હસ્તમૈથુનથી લગ્નજીવન પર ખરાબ અસર થાય ખરી?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્યા: મારી ઉંમર ૨૨ વર્ષની છે. બે મહિના પછી મારાં લગ્ન છે. મને હસ્તમૈથુન કરવાની દરરોજની આદત છે. તેમાં મારું વીર્ય ત્રણ દિવસથી બે ટીપાં જેટલું આવે છે, જે એકદમ પાણી જેવું જ હોય છે. મારા હસ્તમૈથુનથી મારા લગ્નજીવન પર ખરાબ અસર થાય ખરી? ઉકેલ: હસ્તમૈથુન એક નોર્મલ આદત છે, જે લગભગ દરેક પુરુષના જીવનમાં જોવા મળે છે. હસ્તમૈથુન ઘણી બધી સ્ત્રીઓ પણ માણતી હોય છે. હસ્તમૈથુનથી કોઈ જ ચિંતા કરવા જેવી નથી. ભવિષ્યમાં લગ્નજીવનમાં આના લીધે કોઈ જ તકલીફ પડશે નહીં. કદાચ તમને થશે કે તમે દરરોજ હસ્તમૈથુન કરો છો તે વધારે પડતું કહેવાય અને તેના લીધે તકલીફ ભવિષ્યમાં થઈ શકે? ના, વધારે પડતું હસ્તમૈથુન જેવી કોઈ જ વસ્તુ નથી. કોઈ વ્યક્તિ દિવસમાં દરરોજ ચાર કલાક બોલે છે અને બીજી વ્યક્તિ દરરોજ દિવસમાં માત્ર ત્રીસ મિનિટ બોલે છે. તો શું પાંચ વર્ષ પછી ચાર કલાક બોલનાર વ્યક્તિની જીભ કમજોર પડી જાય છે? જેમ વધારે બોલવાથી જીભમાં કમજોરી આવતી નથી તે જ રીતે દરરોજ હસ્તમૈથુન કે સેક્સ કરવાથી ઇન્દ્રિયમાં કોઈ જ કમજોરી આવતી નથી. વીર્ય ચોવીસે કલાક બનતું હોય છે. બે-ચાર દિવસ હસ્તમૈથુનથી દૂર રહેશો તો ફરીથી તેની માત્રા વધી જશે અને ઘટ્ટ થઈ જશે આ માટે ચિંતા કરવાની કે કોઈ ડોક્ટરને મળવાની બિલકુલ જરૂર નથી. સમસ્યા: મારી અને પત્નીની ઉંમર ૨૯ વર્ષની છે. અમારે ૧૫ મહિનાનું બાળક છે. આ બાળક સિઝેરિયન દ્વારા આવેલું હતું. જન્મતાં જ તેને કમળો અને લોહીમાં પ્રોબ્લેમ થયેલો, તેથી તેને કાચની પેટીમાં રાખેલું. અમે વિચાર્યું છે કે બીજું બાળક ત્યારે જ કે પહેલું નિશાળે જાય ત્યારે, પરંતુ તમારો શો અભિપ્રાય છે? બીજું બાળક ક્યારે કરી શકાય? ઉંમર વધવાથી બીજું બાળક કરવામાં તકલીફ પડી શકે? પહેલું બાળક સિઝેરિયનથી આવેલું હોય તો બીજું નોર્મલ ડિલિવરી દ્વારા થઈ શકે? નોર્મલ ડિલિવરી માટે શું કરવું જોઈએ? ઉકેલ: પહેલી ડિલિવરી સિઝેરિયનથી થયેલી હોવા છતાં બીજું બાળક ચોક્કસ નોર્મલ ડિલિવરી દ્વારા થઈ શકે છે. પરંતુ તે ડિલિવરીના છેલ્લા દિવસોમાં નક્કી થાય છે. નોર્મલ અથવા ઓપરેશનનો આધાર બાળકની પોઝિશન, પત્નીની ઊંચાઈ, બાળકના વજન, બાળકની આજુબાજુનાં પાણી વગેરે ઉપર રહેલો છે. સામાન્ય રીતે બે બાળક વચ્ચેનો સમયગાળો ત્રણથી પાંચ વર્ષનો હોવો જોઈએ. પત્નીની ઉંમર બત્રીસ-તેત્રીસ વર્ષની થાય ત્યાં સુધી ખાસ ચિંતાની વાત નથી. પરંતુ વધારે મોડું થાય તો બાળક રહેવામાં તકલીફ પડી શકે છે. સામાન્ય રીતે ત્રીસ વર્ષ પછી દર વર્ષે બાળક રહેવાની શક્યતા દસ ટકા ઘટી શકે છે. બાકી નોર્મલ ડિલિવરી માટે તમારા સ્ત્રીરોગ નિષ્ણાત પાસે નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ અને જે કસરતો બતાવે તે કરવી જોઈએ. સમસ્યા: મારી ઉંમર ૪૨ વર્ષની છે. મને કેટલાક વખતથી જાતીય ઇચ્છાઓ ઓછી થાય છે. પહેલાં બધું જ બરાબર હતું. મને એલોપથી દવાથી બીક લાગે છે. કોઈ એવી દવા બતાવો જેની આડઅસર ન હોય અને ગમે તે ઉંમરે લઈ શકાય. ઉકેલ: ઘણીવાર જેમ ઉંમર વધે છે તેમ પુરુષની અંદર પુરુષત્વના હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટતું જાય છે. આ ટેસ્ટોસ્ટેરોન પુરુષની કામેચ્છા, ઇન્દ્રિયના વિકાસ, ઉત્થાન માટે ખૂબ જ જરૂરી હોય છે. એલોપથીમાં તેના માટે દવા, જેલ, સ્પ્રે અને ઇન્જેકશન વગેરે ઉપલબ્ધ છે, પરંતુ ઘણીવાર કેન્સર જેવી ભયંકર આડઅસર પણ જોવા મળી શકે છે. અડદની દાળમાં ટેસ્ટોસ્ટેરોન થોડા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ આ હોર્મોનનું પૂરતું પ્રમાણ મેળવવા દરરોજ એક વાડકો અડદની દાળ ખાવી પડે. આમ એકાદ વર્ષ કરવા છતાં પ્રમાણ માત્ર બે-ત્રણ ટકા જ વધવા પામે છે. આટલા વધારાથી દેખીતો કોઈ ફાયદો જોવા મળતો નથી. એલોપથી સિવાય હમણાં સુધી બીજી કોઈપણ પથીમાં દવાઓ બજારમાં ઉપલબ્ધ હતી નહીં, પરંતુ હમણાં જ આવેલી નેચરલ, આડઅસર રહિતની દવાથી ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે, જેથી જાતીય ઇચ્છા વધે છે. સાથોસાથ તે શિશ્નમાં લોહીની નળીઓ પણ પહોળી કરે છે, જેથી ઇન્દ્રિયમાં પહેલાં કરતાં સારું ઉત્થાન અનુભવાય છે. આ દવાનું નામ Xes-Power છે. આડઅસર રહિતની દવા અઢાર વર્ષની ઉપરની કોઈપણ ઉંમરે લઈ શકાય છે. Xes-Power દરરોજની એક ગોળી બે મહિના લેવાની હોય છે. જો આ દવાની અસર ન થાય તો એલોપથી દવા તમારે કરાવવી જોઈએ. સમસ્યા: મારી ઉંમર છત્રીસ વર્ષની છે અને પતિની આડત્રીસ વર્ષ છે. લગ્નને તેર વર્ષ થયાં છે. ઘરે બે બાળકો છે. મારા પતિ છેલ્લા છ-આઠ મહિનાથી મારાથી વિમુખ થઈ ગયા છે. તેઓ જાતીય જીવનથી પણ દૂર ભાગે છે. પહેલાં અમે અઠવાડિયામાં