Home » Magazines » Kalash » Samvad, Jwalant Chhaya kalash Summer

સૂરજના આ શહેરમાં સોનવર્ણી થઇ પરી બપોરની

Divyabhaskar.com | Updated - Apr 22, 2011, 06:37 AM

ઉનાળા વિશે એક લીટીમાં કહેવું હોય તો કહી શકાય કે, આ તો રસની ઋતુ છે

  • Samvad, Jwalant Chhaya kalash Summer
    Samvad, Jwalant Chhaya kalash Summerબરાબર આ જ દિવસો હતા. પરીક્ષાઓ નજીક હોય અથવા ચાલતી હોય કે પછી હમણાં જ સંપન્ન થઇ હોય અને તેમાં દસ માર્કનો નિબંધ લખવાનો હોય, ૩૦૦ શબ્દોમાં- બળબળતા જામ્યા બપોર. બસ, પછી વેકેશન પડે અને એ આખી બપોર કાં તો ચોરના માથાની જેમ શેરીમાં રખડવાનું કે પછી દાદીબા પરાણે ઘરમાં બોલાવે ત્યારે જવાનું. સાંજે હજી તો તડકાનો સૂરજ તપતો હોય ત્યાં ફરી નીકળી પડવાનું. નોસ્ટેલ્જિક વાતાવરણ ઊભું કરવાનો જરા પણ ઇરાદો નથી. આ એક ભૂમિકા માત્ર છે. હવે, ઉનાળો નથી બદલાયો પરંતુ બાળકોની બપોર ટી.વી. કે વીડિયો ગેમ્સ સામે પસાર થાય છે અને ઘણાખરાનો દિવસનો અડધાથી વધારે હિસ્સો એરકન્ડિશન ઓફિસમાં જાય છે. અલબત્ત પ્રકૃતિએ ઉનાળાનું સ્વરૂપ વધુ પડતું ફેરવ્યું નથી. આપણી શારીરિક અને માનસિક અનુકૂળતા મુજબ મૌસમ આપણને ગમે કે ન ગમે તે અલગ વાત છે. બાકી દરેક ઋતુનો પોતાનો મિજાજ છે, માભો છે, માહોલ અને મહત્વ છે. ઉનાળા વિશે સાવ એક લીટીમાં કહેવું હોય તો કહી શકાય કે, આ રસની ઋતુ છે. માથું ફાડી નાખે તેવો તડકો, છાતી સોંસરવી ઊતરે તેવી ચામડી તો ઠીક લોહીને પણ ક્યારેક દઝાડે તેવી લૂ વરસતી હોય તેવી મૌસમ માટે સરેરાશ માણસોમાં અણગમો છે, પરંતુ અવલોકન કરીએ તો ખબર પડે કે પ્રકૃતિ તેના પૂર્ણસ્વરૂપે કદાચ આ ઋતુમાં વધારે ખીલે છે. આકાશ પૂર્ણ એટલે કે નિરભ્ર એટલે કે વાદળો વગરનું બાળકનાં મન જેવુ ચોખ્ખું નજરે પડે છે. ચોમાસામાં વાદળો ત્યાં ડેરો જમાવે છે અને શિયાળામાં સવારે મોડે સુધી અને સાંજે વહેલું અંધારું હોય છે. શિયાળામાં ધુમ્મસ તો ચોમાસામાં ડાર્કનેસ ધરતી અને સૂરજ વચ્ચે દીવાલ બને છે. ઉનાળામાં દૂર સુધી ઘણુંબધું જોઇ શકાય છે. વગર પાણીએ પણ મરીચિકાનો અહેસાસ હરણને જ નહીં માણસને પણ થાય છે. રસની ઋતુ ઉનાળો કેવી રીતે? સૌથી પહેલો રસ એટલે આપણા કપાળે, કમ્મર પર, બગલમાંથી વહેતો પરસેવો. આ પરસેવો ઊર્જાનું એક સ્વરૂપ છે અને આ રસ જેટલો વહે તેટલું જીવન સાર્થક. એક આડવાત, એવું કહેવાય છે કે, સિદ્ધિ તેને જઇ વરે કે જે પરસેવે નહાય. એકવાર બહુ મહેનતુ માણસ પરસેવે રેબઝેબ ઊભો હતો, સિદ્ધિ આવી અને કહે ડિઓડરન્ટ કે બોડી સ્પ્રે છાંટ, તારામાંથી પરસેવાની દુર્ગંધ આવે છે! દરેક ઋતુને તેના રંગ અને રૂઆબ છે. આપણે ત્યાં શિયાળો ખાવા-પીવા (શ્લેષ અભિપ્રેત)ની મૌસમ છે. અડદિયાં, વસાણાં, શાકભાજીની મોજ માણવા મળે. ચોમાસું મોટેભાગે ઉપવાસની ઋતુ છે. સ્ત્રીઓનાં વ્રત જેઠ-અષાઢથી શરૂ થાય. આખો શ્રાવણ મહિનો લોકો ઉપવાસ કરે. પયુંષણ પણ આ જ અરસામાં આવે છે અને ત્યારબાદ ઉનાળાની વાત આવે તો આ જ ઋતુમાં પાર્વતીમાતાથી માંડીને મિર્ઝા ગાલિબ સુધીના લોકોને પ્રિય એવી કેરી, તેનો રસ આવે. કલાપીએ ભલે હેમંત ઋતુમાં લખ્યું હતું છતાં ગ્રામમાતા યાદ આવે તેવી શેરડીનો રસ પણ ઉનાળાનું શીતળ નજરાણું છે. - બરફ સાથે ૧૦ રૂ., બરફ વગર ૧૫ રૂ.! સુગર અને સ્ટેમિના ટકાવી રાખવા માટે લીંબુનો રસ ઉનાળામાં બેસ્ટ ગણાય છે. ગોળનું પાણી પણ પી શકાય અને યુ.પી. રાજસ્થાનના સીમાડા વટાવીને અમદાવાદ આવી ચૂકેલી સિકંજી પણ બર્ફીલો રસ જ છે ને! બરફની વાત આવે અને રાજકોટના ડીસગોલા કેમ ભુલાય? બોસ, અહીં આઇસક્રીમના ભાવોભાવ ગોલા મળે છે! ગોલાની એક પ્લેટનો ભાવ ૧૪૦ રૂ. હોય? અહીંયા છે. અને તેમાં નખાતા જુદા જુદા શરબતોનો રસ. એમ તો (આઇપીએલના સટ્ટામાં!) સારું કમાતા હો તો નારંગી મોસંબીનો રસ પણ મોંઘો ન પડે. ઉનાળો પીવાની ઋતુ છે. હા, જેને શરાબનો શોખ હોય અને જેઓ વ્હીસ્કી, રમ પી નથી શકતા, તેમણે લિમ્કા સાથે જીનથી ચલાવી લેવું પડે છે. જરા પણ એવું ન કહેતા કે આમાં શરાબ ક્યાં આવ્યો? આફ્ટર ઓલ, ઇટ ઇઝ ઓલ્સો સોમરસ! ભૂરું આકાશ, જો કચ્છ તરફ જતા હોઇએ તો માઇલો સુધી વેરાયેલી પડેલી વેરાનતા, લીલાશે સાવ સંબંધ તોડી નાખ્યો હોય તેવી વિરહિણી પ્રેયસી જેવી વૃક્ષની ડાળીઓ અને પાણી માટે તરસતી વિધવાના સેંથા જેવી કોરી જમીન ઉનાળાની ઓળખ છે. પરંતુ આ જ ઉનાળામાં ગુલમહોરના રંગનો રસ આંખથી પીવા મળે છે, અને તમારી ગર્લફ્રેન્ડે પહેરેલો પીળા રંગનો ડ્રેસ યાદ આવી જાય તેવા ગરમાળાના ફૂલ પણ આંખને રોકે છે. આ જ ચૈત્રમાં આંબા પર કેરી ઝૂલતી દેખાય તેવી જ રીતે સફેદ રંગનો ચંપો કેવો રૂડો લાગે! આ બધા જ રસનું વર્ણન અલગ અલગ થઇ શકે પરંતુ કોઇ પણ રસમાં અન્ય તત્વો ફરે અને સામે જે એક તત્વ અવિચળ છે તે આપણા પંચમહાભૂત પૈકીનું એક તેવું જળતત્વ તો કોમન છે અને ઉનાળામાં તો રોજ ૧ર લિટર પાણી પીવું જોઇએ તેમ ડોક્ટરો, વૈદો કહે જ છે. ભગવદ્ગોમંડળ કહે છે, ફાગણથી જેઠ મહિના સુધીનો વખત એટલે ઉનાળો તેની સંધિ ઉષ્ણ+કાળ થાય ઉન્હઆલઉ શબ્દ અપભ્રંશ યુગનો શબ્દ છે અને તેનાથી જે શબ્દ આવ્યો તે આજનો આપણો ઉનાળો. મોટી પ્રાર્થના આવડે કે ન આવડે, ગાયત્રી મંત્ર સૌને આવડે છે, અને તે સૂર્યની સ્તુતિ છે. સૂર્ય તેના કેન્દ્રની આસપાસ પરિભમણ કરે ત્યારે જે કોસ્મિક આંદોલનો ઉદભવે તેમાંથી ગાયત્રી મંત્ર આવ્યો છે. સૂક્ષ્મ શરીરમાં પડેલી કુંડલિની શક્તિ પણ સૂર્યમાંથી મળતી ઊર્જાનું જ પરિણામ છે. આપણા ગદ્યકાર સુરેશ જોષીએ કેવું સરસ વર્ણન તડકાનું કર્યું છે: આ ઉનાળાની સવારનો તડકો. એનું પોત કેવું ઘટ્ટ હોય છે. એ જાણે વિધાતાની ઝોળીમાંથી અવસાવધાનતાના કારણે પડી ગયેલો કોઇના ભાવિ સુખમાં ખંડ ન હોય! ગ્રીષ્મ નામના એક લલિત નિબંધમાં તેઓ કહે છે, મોગરા અને શિરીશની અત્યુક્તિ હવામાં સંભાળાયા કરે છે પછી ચૈત્ર તરફથી વૈશાખ તરફ ભળતા આ અતિયુક્તિનો ઘેરો રંગ ઢળતા ગુલમહોરમાં ઘૂંટાઇને લાલચટ્ટક બનશે. નિરંજન ભગત એક ગીતના ઉપાડમાં જ ઉનાળાની તીવ્રતાનું વર્ણન કરે છે: તગતગતો આ તડકો, ચારેકોર જુઓને કેવી ચગદાઇ ગઇ છે સડકો! તડકાનાં કાવ્યો તો અઢળક મળે છે પણ પ્રકૃતિને કવિતામાં થોડી સમાવી શકાય? હા, વાતાવરણનો આધાર ચોક્કસ લઇ શકાય અને શ્યામ સાધુએ ધારદાર રીતે તે આધાર લીધો છે: ચૈત્રી તડકામાં તારી યાદને, માની લીધી ડાળ મેં ગુલમહોરની, આ જુઓ અહીંયા સૂરજના શહેરમાં સોનવર્ણી થઇ પરી બપોરની.‘ jwalant.chhaya@guj.bhaskarnet.com સંવાદ, જ્વલંત છાયા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Magazines

Trending

વીડિયો વધુ જુઓ