તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખદેવ: આદર્શવાદી ક્રાંતિકારી અને સંગઠનકર્તા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુખદેવ: આદર્શવાદી ક્રાંતિકારી અને સંગઠનકર્તા  

સુખદેવ અને ભગતસિંહનો જ્યારે પણ ભેટો થઈ જતો ત્યારે બંને વચ્ચે પંજાબ કોંગ્રેસની કાર્યપ્રણાલી અને તેના નેતાઓની પેંતરાબાજી, નૌજવાન ભારત સભાનું કાર્ય, ક્રાંતિકારી આંદોલનની સમસ્યાઓ, મજૂરોના સંઘર્ષ, એકબીજાએ વાંચેલાં પુસ્તકો અને તેના લેખકોની શૈલી, તેના વિચાર, નવી ફિલ્મો, અભિનેતાઓની એક્ટિંગ જેવા વિષયો પર કલાકોના કલાકો વાતો થતી. ભગતસિંહની સરખામણીએ સુખદેવ ઓછું વાંચતા, પરંતુ તેમની યાદશક્તિ સતેજ હતી.

ફિલોસોફી કે અન્ય વિષયનાં પુસ્તકો વાંચવામાં બીજાને અઠવાડિયાંઓ જતાં તે પુસ્તક સુખદેવ 2-3 દિવસમાં વાંચી લેતા. તેની કોઈ નોંધ કરવાની તેમને ટેવ નહોતી, પરંતુ મહિનાઓ પછી કોઈ પ્રસંગે પુસ્તકનો સંદર્ભ જેમનો તેમ ટાંકી શકતા. સુખદેવ તેમની અંગત જરૂરિયાતો અને દેખાવ તરફ બેદરકાર હતા, પરંતુ સાથીઓની નાનામાં નાની જરૂરિયાત પૂરી કરવા કલાકો વિચારતાં અને કાર્યરત રહેતા. શિવ વર્મા કાનપુરથી ભાગીને અમૃતસરમાં છુપાયા હતા ત્યારે સુખદેવ તેમને ફરવા લઈ જાય છે.

ફરવા જતા પહેલાં સુખદેવ, શિવ વર્મા માટે મસ્ત મજાનો પંજાબી પોશાક અને નવા બૂટ લઈ આવે છે. શિવ વર્મા જ્યારે સુખદેવને તેમના મેલાં કપડાં અને ફાટેલા બૂટ બદલવાનો આગ્રહ કરે છે ત્યારે ધરાર તૈયાર થતા નથી. પોતાના દેખાવ અને કપડાં તરફની ઉદાસીનતાને લીધે જ તેમને પાર્ટીમાં ‘વિલેજર’નું નામ આપવામાં આવ્યું હશે. શિવ વર્માએ ‘સંસ્મૃતિયાં’ નામના પુસ્તકમાં લખ્યું છે કે, ‘ભગતસિંહ પાર્ટીની પંજાબ શાખાના રાજનૈતિક નેતા હતા તો સુખદેવ તેના સંગઠનકર્તા હતા’.

એસેમ્બલીમાં બોંબ ફેંકવા જનાર વ્યક્તિઓની પસંદગી કેન્દ્રીય સમિતિએ કરી તેમાં સુખદેવ ગેરહાજર હતા. એ બેઠકમાં ભગતસિંહે આગ્રહપૂર્વક પોતે જવું જોઈએ તેવી રજૂઆત કરી, પરંતુ સોંડર્સ મર્ડરકેસમાં ભગતસિંહ ફરાર હતા એટલે તેમના જવાનો અર્થ હતો ફાંસીને નિમંત્રણ. માટે પાર્ટીએ ભગતસિંહને તેમાંથી બાકાત રાખ્યા. આ નિર્ણયના બે-ત્રણ દિવસ બાદ સુખદેવ આવે છે અને આ નિર્ણય જાણીને ભગતસિંહ સામે નારાજગી વ્યક્ત કરે છે.

સુખદેવ સ્પષ્ટ માનતા હતા કે ક્રાંતિદળના ધ્યેય અને સિદ્ધાંતોને અદાલતના માધ્યમથી રજૂ કરવા માટે ભગતસિંહ જ સૌથી યોગ્ય વ્યક્તિ છે. સુખદેવે આક્ષેપો કરીને ભગતસિંહને કહ્યું કે, જીવનના મોહને કારણે ક્રાંતિમાર્ગથી ભટકી રહ્યો છે. તે દિવસે ગરમાગરમી થયા બાદ ભગતસિંહે આગ્રહપૂર્વક પાર્ટીની બીજી બેઠક બોલાવી. જેમાં સુખદેવ પણ હાજર હતા, પરંતુ તેઓ મૌન જ રહ્યા અને પોતે જ એસેમ્બલીમાં બોંબ ફેંકવા જશે તેવો ભગતસિંહે આગ્રહ કર્યો.