ત્રણેકવાર જાતીય જીવન માણતાં હતાં, પરંતુ ખબર નહીં પણ તેમને હમણાં કેટલાક વખતથી સેક્સમાંથી રસ જ ઊડી ગયો હોય તેમ લાગે છે. રાતે મોડે સુધી જાગતા પડી રહે છે. વાતે વાતે ચીડાઈ જાય છે. આમ બનવા પહેલાં અમારી વચ્ચે ખૂબ જ આકર્ષણ હતું. શું તેમને અચાનક મારામાંથી રસ ઊડી જઈ કોઈ અન્યમાં રસ જાગ્યો હશે? મારે શું કરવું જોઈએ? શું તેમના દૂધમાં વાયગ્રા આપી ફરી મારામાં રસ લેતા કરી શકાય? ઉકેલ: આપના પત્ર પરથી લાગે છે કે આપના પતિ કોઈ ચિંતામાં અથવા ડિપ્રેશનના શિકાર થયા લાગે છે. બાકી તેર વર્ષનું જાતીય આકર્ષણ આમ અચાનક અકારણ ઘટી ન જાય. સૌથી ઉત્તમ રસ્તો એમની સાથે વાત કરીને એમના મનની મૂંઝવણ જાણવાની કોશિશ કરો. મોટાભાગે ચિંતાઓ ટૂંક સમયની હોય છે. માટે તેઓ સ્વસ્થ થાય ત્યાં સુધી રાહ જુઓ. તેમને પરાણે સેક્સ કરવાની ફરજ ન પાડશો અને ખાસ પુરાવા વગર તેઓ અન્ય સ્ત્રી પ્રત્યે આકષૉયા છે એવું ધારી ન લેશો. કદાચ તમે માનો છો તેવું ન પણ હોય. જરૂર લાગે તો ડોક્ટરની મુલાકાત લો. ચોક્કસ નિદાન વગર સેક્સના નામે મળતી ગોળીઓ એમને ખવડાવવાનો આગ્રહ ન રાખશો. વાયગ્રા પછી તે દેશી હોય કે વિદેશી, તેના લીધે ૧૬૩ લોકો મરી ગયા છે. ૪૮ લોકોએ કાયમ માટે આંખો ગુમાવી છે. આ તો માત્ર ચોપડે નોંધાયેલા આંકડા જ છે. સંખ્યા કદાચ ઘણી વધુ હોઇ શકે છે. માટે આવી દવાઓ જાતે લેવાથી બને ત્યાં સુધી દૂર રહેવું હિતાવહ છે.‘ યાદ રાખો - ઇન્દ્રિયમાં કેળા જેટલો વળાંક નોર્મલ કહેવાય. તેના માટે સારવાર કે ડોક્ટરને મળવાની જરૂર નથી. - શીઘ્ર સ્ખલનની સમસ્યામાં દવાથી દસ દિવસના ટૂંકાગાળામાં ચોક્કસ ફરક પડી શકે છે. - પુરુષ છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકે છે. - એચ.આઈ.વી. કે એઇડ્સ થયેલી વ્યક્તિને સ્પર્શવાથી કે સામાન્ય વ્યવહાર કરવાથી તે ફેલાતો નથી. - અનકંટ્રોલ ડાયાબિટીસ ધરાવતા પુરુષોને શિશ્નોત્થાનની સમસ્યા ત્રણ ગણી વધુ થવાની શક્યતાઓ છે. - મોટાભાગની સ્ત્રીઓ સમાગમની શરૂઆત સ્તન કે યોનિસ્પર્શથી થાય તેવું નથી ઇચ્છતી. સમાગમમાં તેમનાં તમામ અંગોનો સ્પર્શ થાય તેવું તેઓ ઇચ્છે છે. નોંધ: આપના પ્રશ્નો ‘કળશ’ પૂર્તિ વિભાગ, ‘દિવ્ય ભાસ્કર’, અમદાવાદ કાર્યાલયના સરનામે મોકલી શકો છો. (લેખક સાલ હોસ્પિટલમાં ચીફ સેક્સોલોજિસ્ટ અને વંધ્યત્વ નિષ્ણાત છે.) જાણવું જરૂરી છે, ડૉ. પારસ શાહ