તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવિનું લગ્નજીવન અને મૃત્યુની પરંપરા....

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવીન્દ્રએ બાળપણથી જ જીવનમાં મૃત્યુની કરુણતા નજીકથી નિહાળી હતી. દરેક મૃત્યુ સાથે તેમણે ખૂબ જ સહજતા કેળવી લીધી હતી
રવીન્દ્રનાથ ઠાકુરના પરિવારમાં બાળવિવાહની પરંપરા હતી. દાદા દ્વારકાનાથ ઠાકુરનાં લગ્ન ૧પ વર્ષની ઉંમરે માત્ર છ વર્ષની કન્યા સાથે થયેલાં, પિતા દેવેન્દ્રનાથ ઠાકુરનાં લગ્ન ૧૭ વર્ષની ઉંમરે ૬ વર્ષની કન્યા સાથે થયાં હતાં. રવીન્દ્રના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથનાં લગ્ન ૧૮ વર્ષે ૧૦ વર્ષની કન્યા સાથે, ૧પ વર્ષના સત્યેન્દ્રનાથનાં લગ્ન ૮ વર્ષની કન્યા સાથે, ૧૯ વર્ષના જ્યોતિરીન્દ્રના ૯ વર્ષની કન્યા સાથે થયાં હતાં. જોકે આ બધામાં રવીન્દ્રનાથ એક જ યોગ્ય ઉંમરે પરણ્યા એમ કહી શકાય પરંતુ તેમનાં લગ્ન માત્ર ૧૦ વર્ષની કન્યા સાથે કરવામાં આવ્યાં હતાં.
રવીન્દ્રનાથે પણ પોતાના પુત્ર-પુત્રીઓનાં લગ્ન સગીરવયે કર્યાં હતાં. આમ તો રવીન્દ્ર પોતે બાળવિવાહ અને તેનાથી ઊભી થતી મુશ્કેલીઓથી સભાન હતા. પરંતુ તેમના પરિવારની વર્ષોની પરંપરા, તેમના પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવાના હેતુથી કદાચ આ અંગે વિરોધ કરવાનો ટાળ્યો, પણ પછીથી એમણે બાળવિવાહથી ઊભી થતી મુશ્કેલીઓને લઈને પોતાના વિચારો ‘નષ્ટ-નીડ’ અને ‘ચોખેરબાલી જેવી કથાઓમાં વ્યક્ત કર્યા હતા.

રવીન્દ્રનાથ એક પ્રેમાળ પતિ અને ખૂબ જ આદર્શ પિતા હતા, પરંતુ સમયાંતરે થયેલાં સંતાનોનાં મૃત્યુ, તેમના આનંદમય લગ્નજીવનનાં ડરામણાં સ્વપ્ન બની રહ્યાં. ડિસેમ્બર ૯, ૧૮૮૩ના દિને રવિનાં લગ્ન ભવતારિણી દેવી સાથે થયાં. તેમના પરિવારની એક પ્રથા અનુસાર તેમનાં પત્ની ભવતારિણીદેવીને સાસરે આવ્યા પછી મૃણાલિની દેવી એવું નવું નામ આપવામાં આવ્યું. લગ્ન પછી મૃણાલિની દેવી શિક્ષિત બને તે માટે રવીન્દ્રએ ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ તેઓ એક સારા ગૃહિણી બની રહ્યાં. રવીન્દ્રનાથ પત્નીને લાડથી ‘છૂટી’ કહીને બોલાવતા. દંપતી વચ્ચેનો પ્રેમ પણ અદ્્ભુત હતો.

ઈંગ્લેન્ડથી એડન જતાં પત્નીને લખેલા પત્રમાં રવીન્દ્રએ લખ્યું છે કે, સ્વપ્નમાં પણ જ્યારે પત્ની અને બાળકોની ગેરહાજરી એમને અતિશય સાલતી હતી ત્યારે ઘેર પાછા ફરવાની તીવ્ર ઈચ્છા એમના મનને વિક્ષુબ્ધ કરી દેતી હતી.

બાળકોના અભ્યાસ માટે તેમણે ઘરે જ શિક્ષકોની વ્યવસ્થા કરી હતી. બંગાળી રવીન્દ્રનાથ પોતે જ બાળકોને શીખવતા. તેમણે શાંતિનિકેતનની સ્થાપના કરી અને પરિવાર સાથે ત્યાં જ આવીને વસ્યા, પરંતુ શાંતિનિકેતનમાં આવ્યા બાદ કવિના પરિવારમાં શાંતિ બહુ લાંબા સમય માટે રહી નહીં. મૃણાલિનીદેવી ગંભીર બીમારીમાં સપડાયાં અને થોડા સમયમાં જ શરીર છોડી દીધું.

પત્નીનાં મૃત્યુ બાદ થોડા જ સમયમાં જ તેમની ખૂબ વહાલી દીકરી રેણુકાનું મૃત્યુ થયું. રવીન્દ્રનાથના બીજા પુત્ર શમીન્દ્રનાથ કોલેરાની બીમારીમાં મૃત્યુ પામ્યા. તેમની સૌથી મોટી પુત્રી મધુરીલતાનાં લગ્ન એક વકીલ સાથે કરવામાં આવ્યાં હતાં પણ મધુરીલતાનું મૃત્યુ પણ નાની વયે થયું હતું. નાની પુત્રી મીરાં તેના લગ્નજીવનમાં દુ:ખી હતી. ૧પ વર્ષના લગ્નજીવન બાદ તેના છૂટાછેડા થયા. આવી અનેક દુ:ખદ ઘટનાઓ અને મુશ્કેલીઓ ચાલી રહી હતી એ અરસામાં કવિના પિતા દેવેન્દ્રનાથે પણ જીવનથી વિદાય લીધી.
એક પછી એક પરિવારના સભ્યોનાં મોત અને જીવનની આવી મુશ્કેલીએ રવીન્દ્રનાથને ભીતરથી હચમચાવી દીધા. અંતરમન અત્યંત કોમળ હતું છતાં એમનું આત્મબળ મજબૂત હતું. રવીન્દ્રએ બાળપણથી જ જીવનમાં મૃત્યુની કરુણતા નજીકથી નિહાળી હતી. દરેક મૃત્યુ સાથે તેમણે ખૂબ જ સહજતા કેળવી લીધી હતી.
અન્ય સમાચારો પણ છે...