તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીહરિનો હિંડોળા ઉત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 
ભગવાન શ્રીકૃષ્ણને ગોપીઓએ વૃંદાવનની કુંજગલીમાં હિંડોળે હીંચકાવીને જે સુખ પ્રાપ્ત કર્યું હતું, તેની ચિરકાલીન યાદ રાખવા જ ભક્તોએ હિંડોળાનો પ્રારંભ કર્યો હતો.
 
અષાઢ-શ્રાવણ માસની આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં પ્રકૃતિ જાણે તે લહાવો લૂંટી લે છે. ગગને મંડાયેલો મેઘ છડી પોકારતો હોય એમ શ્રાવણની પધરામણી ટાણે ગર્જી ઊઠે. અભિષેકની અદાથી સરવડાં વરસવા માંડે છે. શ્રાવણના ગુણોની ગરબીઓ ગૂંથતો હોય તેમ કલાપીનો કેકારવ ચોગરદમ ફળી વળે છે. કોયલના વિલંબિત ટહુકા તેમાં સાથ પુરાવે છે. વીજળીના ચમકારા આકાશમાં વેરાયા કરે છે. દેવો પણ જાણે આ પધરામણી કચકડે કેદ કરી રહ્યા ન હોય તેવું વિરલ દૃશ્ય ખડું થાય છે. ત્યારે ભક્તોએ હિંડોળાનો ઉત્સવ રચ્યો છે. ભગવાનનું દર્શન કરતાં પાંપણના પડદા પડે-ઊપડે ત્યારે એક નિમિષમાં હરિને ઝૂલતા જોવા તે લહાવો જેણે કરી લીધો હોય તે જાણે. ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવાં, એમને જમાડવા-સુવાડવા અને એમ જ ઝુલાવવા. ભક્ત સમજે છે કે હું હરિને ઝુલાવું છું, પરંતુ એની પાછળ રહેલો મર્મ કંઈક એવો છે કે તમે વિરાટનો હિંડોળો ફેરવો તેમાં હું સાથે છું, મને એનું ભાન થયું છે, એનો આનંદ હું લઉં છું અને ગમે તેટલા મહાન હોવા છતાં મારી ભક્તિના હિંડોળે ઝુલાવવાને ઇચ્છા કરું ત્યારે પ્રભુ તમે અવશ્ય પધારવાના જ છો. એટલે ભક્તો જે હિંડોળા રચે છે તેમાં એમનું હૈયું ઠાલવે છે. 
અષાઢ-શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઊજવાય છે. આ સમયે પ્રકૃતિ પૂર્ણ રીતે ખીલી ઊઠી હોય છે. અષાઢ વદ પ્રતિપદા કે બીજથી તે શ્રાવણ વદ બીજ સુધી મંદિરોમાં ભાત-ભાતના હિંડોળા થાય છે. ભક્તો શણગારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાનાં પદો ભક્તિભાવ પૂર્વક ઝીલે અને ઝિલાવે છે. દોરી પણ હીરની ને મણિ-માળાની રખાય છે. એ ખેંચતાં જ સોના-રૂપાના કસબથી ભરપૂર મોરલો ડોલી ઊઠે છે. પોપટ નાચી રહે છે. સાધુવૃંદ મૃદંગ ને મંજીરા લઈ કીર્તન ભક્તિથી વાતાવરણ દિવ્ય બનાવે છે. જાણે બ્રહ્માનંદ રેલાયો હોય તેવું વાતાવરણ જામી જાય છે. 
ભગવાન શ્રીકૃષ્ણને ગોપીઓએ વૃંદાવનની કુંજગલીમાં હિંડોળે હીંચકાવીને જે સુખ પ્રાપ્ત કર્યું હતું, તેની ચિરકાલીન યાદ રાખવા જ ભક્તોએ હિંડોળાનો પ્રારંભ કર્યો હતો. જે વર્ષો જતાં ભક્તિમાં વિવિધતા અને પરિવર્તન આવ્યું. ઉત્તમ ઘાટના અને નવીન રચનાઓના હિંડોળામાં પ્રભુ શોભવા લાગ્યા. ચાંદીના હિંડોળા, શાકના હિંડોળા, પાનના હિંડોળા, પવિત્રાના હિંડોળા, ગુલાબના હિંડોળા, ફળના હિંડોળા, સૂકામેવાના હિંડોળા, મોતીના હિંડોળા, કાચના હિંડોળા, નાની ઘડુલીઓના હિંડોળા, પનઘટ, પલના, શીતલકુટીર, ફૂલબંગલા, ખસના બંગલા, મીનાકારીના બંગલા, ગિરિકંદરામાં થાય છે. દિવસો થોડા અને રૂપ ઝાઝાં એટલે સંતો અને હરિભક્તો હિંડોળાના તાણાવાણામાં દિલ વણી લે છે. હિંડોળાની વિવિધ રચના કરવાનો ઉમંગ પૂર્ણ કરવા સંતો-ભક્તોને ઉજાગર કરવા પડે, શ્રમ ઉઠાવવો પડે છે તે ભગવાન બિરાજતાં જ વસૂલ થાય છે. હીરનો, કઠોળનો અને શ્રાવણ-ભાદોના હિંડોળા, જરીના હિંડોળા, નીલીપીળી ઘટા, કસુંબલ ઘટા અને લહેરિયાના હિંડોળા એમ અનેક જાતના આકર્ષક હિંડોળા પણ ભક્તો ભાવથી બનાવે છે અને ઠાકોરજીને હેતથી ઝુલાવે છે. 
આપણે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી ઠાકોરજીને હિંડોળે ઝુલાવી ઉત્સવ ઊજવીએ છીએ, પરંતુ ભગવાન પ્રગટ હોય ત્યારે ભક્તિનાં નીર તિથિની મર્યાદાને કેવી રીતે ગાંઠે? ભક્તો તો તિથિ નહીં પણ આંગણે આવેલાં અતિથિ-ભગવાનને જોઈને ઘેલા બની જાય છે ને ભાવ પ્રમાણે ભક્તિ અદા કરી લે છે. ભગવાન તે સહર્ષ સ્વીકારી પણ લે છે. તમે હિંડોળે હીંચકતા શ્રીજીમહારાજની આ દિવ્ય લીલાની સ્મૃતિ પણ કલ્યાણકારી છે. એ સ્મૃતિ સાથે ‘હિંડોળા પર્વ’માં ઠાકોરજીને ઝુલાવતાં જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવા ચાલો આપણે પણ ગાઈએ, ‘ઝુલાવું પ્યારા હરિ તમને હિંડોળે...’ 
અન્ય સમાચારો પણ છે...