નારીશક્તિ આંદોલનના મશાલચી બાબાસાહેબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારીશક્તિ આંદોલનના મશાલચી બાબાસાહેબ
બંધારણની રચના સમયે પણ અસ્પૃશ્યો તેમજ નારીસમાજના હિતને લઇને બાબાસાહેબ ચિંતિત છે તથા તેઓ આ સૌના પ્રહરી છે તે પ્રતિત થાય છે. બાબાસાહેબે બંધારણના ઘડવૈયા તરીકે બંધારણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરીને તેઓ સામાજિક ન્યાય, સ્વતંત્રતા, સમાનતાના પક્ષધર હતા તેમ સાબિત કરી આપ્યું.

બંધારણમાં મૂળભૂત અધિકારો (ભાગ-૩: કલમ ૧૨ થી ૩૫) અંતર્ગત સમાનતાના અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમાનતાના આ અધિકારને બાબાસાહેબે બંધારણનો આત્મા કહ્યો છે કારણ કે આ અધિકારને કારણે ભાષાવેશ, પ્રાંતભેદ, લિંગભેદ અને જાતિપ્રથા જેવા ભેદભાવો નષ્ટ થાય છે. જે તેમના અંત:ભાવનું પ્રતિબિંબ પણ છે. તેમજ તેઓને વિશ્વાસ હતો કે આ અધિકારથી બંધુત્વની ભાવના વિકસિત થશે.

જેથી દેશની એકતા અને અખંડિતતા જળવાશે. માત્ર આ એક જ અધિકારથી તેમની દીર્ઘદૃષ્ટિ ઉપરાંત તેમના અંત:કરણમાં રહેલી ઉત્કૃષ્ટ અને પ્રબળ રાષ્ટ્રભાવના પણ પ્રતિપાદિત થાય છે. તેમણે કહ્યું કે, ‘મારા માટે પહેલાં પણ દેશ અને પછી પણ દેશ.’ આ સમાનતાના અધિકાર દ્વારા બાબાસાહેબે અસ્પૃશ્યો તેમજ સમસ્ત મહિલા સમાજને સ્વતંત્રતા, સામાજિક ન્યાય અને કાયદારક્ષિત સમાનતા અપાવવા પણ સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.

જે અંતર્ગત સાબિત થાય છે કે ભારતીય મહિલા પણ દેશની સ્વતંત્ર નાગરિક છે. તેને પણ વાણીની અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. તેને શિક્ષણનો અધિકાર છે. તે સમગ્ર દેશમાં વિના રોકટોક ભ્રમણ કરી શકે છે. તે સરઘસ કાઢી શકે છે તથા સંગઠન પણ રચી શકે છે. તેને સર્વ પ્રકારના ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આર્થિક અધિકાર છે. તેને જાહેરસેવા, સરકારી કે ખાનગી સંસ્થામાં નોકરી કે પદ માટે સમાન તક અને સમાન વેતનનો અધિકાર છે.

તેને શોષણ સામેનો પણ અધિકાર પ્રાપ્ત છે. મહિલાઓને આ બંધારણીય અધિકાર આપીને પણ તેમને સંતોષ નહોતો થયો. આથી તેમણે મહિલા કામદારોના અધિકારો અને હિતોની રક્ષા માટે સતત ઝુંબેશ ચલાવી હતી. મહિલા કામદારોને પ્રસૂતિ સમયે વધારાની આર્થિક સહાય અને પૂરા વેતન સાથેની લાંબી રજા મળે તે માટે સરકાર અને ઉદ્યોગપતિઓને ફરજ પાડી હતી. ડૉ. બાબાસાહેબ મહિલાઉત્થાનના પ્રખર હિમાયતી હતા. એ ઇચ્છતા હતા કે નારી સ્વયં પોતાની શક્તિ અને સાહસને ઓળખી અસ્પૃશ્યતા જેવી સમસ્યા ઉકેલવામાં મદદરૂપ બને.

એમણે ૧૯૨૭માં મહાડ સત્યાગ્રહ સમયે મહિલા સત્યાગ્રહીઓને સંબોધતાં કહ્યું: ‘તમારામાં સાહસ અને હિંમત છે. જે રીતે ગૃહસ્થીમાં સ્ત્રીપુરુષ સાથે મળીને સમસ્યાઓને ઉકેલે છે, એ જ રીતે સમાજગૃહસ્થીની સમસ્યા પણ સ્ત્રીપુરુષે સાથે મળીને ઉકેલવી જોઇએ! એકલા પુરુષો જ આ જવાબદારીને પોતાના ખભે ઉઠાવશે તો જરૂર ઘણો સમય લાગશે, પરંતુ આ જવાબદારીમાં મહિલાઓ પણ સહાયરૂપ બને તો પુરુષ જલદી સફળ થશે.’ બાબાસાહેબે મહિલાઓ પાસે એવી પણ અપેક્ષા રાખી કે તે પોતાની દીકરીઓને પણ ભણાવે. એમણે કહ્યું, ‘તમારે તમારી પુત્રીઓને પણ ભણાવવી જોઇએ. જ્ઞાન અને શિક્ષણ માત્ર પુરુષને માટે જ નથી, સ્ત્રીઓ માટે પણ છે. તમારી ભાવિ પેઢીને સુધારવા માગતા હોવ તો તમારે તમારી પુત્રીઓને ભણાવવી જ જોઇએ.’
 
અન્ય સમાચારો પણ છે...