તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાહરુખે બીજી ઈનિંગ શરૂ કરી દીધી કે શું?!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમ તો તેની પહેલી ઈનિંગનો પણ અંત નથી આવ્યો, પણ લાગે છે કે ઉંમર મુજબના રોલ (ડિયર જિંદગી ફેમ) સ્વીકારીને તેણે ચૂપચાપ બીજી ઈનિંગ શરૂ કરી દીધી છે
શાહરુખ ખાનને અમદાવાદની હયાત હોટલમાં મળવાનું બનેલું. સામાન્ય રીતે તો આ લેવલના ફિલ્મસ્ટાર્સ ઈન્ટરવ્યૂ માટે જલદી હાથમાં આવતા નથી, પણ જ્યારે તેમની કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી હોય ત્યારે હોંશે હોંશે મીડિયાને મુલાકાત આપતા હોય છે. આવી જ રીતે શાહરુખ તેની એક ફિલ્મના પ્રમોશનમાં અમદાવાદ આવ્યો હતો ત્યારે હયાતના રૂમમાં શાહરુખને મળવા રૂમમાં પ્રવેશ્યો ત્યારે તે બિરયાની ખાઈ રહ્યો હતો. અમને (મને અને ફોટોગ્રાફરને) એક સોફામાં બેસવાનું કહ્યા બાદ બિરયાનીની ત્રણ-ચાર ચમચી ખાધી અને પછી પાણી પીને વાત કરવા અમારી સમક્ષ આવીને બેઠો. અત્યંત સાલસતાપૂર્વક ઘણા વિષયો પર વાતો થઈ હતી તેમાંથી તેની બે વાત મને બહુ જ ગમેલી.
એક કે તેણે એવું કહેલું કે ‘તેનાં બાળકો માટે તે સાંતાક્લોઝ છે’. એટલે કે જ્યારે પણ તે મુંબઈ બહાર શૂટિંગ કરવા જાય ત્યારે ત્યાંથી બાળકો માટે જે કંઈ ચીજવસ્તુઓ લાવ્યો હોય તે રાત્રે બાળકોના રૂમની બહાર મૂકી દે છે, પછી સવારે તે અંગે બાળકોની પ્રતિક્રિયા જાણવા આતુર હોય છે. બાળકો સાથેના શાહરુખનો લગાવ જગજાહેર છે. અવારનવાર તેની બાળકો સાથેની તસવીરો મીડિયામાં પ્રકાશિત થતી રહે છે. તાજેતરમાં જ એરપોર્ટ પર અબરામ (શાહરુખનું ત્રીજું સંતાન) તેના ખભે સૂતો હોય તેવી તસવીર આવી હતી.

બીજી વાત તેણે ફિલ્મમેકિંગ વિશે કરેલી કે તેને ફિલ્મની ટેક્નોલોજીને સમજવામાં અને તે વિકસિત કરવામાં તેને ખૂબ જ રસ છે. યાદ રહે કે શાહરુખનો પોતાનો વીએફએક્સનો સ્ટુડિયો પણ છે, જ્યાં ઘણી બધી ફિલ્મોની સ્પેશિયલ ઈફેક્ટ્સ તૈયાર થતી હોય છે. સામાન્ય રીતે કોઈ એક્ટર સફળ થાય તો પછી ફિલ્મનિર્માણ તેમજ દિગ્દર્શનમાં ઝંપલાવે. શાહરુખે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ ફિલ્મનિર્માણ કરવાનું તો શરૂ કર્યું જ છે, પણ આજ સુધી કોઈ ફિલ્મનું દિગ્દર્શન કરવાથી તે દૂર રહ્યો છે, પણ તેની જેમ કોઈ એક્ટરને ફિલ્મ ટેક્નોલોજી બાબતે વાત કરતો જોયો નથી.
તે જાણે છે કે ફિલ્મની લેટેસ્ટ ટેક્નોલોજી જ ભારતીય સિનેમાને એક નવા આયામ પર લઈ જશે. આજે આપણે ભલે ભારતની તમામ ભાષાની થઈને વર્ષની 700-800 ફિલ્મો બનાવતા હોઈએ, પણ ટેક્નોલોજીની બાબતે હોલિવૂડ કરતાં ખૂબ જ પાછળ છીએ અને આ વાત શાહરુખને ખટકે છે. તેની ઈચ્છા તો એવી છે કે કોઈ નવી ટેક્નોલોજી હોલિવૂડમાં શોધાય અને પછી ત્યાં તેના પરથી ફિલ્મ બને, તે ફિલ્મ આપણે જોઈએ, તેનાથી પ્રભાવિત થઈને આપણે બોલિવૂડમાં કોઈ ફિલ્મમાં તેનો ઉપયોગ કરવાનું વિચારીએ તેવું ન થવું જોઈએ. તેના બદલે અહીં કોઈ નવી શોધ થાય અને તેનો ઉપયોગ સૌ પહેલાં બોલિવૂડની ફિલ્મમાં થાય અને ત્યારબાદ હોલિવૂડ તેને અપનાવે તે દિવસ જોવા તે આતુર છે.

તે સમયે તેની સાથે વાત કરતાં લાગ્યું કે શાહરુખ એક એક્ટર તરીકે, ફિલ્મનિર્માતા તરીકે તો સફળ છે જ, પણ ફિલ્મ ટેક્નોલોજી વિશે જાણવાની-સમજવાની તેની આતુરતા એક બાળક જેવી છે, જે દર્શાવે છે કે આજે 52 વર્ષે (જન્મતારીખ : 2 નવેમ્બર, 1965) પણ તેની જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ સતેજ છે. એક એક્ટર તરીકે પણ સફળ થવા માટેની આ પૂર્વશરત જ છે કે તેનામાં નવું-નવું જાણવાની જિજ્ઞાસા જબરજસ્ત હોવી જોઈએ. શાહરુખમાં તે છે અને એટલે જ તે સફળ છે, માત્ર સફળ જ નહીં, સુપર સકસ્સેસર છે.
કોઈપણ વ્યક્તિ જે સફળતા મેળવવવાનાં સપનાં જોતી હોય છે, તે સફળતા તેણે મેળવી લીધી છે. આજે તે બોલિવૂડનો સૌથી વધુ કમાણી કરતો સ્ટાર ગણાય છે. એક સામયિકના રિપોર્ટ મુજબ તે 4 હજાર કરોડથી વધુ સંપત્તિનો આસામી છે અને તેની રોજની આવક 60 લાખ રૂપિયા છે, જે બોલિવૂડમાં સૌથી વધુ છે. જોકે આ કમાણી તેણે માત્ર ફિલ્મોમાંથી કરી છે તેવું નથી. ફિલ્મો ઉપરાંત ઢગલાબંધ કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરેલી કમાણીનું યોગ્ય રોકાણ કરીને 4 હજાર કરોડ જેટલી સંપત્તિનું સર્જન કર્યું છે. કહેવાય છે કે શાહરુખ એક સારો એક્ટર હોવા ઉપરાંત એટલો જ સારો બિઝનેસમેન પણ છે. મોટાભાગે કલાકારો બિઝનેસ કરવામાં થાપ ખાઈ જતાં હોય છે, પણ શાહરુખ આમાં પણ ઉસ્તાદ છે. કદાચ તેણે જોયું હશે કે જે એક્ટર સફળતાના દોરમાં બનાવેલા પૈસાનું યોગ્ય રોકાણ ન કરે તો તેની પાછલી જિંદગી સારી જતી નથી.

પણ હવે શાહરુખ માટે સવાલ આવીને ઊભો છે કે હવે આગળ શું? 1992માં તેની ફિલ્મ ‘દિવાના’ રિલીઝ થઈ ત્યાર પછી તેણે આજ સુધી લાગલગાટ 24-25 વર્ષ સુધી પાછું વળીને જોયું નથી અને સ્વપ્નવત્ સફળતા મેળવી છે. કરિયરમાં પ્રયોગો પણ એટલા જ કર્યા છે. નેગેટિવ હીરો (‘બાઝીગર’, ‘ડર’) તરીકે પણ સફળતા મેળવી અને રોમેન્ટિક હીરો (‘દિલવાલે દુલ્હિનયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’) પણ ચાહના મેળવી.
‘માય નેમ ઈઝ ખાન’માં મેન્ટલી ચેલેન્જ્ડ વ્યક્તિની પ્રયોગાત્મક ભૂમિકા પણ કરી અને છેલ્લે મેકઅપ અને યસ ટેક્નોલોજીની મદદથી 52 વર્ષનો હોવા છતાં ફેનમાં પોતાની જાતને 25 વર્ષના યુવાન તરીકે રજૂ કરી. હવે શું? તો લાગે છે કે તે પણ હવે ઉંમરનો તકાજો સમજવા લાગ્યો છે. એટલે જ ડિયર જિંદગીમાં તેણે ઉંમરને અનુરૂપ રોલ સ્વીકારીને આલિયા ભટ્ટ જેવી નવી પેઢીની એક્ટ્રેસ સાથે કામ કરવાનું સ્વીકાર્યું છે. લાગે છે કે તેણે આ રીતે એક્ટર તરીકે બીજી ઈનિંગ શરૂ કરી દીધી છે. આશા રાખીએ કે આમાં પણ તેને પહેલાં જેવી જ સફળતા મળે.
અન્ય સમાચારો પણ છે...