અંતે કેન્દ્રીય સમિતિએ ભગતસિંહને મંજૂરી આપવી પડી. આ બેઠક પત્યા બાદ કોઈ સાથે કશી વાત કર્યા વિના સુખદેવ લાહોર ચાલ્યા જાય છે. લાહોર પહોંચ્યા ત્યારે સુખદેવની આંખો સૂજી ગઈ હતી, કારણ કે પોતાના દિલોજાન દોસ્ત ભગતસિંહને ક્રાંતિપથ પર સમર્પિત કરી દીધા હતા.  સહનશીલતા અને પ્રયોગશીલતામાં સુખદેવનો જોટો જડે તેમ નહોતો. સુખદેવના ડાબા હાથે ‘ઓ રૂમ્’ અને નીચે તેમના નામનું છૂંદણું હતું. આ ઓળખને ભૂંસવા અને સહનશીલતાની કસોટી કરવાનું સુખદેવને સૂઝ્યું.

આગ્રામાં બોંબ બનાવવા માટે લાવી રાખેલું નાઇટ્રિક એસિડ વધ્યું હતું. તે સાથીઓની નજર ચૂકવીને પોતાના હાથ પર લગાડી દીધું. જેને લીધે આખો હાથ સૂજી ગયો અને તાવ આવી ગયો. બીજે દિવસે જ્યારે નહાવા માટે શર્ટ કાઢ્યો ત્યારે આઝાદ અને ભગતસિંહે ઠપકો આપ્યો પણ સુખદેવે હસીને વાત ટાળી દીધી. તેની સારવાર પણ ન કરાવી. એ જ હાલતમાં સુખદેવ આગ્રાથી લાહોર ચાલ્યા જાય છે. રૂઝ આવ્યા પછી જોયું તો હજી નામ થોડું દેખાતું હતું. એટલે સળગતી મીણબત્તી પર હાથ રાખીને વધ્યુંઘટ્યું કામ તમામ કરવાનું શરૂ કર્યું.

દુર્ગાભાભી આ જોઈ ગયાં અને તેમણે મીણબત્તી હટાવી લીધી હતી, પરંતુ સુખદેવના ચહેરા પર પીડાની રેખાઓને બદલે કસોટીમાંથી પાર ઉતર્યાનો સંતોષ હતો. આમ જોઈએ તો સોંડર્સની હત્યા થઈ તે સ્થળે સુખદેવ હતા જ નહીં, છતાં તેમને ફાંસી શા માટે આપવામાં આવી તેવો સવાલ થાય તો તેનો જવાબ આ રહ્યો. લાહોર ષડ્યંત્ર કેસના ચુકાદામાં નોંધવામાં આવ્યું હતું કે,HSRAની યોજનાઓ ઘડવામાં સુખદેવ મુખ્ય દિમાગ છે. સોંડર્સ હત્યાકાંડની આખી યોજના આ વ્યક્તિની દિમાગની ઉપજ હતી. પરિણામે અંગ્રેજસત્તા માટે સુખદેવને જોખમી ગણાવતા ફાંસીની સજા સંભળાવવામાં આ‌વી હતી.
 

ફાંસીનું કારણ
બ્રિટિશ ડેપ્યૂટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ જે.પી. સોંડર્સ પર પહેલી ગોળી રાજગુરુએ છોડી હતી. લાહોર ષડ્યંત્ર કેસ અદાલતમાં ચાલી જતાં સોંડર્સની હત્યા બદલ ફાંસીની સજા આપવામાં આવી.
 
-પ્રોફાઈલ
    જન્મ: 15 મે, 1907 લુધિયાણા, પંજાબ
    માતા: રલ્લીદેવી
    મૂળ નામ: સુખદેવ રામલાલ થાપર
    પાર્ટીમાં નામ: વિલેજર
    પાર્ટી : હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન અેસોસિયેશન
    ભૂમિકા: HSRAની કેન્દ્રિય કમિટીના સભ્ય, પંજાબ પ્રાંતના સંગઠનકર્તા.
 
-શોખ અને સ્વભાવ
-મોગરાનાં ફૂલ અને મકાઈના ડોડા અતિશય પ્રિય હતાં.
-ફાંસી અગાઉ સુખદેવે ગાંધીજીને પત્ર લખ્યો હતો. તેમાં સુખદેવે લખ્યું હતું કે, ‘ક્રાંતિકારીઓ રચનાત્મક અંશની જરૂરીયાતને મુખ્ય સ્થાન આપે છે. પરંતુ હાલની પરિસ્થિતિઓમાં અમારે કેવળ વિનાશાત્મક અંશ તરફ વધુ ધ્યાન આપવું પડે છે’.
-એક વખત નક્કી કરી લીધા પછી કોઈ તેને ફેરવી શકતું નહીં. કોઈ કાર્ય કરતી વખતે અધવચ્ચે એવું લાગે કે કોઈ ભૂલ થઈ ગઈ છે તો તેમાંથી પરત ફરતા પણ વાર ન લગાડતા.
-ખાવા-પીવાનો શોખ, આરામ, પ્રેમ, દોસ્તી જેવી સ્વાભાવિક વૃત્તિઓ તેમનામાં પણ હતી, પરંતુ આ બધાનું સ્થાન તેમના માટે આદર્શ પછી આવતું.
 
 

ફાંસીનું કારણ
ડેપ્યૂટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ જે.પી. સોંડર્સની હત્યાની યોજના ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ સુખદેવ થાપરને ફાંસીની સજા આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો