તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાનપીઠ પુરસ્કૃત બંગાળી કવિ શંખ ઘોષ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જ્ઞાનપીઠ પુરસ્કૃત  બંગાળી કવિ શંખ ઘોષ

સને 2016ના બાવનમા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત બંગાળી કવિ શંખ ઘોષ (જન્મ 1932) આ સન્માન પ્રાપ્ત કરનારા છઠ્ઠા બંગાળી સાહિત્યકાર છે. તારાશંકર બંદોપાધ્યાય (1966), વિષ્ણુ દે (1971), આશાપૂર્ણાદેવી (1976), સુભાષ મુખોપાધ્યાય (1991), મહાશ્વેતાદેવી (1996) પછી વીસ વર્ષે બંગાળી ભાષાસાહિત્યને આ પુરસ્કાર પ્રાપ્ત થાય છે. શંખ ઘોષને અલબત્ત વચ્ચે બિરલા ફાઉન્ડેશનનું સરસ્વતી સમ્માન પ્રાપ્ત થયેલું છે.

લગભગ એવી પ્રણાલી ઊભી થઇ છે કે ભારતીય લેખકને આ બેમાંથી એક પુરસ્કાર મળે. શંખ ઘોષ આમાં અપવાદ છે. અગાઉની સરકારે એમને પદ્મભૂષણથી નવાજ્યા હતા. આજે એ પંચ્યાસી વર્ષના છે. રવીન્દ્રનાથના ચાહકો પણ ઇચ્છે છે કે શંખ ઘોષ અમદાવાદ-ગુજરાત આવે. રવીન્દ્રનાથનો કોઇ પણ સંદર્ભ પૂછો, એ દસ મિનિટમાં વળતો જવાબ આપશે, એમ રવીન્દ્ર ભવનના સંચાલકો કહે છે. શંખજી દિલ્હી યુનિવર્સિટી, વિશ્વભારતી અને સિમલાના ઇન્સ્ટિટ્યૂટમાં અધ્યયન કરી ચૂક્યા છે.

1992માં જગદલપુર યુનિ.માંથી એ નિવૃત્ત થયા. અત્યારે કોલકાત્તા રહે છે. એમનાં વધુ જાણીતાં પુસ્તકોમાં આદિમ લતા ગુલ્મમય, એક મૂર્ખ, જે સામાજિક નથી, કવિનો અભિપ્રાય, બાબરની પ્રાર્થના આદિનો સમાવેશ થાય છે. શંખ ઘોષના લેખનમાં યુગચેતના તીવ્રતાથી વ્યક્ત થઇ છે. સહન કરતો મનુષ્ય એમની કવિતાના કેન્દ્રમાં છે, પણ એમનું લેખન સપાટ નથી. વિશિષ્ટ સંરચના ધરાવતાં કાવ્યોને કારણે પણ એ પ્રતિષ્ઠિત છે. એમની ‘ભય’ નામની કવિતાનો પ્રયાગ શુકલે કરેલો હિન્દી અનુવાદ ‘સમકાલીન ભારતીય સાહિત્ય’ના 2015ના સપ્ટેમ્બર-ઑક્ટોબર અંકમાં પ્રગટ થયો છે. એનો ગુજરાતી અનુવાદ આવો થઇ શકે :
ભય:

સીઆઇટી રોડના વળાંકે હાથ લંબાવી
સૂતી છે મારી પુત્રી ફૂટપાથ પર,
છાતી પાસે છે વાટકો એલ્યુમિનિયમનો.
આખો દિવસ વરસાદ પડ્યો છે એની ભિક્ષા ઉપર
તેથી સમજી નથી શક્યો કેવુંક હતું એનું રડવું.
અને કયો હતો વરસાદનો અવાજ.
એ દિવસે જ્યારે એ ખોવાઇ ગઇ હતી
ગલીઓના ચક્કરમાં
રડી પડી હતી
જે રીતે રડી પડે છે અનાથ છોકરીઓ
ત્યારે મેં કહ્યું હતું:
ભય શેનો, હું તો તારી પાછળ હતો.
પરંતુ લાગે છે ભય મને પણ
જ્યારે એ સૂઇ જાય છે
અને તોડીને ભયને
એના હોઠના ખૂણે ફેલાઇ જાય છે
એક ટુકડો પ્રકાશનો.- શંખ ઘોષ

પ્રકાશ તો મનુષ્યને સુરક્ષિત કરે, તિર્જાય કરે, પણ અહીં પુત્રીના મુખ પર પડતો પ્રકાશ પિતાને ભયભીત કરે છે. આ ભય પેલા વરસાદ કરતાં જુદો છે. ભીખ માટેના વાડકામાં પડતો વરસાદ એના રુદનને સાથ આપે છે. પિતા એ બે ઘટનાને જુદી પાડી શકતો નથી - આ કલ્પન ભાવકની સંવેદનાને સતેજ કરે છે. આ સ્થિતિમાં કષ્ટ છે, પણ આ ભિક્ષુક કન્યા ફૂટપાથ પર સૂતી હોય અને પ્રકાશનો ટુકડો કોઇ પસાર થતા અપરાધીને આ માસૂમ ચહેરો બતાવી દે, એ પછી જે જોખમ ઊભું થાય એનો પિતાને ભય છે. એ ભયંકર ઘટનાનું વર્ણન કર્યા વિના હોઠ પર પડતા પ્રકાશ દ્વારા સંકેત કરીને અજ્ઞાત ભયની કવિએ પ્રતીતિ કરાવી છે.

કવિએ ત્રીજા પુરુષમાં ભિખારી અને એની કન્યાની વ્યથાનું આલેખન કરવાને બદલે પોતાની પુત્રી રૂપે કાવ્યનાયક પુત્રીની વર્તમાન વેદના અને ભાવિ ભયનો નિર્દેશ કરે છે. વરસાદના રુદન કરતાં અકળ ભાવિનો ભય વધુ જોખમકારક છે. આ એક કાવ્ય પણ શંખ ઘોષની સંવેદના અને કળાનો પરિચય કરાવે છે. અભ્યાસીઓએ ‘નયા જ્ઞાનોદય’નો ફેબ્રુઆરી 2017નો અંક જોવો. એમાં શંખ ઘોષનાં પાંચ કાવ્યોનો શ્રી ઉત્પલ બેનર્જીએ હિન્દી અનુવાદ આપ્યો છે. અહીં રચનારીતિનું વૈવિધ્ય છે. ‘અધિકાર’ કાવ્યમાં સર્વ ક્ષેત્રે શોષિત મનુષ્ય અન્યાય સહજ કરવાનો અધિકાર ધરાવે છે એ વ્યંગ છે.

‘કોઇ કોઇ દિવસ’ કાવ્યમાં વર્ષાના વાતાવરણમાં કોલકાત્તા કેવું દેખાય છે- અનુભવાય છે એનું નિરૂપણ છે. ‘આખું કોલકાત્તા આજે ઢંકાઇ ગયું છે વાદળોથી.’- આમ કાવ્ય શરૂ થાય છે, વચ્ચે કહે છે કોલકાત્તાના સુખદુ:ખને વિશે તો અંતે હું વિચારતો નથી. અતિવૃષ્ટિમાં બધું એકરૂપ થઇ વહી રહ્યું છે. અંતે કવિને લાગે છે. ‘આખું કોલકાત્તા આજે પશમીનાની સડક બની ગયું છે. પશમીનાની શાલનો રંગ એનો સ્પર્શ પ્રત્યક્ષ થાય છે.’

કવિ વર્તમાનને પુરાકલ્પનો, રૂઢિઓ, માન્યતાઓના સંકલન દ્વારા પણ ગૂંથતા રહે છે. સર્વત્ર રમણીય સહજતા પ્રાપ્ત થાય છે. આવી સમૃદ્ધ કવિતાને માણવા નવકવિએ બંગાળી ભાષા શીખવી જોઈએ. ગૂજરાત વિદ્યાપીઠમાં એની સગવડ છે. અમદાવાદનો બંગાળી સમાજ પણ બહોળો અને સંસ્કારપ્રિય છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો