તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં ત્રીજો રાજકીય વિકલ્પ શક્ય છે ખરો?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાં ત્રીજો રાજકીય વિકલ્પ શક્ય છે ખરો?
પાંચ રાજ્યોની ચૂંટણી પછી હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાવા લાગ્યા છે. યુપીની ચૂંટણીમાં ભવ્ય વિજય પછી સર્જાયેલ માહોલનો લાભ લેવા માટે કદાચ ગુજરાતમાં ચૂંટણી વહેલી પણ યોજાય તો તેને માટે ભાજપ તૈયાર છે તેવા સંકેત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી દીધા છે. જો આવતા ચારપાંચ મહિનામાં ચૂંટણી થાય તો શું સ્થિતિ સર્જાય તેના આંકડામાં રાજકીય પંડિતો લાગી ગયા છે. આમ તો સામાન્ય લોકોને કયો પક્ષ સત્તા પર આવે છે તેની ખાસ અસર પડતી નથી, કે તેમના રોજિંદા જીવન પર કોણ સરકાર ચલાવે છે તેની ખાસ અસર નથી થતી, પરંતુ આજે ગુજરાતમાં જે સ્થિતિ છે તેમાં ત્રણ મુખ્ય પક્ષોમાંથી કોણ રાજ્યની ધુરા ધારણ કરશે તે સવાલ અગત્યનો બન્યો છે.

ગુજરાતમાં છેલ્લાં 22 વર્ષોથી ભાજપનું શાસન છે. આથી આજના યુવાનો, જે મતદારોનો અડધો ભાગ છે તેમને કૉંગ્રેસના રાજ્યની ખબર નથી. તેમણે તો નરેન્દ્ર મોદીનું જ નામ સાંભળ્યું છે. પરંતુ 22 વર્ષના લાંબા શાસન પછી કોઈ પણ શાસન સામે એન્ટિઈન્કમબન્સી (શાસન વિરોધી) લાગણી પેદા અવશ્ય થાય. આજે ભાજપ સરકાર સામે પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન તથા દલિત આંદોલન ચાલ્યાં છે, તેમાં આ એન્ટિ ઈન્કમબન્સી તત્ત્વ છે.

લોકોને કૈંક નવું જોઈએ છીએ. તેમાં વળી જે ઝડપી રીતે ઔદ્યોગિક વિકાસ ચાલ્યો તેની સામે યુવાનોને નોકરીઓ ન મળી, સસ્તું ઉચ્ચ શિક્ષણ ન મળ્યું તેનો રોષ આ આંદોલનોમાં પરિણમ્યો છે. તો વળી ફિક્સ પગારવાળાઓ પણ લડત ચલાવી રહ્યા છે. બીજી બાજુ 50,000 નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો બંધ પડ્યા છે. આ બધો અસંતોષ સરકાર સામે ચૂંટણી સમયે આવે અને પ્રવર્તમાન સરકારને લોકો પસંદ કરે તેવું બને.

આ એન્ટિ ઈન્કમબન્સી અટકાવવા ભાજપની નેતાગીરીએ ખૂબ જ પ્રયાસો કર્યા પરંતુ કોઈ કારી ન ફાવી. આથી કદાચ 2017ની ચૂંટણીમાં ભાજપ પસંદ ન થાય તેવું પણ બને. તો કૉંગ્રેસ તો તૈયાર છે જ. છેલ્લે 23 જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં કૉંગ્રેસનો વિજય થયો જ છે. તો હવે પણ પ્રજા ગંજીપો ચીપે તો કૉંગ્રેસને પસંદ કરે એવું બને. જે લોકો આંદોલનો કરી રહ્યા છે તે ભાજપ વિરોધી અવશ્ય છે, પરંતુ કૉંગ્રેસ તરફી છે તેવું ક્યાંય બહાર આવ્યું નથી. પ્રજાના પ્રશ્નો લઈને કૉંગ્રેસે આંદોલનો કર્યાં હોય તેવું જોવા નથી મળ્યું. તેમાં પણ પાંચ રાજ્યોની ચૂંટણીમાં બે રાજ્યોમાં કૉંગ્રેસનો જે ઘોર પરાજય થયો તથા ગોવા-મણિપુરમાં મોટા પક્ષ તરીકે ઉભરવા છતાં પોતાની વ્યૂહાત્મક ભૂલોને કારણે સત્તાથી દૂર રહી ગઈ,

તે બાબતે લોકોમાં કૉંગ્રેસે સહાનુભૂતિ ગુમાવી દીધી છે. જો આવી જ ભૂલ ગુજરાતમાં પણ કૉંગ્રેસ કરે તો કૉંગ્રેસને ટેકો શા માટે કરવો? વળી કૉંગ્રેસનું સંગઠન સંપૂર્ણ રીતે નાશ પામ્યું છે. તે હવે માત્ર નેતાઓનો પક્ષ બનીને રહી ગયેલી પાર્ટી છે. આથી ભાજપ તરફ એન્ટિઈન્કમબન્સી એટલે કૉંગ્રેસ તરફી મોજું એવું તારણ કાઢી ન શકાય. તો  વિકલ્પ શક્ય છે? મારા મિત્ર વિષ્ણુ પંડ્યાએ શંકરસિંહ વાઘેલાને ટેકો કરવા માટે ખજુરાહો પછી બાપુ આરજેપી બનાવીને મુખ્યમંત્રી બન્યા ત્યારે ‘ત્રીજી શક્તિનો  સૂર્યોદય’ પુસ્તક લખ્યું હતું. વિષ્ણુ પંડ્યાની દલીલ એવી હતી કે ભલે ગુજરાતમાં ત્રીજા પક્ષો નથી, પરંતુ હવે ત્રીજી શક્તિનો સૂર્યોદય થયો છે.

ત્યારે તો ન થયો, પરંતુ હવે આમ આદમી પાર્ટીના સ્વરૂપે ત્રીજી શક્તિ ઊભરી શકે કે કેમ તે જોવું રહ્યું. વળી આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા મુજબ તે 182 બેઠકો પર ચૂંટણી લડવાની છે. કોઈ પક્ષ સાવ અધ્ધરતાલ આવો નિર્ણય તો ન જ કરે. ચોક્કસ તેની કોઈ ગણતરી હશે.શું હોઈ શકે? પ્રથમ તો અત્યારે ગુજરાતમાં જે આંદોલનો ચાલી રહ્યાં છે તે અને આપનું  ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સમ સ્વરૂપનાં છે. જ્યારે અન્નાનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન ચાલતું હતું ત્યારે ગુજરાતના લોકોએ તેમને ટેકો કર્યો હતો. ગુજરાતમાં ભલે  સ્થાનિક પક્ષો નથી ચાલ્યા, પરંતુ આપ તો રાષ્ટ્રીય પક્ષ છે.

વળી, આપનાં  મૂલ્યો-ભ્રષ્ટાચાર વિરોધ, શુદ્ધ અને પારદર્શી વહીવટ, મધ્યમ વર્ગીય માનસિકતા, સામાન્ય લોકોની ભાષા વગેરે ગુજરાતના લોકોને રુચે તેવાં છે. ખબર નથી કે સંગઠનની રીતે આપ 2017ની ચૂંટણી લડવા માટે સક્ષમ છે કે નહીં, પરંતુ  જો કોઈ જુવાળ ઊભો થાય તો સંગઠનની તાકાત વિના પણ ચૂંટણી જીતી જતા જોવા મળ્યા છે. ઇન્દુચાચા તેનું જ્વલંત ઉદાહરણ છે. આપની વિરુદ્ધનો બીજો મુદ્દો તેની પાસે કોઈ પ્રાદેશિક કક્ષાનો નેતા નથી. સમગ્ર ગુજરાતમાં સ્વીકાર્ય ચહેરો મહત્ત્વની બાબત છે. અત્યારે કનુ કલસરિયા નૈતિક નેતૃત્વ પૂરું પાડે છે,

પણ તેઓ રાજકીય દાવપેચ સમજી શકે અને રચી શકે તેવું નેતૃત્વ નથી. પરંતુ કદાચ એવું બને કે જેમ જેમ ચૂંટણીના પડઘમ વાગતા જાય તેમ કોઈ નવો ચહેરો ઊભરી આવે. વિષ્ણુ પંડ્યાના શબ્દોમાં કહીએ તો ત્રીજી શક્તિનો સૂર્યોદય થશે પણ ખરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો