તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવીન્દ્રનાથનું અંતરમન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવીન્દ્રનાથનું અંતરમન
રવીન્દ્રનાથ ટાગોરનું દાંપત્યજીવન સાવ અનોખું. લગ્ન પછી મૃણાલિની દેવી ભણે તે માટે રવીન્દ્રએ ઘણા પ્રયત્નો કર્યા. જ્ઞાનદાનંદિનીદેવીએ મૃણાલિની લોરેન્ટો ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસની વ્યવસ્થા ગોઠવી. રવીન્દ્રએ પત્નીને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું પણ તેઓ નિષ્ફળ રહ્યા. મૃણાલિનીદેવીને અભ્યાસમાં જરાય રસ જાગ્યો નહીં. હા, એ એક સારા ગૃહિણી જરૂર બની રહ્યાં. રવીન્દ્ર તેમની પત્નીને લાડથી ‘છુટી’ કહીને બોલાવતા. 

દંપતી વચ્ચેનો પ્રેમ પણ અદ્્ભુત હતો. ઈ.સ. 1890ના અંતભાગમાં રવીન્દ્રનાથે ઈંગ્લેન્ડની બીજીવાર મુલાકાત લીધી. એ સમયે પ્રવાસમાં કવિ સાથે તેમના પરિવારનું કોઈ સભ્ય નહોતું. પ્રવાસના લાંબા વિયોગથી પ્રેરાઇને કવિએ પત્નીને સ્નેહભીના પત્રો લખ્યા. ઈંગ્લેન્ડથી એડન જતાં પત્નીને લખેલા પત્રમાં રવીન્દ્રનાથે લખ્યું છે, સ્વપ્નમાં પણ જ્યારે પત્ની અને  બાળકોની ગેરહાજરી એમને અતિશય સાલતી હતી ત્યારે ઘેર પાછા ફરવાની તીવ્ર ઇચ્છા એમના મનને વિક્ષુબ્ધ કરી દેતી હતી.

બાળકોના ભણતર માટે તેમણે ઘરે જ શિક્ષકોની વ્યવસ્થા કરી. બંગાળી રવીન્દ્રનાથ પોતે જ બાળકોને શીખવતા. તેઓ માનતા કે, મહાભારત અને રામાયણ એ ભારતીય સંસ્કૃતિનાં બે મહાકાવ્યો છે. વળી આપણાં બાળકોને આધ્યાત્મિક જ્ઞાનથી પોષવા આ કાવ્યો શ્રેષ્ઠ છે. પોતાનાં બાળકો પણ આ બંને કાવ્યો સમજે અને અભ્યાસ કરે તેનું તેઓ ધ્યાન રાખતા. ભારતની સાંસ્કૃતિક ધરોહર સાથે બાળકો જોડાયેલાં રહે એવું એ ઇચ્છતા હતા, 

આથી જ એમણે અંગ્રેજીની સાથે સાથે ધર્મગ્રંથોનો પણ અભ્યાસ કરાવ્યો. વળી અઠવાડિયામાં એક દિવસ તેઓ નોકરોને છુટ્ટી આપી દેતા, એ દિવસે ઘરનાં બધાં કામ બાળકોને સોંપી દેતા, જેથી તેઓ જાત-જાતનાં કામ શીખી શકે. બાળકોને ભણતરની સાથે ગણતર આપવાની તેમની આ પદ્ધતિ ખૂબ જ અસરકારક રહી. શિલાઇદહમાં પસાર કરેલાં આ ચાર વર્ષ દરમિયાન બાળકો સાથેના સહવાસથી જ તેમને શિક્ષણ સંસ્થા ઊભી કરવાનો વિચાર જન્મ્યો. 

ભારતીય આદર્શોને અનુરૂપ એક એવી સંસ્થાનું નિર્માણ કરવું જે શિક્ષણની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય. તેમણે શાંતિ નિકેતનની સ્થાપના કરી અને પરિવાર સાથે ત્યાં જ આવીને વસ્યા, પરંતુ શાંતિ નિકેતનમાં આવ્યા પછી કવિના પરિવારમાં શાંતિ બહુ લાંબા સમય ન ટકી. મૃણાલિનીદેવી એક ગંભીર બીમારીમાં પટકાયાં. મૃણાલિનીદેવીએ થોડા સમયમાં જ શરીર છોડી દીધું. પત્નીનાં મૃત્યુ પછી થોડા સમયમાં જ તેમની વહાલસોયી દીકરી રેણુકાનું મૃત્યુ થયું. 

કવિએ રેણુકાના પતિનાં બીજાં લગ્ન કરાવ્યાં, પણ તેનુંય થોડા સમયમાં મૃત્યુ થયું. રવીન્દ્રનાથના બીજા પુત્ર શમીન્દ્રનાથ કોલેરાની બીમારીમાં મૃત્યુ પામ્યા. તેમની સૌથી મોટી પુત્રી મધુરીલતાનાં લગ્ન એક વકીલ સાથે કર્યાં, પણ મધુરીલતાનું મૃત્યુ પણ ખૂબ નાની વયે થયું. એ અરસામાં કવિના પિતા દેવેન્દ્રનાથે પણ વિદાય લીધી. એક પછી એક પરિવારના સભ્યોનાં મોત અને તેમના જીવનની આવી મુશ્કેલીઓ જોઈને કોઈ પણ વ્યક્તિ હૃદયથી ભાંગી પડે, 

જીવન જીવવાનો આત્મવિશ્વાસ વેરવિખેર થઈ જાય, ઈશ્વર પરની શ્રદ્ધા ડગમગી જાય. રવીન્દ્રનાથનું અંતરમન અત્યંત કોમળ હતું છતાં એમનું આત્મબળ મજબૂત હતું. તેમના સૌથી નાના અને લાડકવાયા દીકરાના મોતની પીડાને વર્ણવતાં લખ્યું, ‘તેની અંતિમ ઘડી આવી પહોંચી હતી. નીબીડ અંધકારમાં વીંટળાઈને, હું બાજુના ઓરડામાં સાવ એકલો બેઠો હતો. અસ્તિત્વના હવે પછીના તબક્કામાં પૂર્ણ શાંતિથી તે પહોંચે. 

પૂરા યોગક્ષેમ સાથે આ વિશ્વમાંથી તે વિદાય થાય તે માટે હું પ્રાર્થના કરી રહ્યો હતો. મારી ચેતના ઉપર અવકાશમાં ઉડ્યન કરી તરવરી રહી હતી. નહોતો ત્યાં પ્રકાશ, નહોતો ત્યાં અંધકાર હતી ત્યાં માત્ર ગહન શાંતિ.’ 
અન્ય સમાચારો પણ છે...