તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીજીના જીવનમંત્રનો એક અંશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીજીનો જીવનમંત્ર હતો–
ઈદં શરીરં પરમાર્થસાધનમ્।
આ શરીર પરમાર્થ સાધના માટે છે.
ગાંધીજીને એક એવો સમાજ જોઈતો હતો, જેમાં કોઈ ભૂખ્યું ન હોય, દુઃખી ન હોય, બેકાર ન હોય, ભયગ્રસ્ત ન હોય, જડ ન હોય, વહેમી ન હોય, બેઘર ન હોય કે નિર્વસ્ત્ર ન હોય

આ મહામાનવે સ્વતંત્રતાની આહલેક જગાવી. સ્વરાજ્યનો મંત્ર ફૂંક્યો. સમગ્ર ભારતની જનતામાં ચેતનાનો ભાવ જગાડ્યો. ‘સ્વતંત્રતા’ના સ્વપ્નને સાકાર કરવા જનતા બેઠી થઈ, ઉદ્યત બની અને ગાંધીજીએ ચીંધેલા માર્ગે ચાલવા માંડી. કંઈક એવું સત્ત્વ-તત્ત્વ હતું આ મહામાનવમાં જેના સ્પર્શનો અનુભવ સમગ્ર જનસમાજે કર્યો. એ દૃષ્ટા હતો જે દૂરનું જોઈ શકતો હતો. એ Visionary હતો.

જોનાથન સ્વિફ્ટ નામના ચિંતકે કહ્યું છે– Vision is the art of seeing.
What is invisible to others. ગાંધીજીએ પોતાની આત્મકથામાં ‘એક ચમત્કારિક પુસ્તકનો પ્રભાવ’ મથાળા હેઠળ રસ્કિનના ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકની વાત કરી છે. દક્ષિણ આફ્રિકામાં 1904માં જ્હોન રસ્કિનનું આ પુસ્તક ગાંધીજીના હાથમાં આવે છે ને એક જ બેઠકે પૂરું કરે છે. આ પુસ્તકે ગાંધીજીના જીવનમાં પરિવર્તન આણ્યું ને એના સારરૂપે તેમણે ત્રણ સિદ્ધાંત તારવ્યા– 1. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. 2. વકીલ તેમ જ વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક્ક બધાને એકસરખો છે. 3. સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

જ્હોન રસ્કિને બાઈબલમાં સેન્ટ મેથ્યૂમાં આવતી એક કથાના આધારે આ પુસ્તક લખ્યું છે. ગાંધીજીએ એને માટે ‘સર્વોદય’ શબ્દ યોજ્યો ને કહ્યું કે તેનો પ્રારંભ અંત્યોદયથી થાય.
એક મહત્ત્વનો સિદ્ધાંત ‘સાંકળની શક્તિ એની સૌથી નબળી કડી જેટલી હોય છે.’ આ સિદ્ધાંત બાપુના પ્રત્યેક આચરણમાંથી અભિવ્યક્ત થતો હતો.

‘ઇન્ડિયન ઓપિનિયન’માં એમણે નીચેના વિચારો પ્રગટ કર્યા: ‘મુખ્ય અડચણ કેળવણીનો ખરો અર્થ સમજવાની ખામી એ છે. આ જમાનામાં જેમ જમીનના કે શેરના ભાવ તપાસીએ છીએ, તેમ કેળવણીની કિંમત કરીએ છીએ. છોકરો વધારે કમાણી કરી શકે એવી કેળવણી આપવાને માગીએ છીએ. છોકરો સારો કેમ થાય એ વિચાર બહુ નથી કરતા. છોકરી કાંઈ કમાણી નથી કરનારી, એટલે તેને કેળવણીની જરૂર શી? આવો વિચાર જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે કેળવણીની કિંમત સમજવાના નથી.’

ગાંધીજી માનતા હતા કે, ‘કેળવણી એટલે બાળક કે મનુષ્યનાં શરીર, મન અને આત્મા જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા. અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તેમ તેનો આરંભ પણ નથી. હું તો બાળકની કેળવણીનો આરંભ તેને કંઈક ઉપયોગી હાથ-ઉદ્યોગ શીખવીને અને તેની કેળવણીનો આરંભ થાય તે ક્ષણથી એને કંઈક નવું સર્જન કરવાનું શીખવીને જ કરું.’

ગાંધીજીને તો એક એવો સમાજ જોઈતો હતો, જેમાં કોઈ ભૂખ્યું ન હોય, દુઃખી ન હોય, બેકાર ન હોય, ભયગ્રસ્ત ન હોય, જડ ન હોય, વહેમી ન હોય, બેઘર ન હોય કે નિર્વસ્ત્ર ન હોય. માનવીને ‘માનવ’ બનાવે એવી કેળવણીના તેઓ હિમાયતી હતા.
અન્ય સમાચારો પણ છે...