ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં સંશોધન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છઠ્ઠા પગારપંચના અમલ સમયે સંશોધન અને શિક્ષણ યુજીસીએ ફરજિયાત બનાવ્યાં. દરેક સંસ્થાનું મૂલ્યાંકન કરવા માટે માપદંડો બનાવ્યા. એક હજાર ગુણાંકોમાં ચારસો ગુણ તો માત્ર સંશોધન માટે છે

એ કવીસમી સદીમાં ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ઝડપભેર ખૂલી રહી છે. પંદરેક વર્ષો પહેલાં ગુજરાતના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે કર્ણાટક, આંધ્રપ્રદેશ કે મહારાષ્ટ્રમાં જતા હતા અને દર વર્ષે ગુજરાતના દસ હજાર કરોડ રૂપિયા ગુજરાત બહાર ખેંચાઇ જતા હતા. પણ ભણવા માટે ઉચ્ચ શિક્ષણની સગવડ ઊભી થઇ જવાથી વાત પૂરી થતી નથી. કારણ કે આ બધી સંસ્થાઓમાંથી નેવું ટકા સંસ્થાઓ માત્ર અને માત્ર શિક્ષણનું એટલે કે ભણાવવાનું કામ કરે છે. જ્યારે કોઇ પણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનાં ત્રણ પરિમાણો હોય છે: સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ, સંશોધન એટલે નવા જ્ઞાનનું સર્જન, શિક્ષણ એટલે તે જ્ઞાનનું વિદ્યાર્થીઓમાં સિંચન તથા વિસ્તરણ એટલે તે જ્ઞાનનો સમાજમાં અમલ. કોઇપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનું કેન્દ્ર બિંદુ (ન્યુક્લિયસ) જ્ઞાન છે અને આ જ્ઞાનનાં ત્રણેય પરિમાણો જે તે સંસ્થામાં હોવાં જોઇએ.

હવે કોઇ પણ સમાજના વિકાસ માટે સતત નવા જ્ઞાનની જરૂર પડતી રહેતી હોય છે. પહેલાં આ જરૂર મર્યાદિત હતી, જ્યારે હવે જ્ઞાન સમાજનો ઉદ્ભવ થયો છે એટલે જ્ઞાન ઉપર જ સમાજના વિકાસનો આધાર છે. જે સમાજ વધુ સર્જનશીલ હોય છે અને પોતાને માટે જે નવા નવા જ્ઞાનનું સર્જન કરે છે તે વિકસતો રહે છે. જે સમાજ સંશોધનને મહત્ત્વ આપતો નથી તે પ્રમાણમાં પછાત રહે છે. આધુનિક જ્ઞાનનું સર્જન પણ ભારતમાં નહિ‌વત્ થાય છે. એટલે આજે આપણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જે ભણાવીએ છીએ તે પરદેશી જ્ઞાન છે. પરદેશમાં આ જે જ્ઞાન અને ટેક્નોલોજી શોધાયાં તે બધાં તેમની યુનિવર્સિ‌ટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં શોધાયાં હતાં.

આપણે ત્યાં શી સ્થિતિ છે? એક મોટી સંસ્થાના નિયામક પીએચ.ડી. થયા નથી, એટલું જ નહીં પરંતુ પીએચ.ડી. કરવાની શી જરૂર છે તેમ જાહેરમાં બોલે છે. તેઓ પાઠય પુસ્તકો લખે છે અને ઘેર ટયુશન કરે છે. જે સંસ્થાના વડા જ સંશોધનને આટલું ઓછું મહત્ત્વ આપતા હોય તે સંસ્થાના અધ્યાપકો સંશોધન નહીં કરે અને ટયુશન કરવા તરફ વળી જશે. આપણી મોટાભાગની કોલેજો અને યુનિવર્સિ‌ટીઓ આ રીતે જ ચાલે છે. આથી એક તૃતીયાંશ ક્ષમતાએ ચાલતી સંસ્થાઓમાં વ્યક્તિદીઠ ખર્ચ વધુ આવે છે. ધારો કે એક વ્યક્તિદીઠ સંસ્થાને વર્ષે છ લાખ ખર્ચ આવતો હોય તો તે સંસ્થાએ છ લાખ રૂપિયા ગુણ્યા કુલ કાર્યકરો જેટલા રૂપિયા કમાવા પડે અને આ આવક માટે વિદ્યાર્થીની ફી સિવાય કોઇ સ્ત્રોત સંસ્થા પાસે નથી. જો સંસ્થામાં સંશોધન અને વિસ્તરણ પણ ચાલતાં હોય તો તેની આવક પણ થાય અને વિદ્યાર્થીદીઠ ફી ઓછી કરી શકાય.

છઠ્ઠા પગારપંચના અમલ સમયે આ માટે સંશોધન અને શિક્ષણ યુજીસીએ ફરજિયાત બનાવ્યાં. દરેક સંસ્થાનું મૂલ્યાંકન કરવા માટે માપદંડો બનાવ્યા. એક હજાર ગુણાંકોની આ યોજનામાં ચારસો ગુણ તો માત્ર સંશોધન માટે છે. બાકીના છસો ગુણમાંથી ત્રણસો શિક્ષણ માટે અને બાકીના ત્રણસો ગુણ વિસ્તરણ માટે છે. હવે જે સંસ્થાઓ સંશોધન અને વિસ્તાર નથી કરતી તેના સાતસો ગુણ તો આપોઆપ કપાઇ જાય છે. ગુજરાતની એક પણ યુનિવર્સિ‌ટી કે કોલેજ ઉચ્ચ ગુણાંક મેળવી શકી નથી. ગુજરાત સરકારે પણ સંશોધન અને વિસ્તરણ માટે નોલેજ કોન્ર્સોશિ‌યમ બનાવ્યું છે. પરંતુ સંસ્થાઓએ હજી સંશોધન કે વિસ્તરણ અપનાવ્યાં હોય તેવું જણાતું નથી.

શિક્ષણ આપ્યા પછી અમારી પાસે સંશોધન કે વિસ્તરણ માટે સમય રહેતો નથી તેમ કહેનાર અધ્યાપકો સાથે વાસ્તવમાં તાર્કિક રીતે આ ત્રણેય બાબતો સંકળાયેલી છે તે કેમ સ્વીકારતા નથી. એટલું જ નહીં સંશોધન વિનાનું શિક્ષણ ઓબ્સોલીટ (જરીપુરાણું) છે. અમેરિકાના ભૌતિકશાસ્ત્રના એક પ્રોફેસર કહેતા હતા કે તમે ભૌતિકશાસ્ત્ર નથી ભણાવતા, તમે તેનો ઇતિહાસ ભણાવો છો. જે દેશમાં ભૌતિકશાસ્ત્ર માટેની સંશોધન સંસ્થા હોય તે વિષયમાં જો આ હાલત હોય તો તબીબી કે ઇજનેરીમાં શી દશા હશે?

જો આપણે અન્ય દેશો સાથે વિકાસની યાત્રામાં સામેલ થવું હશે તો આપણું જ્ઞાન વિકસાવવું પડશે. આ માટે જરૂર પડયે સંશોધન કરતા અધ્યાપકોને પ્રોત્સાહનો અને ન કરનારને ઇજાફા કાપ જેવાં પગલાં લેવાં પડશે. સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે જરૂર પડે સંસ્થાકીય નિયમોમાં જરૂરી ફેરફારો પણ કરવા પડશે. એટલું જ નહીં, સંશોધન કરવા માટે વૈજ્ઞાનિક રીતે વિચારવા માટેની તાલીમ પણ આપવી પડશે. જો તમે વૈજ્ઞાનિક રીતે વિચારતા હશો તો જ વૈજ્ઞાનિક સંશોધન કરી શકશો. હવે સવાલ આવે કે આપણે કેવા પ્રકારનાં સંશોધનોની જરૂર છે. આ માટે દરેક સંસ્થાએ પોતે જે વિસ્તારમાં કામ કરે છે તેની સાથે સેતુ સાધવો પડશે. સમુદ્ર કિનારા નજીકની સંસ્થા સમુદ્રશાસ્ત્ર પર સંશોધન કરે, વન વિસ્તારની સંસ્થા વન પર સંશોધન કરે. દરેક સંસ્થાએ પોતાનો એક થ્રસ્ટ વિસ્તાર બનાવવો પડે.'
vidyutj@gmail.com