કર્યો અને ફિલ્મ નિર્માતાએ સમજૂતી કરવી પડી. જો ઝેરોક્સ કંપની કેસ કરે તો ઉપરોક્ત ગુજરાતી ગીતનાં ફિલ્મના નિર્માતા તો દેવાળિયા થઇ જાય.
તેમ છતાં ખાસ નામો અથવા તો બ્રાન્ડ નામોને તોડી મરોડીને ઉપયોગ કરવાનું ચાલુ જ છે. કોલગેટ એક દંત લૂગદી (ટૂથપેસ્ટ) છે. ગામડામાં જાઓ તો માતા બાળકને કહે છે કોલગેટ કરી લે. આ ખાસ નામનો લાભ લેવા કોલગેટ, કુલગેટ વગેરે ભળતાં નામોવાળી અનેક ટૂથપેસ્ટો ગ્રામીણ બજારમાં મળે છે. એવી જ રીતે ‘ફેયર એન્ડ લવલી’ એક ક્રીમનું નામ છે. આ નામના ભળતા નામો ફેયર એન્ડ લાયવલી કે ફિર લવલી નામે મળે છે. આપણે ખાસ નામના સર્વનામીકરણ તરફ આવીએ. ભાષાશાસ્ત્રીઓ કહે છે કે આ બનવું સ્વાભાવિક છે અને આમ બને અને લોકો તે ખાસ નામને સર્વનામ તરીકે અપનાવી લે, ત્યારે કંપની એની સામે કેટલા કેસ કરવા બેસે? આથી કંપનીઓ આ બાબતમાં કઇ બોલતી નથી. ચા અને કોફી બાબતમાં આ ખાસ બને છે.
નેસકાફે એ વિશેષ બ્રાન્ડ નેમ છે પરંતુ હોટેલના મેનુમાં નેસકાફે એમ જ લખ્યું હોય છે. ખરેખર તો આ એક પ્રકારની ફટાફટ (ઇન્સ્ટન્ટ) કોફી છે. આના જેવી દસેક ફટાફટ કોફી બજારમાં પ્રાપ્ય છે. એવી જ રીતે ગુજરાતમાં વાઘબકરી ચાનાં બોર્ડ ચાના ગલ્લા પર લાગેલાં છે. ક્યાંક તો વાઘ અને બકરીનું ચિત્ર પણ જોવા મળે છે. આની સામે વાઘ બકરી બ્રાન્ડવાળા કેસ એટલે નથી કરતા કે તેમનો પ્રચાર થાય છે. પ્રખ્યાત નામ સર્વનામ બન્યું હોય તેવો અન્ય કિસ્સો ડીઝલનો છે. પેટ્રોલ પંપ પર ખાસ બંધારણવાળું પ્રવાહી બળતણ મળે છે. તેનેે ડીઝલ તરીકે બધા જ ઓળખે છે. પરંતુ આ નામ શ્રીમાન ડીઝલના નામ પરથી આવેલું છે. તેમણે પેટ્રોલ કરતાં સસ્તું બળતણ બનાવ્યું જે પછીથી ડીઝલના નામે જ ઓળખાવા લાગ્યું. તમને ખૂબ ભૂખ લાગે ત્યારે તમે ફટાફટ નૂડલ (સેવૈયા) બનાવી લો છો અને અાને બે મિનિટ મેગી કહો છો. આ મેગી એ કંપનીનું નામ છે. બાકી સેવૈયા તો બજારમાં ખાસ નામ સાથે અને ખાસ નામ વિના પણ અનેક પ્રકારની મળે છે, જેમ કે પાપડ અનેક જાતના મળે છતાં આપણે લિજ્જત પાપડની વાત કરીએ.
તમે લિજ્જત પાપડ માગો તો તમારા વેપારી તમને કોઇ પણ પાપડ આપી દેશે અને તમે નામ વાંચ્યા વિના તે ખરીદી પણ લેશો. આ બ્રાન્ડ નેમનો ખ્યાલ કંપનીઓએ બજાર પર એકાધિકાર જમાવવાની શરૂઆત કરી ત્યારથી આવ્યો તે પહેલાં તો તમારો દૂધવાળો દૂધ આપી જતો. હવે અમૂલની કોથળી આપી જાય છે. પહેલાં તમારા વેપારી માખણ આપતા. હવે અમૂલ બટર આપે છે. ખાસ નામના સર્વનામીકરણની વાત લાંબી છે. બીજા વિશ્વયુદ્ધ સમયે અમેરિકાને ખરબચડા મેદાનમાં દોડી શકે તેવા વાહનની જરૂર હતી. તેમણે જીપ નામની એક કંપનીને ઓર્ડર આપ્યો. આ કંપનીએ અમેરિકન લશ્કર માટે જે વાહન બનાવી આપ્યું તે જીપ તરીકે ઓળખાયું. આજે જીપ કંપની તો નથી. પરંતુ આવું વાહન આજે પણ જીપ તરીકે ઓળખાય છે.
પ્રાઇમસ શબ્દ તો તમે જૂની પેઢી પાસેથી અનેકવાર સાંભળ્યો હશે. કેરોસીનના ગેસથી ચાલતો સ્ટવ પ્રાઇમસ કંપનીએ બનાવ્યો. આ કંપનીએ જે સ્ટવ બનાવ્યો તે પ્રકારના તમામ સ્ટવ આજે પણ પ્રાઇમસ તરીકે ઓળખાય છે. એવું જ પેટ્રોમેક્સનું છે. જૂના જમાનામાં ગામડામાં કિટસન લાઇટો હતી. કેરોસીનમાંથી ગેસ પેદા કરીને લેંટર્ન વડે તે પ્રકાશ આપતી. એક પેટ્રોમેક્સ 100 વોટના બલ્બ જેટલો પ્રકાશ આપે. આ કંપની તો પેટ્રોલિયમ કંપની હતી તેણેે જે કિટસન લાઇટ બનાવી તે પેટ્રોમેક્સના નામે જ ઓળખાઇ. પછી જે કંપનીઓએ આવી લાઇટ બનાવી તે તમામ પેટ્રોમેક્સ નામે ઓળખાઇ. માત્ર બ્રાન્ડ નામો જ સામાન્ય નામો નથી બનતાં. કોઇ વિશેષ નામ પણ સામાન્ય નામ બની શકે છે. તો શોધી કાઢો કે આવાં કેટલાં ખાસ નામો સામાન્ય નામો બન્યાં છે. શરૂ કરો ગૂગલ સર્ચ, સોરી, વેબ સર્ચ.
માત્ર બ્રાન્ડ નામો જ સામાન્ય નામો નથી બનતાં. કોઇ વિશેષ નામ પણ સામાન્ય બની શકે છે. તો શોધી કાઢો કે આવાં કેટલાં ખાસ સામાન્ય નામો બન્યાં છે.
વિદ્યુત જોષી
vidyutj@gmail.com