તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘રંગે ચંગે રાજુલા’ આંખે એવું હૈયે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારે ગુજરાતના શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે અનેક સંસ્થાઓમાં માનદ્ સેવાઓ આપતા પી.કે. લહેરી કોઇને સરકારી અમલદાર જેવા નહીં લાગે. પણ ગુજરાતે જે ઉત્તમ IAS અધિકારી આપ્યા એમાં પી.કે. લહેરીનું સ્થાન કુલીનચંદ્ર યાજ્ઞિકની જેમ આદરપાત્ર રહ્યું છે. સને 2005માં એ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા. ચાળીસ વર્ષના વહીવટી અનુભવો વિશે એમણે કુલીનચંદ્ર યાજ્ઞિકની જેમ વિગતે લખવું જોઇએ.
રાજુલા વિશેનાં સંસ્મરણો વાંચતાં રંગીન ચિત્રમાળા જોતા હોઈએ એવો અનુભવ થાય છે
પણ અત્યારે એમની પાસેથી ‘સ્મરણ સરદારનું’ ગ્રંથ પછી પોતાના વતન રાજુલા વિશેનાં સંસ્મરણો મળ્યાં છે. વાંચતાં રંગીન ચિત્રમાળા જોતા હોઇએ એવો અનુભવ થાય છે. રાજુલામાં બોલાતી લેખકની બાળપણની ભાષા આ પુસ્તક દ્વારા સચવાઇ જશે. ‘દિવ્ય ભાસ્કર’ના પૂર્વ વાંચકોને પણ આ પુસ્તકમાં મુકાયેલાં રંગીન ચિત્રોને કારણે પુસ્તક વધુ આસ્વાદ્ય લાગશે.

પ્રવીણભાઇના પિતાશ્રી કનુભાઇ લહેરી સમર્પિત ગાંધીમાર્ગી હતા. કુટુંબના એ સંસ્કાર અને રાજુલામાં લીધેલું પ્રાથમિક શિક્ષણ આ પુસ્તકને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનું પ્રતિનિધિ દૃષ્ટાંત બનાવે છે. પહેલા પ્રકરણથી જ નર્મ મર્મ અને હાસ્યવિનોદ સાથે રાજુલાની ઓળખ ઊપસી આવે છે.
માત્ર દસ હજારની વસ્તી ધરાવતું રાજુલા કેમ કહેવાયું ‘રાજુલા સિટી’ એના પથ્થરો અને બે સ્ટેશન ધરાવતી માત્ર નવ કિલોમીટર લાંબી રેલવે, ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’નું ચિત્રાંકન વગર સેટે થાય એવા પનઘટ, ગાર્ડને જાણ કરી ગાડી ઉપાડતા ડ્રાઇવર, રેલવેમાં ટિકિટ લેવી સ્વૈચ્છિક, અને બસ કેવી? ‘શિયાળાની ઠંડી ઋતુમાં જો બસના દરવાજા ખુલ્લા રહી જાય તો સાવજ પરિવાર બસની સીટ ઉપર નિંદર માણી લે.’
ચોકમાં ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય-બધા કાર્યક્રમો થાય.
પેટ્રોમેક્સના અજવાળે કામ ચાલેે. ‘વક્તા, ગાયકનો અવાજ માઇક વિના પણ ચોકમાં સંભળાય. આમેય કાઠિયાવાડીઓને ક્યારેય ધીમા અવાજે બોલતાં સાંભળ્યા છે? માણસ ગરવો અને અવાજ નરવો.’ પી.કે. લહેરીના અવાજને પણ આ શબ્દોથી બિરદાવી શકાય. વિવિધ ધર્મોના અનુયાયીઓ એક સમાજ-એક પ્રજા બનીને એ વખતના રાજુલામાં કેવા સંપથી જીવતા હતા એનાં અનેક પ્રેરક દૃષ્ટાંત અહીં મળે છે. મોહન, ટપુ અને ઘેટાની ત્રિપુટીનું કશા આધાર વિનાનું છતાં રામભરોસે સુખી જીવન- વજનમાં નમતું જોખવાનો રિવાજ- છેતરવાની વૃત્તિ નહીં. (પૃ. 12)

એક ઓલિયો આદમી બદરુદ્દીન બહારગામથી આવી રાજુલાનો અદનો સેવક બની જાય છે: ‘સાંજે ગામના નદીના સામા કાંઠે આવેલા સંન્યાસ આશ્રમમાં સત્સંગ માટે બદરુદ્દીનભાઇ અવશ્ય જાય. ક્યારેક તો ત્રણ-ચાર સંન્યાસી સામે એક જ વ્યક્તિનું શ્રોતામંડળ હોય! શ્રોતા તરીકે બદરુદ્દીનભાઇ સત્સંગમાં ગંભીર રીતે ભાગ લઇ સંન્યાસીના જ્ઞાનનો લાભ તો લે જ પણ સાથે સાથે ‘સેવા જ પરમ ધર્મ’ એ વાતને વાગોળતા રહે. વૈદ્ય બદરુદ્દીનને અમદાવાદના સદ્્વિચાર પરિવારના હરિભાઇ પંચાલ સાથે દોસ્તી’ (પૃ. 15)

મસ્ત ફકીર, બદરુદ્દીનભાઇ અને દોલુભાઇની ત્રિપુટીનું અસ્તિત્વ લેખકના હૃદયમાં રહેલી શ્રદ્ધાને દૃઢ કરે છે. ‘જટાબાપાની ધૂડી નિશાળ’માં વિદ્યાર્થીના માથે હાથ મૂકવાની એમની મુદ્રા પી.કે. લહેરીને મોટી ઉંમરે પણ આશીર્વાદ જેવી લાગે છે. ગોખણક્રિયાને મગજમાં સોફ્ટવેર સેટ કરવાની ક્રિયાનો સંકેત પણ નોંધપાત્ર છે. કાળા ભીખાનું રેખાચિત્ર પણ વિલક્ષણ અને પ્રેરક છે. એક અભણ માણસની કોઠાસૂઝ એને લાટીના વહીવટની મોટી તક આપે છે. અને સાઠ વર્ષના સંબંધમાં એની નિષ્ઠા અવિચળ રહે છે. લેખક બધાં જ ગુણદર્શી વિશેષણો એમના માટે પ્રયોજે છે.

આઠમા પ્રકરણની કેટલીક વિગતો રાજુલાવાસીઓનો મહિમા વધારે છે:‘ધીરુભાઇ અંબાણીને શરૂઆતમાં મદદગાર થનાર મથુરદાસ મહેતા રાજુલાના, પાંડુરંગ શાસ્ત્રીજીના સ્વાધ્યાય પરિવારની સંસ્થાના પ્રથમ પ્રમુખ દુર્લભદાસ દોશી પણ રાજુલાના. તેમના પ્રયાસથી વર્ષો સુધી રાજુલામાં ‘તત્ત્વજ્યોતિ’ સંસ્થાએ સંસ્કૃત અને સંસ્કૃતિની જાળવણીની અનોખી કામગીરી કરી. આપણા જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝા આ ‘તત્ત્વજ્યોતિ’ના એક પ્રભાવશાળી વિદ્યાર્થી.’ (પૃ. 31) આ સૂચિ લાંબી ચાલે છે.

કવિ દુલા ભાયા કાગ વિશે પણ એક પ્રકરણ છે: ‘સંતવાણીનો સાગર.’ધાર્મિક અને ભૌગોલિક મહત્ત્વ ધરાવતાં સ્થળો ઉપરાંત પિતાશ્રી કનુભાઇ લહેરી વિશે પણ લેખકે સંકોચ સાથે લખ્યું છે. તેથી તો પોતે મૂલ્યાંકન કરવાને બદલે જુદા જુદા દૃષ્ટિકોણથી કનુભાઇને જોતા મહાનુભાવોનાં અવતરણ આપ્યાં છે. ધોલેરા સત્યાગ્રહના સાથી દર્શક કહે છે: કનુભાઇની ભાષણ કરવાની છટા હજી મને યાદ છે. મોટી સભાઓ એમના બુલંદ અવાજથી ગાજતી. પિતાશ્રીનાં આ લક્ષણો પુત્રમાં વધુ પ્રવીણતાથી વ્યક્ત થતાં લાગે.
અન્ય સમાચારો પણ છે...