તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મ અને પર્યાવરણ, શું તાત્ત્વિક રીતે પરસ્પર વિરોધી છે?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હમણાં હમણાં એક ચર્ચા ચાલી છે કે ધાર્મિક પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણને નુકસાન થાય છે. જેમ કે લોકો શબને ગંગામાં વહાવી દેતા હોવાથી ગંગા પ્રદૂષિત થાય છે. ફૂલ તથા પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિ તથા અન્ય કચરો નદીમાં પધરાવતા હોવાથી નદીઓ પ્રદૂષિત થાય છે. આપણાં મંદિરો ગંદકીને પોષે છે. આપણી ધાર્મિક વિધિઓ કચરો વધારે છે. આપણા ધાર્મિક ઉત્સવો અને સરઘસો અવાજનું પ્રદૂષણ વધારે છે. આવી તો અનેક વાતો અત્યારે ચર્ચાની એરણે ચડી છે.
સનાતન ધર્મમાં મૂર્તિપૂજા નહોતી, તે પછીથી પ્રવેશી. અહીં તો ચૈતન્યનાં ત્રણ સ્વરૂપોને જ દેવ ગણવામાં આવ્યાં છે
પરંતુ આમ નીરક્ષીર વિવેક કરીને આ બધામાં ધર્મ કેટલો અને લોકરીતિ કેટલી તે વાત અલગ તારવવી પડે. શું સરઘસ કાઢવાની સૂચના કોઈ ધાર્મિક નિયમ છે કે પછી લોકોનો ઉત્સાહ છે? એવી જ રીતે શબને નદીમાં વહાવી દેવાનું કોઈ ધર્મે કે સંપ્રદાયે કહ્યું છે કે પછી લોકો પોતાની અન્ય માન્યતાને આધારે આવો નિર્ણય લે છે? વાસ્તવમાં ધર્મ અને પર્યાવરણ કદી અલગ ન હોઈ શકે, કારણ કે ધર્મનો પ્રાદુર્ભાવ થયો ત્યારે માનવી કુદરતમય જીવન જીવતો હતો. આજે સનાતન હિન્દુ ધર્મ અને પર્યાવરણના સંદર્ભે આ વાત સમજીએ.

પર્યાવરણ એટલે ત્રણ જીવિત તત્ત્વો અને પાંચ અજીવિત તત્ત્વો એમ આપણે થોડા સમય પહેલાં પર્યાવરણ અંગેના લેખમાં જોયું હતું. આ તત્ત્વો આ મુજબ છે: જીવિત તત્ત્વો- 1. Generator (સર્જક), 2. Operator (સંચાલક), 3. Decomposer (કલ્યાણક). અજીવિત તત્ત્વો - 1.Water (પાણી), 2. Air (હવા), 3. Soil (જમીન), 4. Space (અવકાશ) અને 5. Heat (ઊર્જા).

આ આઠેય તત્ત્વોનું સંયોજન એટલે પર્યાવરણ. આ વાતને આપણે સનાતન હિન્દુ ધર્મમાં કઈ રીતે લેવાઈ છે તે જોઈએ. પ્રથમ તો ત્રણ સજીવ તત્ત્વોનો પ્રથમ અક્ષર GOD લઈએ તો તેનો અર્થ ઈશ્વર થાય. આ વાત સનાતન ધર્મમાં ત્રિદેવ તરીકે સ્વીકારવામાં આવી છે. બ્રહ્મા સર્જનના દેવ છે અને સર્જક તત્ત્વ એટલે વાસ્તવમાં સર્જક ચેતના છે. તો વિષ્ણુ સંચાલક દેવ છે. જગતનું સંચાલન કરીને શેષશૈયા પર લક્ષ્મી સાથે વિષ્ણુ વિહાર કરે છે. અને શંકર અંતના દેવ છે. તે માનવનું કલ્યાણ કરે છે. આમ ત્રણેય ચેતન તત્ત્વોમાં ત્રણ દેવોની કલ્પના કરીને ટ્રાઇ દેવની કલ્પના અહીં સનાતન ધર્મમાં સાકાર કરવામાં આવી છે.
અહીં કોઈ મૂર્તિની, મંદિરની કે પૂજાની વાત નથી. સનાતન ધર્મમાં આ મૂર્તિપૂજા નહોતી, તે પછીથી પ્રવેશી. અહીં તો ચૈતન્યનાં ત્રણ સ્વરૂપોને જ દેવ ગણવામાં આવ્યાં છે. અહીં વિષ્ણુને કોઈ ભોગ ધરાવવાની વાત નથી તે આગળ જોઈશું. એવી જ રીતે પર્યાવરણનાં પાંચ જીવિત તત્ત્વોને પણ સનાતન ધર્મમાં પંચ મહાભૂત તરીકે ઓળખવામાં આવ્યાં છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચૈતન્ય સ્વરૂપ આ પંચ મહાભૂતના સમન્વયથી જ શક્ય બને છે. અલબત્ત તેનું પ્રમાણ શું હોવું જોઈએ અને જડમાંથી ચૈતન્ય કઈ રીતે બને છે તે અંગે હજી આપણા ધર્મગ્રંથો સ્પષ્ટ અને એક નથી.
પરંતુ જીવન માટે આ પાંચ તત્ત્વોનું કોઈ સ્વરૂપનું સમતોલન જોઈએ તે વાત તો આપણે જાણીએ જ છીએ. જેમ કે ગામડામાં બહુ વરસાદ પડે તો ખેડૂત કહેશે, ‘હવે વરાપ (ગરમી) નીકળે તો સારું’. આમ અચેતનમાંથી જ ચેતન પેદા થતું હોવાથી બંને એક જ છે-અદ્વૈત છે તેવી વાત પણ આપણા સનાતન ધર્મમાં કરવામાં આવી છે. નરસિંહ મહેતાએ કહ્યું છે, ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે,’ હવે આ તત્ત્વો પણ દેવ તરીકે ઓળખાય છે. પાણી એટલે વરુણદેવ, ઊર્જા એટલે સૂર્યદેવ. આમ દરેક અજીવિત તત્ત્વને દેવની સંજ્ઞા આપવામાં આવી છે.

ત્યાર બાદમાં વેદમાં શાંતિમંત્ર આવે છે, જે દર્શાવે છે કે આ બધા કુદરતનાં તત્ત્વો પરસ્પરના સંબંધમાં શાંત રહેવા જોઈએ. વેદનો શાંતિમંત્ર કહે છે, ‘ૐ શાંતિ, પૃથિવીહી શાંતિ, વનસ્પતયઃ શાંતિ...’ આમ સમગ્ર શાંતિમંત્ર જપો એટલે તમામ તત્ત્વોના પરસ્પર સામંજસ્યભર્યા સંબંધોની તમે કામના કરો છો એવું ફલિત થાય. તો સનાતન ધર્મ એટલે પર્યાવરણનાં તમામ તત્ત્વો, એટલે કે દેવો વચ્ચે શાંતિ બની રહે તે સ્થિતિ.

આ સમયે લોકો કુદરતમય જીવન જીવતા હતા. મૂર્તિપૂજા નહોતી, કર્મકાંડો નહોતા, પૂજારીઓ અને ગોર મહારાજોનું વર્ચસ્વ નહોતું, ઋષિઓ ધર્મ વિષે ચિંતન કરીને ઉપર બતાવ્યું તેવું લખતા હતા. આમાંથી મૂર્તિપૂજાવાળો, કર્મકાંડી, પાપપુણ્યવાળો, વર્ણ વ્યવસ્થાવાળો, કુદરતથી દૂર, કૃત્રિમ જીવન અને મંદિરોવાળો ક્યારે થયો અને પર્યાવરણનાં તત્ત્વોને નુકસાન કરતો સંગઠિત, સાંપ્રદાયિક ધર્મ ક્યારે બની ગયો તેની તપાસ કરવી રહી.
સમયે સમયે ધાર્મિક સુધારણાઓ થતા આવ્યા છે. આપણે જો પર્યાવરણને બચાવવું હશે તો ફરી એક વાર પર્યાવરણ મિત્ર ધર્મ તરફ આગળ જવું પડશે. નદીમાં શબને મૂકવું, પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિને નદીમાં પધરાવી પ્રદૂષણ કરવું, સરઘસો કાઢી અવાજ પ્રદૂષણ કરવું વગેરે અટકાવવું પડશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો