તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગતસિંહ: કલાપ્રેમી વિચારક અને લડવૈયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભગતસિંહ: કલાપ્રેમી વિચારક  અને લડવૈયા
‘આ ધરતી અને ધરતી પર પણ ભારતની આ પવિત્ર ભૂમિ મારું સ્વર્ગ છે, આ ભૂમિ પર ફરતી દરેક વ્યક્તિ મારા માટે દેવતા છે, ભગવાન છે. ભગવાન સાથે ભગવાનને લડાવતા અને મારા સ્વર્ગને નર્ક બનાવનારી શક્તિઓને સમાપ્ત કરીને વર્ગવિહીન સમાજ તરફ વ્યક્તિને આગળ વધારવાનો દરેક પ્રયત્ન, દરેક ડગલું મારો ધર્મ છે.’ આ શબ્દો છે ભગતસિંહના! 14 ફેબ્રુઆરીએ ભગતસિંહ અને સાથીઓને ફાંસી થઈ હતી કે સુનાવવામાં આવી હતી માટે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીથી દૂર રહો જેવો જુઠ્ઠો અને વિચારહીન પ્રચાર સોશિયલ મીડિયા પર ચલાવનારા લોકોને કાં તો ખબર નથી અને ખબર હોય તો સ્વીકારવા નહીં માગતા હોય કે ભગતસિંહ માટે દેશભક્તિ અને પ્રેમ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં નહોતા. સુખદેવને લખેલા એક પત્રમાં ભગતસિંહ મેઝિનીનું ઉદાહરણ ટાંકતા લખે છે કે, ‘નિષ્ફળ વિદ્રોહ, મનને કચડી નાખનારી હાર અને દિવંગત સાથીઓની સ્મૃતિ- આ બધું મેઝિની સહન કરી શક્યો ન હોત. ગાંડો થઈ જાત કે આત્મહત્યા કરી લેત, પરંતુ પ્રેમિકાના એક પત્રથી તે બીજા જેટલો જ નહીં બલ્કે સૌથી વધુ મજબૂત થઈ ગયો.’

-ગ્વાલિયરમાં માથાકૂટ
ગ્વાલિયરમાં ક્રાંતિકારી ભગવાનદાસ માહૌરે (વિક્ટોરીયા કોલેજમાં બી.એના વિદ્યાર્થી હતા) ભાડે રાખેલા મકાનમાં એક િદવસ સુખદેવ અને ભગતસિંહ ભેગા થઈ ગયા. ચાંદની રાતે બાજુમાં રહેલી પહાડી સુંદર દેખાતી. પ્રકૃતિના ચાહક આ બંને જીગરજાન દોસ્તોએ મકાનની અગાસી પર બેઠક જમાવી અને પંજાબીમાં વાતો કરવા લાગ્યા. અન્ય સાથીઓ સૂઈ ગયા હતા. લગભગ રાત્રિના ત્રીજા પહોરમાં એક સિપાહી રાઉન્ડ મારવા નીકળ્યો.

નીરવ રાત્રિમાં આ બંનેનો અવાજ સંભળાતાં તેણે બંનેને ટપાર્યા. બંને બાજુ શાબ્દિક ટપાટપી થઈ. સૂઈ જવાની ચેતવણી આપીને સિપાહી ચાલ્યો જાય છે. થોડો વખત પછી બે-ત્રણ સાથીઓને લઈને નીકળે છે ત્યારે હજુ પણ બંને વાતોમાં મશગૂલ હતા. આ જોઈને ફરી સિપાહીએ ટકોર કરી અને પૂછપરછ કરવા લાગ્યા. મામલાની ગંભીરતા કળી જતાં ભગતસિંહ અને સુખદેવની વાતોમાં હવે વિવેક દેખાવા લાગ્યો. જોકે, વચ્ચે વચ્ચે પાછા ક્યારેક ઉદ્ધત વિદ્યાર્થીઓ જેવું વર્તન કરી બેસતા. રકઝકને અંતે સિપાહી સવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાનો આદેશ  આપીને ચાલ્યો ગયો. બંને મિત્રોએ અન્ય સાથીઓને જગાડ્યા અને આખી વાત કરી.

ઘરમાં ચળવળને લગતું ગુપ્ત સાહિત્ય અને હથિયારો હતા તે લઈને ભગતસિંહ, સુખદેવ અને સાથીઓ નજીકની પહાડીમાં ચાલ્યા ગયા. ભગવાનદાસ માહૌર અને અન્ય બે ત્રણ વિદ્યાર્થીઓ ઘરે રહ્યા. સવારે જ્યારે સિપાહી પૂછપરછ કરવા આવે છે ત્યારે ભગવાનદાસ સમજાવે છે કે, ‘બંને આગ્રાથી આવ્યા હતા અને ત્યાંનું વાતાવરણ અહીં જેટલું ચુસ્ત નહીં એટલે તેમને ખ્યાલ નહોતો. તેઓ આજે પાછા ચાલ્યા ગયા છે’. છતાં સિપાહી સાથે એક વિદ્યાર્થીએ પોલીસ સ્ટેશન જવું પડ્યું અને ત્યાં પણ અધિકારીઓને એ જ વાત ગળે ઉતારીને આવતો રહ્યો. મામલો થાળે પડતાં ક્રાંતિકારીઓ પાછા આવતા રહ્યા.

-ભગતસિંહ ફિલ્મોના શોખીન હતા
ભગતસિંહ, વિજયકુમાર સિંહા અને ભગવાનદાસ માહૌર એક સાંજે લાહોરનાં માર્ગ પરથી પસાર રહ્યા હતા ત્યારે પોસ્ટર પરથી ખ્યાલ આવ્યો કે Uncle Tom’s cabbin નામની ફિલ્મ અંગ્રેજી સિનેમાહોલમાં ચાલી રહી છે. ક્રાંતિદળ તરફથી આઝાદે ભગવાનદાસને ત્રણે સાથીઓના સાંજના જમવાના અને સવારના નાસ્તાના એમ કરીને દોઢ રૂપિયો આપી રાખ્યો હતો. તે સમયે 25 પૈસામાં એક વ્યક્તિ જમી શકે તેટલું મળતું. ભગતસિંહે એ પૈસા કઢાવવા માટે કહ્યું કે, ‘અમેરિકામાં હબસી ગુલામો પર થતાં અત્યાચાર અને લડતની વાત છે માટે આપણે ચોક્કસ ફિલ્મ જોવી જોઈએ’.

પરંતુ જો પૈસા આપી દેવામાં આવે તો બે ટાઇમ ભૂખ્યા રહેવાનો વારો આવે એટલે ભગવાનદાસે અનિચ્છા દર્શાવી. ભગતસિંહે કહ્યું કે, જો તું નહીં આપે તો હું તારી પાસેથી પૈસા પરાણે ઝંૂટવી લઈશ. આ પ્રસંગ નોંધતાં ‘યશ કી ધરોહર’માં ભગવાનદાસ લખે છે કે, ‘ફિલ્મ જોવાની તો મને પણ અંદરથી ઇચ્છા હતી, એટલે મેં કહ્યું કે, પૈસા આપું છું પણ યાદ રાખજે કે તેં મારી પાસેથી ઝૂંટવી લીધા છે’. ‘મેં પરાણે લઈ લીધા છે,

બસ’ એટલું કહીને ભગતસિંહે ટિકિટ લેવા ભગવાનદાસને મોકલ્યા. ઊંચા અને તગડા લાહોરી યુવાનોની ભીડને લીધે વારંવારના પ્રયાસો છતાં ભગવાનદાસ ટિકિટબારી સુધી પહોંચી ન શક્યા. તેમને પાછા આવેલા જોઈને ભગતસિંહે અકળાઈને કોટ ઉતાર્યો, બાંયો ચઢાવી અને ટોળામાં ઘૂસી ગયા. ઊંચા અને સશક્ત ભગતસિંહ ટિકિટ લઈને પાછા તો આવ્યા, પણ ચાર આનાની ટિકિટ ને બદલે આઠ આનાની ટિકિટો લઈ આવ્યા, એટલે દોઢ રૂપિયો ખર્ચાઈ ગયો. ત્રણેયે જલસાથી ફિલ્મ જોઈ અને બીજે દિવસે સવારે આઝાદ સામે ભગતસિંહે આકર્ષક ઢબે વાત કરતાં કહ્યું કે, ફિલ્મ લડત માટે ખૂબ અગત્યની છે માટે દરેક ક્રાંતિકારીએ જોવી જ જોઈએ.

ભગતસિંહની વાત સાથે આઝાદ સહમત થયા અને સવારના નાસ્તાનો બંદોબસ્ત થઈ ગયો. આમ, ભગતસિંહ ચિંતક અને ક્રાંતિકારી  હોવાની સાથે યુવાસહજ શોખ અને સંવેદનાઓથી તરબતર યુવાન હતા.  
 

ફાંસીનું કારણ
યુપી-લાહોર કોન્સપીરસી કેસ ચલાવવામાં આવ્યો હતો, જેમાં દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી. તેના પછી લાહોર ષડ્યંત્ર કેસ ચલાવવામાં આ‌વ્યો, જેમાં સોંડર્સ પર ગોળીઓ છોડવા બદલ ભગતસિંહને ફાંસીની સજા આપવામાં આવી.
 
શા માટે ભગતસિંહ ક્રાંતિનો પર્યાય બની ગયા?
ભગતસિંહ પૂર્વેના ક્રાંતિકારીઓનો હેતુ હતો અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ. જ્યારે ભગતસિંહ અને સાથીઓ અદાલતમાં દલીલો દ્વારા જનમાનસ અને મીડિયા સમક્ષ સાબિત કરવામાં સફળ રહ્યા હતા કે, તેમનો અંતિમ હેતુ માત્ર બ્રિિટશ સત્તાની ધૂંસરીમાંથી રાજકીય સ્વતંત્રતા નથી, પરંતુ એક શોષણમુક્ત સમાજની નવરચના છે. ક્રાંતિ બોમ્બ અને પિસ્તોલનો સંપ્રદાય નથી. ક્રાંતિ હથિયારોથી નહીં વિચારોની ધારથી તીક્ષ્ણ બને છે. એસેમ્બ્લીમાં બોંબ ફેંક્યા બાદ ભગતસિંહે ન્યાયાલયમાં આપેલા બયાનમાં જે રીતે ક્રાંતિનાં ઉદ્દેશ્યોની સ્પષ્ટતા કરવામાં આવી હતી તેવું અગાઉ ક્યારેય થયું નહોતું. આમ, ત્યારથી તેઓ ક્રાંતિનું પ્રતીક બની ગયા. તે બયાન તે સમયનો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત દસ્તાવેજ ગણાવા લાગ્યો હતો.
 
 
-પ્રોફાઈલ
    જન્મ: 28 સપ્ટે. 1907 બંગા (સંયુક્ત પંજાબ પ્રાંત, હાલ પાકિસ્તાન)
     માતા: વિદ્યાવતીજી
    મૂળ નામ: ભગતસિંહ કિશનસિંહ સંધુ
    પાર્ટીમાં નામ : રણજિત
    ભૂમિકા: હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન અેસોસિયેશનની કેન્દ્રીય કારાબોરીના સભ્ય તેમજ પંજાબ, બિહાર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ (તે સમયનો સંયુક્ત પ્રાંત) જેવા પ્રાંતો વચ્ચે સંપર્કની કામગીરી.
 
 
-શોખ અને સ્વભાવ
-કળા, સૌંદર્ય, સંગીત, વાંચન અને ફિલ્મો તરફ બેહદ આકર્ષણ હતું.
-પ્રેરણાસ્રોત: ગેરીબાલ્ડી, મેજિની, બાકુનીન, ક્રોપાટકિન, ડેન બ્રીન, કરતારસિંહ સરાભા
-પ્રિય લેખકો: વિક્ટર હ્યુગો, ટોલ્સ્ટોય, દોસ્તોયેવસ્કી, ગોર્કી, બર્નાડ શો, ચાર્લ્સ ડિકન્સ
-‘કીર્તિ’, ‘પ્રતાપ’, ‘પ્રભા’,‘મહારથી’ અને ‘ચાંદ’ જેવાં અખબારો અને સામયિકોમાં બલવંતસિંહ, વિદ્રોહી અને રણજિત જેવા નામથી લેખો લખતા. હિન્દી, ઉર્દૂ, પંજાબી, અંગ્રેજી પર તેઓ કાબૂ ધરાવતા હતા.
-એક સાથીના સગાએ જેલમાં મોકલેલા રસગુલ્લાને જેલ સત્તાધીશોએ બરબાદ કરી નાખ્યાની વાત અદાલતમાં કહીને રમૂજનો માહોલ ખડો કરી દીધો હતો.
-રાજનૈતિક સમસ્યાઓ પર ચર્ચા વખતે મિજાજ ન ગુમાવતા તર્કબદ્ધ દલીલ કરવી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો