તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહાદતના બેતાબ આશિક શિવરામ રાજગુરુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહાદતના બેતાબ આશિક  શિવરામ રાજગુરુ
લાહોરના માલ રોડ પર પોલીસ સ્ટેશન બહાર નીકળીને બાઇક પર જેવો સોંડર્સ સવાર થવા જાય છે તેવામાં એક ગોળી તેના માથાને વીંધી જાય છે અને સોંડર્સ નીચે પડી જાય છે. પછી ભગતસિંહ આગળ વધીને છાતી પર ઉપરાછાપરી ગોળીઓ છોડીને સોંડર્સને માલ રોડ પર જડી દે છે. સોંડર્સનું માથું વીંધી જનાર એ પહેલી ગોળી શિવરામ રાજગુરુની રિવોલ્વરમાંથી છૂટી હતી. ક્રાંતિદળમાં જેમનો નિશાનો વખણાતો તે ભગવાનદાસ માહૌરે જ્યારે રાજગુરુની પ્રશંસા કરી ત્યારે રાજગુરુએ નિખાલસતાપૂર્વક કહ્યું કે, યાર મેં તો તેની છાતીનું નિશાન તાક્યું હતું અને ગોળી જઈ વાગી માથામાં! એ રિવોલ્વર ભગવાનદાસે ખોલી તો બાકીની ગોળીઓ જેમની તેમ હતી.

તે ગોળી કાઢીને જોઈ તો તેની સાઇઝ અલગ અલગ હતી. બોરની સાઈઝ અને ગોળીઓની સાઈઝ અલગ-અલગ હોવાથી ગોળી છાતીને બદલે મસ્તકમાં વાગે તે બનવાજોગ હતું. જે જોઈને રાજગુરુએ ફરિયાદના સૂરમાં કહ્યું, જોયું યાર, ભગતસિંહ પાસે ઓટોમેટિક કોલ્ટ રિવોલ્વર અને પંડિતજી(ચંદ્રશેખર આઝાદ) પાસે માઉઝર છે અને મને આ ઠોઠીયા રિવોલ્વર પકડાવી દેવામાં આવી. રાજગુરુ પર નિંદ્રાદેવીના ચારેય હાથ હતા.

ખૂણામાં ઊભા ઊભા સૂઈ જવા જેવું કૌશલ્ય પણ તેમને હસ્તગત હતું. એક વખત રેલવે સ્ટેશનેથી મોડી રાત્રે ભગતસિંહ અને રાજગુરુએ ટ્રેન પકડવાની હતી. ટ્રેન બે વાગ્યે આવવાની હતી. ભગતસિંહને સતત બે રાતના ઉજાગરા હતા, પણ તેઓ રાજગુરુની ઊંઘવાની આદતથી વાકેફ હતા એટલે સૂવાનું જોખમ લેવા માગતા નહોતા, પરંતુ જાગતા રહેવું હાથ બહારની વાત લાગતાં ભગતસિંહે રાજગુરુને કહ્યું કે હું થોડી વાર સૂઈ જાઉં?

રાજગુરુએ નિશ્ચિંતપણે સૂઈ જવા કહ્યું. પોતાને દોઢ વાગ્યે જગાડવાની સૂચના આપીને ભગતસિંહે પહેરેલો ઓવરકોટ રાજગુરુને આપતાં સાવધાન રહેવા જણાવ્યું, કારણ કે કોટમાં ભરેલી રિવોલ્વર હતી. ભગતસિંહ તો સૂઈ ગયા. પછી જ્યારે વેઇટિંગરૂમમાં અ‌વાજ વધી ગયો ત્યારે ભગતસિંહની ઊંઘ ઊડી. ત્યાં તો એક ડંકો વાગ્યો. એટલે એમ કે એક વાગ્યો હશે, પરંતુ ત્યાં તો બીજો ટકોરો વાગ્યો, ભગતસિંહ સફાળા ઉભા થાય તે પહેલા તો ત્રીજો ટકોરો પણ વાગ્યો. ભગતસિંહ બેઠા થઈને જુએ છે તો રાજગુરુ આરામથી નસકોરાં બોલાવતાં મીઠી ઊંઘ માણી રહ્યા હતા.  જેલમાં જ્યારે બીજી વખત ક્રાંતિકારીઓએ ભૂખ હડતાળ શરૂ કરી ત્યારે રાજગુરુ લાહોરની જેલમાં હતા. તેર દિવસ વીતી ગયા છતાં ક્રાંતિકારીઓની માગ પર કોઈ વિચાર કરવામાં આ‌વ્યો નહોતો.

ક્રાંતિકારીઓને લાગતું કે, બલિદાન વિના અંગ્રેજ સરકાર સાંભળશે નહીં. ક્રાંતિકારીઓની હાલત કથળતી ત્યારે સામાન્ય રીતે પાતળા બાંધાના યુવાનોને પકડીને ડોક્ટરો દ્વારા રબરની નળી વાટે પરાણે દૂધ પીવડાવવામાં આવતું. અને ત્યારે ક્રાંતિકારીઓ તેમાંથી છટકવાનો પૂરતો પ્રયાસ કરી છૂટતા. રાજગુરુને દૂધ પીવડાવવા જતાં નળી વાટે દૂધ પેટમાં જવાને બદલે ફેફ્સાંમાં ચાલ્યું ગયું અને રાજગુરુની હાલત ગંભીર થઈ ગઈ.

એ ગંભીર પરિસ્થિતિમાં પણ રાજગુરુને પોતાની પીડા કરતાં એ વાતનો આનંદ વધુ હતો કે અંગ્રેજોએ હવે તેમની વાત માન્યા વિના હવે છૂટકો નથી. એ સ્થિતિમાં પણ રાજગુરુએ સાથી શિવ વર્માને એક કાગળની ચબરખી મોકલી જેમાં લખ્યું હતું, ‘સફળતા’. ડોક્ટરના રિપોર્ટ, સ્થિતિ અને ક્રાંતિકારીઓની મક્કમતા જોતાં અંગ્રેજ સત્તાએ ક્રાંતિકારીઓની માગ સ્વીકારી લેવાનું નક્કી કર્યું. હોસ્પિટલમાં રાજગુરુ ફરતે બધા ક્રાંતિકારીઓ એકઠા થાય છે.

પહેલા ભગતસિંહ શહીદ ન થઈ જવા જોઈએ તેવી રાજગુરુના મનમાં પવિત્ર સ્પર્ધા હતી. એટલે ભગતસિંહ સસ્મિત ચહેરે રાજગુરુને ચમચીથી દૂધ પીવડાવતાં કહે છે કે, ‘બચ્ચુ આગળ થઈ જવા માગતો હતો!’ શહીદી વહોરવામાં રાજગુરુ ભગતસિંહને પ્રતિસ્પર્ધી માનતા. જવાબમાં મજાક કરતાં રાજગુરુ કહે છે,‘મને એમ કે આગળ જઈને તારા માટે રૂમ બુક કરી રાખું, પણ પછી યાદ આવ્યું કે નોકર વિના તું મુસાફરી કરીશ નહીંને!’ (સોંડર્સની હત્યા પછી લાહોરમાંથી છૂપાવેશે નીકળવાનું હતું ત્યારે રાજગુરુએ ભગતસિંહના નોકરની ભૂમિકા અદા કરી હતી. એટલે તે સંદર્ભમાં કહે છે.) ભગતસિંહ જવાબ આપતાં કહે છે કે, ‘સારું હવે દૂધ પી લે, વચન આપું છું હવે કોઈ દિવસ સૂટકેસ નહીં ઉપડાવું.’ અને બંને હસી પડે છે. સોંડર્સ પર ગોળી છોડવા બદલ રાજગુરુને ફાંસીની સજા થયા પછી પણ તેમની મજાક કરવાની આદત અને મસ્તીમાં કોઈ ઓટ આવી નહોતી.
 
-પ્રોફાઈલ
    જન્મ: 24 ઓગસ્ટ, 1908, ખેડા (બોમ્બે પ્રોવિન્સ, હવે રાજગુરુનગર (મહારાષ્ટ્ર))
    માતા: પાર્વતીબાઈ
    મૂળ નામ: શિવરામ હરિનારાયણ રાજગુરુ
    પાર્ટીમાં નામ: રઘુનાથ
    ભૂમિકા: નિશાના માટે જાણીતા હોવાથી HSRAની સશસ્ત્ર પાંખ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મીમાં ગનમેન તરીકે જાણીતા હતા.
 
 
-શોખ અને સ્વભાવ
-બાળક જેવા નિર્દંભ અને નિખાલસ હતા. ઉતાવળિયા સ્વભાવ અને વાતોડિયાપણા માટે પણ સાથીઓમાં જાણીતા હતા.
-જ્યારે પણ એક્શન (જેલમાંથી ક્રાંતિકારીને છોડાવવા,
બ્રિટિશ અધિકારીની હત્યા, લૂંટ કે પોલીસ સાથેે સીધી મારામારીમાં ઊતરી પડવા જેવાં
કાર્યોને ક્રાંતિકારીઓ ‘એક્શન’ કહેતા)ની વાત આવે ત્યારે રાજગુરુ હંમેશાં આગળ રહેવાની
જીદ કરતા.
-કુંભકર્ણને સ્પર્ધા પૂરી પાડે તેવું કોઈ હોય તો તે રઘુનાથ (પાર્ટીનું નામ) છે, તેમ પાર્ટીમાં મનાતું.
-પાર્ટીએ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા માટે જવાની મંજૂરી ન આપી તેનો રાજગુરુને બેહદ અફસોસ હતો.
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો