તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘દીવ-દમણ અને દાદરા-નગર હવેલીની ભાષા’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ ગ્રંથમાં એવી કેટલીક ઉપેક્ષિત ભાષાઓ વિશે પણ પાયાની નમૂનારૂપ જાણકારી સુલભ છે. અહીં ચોવીસ જેટલી આદિવાસી ભાષાઓનો રસપ્રદ પરિચય છે
ભારતીય ભાષા લોક સર્વેક્ષણના ઉપક્રમે ગ્રંથ નવમાનો ત્રીજો ભાગ ઓરિએન્ટ બ્લેકસ્વોન પ્રા.લિ. દ્વારા પ્રગટ થયો છે. નવસો પૃષ્ઠનો આ ગ્રંથ પ્રો. ગણેશ દેવીના માર્ગદર્શનમાં ગુજરાતી સર્જક કાનજી પટેલે તૈયાર કર્યો છે. એના પહેલા વિભાગમાં ગુજરાતી ભાષકોની સંખ્યા, ગુજરાતી ભાષા-અભ્યાસ, ગુજરાતીનાં પ્રદેશિક અને સામાજિક રૂપો, સાહિત્ય, રંગમંચ, ચિત્રપટ વિશેના લેખોનાં 184 પૃષ્ઠ છે. ગ્રંથનાં પૃષ્ઠનું કદ બેવડું છે. આ સામગ્રી અન્યત્ર પણ સુલભ છે. પરંતુ ગુજરાતી સિવાય અન્ય અનુસૂચિત ભાષાઓ, મહત્ત્વની અન્ય ભાષાઓ, આદિવાસી ભાષાઓ, વિમુક્ત અને વિચરતી જાતિની ભાષાઓ, સમુદ્રતટની ભાષાઓ વિશે મળીને કુલ સુડતાલીસ પ્રકરણ આપ્યાં છે એ મોટેભાગે નવી સામગ્રી છે.

અનેક અભ્યાસીઓ પાસે સર્વે કરાવીને આ સામગ્રી તૈયાર કરાવી છે. આ કારણે આ ગ્રંથ ગુજરાતી ભાષાના કોશસાહિત્ય તેમજ ભાષાઓના ઇતિહાસના ક્ષેત્રમાં અનન્ય ઉમેરો છે.

પચાસ જેટલા સહયોગી અભ્યાસીઓએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો છે અને લગભગ એટલા વિદ્વાનોએ અધિકરણ લખી આપ્યાં છે. દેશની બધી મહત્ત્વની ભાષાઓના વિદ્વાનોએ પરામર્શક તરીકે સેવાઓ આપી છે. આ ગંજાવર કામ ગણેશ દેવી અને કાનજી પટેલ કરી શક્યા એ ગુજરાત અને દેશની વિદ્યાજગતની એક ઉપલબ્ધિ ગણાય. આવું માતબર અને મૂલ્યવાન કરવા બદલ ગણેશ દેવી અને કાનજી પટેલ ખરેખર અભિનંદનના અધિકારી છે.

જેનું સ્વતંત્ર વ્યાકરણ હોય એને ભાષા, ઉચ્ચારો અને શબ્દપ્રયોગોની ભિન્નતા ધરાવતા ભાષભેદને બોલી કહેવાનો અગાઉ રિવાજ હતો. અત્યારે પણ અધ્યાપકો ભાષા અને બોલીની આવી વ્યાખ્યાઓ શીખવતા હશે પણ પ્રો. ગણેશ દેવી એ બોલીને પણ ભાષા કહે છે. એ તાત્ત્વિક દૃષ્ટિએ વિચારે છે. એક માસ પૂર્વે એમણે ‘અશબ્દતા’ વિશે અમદાવાદમાં યાદગાર પ્રવચન આપ્યું હતું. હવે એ વડોદરા છોડીને ધારવાડ રહેવા ગયા છે, કારણ આપે છે: આપણે કેન્દ્રીય જવાબદારીમાંથી ખસીએ તો નવી પેઢી તૈયાર થાય.

દરેક ભાષાના સામાન્ય પરિચય પછી શબ્દાર્થ, ઉચ્ચારણ, વાક્ય, ક્યાંક ગીત તો ક્યાંક પ્રસંગ મૂળ અને ગુજરાતી અનુવાદ સાથે આપ્યા છે. ગણેશ દેવીએ ગ્રંથની ભૂમિકામાં ઉપેક્ષિત મૌખિક પરંપરા અને ભુલાતી-ભૂંસાતી જતી ભાષાઓ અંગે ભારપૂર્વક વાત કરી છે અને સાર્થક ચિંતા વ્યક્ત કરી છે.

સરકારો બંધારણીય જોગવાઇ મુજબ પચાસ જેટલી ભાષાઓમાં શિક્ષણ આપવાની જોગવાઇ કરે છે. ગણેશ દેવીની ચિંતા આ છે: ઘણી ઉપેક્ષિત ભાષાઓ અને અમુક ‘બહુસંખ્યક’ ભાષાઓ પોતાની સંભાળ પરત્વે સમજી ન શકાય એવી ઉદાસીનતા સેવે છે. ભારતની 1961ની વસ્તીગણતરી મુજબ 1652 ‘માતૃ-ભાષા’ઓની યાદી તૈયાર થઇ હતી. ત્યાર પછીની વસ્તીગણતરી (1971)ના અહેવાલ મુજબ આંકડાઓ નોંધપાત્ર રીતે ઘટ્યા અને દસ હજારથી વધારે લોકો દ્વારા બોલાતી માત્ર એકસો આઠ ભાષાઓ જ અધિકૃત રીતે માન્ય રખાઇ.

આ ગ્રંથમાં એવી કેટલીક ઉપેક્ષિત ભાષાઓ વિશે પણ પાયાની નમૂનારૂપ જાણકારી સુલભ છે. આ ગ્રંથમાં ઉર્દૂ, ગુજરાતી, સિંધી ઉપરાંત અરબી, ઇરાની, કચ્છી, ફારસી વિશે પણ લખાણ છે. અહીં ચોવીસ જેટલી આદિવાસી ભાષાઓનો રસપ્રદ પરિચય છે. એ છે: આંબુડી, ઐસણી, કઠાલી-વસાવી, કાથોડી, કુંકણા, કોટલી, કોટવાળી, ગરાસિયા, ગામીત, ગોરપા, ચારણી, ચૌધરી, ડાંગી, ડુંગરા ભીલી, ઢોડિયા, તડવી, તલાવિયા રાઠોડ, દેહવાલી, પંચમહાલી ભીલી, માવચી, વારલી, રાઠવી, સીદી, કેટલીક ભાષાઓનો પરિચય દસ-બાર પૃષ્ઠ જેટલો અને સંદર્ભોના ઉલ્લેખ સાથે છે. કઠાલી-વસાવી વિશે જયાનંદ જોશી અને જીતેન્દ્ર વસાવાનો લેખ એ દૃષ્ટિએ નોંધપાત્ર છે. આમાંની કેટલીક આદિવાસી ભાષાઓનાં લોકગીતો અને લોકકથાઓનાં સંપાદનો થયેલાં છે. ‘ભાષા’ સંસ્થાએ પણ એવી પુસ્તિકાઓ પ્રગટ કરી છે.

વિમુક્ત અને વિચરતી જાતિની ભાષાઓ આ મુજબ છે: ચામઠી, ડફેર, થોરી, નાયકી, બહુરૂપી, ભાતુ, મદારી, મીર-મીરાસી, મેમણી, વણજારી, વાદી, સંધિ. કાનજી પટેલ મેળાઓ યોજે છે અને વાર્તાઓ લખે છે એમાં વિચરતી જાતિઓ પ્રત્યેનો એમનો સદ્્ભાવ પ્રગટ થાય છે. સમુદ્રતટની ભાષાઓ અહીં આ મુજબ સમાવેશ પામી છે: કોળી, ખારવા, માંગેલી, મેર, કોળધી.

ભાષાના અભ્યાસીઓ માટે આ ગ્રંથ અારંભિક સંદર્ભગ્રંથ લેખાશે, સ્થાનિક વાસ્તવિકતાનું આલેખન કરતા જાનપદી-આંચલિક લેખકોને પણ અહીં કંઇક ભાથું મળી રહેશે. આ ગ્રંથને આધારે પણ વિવિધ ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ શક્ય બનશે. સંપાદકો-આયોજકો પ્રત્યે આદર જગવે એવો આ ગ્રંથ છે.
અન્ય સમાચારો પણ છે...