'દીકરા, દરિયો ડોલમાં નહીં સમાય...’

વિરલ સર્જન થતાં ગયાં ધ્રુવ ભટ્ટ દ્વારા. ગીતો ખૂબ રચાયાં

Bhadrayu Vachhrajani | Updated - Feb 03, 2013, 07:07 AM
Son and sea not fill in Bucket
ગિરના ભાલછેલ ગામમાં અડધો સમય વસતા ગયા તેમ તેમ 'સમુદ્રાન્તિકે’, 'તત્ત્વમસિ’, 'અતરાપિ’, 'અકૂપાર’, 'લવલી પાન હાઉસ’ જેવાં વિરલ સર્જન થતાં ગયાં ધ્રુવ ભટ્ટ દ્વારા. ગીતો ખૂબ રચાયાં. કેટલાંક તો લયબદ્ધ લખાયાં, સ્વરરચના સાથે ઊતરી આવ્યાં. નાની ચોપડી મિત્રોએ બહાર પાડી તો તેમાં કવિ તરીકે પોતાનું નામ લખવા ન દીધું. સંગ્રહને ર્શીષક આપ્યું: 'ગાય તેનાં ગીત...’
પિંડવળ. ધરમપુર તરફની કાંતિભાઇ શાહની સંસ્થા. તેની શાળામાં શિક્ષક. મોજ મજાના શિક્ષક. પોતાને સ્કૂલ કરવી હતી, પણ વનપ્રવેશ પછી એ વિધિવિધાનમાં પડવાનો કંટાળો આવ્યો કરમસદમાં ત્રેવીસ વર્ષ નોકરી કરી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછીનો વિચાર. 'સ્કૂલમાં જે નથી ભણાવતા તે આપણે ભણાવીએ...’ કાંતિભાઇ શાહે કહ્યું: 'અહીં આવો ને પ્રયોગ કરો.’ જે મનમાં આવે તેમ ભણાવવાનું.
ધ્રુવભાઇ છોકરાંવને કહે કે: 'તમે પાઠ તૈયાર કરો ને અમને ભણાવો’, 'થાળીમાં ચમચો મારો. અવાજ આવ્યો? શોધો જોઇએ કે આ અવાજ ક્યાંથી આવ્યો: થાળીમાંથી કે ચમચામાંથી?...’ વાત કરતાં ડરે એવા આદિવાસી વિસ્તારનાં બાળકો. પણ જરાક ભાવ દેખે ત્યાં તો ધ્રુવભાઇના ખભે ચડી જાય. બીજા શિક્ષકો કહે: 'આવું ચાલે? આ કાંઇ સારું કહેવાય?’ ધ્રુવભાઇ જવાબ આપે: 'હું તો રાહ જોઉં છું કે તમારા ખભે ક્યારે ચડે?...’ સહજ નિજાનંદી ધ્રુવ ભટ્ટ બે વર્ષ પિંડવળ રહ્યા.
વેકેશન પડતું હતું. થોડાક છોકરાંવ હજી હતા સંસ્થામાં. ગિલ્લી દંડો રમતા’તા સૌ. ધ્રુવભાઇને જોયા ને સંતાડી દીધા ગિલ્લી દંડો. ધ્રુવભાઇ સામેથી કહે ચાલો બહાર જઇ આપણે રમીએ. છોકરીઓ એ ટાણે રસોઇ ટુકડીમાં ગયેલી. તે આવીને ધ્રુવભાઇને કહે: 'તું છોકરા ભેળો રમતો’તો, તે અમારા ભેગો રમને...’ શું રમીશું? લંગડીમાં તો પડી જઉં. અંતકડીમાં મને એટલાં બધાં ગીત ન આવડે... પાંચીકા દાવ રમીશું?... રમત થઇ શરૂ. પાંચીકાને ત્યાં દગડ કહે. ધ્રુવ ભટ્ટને આવડે પણ હવામાં ઉછાળીને પાંચીકાને ઊંધી હથેળીનાં આંગળાં પર ઝીલવામાં એ કાચા. ત્રીજા ધોરણની નાની છોકરી શેબી દૂર બારીમાં ઊભી ઝીણા અવાજે સાદ દીધા કરે: 'પ્રતિમા, દાદાને તું હરાઇશ નહીં દાદા ઉપર દાવ ન ચડાવીશ...’ ધ્રુવભાઇ હાર્યા. પંદર દાવ ચડી ગયા. છોકરીઓ કહે: 'દાદા, દાવ ઉતારો...’
ધ્રુવભાઇ કહે: 'બેટા, તમે જમીને ઘરે જાવ. દિવાળી વેકેશન પછી તમારા દાવ ઉતારી દઇશ...’ બધા જતા રહ્યા. બે-ત્રણ દિવસ પછી ધ્રુવભાઇના ઘરની બારીમાં પેલી શેબી ડોકાણી. ધ્રુવભાઇને તો ફાળ પડી ગઇ. શેબી તો કહેતી હતી કે: 'તીન ડુંગર વટીને માઝા ઘર આયે...’ શેબી ગઇ જ નથી કે પાછી આવી? માંડ માંડ શેબીની વાત સમજમાં આવી. શેબી તે દિવસે ગામ ગઇ અને આજે પાછી કહેવા આવી: દાદા પર ચડેલા દાવ એણે દાદા વતી ઉતારી દીધા છે...
દાદા વતી શેબીએ પેલી છોકરીઓ સાથે પાંચીકે રમી દાદાના પંદર ચડેલા દાવ ઉતાર્યા ને પાછી જાતે કહેવા આવી જેથી દાદાને માથે દેવું ન રહે ધ્રુવ ભટ્ટને થયું: 'આને હું શું ભણાવીશ? આ સમજ મારામાં તો કદી ન આવી, તે ત્રીજા ધોરણની છોકરીમાં આવી આ સમજ ક્યાંથી આવે છે તે ખબર નથી, પણ ક્યાંકથી આવે છે જરૂર આટલી બધી અગવડ વચ્ચે અંદરની આટલી લાગણી?’
ધ્રુવ ભટ્ટને જીવનભરની મજા પિંડવળનાં બે વર્ષોમાં આવી. એ પણ સમજાયું કે: જો અગવડમાં રહેવાને જ તમે મહાનતા ગણતા હો તો મહાન તો આ પ્રજા છે... ધ્રુવ ભટ્ટની આંતરિક સમૃદ્ધિમાં બહુ મોટો ફાળો આ વર્ષોનો છે. સહજતાથી જિવાયું, લખાયું, ગવાયું...છોકરાંવને બોલતા કરવાં હતાં. નક્કી કર્યું. આજે કંઇક બનવાનું ને કાલે પ્રાર્થનાસભામાં તેના અનુભવ કહેવાના. એકાદ વાક્ય પણ બોલવાનું જ. બનવાનું શું? કંઇ પણ, વાઘ-લાકડું-બાકસ-ફાનસ-સાઇકલ, કંઇ પણ આખો દિવસ બનવાનું. એમાં શિક્ષકોનોય વારો આવે. ધ્રુવભાઇનો વારો આવ્યો. છોકરાંવ કહે: 'દાદા, તું વાદળ બની જા...’ બની ગયા વાદળ. બીજે દિવસે સભામાં ધ્રુવ ભટ્ટે ગીત ગાતાં ગાતાં પોતાનાં વાદળપણાંના અનુભવ રજૂ કર્યા:
'ચાલને વાદળ થઇએ અને જોઇએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઇ આપણી વિશે સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી રંગની રેલમછેલ
હા, ધ્રુવ ભટ્ટ શિક્ષક છે, કવિ છે, લેખક છે, ટ્રેકર છે, રખડપટ્ટીના માસ્ટર છે, કોમ્પ્યુટર ટાઇપિંગમાં માહેર છે, ચિત્રકાર છે... જ્યારે જે થવાની ઇચ્છા થાય તે થઇ જવાની તત્પરતા અને તૈયારીવાળા સરળ અને સહજ છે ધ્રુવ ભટ્ટ... એ ભણીને આવી મસ્તી પામ્યા નથી. ફોર્મલ એજ્યુકેશન તો તેના મનમાં બેસતું જ નથી. તેઓ માને છે કે: 'તું આમ કર’ એવું હું કહું ત્યાં જ શિક્ષણ પૂરું થઇ જાય છે... સ્કૂલ ખોલવી એ શિક્ષણનું કામ છે એવું ધ્રુવભાઇ સ્વીકારવા તૈયાર નથી. સાવ જુદી માટીના ધ્રુવ ભટ્ટ.
ઘરના અને ગામ-ગામના વાતાવરણમાંથી આ બધું આવ્યું છે ધ્રુવભાઇમાં. નિંગાળા તાલુકામાં જન્મ. પિતાજી ત્યારે રેવન્યુ ક્લાર્ક, પછી મામલતદાર થયા. બદલી બહુ થાય. ઘરે ઘરે-ચોરે ચોરે-ગામેગામ ફરવાનું, બધાની લાક્ષણિકતાઓ જોવાની-સાંભળવાની, આજુબાજુ બધું રળિયામણું લાગે. ૧૧ વર્ષમાં ૧૧ ગામ ફર્યા. ભણવું ગમે જ નહીં. પિતા નોકરીએ જાય ત્યારે ઘરના છાપરે દફતર લઇને ચડી જવાનું. નિશાળમાંથી બે-ત્રણ છોકરા આવી ટીંગાટોળી કરી લઇ જાય ત્યારે અને તો જ જવાનું સ્કૂલે. જાફરાબાદમાં એકથી ચાર ધોરણ. કેશોદમાંથી મેટ્રિક. ભણવામાં સામાન્ય.
એક વર્ષ વલ્લભ વિદ્યાનગરમાં. જવું હતું ખેતીવાડીમાં પણ તેના વિષયો નહીં એટલે જઇ પડયા કોમર્સમાં. એક વર્ષ સહજાનંદ કોલેજમાં... ત્યાં ય ધ્રુવ તોફાની-ટીખળી. રિસેસ પડી એટલે બેલ પાયખાનામાં સંતાડી દીધો રિસેશ પૂરી જ ન થાય ને એક મજા... જકડેલા નિયમોમાં જીવતા લોકોને હેરાન થતા જોવાની મજા... કોલેજના બીજા વર્ષની પરીક્ષા. પેપર લખતા હતા ધ્રુવભાઇ. સુપરવાઇઝરે બાજુમાં આવી મહેણું માર્યું: 'કાં ભણવાનું કેવું લાગે છે? આખું વર્ષ રખડયાને હવે...?’ ધ્રુવ ભટ્ટે પોતે લખતા હતા તે ઉત્તરવહીનો ડૂચો વાળી સુપરવાઇઝરના હાથમાં આપતાં કહ્યું: 'ભણવાનું આવું લાગે છે’ બસ, તે દિવસથી શિક્ષણ પર પૂર્ણવિરામ ઘરમાંથી મા-બાપ કોઇએ ક્યારેય અટકાવ્યા જ નહીં.
ભારતીય વિદ્યાભવનના એસોસિએટ એડવર્ટાઇઝિંગમાં સેલ્સમેન થયા, તો વળી આઇ.આઇ.એમ. અમદાવાદના કોઓપરેટિવ સ્ટોરમાં ગુમાસ્તા તરીકે કામ કર્યું ધ્રુવભાઇએ. મજા આવતી એમાં પણ. કેટલા બધા લોકો મળે, અંગ્રેજી શીખવા મળે. બે વર્ષમાં નોકરી કરી અને અંગ્રેજી પણ પાકું કર્યું એસ.ટી.માં ક્લાર્ક થયા પણ કામ કંટાળાજનક લાગ્યું. મિત્ર રઘુવીર જાડેજાએ કરમસદ બોલાવી નોકરી અપાવી. ઇન્ટવ્યૂર્‍માં શેઠે કહ્યું: તમને અંગ્રેજી નથી આવડતું... તરત ધ્રુવભાઇ કહે: 'તમે તો અંગ્રેજીની વાત કરો છો, પણ રશિયન તો મને બિલકુલ નથી આવડતું’ બીજે જ દિવસથી સ્ટોર સંભાળવા લાગ્યા.
દિલમાં ઊગતી સૂઝથી બધા ફેરફાર કરે, ગોઠવે, ફેરવે. શેઠ રાજી થયા કે માણસ છે ક્રિએટિવ... ક્રેઇન ચાલક નથી આવ્યો તો બેસી પડે પોતે જ અને ક્રેઇન ચલાવે જીવતા ગયા-શીખતા ગયા. નવું જે કામ મળે તેમાં મજા જ મજા. ત્રેવીસ વર્ષે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે ઇન્વેન્ટરી કન્ટ્રોલ ધ્રુવભાઇના હાથમાં એસ.ટી.ની નોકરી છોડી ત્યારે મોટાભાઇને ધરપત આપેલી કે પંદર દિવસથી વધુ નવરો નહીં બેસું... નથી બેઠા આજ સુધી. કશુંક તો કરે જ. ઝાડ વાવે-રસોઇ કરે-પાણી પાય-ગીત ગાય-ચાલવા લાગે... બસ, આમ જ.
કરમસદમાં નોકરીએથી પાછા વળતાં ઝઘડો કરતા બે છોકરાઓને ટોક્યા, 'કેમ ઝઘડો છો?’ સામે જવાબ મળ્યો: 'તે બીજું શું કરીએ?’ It was a challenge‍. ઘરે આવી શ્રીમતી દિવ્યાને વાત કરી અને એમાંથી શરૂ થઇ ગોષ્ઠિ‌, વાર્તાસભા, પર્યટન... એકવાર છોકરાઓને પૂછ્યું: 'દરિયો જોવો છે?’ 'દરિયે જઇને છ દિવસનો કેમ્પ કર્યો. ડિઝાઇન વગરનો કેમ્પ. જે કંઇ ઇચ્છા થાય તે કરવાનું. રેતીમાં નગર રચના રમીએ. અહીંથી જે મળે તેમાંથી નગરમાં જે હોવું જોઇએ તે બધું અહીં રચવાનું ગળણીમાંથી બાસ્કેટબોલનું મેદાન બન્યું, મુખીનું પાક્કું ને બાકી બધાં કાચાં મકાન બન્યાં, બધું બન્યું પણ કોઇએ નિશાળ ન બનાવી... આ સફરે ધ્રુવ ભટ્ટનું જીવન બદલ્યું. અંદર જોવાની અને અંદરથી જે સ્ફૂરે તે લખવાની ધ્રુવ ભટ્ટને ભેટ મળી અહીંથી...
નેવું વરસના માજી ત્રણ દિવસથી વેણ લઇ બેઠાં’તાં કે અમાસનો દરિયો નહાવો છે, એટલે તેનાં ભાભુને ગાડાંમાં લાવેલા છોકરાઓ. અશક્ત માજીને ધ્રુવભાઇએ કહ્યું: તમે અહીં બેસો. હું ડોલમાં દરિયાનું પાણી ભરી લાવી તમને નવરાવું. ધ્રુવભાઇને અંદરથી કાપી નાખે તેવું વેણ માજી બોલ્યાં: 'દીકરા, દરિયો ડોલમાં નહીં સમાય’ જીવનમાં પહેલીવાર સમજાણું કે આ જીવ દરિયાને મળવા આવેલ છે, દરિયો નહાવા કે પુણ્ય કમાવા નહીં.. ફરતા ગયા, રખડતા ગયા, લોક વચ્ચે જીવતા ગયા. ગિરના ભાલછેલ ગામમાં અડધો સમય વસતા ગયા તેમ તેમ 'સમુદ્રાન્તિકે’, 'તત્ત્વમસિ’, 'અતરાપિ’, 'અકૂપાર’, 'લવલી પાન હાઉસ’ જેવાં વિરલ સર્જન થતાં ગયાં ધ્રુવ ભટ્ટ દ્વારા. ગીતો ખૂબ રચાયાં. કેટલાંક તો લયબદ્ધ લખાયાં, સ્વરરચના સાથે ઊતરી આવ્યાં. નાની ચોપડી મિત્રોએ બહાર પાડી તો તેમાં કવિ તરીકે પોતાનું નામ લખવા ન દીધું. સંગ્રહને ર્શીષક આપ્યું: 'ગાય તેનાં ગીત...’ તેની પ્રસ્તાવનામાં ધ્રુવ ભટ્ટે એક ગીત લખ્યું:
'તમે ગાયાં આકાશ ભરી પ્રીતે, તે ગીત કહો મારાં કહેવાય કઇ રીતે?
અને આપ્યાં જે દેવકીની રીતે, જે પ્રેમ કરી પામે તે જીતે... તે ગીત કહો મારાં કહેવાય કઇ રીતે?’
જીવનમાં હજુ વીસ વર્ષ મળે તો ધ્રુવ ભટ્ટને ખેડૂત થઇ જવું છે, ને આવતો જન્મ મળે તો તેમને વ્યાધના તારા પર જન્મવું છે... જલદી મનમાં ન ગોઠવાય તેવા ધ્રુવ ભટ્ટ ખરેખર વિશેષતમ છે. '
bhadrayu2@gmail.com
વિશેષ, ભદ્રાયુ વછરાજાની

X
Son and sea not fill in Bucket
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App