વિવાદનું બીજું નામ સેન્સર બોર્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવાદનું બીજું નામ સેન્સર બોર્ડ

એક મન કી બાત કહું, આપ કેરેક્ટર અચ્છા બના લેતે હો’. આ સંવાદ છે અમદાવાદ સ્થિત નાટ્યકાર-ફિલ્મકાર દક્ષિણ બજરંગેની ફિલ્મ ‘સમીર’નો. દક્ષિણ બજરંગે નાટકની દુનિયાનું જાણીતું નામ છે, તેમણે સર્જેલી બુધન થિયેટર મૂવમેન્ટની દેશ-વિદેશમાં નોંધ લેવાઈ છે. કસ્ટોડિયલ ડેથ સહિત વિચરતી જાતિના ઈસ્યુ પર આધારિત તેમનાં નાટકો દર્શકોની વિચારપ્રક્રિયાને આંદોલિત કરી જાય તેવાં સક્ષમ હોય છે. હવે તેઓ પહેલીવાર ‘સમીર’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે, જે અમદાવાદમાં 2011માં થયેલા બૉમ્બબ્લાસ્ટ પર આધારિત છે.

હિન્દી ભાષામાં બનેલી આ ફિલ્મમાં ‘બેન્ડિટ ક્વીન’ ફેમ સીમા બિશ્વાસ અને ‘રઈસ’માં શાહરુખના દોસ્તની ભૂમિકા નિભાવનાર મોહમ્મદ ઝિશાનની મુખ્ય ભૂમિકા છે. વિવાદાસ્પદ નાટકો બનાવવા માટે જાણીતા દક્ષિણ બજરંગેની આ ફિલ્મ પણ વિવાદમાં સપડાઈ છે. વાત એમ છે કે ભારતીય સેન્સર બોર્ડને ઉપરના સંવાદમાં વપરાયેલા ‘મન કી બાત’ શબ્દ સામે વાંધો પડ્યો છે અને એટલે તેમણે ફિલ્મમાંથી આ શબ્દ કાઢી નાખવા માટે કહ્યું છે, કારણ કે આ નામથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ ચાલે છે. આ સિવાય ફિલ્મમાં થર્ડ ડિગ્રી રિમાન્ડ દરમિયાન કેટલીક ગાળો પણ કાઢી નાખવા કહેવામાં આવ્યું છે.

..પણ...પણ ફિલ્મના દિગ્દર્શક દક્ષિણ બજરંગે આ માટે તૈયાર નથી અને તેઓ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. પહલાજ નિહલાની સવા બે વર્ષ પહેલાં સેન્સર બોર્ડના ચેરમેન બન્યા ત્યારથી ભાગ્યે જ કોઈ મહિનો એવો ગયો હશે કે સેન્સર બોર્ડના નામનો કોઈ વિવાદ ઊભો ના થયો હોય. ચેરમેન બન્યાના ગણતરીના દિવસોમાં જ તેમણે ફિલ્મમાં ના વાપરવા જોઈએ તેવા કેટલાક શબ્દોનું લિસ્ટ આપ્યું ત્યારથી લઈને ‘ઉડતા પંજાબ’ અને ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ જેવી ફિલ્મોને તેમણે આપેલા કટને લઈને ખૂબ હોબાળો થયો હતો.

એટલે સુધી કે તેમણે તો આ વર્ષની ઓસ્કર વિનર ફિલ્મ ‘મૂનલાઈટ’ને પણ નથી છોડી. તેમાં પણ 53 સેકન્ડના ક્ટ્સ આપ્યા હતા. આ બધામાં અનુરાગ કશ્યપની ‘ઉડતા પંજાબ’નો વિવાદ બહુ ગાજેલો, કારણ કે તેમાં અધધધ... કહેવાય એટલા 94 જેટલા ક્ટ્સ આપેલા અને ફિલ્મના નામમાંથી પંજાબ શબ્દ પણ કાઢી નાખવા કહેલું, જોકે આની સામે અનુરાગ આણિ કંપની કોર્ટે ચઢી અને કોર્ટે માત્ર એક ક્ટ્સ અને ડિસ્ક્લેમર મૂકીને ફિલ્મ રિલીઝ કરવા દેવાનો ચુકાદો આપેલો.

સવાલ એ છે કે ફિલ્મમેર્ક્સને અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલી હોવી જોઈએ? તે લોકો જે ઈચ્છે તે દર્શાવી શકે. ના. આપણા ભારત દેશની એકતા, અખંડિતતા, સલામતી કે સાર્વભૌમત્વને નુકસાન થાય તેવી કોઈપણ બાબત ફિલ્મમાં દર્શાવી શકાતી નથી. આ સિવાય કોમી તણાવ વધે કે અન્ય દેશ સાથેના સંબંધોને અસર કરે તેવી પણ કોઈ બાબત દર્શાવી શકાતી નથી. આ બધું તો ચાલો બરાબર છે, ન જ દર્શાવી શકાય. પણ આ સિવાય અશ્લીલતા અને વધારે પડતી હિંસા પણ ન દર્શાવી શકાય. અને જો દર્શાવવું જ હોય તો તેને એડલ્ટ એટલે કે ‘એ’ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે ફિલ્મ માત્ર પુખ્તવયના લોકો જ જોઈ શકે છે.

હવે આ બાબત સાપેક્ષ છે એટલે કે 20 વર્ષ પહેલાં કરતાં આજની ફિલ્મમાં હીરો-હિરોઈન વચ્ચે વધુ બોલ્ડ દૃશ્યો જોવા મળે છે. મારધાડની ઈન્ટિન્સિટી પણ વધુ જોવા મળે છે. પણ આ બાબતનો ક્યાંક અંત તો હોવો જોઈએ ને! કારણ કે દરેક  મેકર્સને તો જેટલી અભિવ્યક્તિની આઝાદી હોય તેટલી ઓછી જ લાગતી હોય છે. જેમ કે કોઈ એક મેકરે ફિલ્મમાં ચાર-પાંચ ગાળો રાખી હોય અને સેન્સર બોર્ડે તે પાસ કરી હોય તો બીજો મેકર્સ આગળની ફિલ્મમાં 20-25 ગાળો રાખશે. કોઈ એનાથી પણ આગળ જાય એટલે કોઈ એક તબક્કે તો તેના પર રોક લગાવવી જરૂરી છે જ.

અને જ્યારે રોક લાગે ત્યારે જેની ફિલ્મ અટકાવાય તેના મેકર્સને એવું લાગે કે મારી સાથે અન્યાય થયો છે. બીજી ફિલ્મમાં તો આવું છે જ. એટલે જ શ્યામ બેનેગલે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘સેન્સરશિપની સમસ્યાનું કોઈ કાયમી સમાધાન નથી.’ છતાં...છતાં... સુપ્રીમ કોર્ટના જણાવ્યાનુસાર ‘ફિલ્મ સેન્સરશિપ આવશ્યક  છે, કારણ કે તે લોકોના વિચાર-વર્તનને પ્રભાવિત કરે છે.’