તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકકલ્યાણ માટે વીર માયાનું બલિદાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક હજાર વર્ષ પૂર્વેની ઐતિહાસિક ઘટના. પાટણ પંથકની પ્રજા પાણી વિના ટળવળતી હતી ત્યારે એ પ્રજા તરસી ના મરે એ માટે કહેવાતી અસ્પૃશ્ય જાતિના એક બત્રીસ લક્ષણા પરાક્રમી યુવાને પોતાના પ્રાણની આહુતિ આપી હતી. કનૈયાલાલ મુનશીએ લખેલા ‘ચક્રવર્તી ગુર્જરો’ પુસ્તકમાં સહસ્ત્રલિંગ તળાવ અને જસમા ઓડણના ઉલ્લેખો છે. ઇતિહાસના પાને ઇરાદાપૂર્વક નહીં નોંધવામાં આવેલી આ ઘટના એવી છે કે પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહે પાટણીની પ્રજાને પીવાનું પાણી મળે એ માટે શહેરની બહાર તળાવ ખોદાવવાનું શરૂ કર્યું. કહે છે કે ઓડ જાતિના લોકો સહસ્ત્રલિંગ તળાવ ખોદતા હતા.
વીર માયા કોઈ સામાન્ય યુવાન નહોતો ત્યારે જ તો એણે રાજાની સામે અસ્પૃશ્યોના પ્રશ્નો ઉઠાવ્યા હશે. સ્વયં ડૉ. આંબેડકરે પણ આ ઐતિહાસિક ઘટનાની નોંધ લીધી છે
એ સમયે માળવા પ્રદેશથી તળાવ ખોદવા આવેલા સેંકડો ઓડ મજૂરોમાં એક સ્વરૂપવાન યુવતી જસમા પણ હતી. રાજા સિદ્ધરાજની નજર બગડી. જસમાના અંતરમાંથી પીડા નીકળી. રાજાને કીધું તારા તળાવમાં પાણી નહીં ટકે. જસમાના શાપથી સહસ્ત્રલિંગમાં પાણી નહોતું ટકતું. રાજાએ પાણી ટકે એ માટે બધા પ્રયત્નો કરી જોયા પણ તળાવ સુક્કુંભઠ્ઠ. અંતે જોશીની સલાહ લેવામાં આવી. જોશીએ કહ્યું કે: ‘કોઇ બત્રીસ લક્ષણા પુરુષનો ભોગ અપાય તો પાણી ટકે!’ બત્રીસ લક્ષણા તો આવડા મોટા રાજમાં ઘણા હોય પણ પોતાનો જીવ આપવા કોણ તૈયાર થાય? ત્યારે માયા નામના એક અસ્પૃશ્યે પાણી વગર ટળવળતા હજારો માણસો અને અબોલ પશુ-પંખીઓની તરસ છિપાવવા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.

બલિદાનના બદલામાં સિદ્ધરાજે માયા પાસે પોતાના કુટુંબ માટે કંઇક સુખ-સંપત્તિ માંગવાનું કહ્યું ત્યારે એણે ‘સ્વ’ કરતા સમાજ માટે માગ્યું. આભડછેટ અને અન્યાયની યાતના ભોગવતા અસ્પૃશ્યને ન્યાય મળે અને એની સાથે સમતાનો વ્યવહાર થવો જોઇએ એવી માગણી કરી. એ સમયે પણ વિકૃત આભડછેટ હતી. અસ્પૃશ્યોને નગર કે ગામથી દૂર રહેવું ફરજિયાત હતું. તેઓ દૂરથી ઓળખાય એટલા માટે માથે કાચું સૂતર બાંધવું પડતું અને હરણનાં શીંગડાં કેડે લટકાવતા.

માયાએ પણ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જેમ જ પોતાના પરિવારનું નહીં પરંતુ પોતાના સમસ્ત સમાજનું હિત જોયું. માયાએ મરતી વેળાએ રાજા પાસે માગ્યું કે: ‘મારા બલિદાનના અત્યંજો ઉપર હવેથી ગામ બહાર વસવાનો અને જુદા પોશાક પહેરવાનો બળાત્કાર કરશો નહીં. એમને બાકીના સમાજની વચ્ચે વસવા દેજો.’ રાજાએ માયાની વાત માન્ય રાખી.

વીર માયા કોઈ સામાન્ય યુવાન નહોતો ત્યારે જ તો એણે રાજાની સામે અસ્પૃશ્યોના પ્રશ્નો ઉઠાવ્યા હશે. સ્વયં ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ આ ઐતિહાસિક ઘટનાની નોંધ લીધી છે. એમણે ‘મૂકનાયક’માં (અંક 17, 25 સપ્ટેમ્બર, 1920) લખેલું, ‘લગભગ એક હજાર વર્ષ પહેલાં પાટણ ગુજરાતની રાજધાની હતું ત્યાં રાજાએ ‘સહસ્રલિંગ’ નામનું તળાવ બંધવાનું શરૂ કર્યું પરંતુ તળાવમાં પાણી ટકતું નહોતું ત્યારે ધર્માચાર્યોની સૂચના પ્રમાણે રાજાએ કોઈનો બલિ ચડાવવાનો નિશ્ચય કર્યો.
બલિ માટે ‘માયા’ નામના એક યુવાને તૈયારી બતાવી તેને બલિ માટે લાવવામાં આવ્યો. તેનું મસ્તક કાપતા પહેલાં તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી ત્યારે માયાનું હૃદય ભરાઈ આવ્યું અને તેણે કહ્યું મહારાજ મારું આ નશ્વર શરીર સાર્વજનિક હિતના કામમાં આવી રહ્યું છે તેથી મને આનંદ છે. પરંતુ હું એટલું જ માગું છું કે મારા જાતિબંધુઓને હજુ સુધી નગરો અને ગામોથી દૂર રહેવું પડે છે. તેમની પછાતપણાની ઓળખ સમા અલગ વસ્રો ધારણ કરવાં પડે છે. આથી ભવિષ્યમાં તેમની સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ અને તેમને નગર અને ગામમાં રહેવાની પરવાનગી આપવામાં આવે આ વિનંતીને રાજાએ માન્ય રાખી અને માયાએ સ્વજનો માટે આનંદથી પ્રાણ ત્યાગી દીધા.’

માયાના બલિદાનનો સંપૂર્ણ ઇતિહાસ આપણને મળે છે. માયાના બલિદાન પછી તરત રચાયેલી ‘માયાવેલ’ માં માયાના બલિદાનની સાલ નોંધતા એના રચયિતા કહે છે: ‘સંવત અગિયારસો, ચોરાણુની સાલમાં અજવાળી સાતમને માઘ માસ- અણહિલપુર પાટણે હોમાણો માયવો, સરવર છલકાણાં લેગ માથે...’ એકસો ચાર લીટીમાં વણાયેલ ‘માયાવેલ’માં માયાનું જીવન અને સમયનો ઇતિહાસ છતો થાય છે. ઇતિહાસકારો આ ઘટના અંગે સંપૂર્ણ મૌન છે.

હા, ગાયકવાડના શાસન સમયે આ ઘટનાની નોંધ જરૂર ઇતિહાસના પાને લેવાઇ હતી. સાહિત્યકાર ડૉ. દલપત શ્રીમાળીએ ‘હરિજન સંતો અને લોકસાહિત્ય’ વિષય પર એક ખૂબ અભ્યાસપૂર્ણ સંશોધન ગ્રંથ લખ્યો છે. એમણે માયા વિશે લગભગ દોઢસો પાનાં લખ્યાં છે. એમાં આપેલી માયા વિશેની ઐતિહાસિક માહિતી માયાના બલિદાનને સ્વયં સ્પષ્ટ કરે છે. દલપત શ્રીમાળીના કહેવા મુજબ: મહારાજા ગાયકવાડે ૧૮૬૩માં વિદ્વાનો અને નિષ્ણાત ઇતિહાસકારો દ્વારા વડોદરા રાજ્યનો ઇતિહાસ તૈયાર કરાવ્યો હતો. એ ઇતિહાસ શાળાઓમાં ભણાવાતો. ૧૯૧૬માં સર મનુભાઇ દીવાન તરીકે નિમાયા. પ્રખ્યાત નવલકથાના લેખક નંદશંકરના તે પુત્ર.
એ સમયના કેટલાક જાતિવાદની સંકુચિત માનસના અધિકારીઓએ ‘વડોદરા રાજ્યના ઇતિહાસ’ માંથી ‘સતીનો શાપ અને માયાનું બલિદાન’ પ્રકરણ કાઢી નાખવા વિદ્યાધિકારી સમક્ષ નોંધ મૂકેલી. વિદ્યાધિકારીએ એ ફાઇલ મનુભાઇ સમક્ષ મૂકી ત્યારે તેમણે ફાઇલ પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું: ‘ઇતિહાસ એ કાલ્પનિક કથાવસ્તુ નથી. સોલંકીયુગના ઇતિહાસમાંથી સતી જસમાનો શાપ અને અત્યંજ માયાના બલિદાનને કાઢી નાખવામાં આવે તો એ વિકૃત કરેલી સોલંકીયુગની દંતકથા હશે, ઇતિહાસ નહીં. ઇતિહાસની મારી અનેક ચકાસણીમાંથી જસમા અને માયા પાર ઊતર્યાં છે. માયાનું બલિદાન સત્ય છે, અને તે વડોદરા રાજ્યના ઇતિહાસમાં જેમ છે તેમજ રહેશે અને ભણાવાશે.’ પછી તો એ ઇતિહાસ વડોદરા રાજ્યની શાળાઓમાં ભણાવાતો રહ્યો.

વીર પુરુષો અમર છે! સમય-કાળ આવા પુરુષોની યાદને ભૂંસી શકતો નથી. આજે પણ પાટણના સહસ્ત્રલિંગ તળાવ પાસેની માયા ટેકરી, જ્યાં એનું બલિદાન લેવાયું હશે ત્યાં ભવ્ય સ્મારક એ વીર પુરુષની યાદમાં ઊભું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો