દલિત સર્જકોની રચના સમાવતું ‘ઘૂઘરા ઘમકે સે’

Raghuvir Chaudhri

Jan 01, 2017, 12:00 AM IST
Sahitya Visesh by Raghuvir Chaudhri in Sunday Bhaskar
દલિત સર્જકોની રચના સમાવતું ‘ઘૂઘરા ઘમકે સે’
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામે ગુજરાતી સાહિત્ય પરિષદનું ઓગણત્રીસમું જ્ઞાનસત્ર ડિસેમ્બરની 23-24-25 દરમિયાન ડો. ચંદ્રકાન્ત ટોપીવાળાના પ્રમુખપદે રાજેન્દ્ર પટેલ અને પ્રફુલ્લ રાવલના વહીવટ સાથે યોજાઇ ગયું.

આ પ્રસંગે એક નોંધપાત્ર પ્રકાશન થયું: ‘ઘૂઘરા ઘમકે સે’. ઉત્તર ગુજરાતના સુડતાલીસ સર્જકોની રચનાઓ સમાવતું આ સંપાદન આચાર્ય કિશોરસિંહ સોલંકી અને પ્રો. મણિલાલ હ. પટેલે કર્યું છે. જ્ઞાનસત્રના દરેક પ્રતિનિધિને આ પુસ્તક સુંદર બગલથેલા સાથે ભેટ આપવામાં આવ્યું. પુસ્તક-પ્રદર્શનને પણ ભારે સફળતા મળી, ચાળીસ ટકા કમિશનને કારણે.

મગરવાડાની વસ્તી સાતેક હજારની હશે. ક્ષત્રિય, આંજણા પાટીદાર, પ્રજાપતિની મુખ્ય વસતી છે. તમામ કોમોના શ્રમજીવી વર્ગો અહીં રહે છે. પાણીની તંગી છે, પ્રેમ સવાયો છે. તીર્થસ્થાન તરીકે મગરવાડાનું નામ આદર સાથે લેવાય છે. મણિભદ્રવીરના ચરણની અહીં સદીઓ જૂની પ્રતિષ્ઠા છે. મણિભદ્રવીરનું ધડ વિજાપુર પાસેના આગલોડ તીર્થ અને મસ્તક ઉજ્જૈનમાં છે.

આસ્તિકો ત્રણેય સ્થળોની યાત્રા એકસાથે કરે છે. મગરવાડામાં હવે ભગવાન પાર્શ્વનાથનું રમણીય મંદિર પણ છે. તીર્થંકરો તો ત્યાગની પ્રેરણા આપે પણ વીર સમક્ષ મનોકામના વ્યક્ત કરી શકાય. મહુડીની જેમ અહીં પણ સુખડીનો પ્રસાદ થાય છે. મહુડીમાં મંદિરના પ્રાંગણમાં સુખડી ગ્રહણ કરી ત્યાં જ પ્રસાદ વહેંચી ખાવાનો હોય છે. મગરવાડામાં આવો કોઇ નિયમ નથી.

યજમાન સંસ્થા સર્વ સાધારણ માનવસેવા ટ્રસ્ટના બે ટ્રસ્ટી યતિશ્રી વિજયસોમજી મહારાજ અને ગામના સુપુત્ર કિશોરસિંહ સોલંકી. મંદિર અને શિક્ષણસંસ્થાનો વહીવટ આ ટ્રસ્ટ કરે છે. ગામનો જૂનો કૂવો ખંડિયેર દશામાં હતો. એને બાંધી વિવિધ પ્રતિમા અને પ્રતીકોથી ગ્રામસંસ્કૃતિનું નિદર્શન રચ્યું છે. ગામના વતની નાયક ભાઇઓએ ભવાઇના ગરબામાં નાચતી વખતે લયતાલનાં દર્શન કરાવ્યાં. પાણીની સુવિધા વધે તો કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ગામના વિકાસની ઘણી શક્યતાઓ છે.

‘ઘૂઘરા ઘમકે સે’ના બંને સંપાદકો કિશોરસિંહ સોલંકી અને મણિલાલ હ. પટેલ બંને ગ્રામજીવનનું અાલેખન કરીને ભાવકોનો સદ્્ભાવ પામેલા છે. એ ગ્રામચેતનાનું નિરૂપણ કરતી સાહિત્યકૃતિઓ અને સર્જકોનો ઉલ્લેખ કરીને દલિત ચેતનાને પણ એની સાથે જોડે છે- એને ગ્રામચેતનાનું વિશેષ રૂપ કહે છે, એમાં ઔચિત્ય છે. અગાઉની કૃતિઓમાં પણ વ્યાપક સહાનુભૂતિના ભાગ તરીકે દલિતોની દુર્દશાનું વર્ણન થયેલું છે.

સાતમા-આઠમા દાયકાથી જન્મે દલિત સેવા સર્જકોની કૃતિઓ એમના આક્રોશને કારણે ધ્યાન ખેંચતી થઇ- ‘ઘૂઘરા ઘમકે સે’ સંગ્રહમાં નીવડેલા દલિત સર્જકોની રચનાઓ સમાવેશ પામી છે: મોહન પરમાર, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી, હરીશ મંગલમ્, પ્રાગજીભાઇ ભામ્ભી, દશરથ પરમાર, બી. કેશરશિવમ્, ધરમાભાઇ શ્રીમાળી, ચંદ્રાબેન શ્રીમાળી, મનીષ પરમાર, પ્રશાંત જાદવ, ચંદ્રેશ મકવાણા અને સંજય ચૌહાણ-આ તેર અને હજી જેમની રચનાઓ ગ્રંથસ્થ થઇ નથી એવા ઘણા બધા, હવે દલિત સર્જકો-વિવેચકો સાહિત્યના લલિત કહેવાતા પ્રવાહોનું પણ મૂલ્યાંકન કરતા થયા છે.

દલિત સાહિત્યનું સૌંદર્યશાસ્ત્ર રચવાના ગંભીર પ્રયત્નો રાષ્ટ્રીય-જાગતિક કક્ષાએ પણ ચાલે છે. નારીવાદ હવે એના છેલ્લા મોજા રૂપે માનવતાવાદ રૂપે ઊપસી રહ્યો છે એવા નિર્દેશ દલિત સર્જકોએ પણ આપ્યા છે. હિન્દીમાં તુલસીરામ અને અન્યનું આ દિશામાં નોંધપાત્ર પ્રદાન છે. આ સંપાદનમાં સમાવેશ પામેલી ગદ્યકૃતિઓમાં સામાજિક નિસ્બત ધરાવતી સંવેદના જોવા મળે છે. આ બિનદલિત લેખકોમાં પણ વિવિધ વર્ણો-વર્ગોના પ્રતિષ્ઠિત લેખકો છે. ઉમાશંકરભાઇને કોઇ જ્ઞાતિ કે વર્ણમાં બધી ન શકાય પણ પન્નાલાલ-મણિલાલ-કેશુભાઇ આદિ પટેલ છે જ, ભગવાનદાસ હવે તો પટેલમાંથી નેવું ટકા આદિવાસી થઇ ગયા છે.

ક્ષત્રિયો ઓછા છે-પ્રવીણસિંહ, કિશોરસિંહ, ઇન્દુ પુવાર, પ્રતાપસિંહ, રમણ સોની અહીં નથી પણ રમણલાલ સોની છે. બ્રહ્મભટ્ટ અને ગઢવી ભગીરથ અને પ્રવીણ છે. પાલનપુરવાળાઓમાં એક ચન્દ્રકાન્ત બક્ષી મહાન વાર્તાકાર થયા, બાકી ગઝલકારો છે જેમની અટક પાલનપુરી છે-શૂન્ય, ઓજસ, સૈફ અને મુસાફિર-જે પાલનપુરી બોલીના પણ જાણીતા જાણતલ છે. પ્રો. મનીષા દવે અને મનીષા રબારીએ ક્ષેત્રકાર્ય કરી ઉત્તર ગુજરાતના નિરક્ષર સંત કવિઓ અને ઊગતા સાક્ષરોની સૂચિ કરવાની રહે. સોથી વધુ થશે.

જ્ઞાનસત્રમાં સાહિત્યના વિદ્યાર્થીઓની મોટી હાજરી એક સધિયારો ગણાય. આચાર્ય ગજાનન જોશી અને સમર્પણ કોલેજના પ્રો. વૈભવ સાથે સ્વયંસેવકોની શાંતિસેના હતી. ગુજરાતી ભાષાસાહિત્યનું રક્ષણ થશે.
X
Sahitya Visesh by Raghuvir Chaudhri in Sunday Bhaskar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી