તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંબેડકર સાથે બધા દલિતો બૌદ્ધ બન્યા હોત તો?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનાં જીવનચરિત્રો સતત પ્રકાશિત થતાં આવ્યાં છે. એની સાથે એમના જીવન અને કાર્ય વિશે સર્જનાત્મક સાહિત્ય પણ પ્રગટ થતું આવ્યું છે. મરાઠી-હિન્દીના લેખક પ્રો. રતનલાલ સોનગ્રાએ રચેલું એકપાત્રીય નાટક ‘વિધિ વિધાન સે સંવિધાન તક’ નોખો પ્રયોગ છે. સંતો અને લોકનાયકો વિશે પ્રો. સોનગ્રાનાં ચોવીસ જેટલાં પુસ્તકો મરાઠી-હિન્દીમાં પ્રગટ થયેલાં છે.
બાબાસાહેબનું તારણ હતું, ‘હિંદુ ધર્મમાં રહીને જાતિભેદ મિટાવીશું એમ કહેવું એ વિષનું અમૃતમાં રૂપાંતર કરીશું એમ કહેવા જેવું છે.’

પ્રસ્તુત નાટકની વિશેષતા એ છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર પોતે પોતાની વાત કહે છે. પરિસ્થિતિઓ અને પ્રસંગો એમના મુખે સાંભળતાં આત્મીયતા જાગે છે. નાટકના નાયક અને સહૃદય પ્રેક્ષક વચ્ચે સીધો સંવાદ રચાય છે. તેથી એકોક્તિ ન રહેતાં પ્રેક્ષકના સંવેદનમાં એક અનન્ય નાટક સર્જાય છે.

ડૉ. આંબેડકરનું ધર્મચિંતન એમને યુગપુરુષ કહેવા પ્રેરે છે.
ભાઉરાવ એટલે કે દાદાસાહેબ ગાયકવાડ નાસિક જિલ્લાના અગ્રણી નેતા હતા. એમણે કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે સત્યાગ્રહનો આરંભ કર્યો. દુનિયામાં મંદિર પ્રવેશ માટેનો આ પહેલો સત્યાગ્રહ હતો. સત્યાગ્રહીઓ ‘શ્રી રામ જય રામ જય જય રામ’ ગાતા મંદિરમાં પ્રવેશવા આવે અને પોલીસ લાઠીચાર્જ કરી એમને હડસેલે. સાડા પાંચ વર્ષ ચાલેલો આ સત્યાગ્રહ એક વિશ્વવિક્રમ છે. આ આખું વૃત્તાંત નાટ્યાત્મક છે. આ સાથે એક સૂત્ર પણ મળે છે: ‘લડાઇ ગમે તેવી હોય જેની પાસે બળ છે એ જ જીતે છે.’

અનેક માઠા અનુભવો પછી બાબાસાહેબ તારવે છે:
‘હિંદુ ધર્મમાં રહીને જાતિભેદ મિટાવીશું એમ કહેવું એ વિષનું અમૃતમાં રૂપાંતર કરીશું એમ કહેવા જેવું છે.’

આ અંગે ગાંધીજી સંમત ન હતા. બાબાસાહેબના જન્મ પહેલાંથી મહાત્મા ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણ માટે પ્રયત્ન કરી રહ્યા હતા, કૉંગ્રેસે એ માટે મોટી રકમ ફાળવી હતી પણ એનાં નક્કર પરિણામ નથી આવ્યાં એવી ડૉ. બાબાસાહેબ આંબેડકરની દૃઢ માન્યતા હતી. એ બોલી ઊઠેલા: ‘ગાંધીજી, મારે માતૃભૂમિ નથી.’

મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં જાતિભેદ હોવા છતાં એ કેન્દ્રસ્થાને નથી. હિન્દુઓ તો જાતિ વિશે પૂછ્યા વિના સંતોષ પામતા નથી. બુદ્ધ જાતિભેદમાં માનતા ન હતા. ડૉ. આંબેડકર બુદ્ધને હિન્દુઓના ઇષ્ટદેવના અવતારમાં મૂકતા નથી. એમને બુદ્ધ અને કબીરમાં શ્રદ્ધા છે કેમ કે એ ભેદ તોડે છે. એક યાદગાર સૂત્ર મળે છે.
‘હું એ વાતે સ્પષ્ટ છું કે મનુષ્ય ધર્મ માટે નથી, ધર્મ મનુષ્ય માટે છે.’

પછી ઉપરાઉપરી અનેક પ્રશ્નો પૂછ્યા છે:
‘જે ધર્મ તમને પીવાનું પાણીય પૂરું પાડતો નથી એને તમે શા માટે અનુસરો છો?... જે ધર્મમાં ઢોરોને અડી શકાય પણ અમુક માણસને નહીં એ ધર્મ નહીં પણ ગાંડપણ છે.’
ભગવાન બુદ્ધે એમના અંતરંગ શિષ્યને કહેલું:

‘આનંદ, તમે દીપક જેવા સ્વયંપ્રકાશિત રહો.’ આ સંદેશ બાબાસાહેબે એમના અનુયાયીઓને આપ્યો.
તમે બૌદ્ધ ધર્મ શા માટે અપનાવો છો? એમ કરવાથી અનામતનો લાભ જતો કરવાની બધાની તૈયારી હોય એવું લાગતું હતું. તેથી બાબાસાહેબ પૂછે છે:
‘આ સગવડનો લાભ લેવા બ્રાહ્મણો ક્યારેય અછૂત થશે ખરા?’

તાજેતરનો ઇતિહાસ કહે છે કે અછૂત થયા વિના જ ઘણા સવર્ણો અનામતનો લાભ લેવા મરણિયા પ્રયત્નો કરી ચૂક્યા છે. પણ બાબાસાહેબને આશા હતી કે બધા બૌદ્ધ ધર્મ અપનાવશે. ‘મને વિશ્વાસ છે કે આગામી દસપંદર વરસોમાં બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાની લહેર આ દેશમાં ફેલાશે અને ભારત બૌદ્ધ દેશ હશે- આનો અર્થ એ છે કે બ્રાહ્મણ સહુથી છેલ્લે બૌદ્ધ ધર્મ અપનાવશે.’

થયું શું? ‘દલિત વર્ગના લોકોએ આબરૂને રોટી કરતાં વધુ મહત્ત્વ આપ્યું છે.’ એવી માન્યતાથી પ્રેરાઇને અને 1956ની 14 ઓક્ટોબરે-વિજયાદશમીએ નાગપુરમાં લાખો અનુયાયીઓે સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી, પંચશીલનો સંકલ્પ કર્યો. ડૉ. બાબાસાહેબ આંબેડકરે મહાત્મા ગાંધીની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ભારતીય સંસ્કૃતિની અંતર્ગત રહીને એને ઇજા ન થાય એ રીતે સામુહિક ધર્મપરિવર્તન કર્યું.
(ગુજરાતી અવતરણો સુનીતાના અપ્રગટ અનુવાદમાંથી લીધાં છે.)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો