તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હમનેં તો સિર્ફ અપને આંસુઓ કી વજહ લિખી હૈ, પતા નહીં લોગ ક્યોં કહતે હૈ,વાહ! ક્યા ગઝલ લિખી હૈ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘સર, આપનો બંગલો વેચવા માટે આપણે જા.ખ. આપી હતી ને! જવાબમાં ખૂબ ઓછો રિસ્પોન્સ આવ્યો છે. માત્ર પાંચ-છ પાર્ટીઓએ જ બંગલો ખરીદવામાં ઇન્ટરેસ્ટ બતાવ્યો છે.’ મેનેજરે બોસને સમાચાર આપ્યા. ‘હં...! મને ખબર જ હતી કે આવું થવાનું છે. વાસ્તુશાસ્ત્રીએ કહ્યું જ હતું...’ મોડર્ન ઇલેક્ટ્રોનિક્સના માલિક પ્રવાલ કોબાવાલાએ ચિંતાયુક્ત અવાજમાં કહ્યું. ‘એવું કેમ, સર?’
પ્રેમસંબંધ જ્યારે લગ્નની વાત સુધી પહોંચ્યો ત્યારે પરીનાના પપ્પાએ પ્રવર્ષને ધુત્કારી કાઢ્યો હતો, ‘ભિખારી છે અને મારી દીકરીને પામવાનાં સપનાં જુએ છે? મારા ઘર તરફ નજર કરીશ તો આંખો ફોડી નાખીશ.’

‘આપણો બંગલો વાસ્તુશાસ્ત્રની રીતે અશુભ જગ્યા પર આવેલો છે.’
‘સર, તમે આવી અંધશ્રદ્ધામાં માનો છો?’
‘આમાં માનવા-ન માનવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ બંગલામાં રહેવા આવ્યા પછી આપણા બિઝનેસની જે પડતી થઇ રહી છે તે તમારી આંખ સામે છે. પહેલાં આ બંગલો
મારા સસરાજીનો હતો. એ ભલે ધંધામાં ખૂબ કમાયા, પણ અંગત જિંદગીમાં એમને પણ ઘણાં બધાં દુ:ખો અને આઘાતો ઝીલવાં પડ્યાં હતાં. એટલે જ મેં નક્કી કર્યું કે આ મનહૂસ બંગલો કાઢી નાખવો છે.’

વાસ્તુશાસ્ત્ર સાચું છે કે ખોટું એ વાસ્તુદેવતા જાણે! પણ એ હકીકત છે કે લોકો મકાન ખરીદતી વખતે શુકનિયાળ-અપશુકનિયાળ વાતોનો વિચાર તો કરતા જ હોય છે. હમણાં એક સ્મશાનની જમીન વેચાતી લઇને એક બિલ્ડરે હાઇ રાઇઝ ફ્લેટ્સની સ્કીમ મૂકી, પણ એકેય ફ્લેટ બુક થયો નહીં. હવે બિલ્ડર ભૂત અને પ્રેતની રાહ જોઇને બેઠો છે.

એક મકાન ત્રણ વર્ષથી વેચવા માટે બજારમાં મુકાયું છે; પચાસ-સાઠ ઘરાકો આવીને પાછા વળી ગયા. કારણ શું? તો કે’ ત્રણ પેઢીઓ પહેલાં આ મકાનમાં કુટુંબની વહુએ અગ્નિસ્નાન કરીને પ્રાણ છોડ્યા હતા. યોગાનુયોગ એ પછીની ત્રણેય પેઢીઓ બરબાદ થઇ ગઇ. લોકો માને છે કે મૃતકની ‘હાય’ નડી ગઇ.

પ્રવાલના બંગલાનું પણ આવું જ થઇ રહ્યું હતું. જે બાબત પ્રવાલના ધ્યાનમાં આવી એ જ વાત શહેરના અન્ય લોકોના ધ્યાનમાં પણ આવેલી જ હતી. એટલે તો આવો ભવ્ય બંગલો વેચાતો ન હતો; જા.ખ. આપવી પડી હતી. મેનેજરે પાંચ-સાત નામો અને ફોન નંબરોની યાદી બોસના ટેબલ ઉપર મૂકી દીધી, ‘સર, આટલા લોકોને ઇન્ટરેસ્ટ છે. હવે તમે કહો તેમ કરું.’

‘તમે એમની સાથે ફોન પર વાત કરી લીધી?’
‘યસ સર.’
‘શું કહે છે બધા?’
‘સર, કોઇ પાર્ટી ત્રણ કરોડથી આગળ જવા તૈયાર નથી.’
‘ત્રણ કરોડમાં બંગલો આપી દેવાનો
સવાલ જ પેદા થતો નથી. હાલની માર્કેટ પ્રાઇસ મુજબ ખાલી જમીનની કિંમત જ ચાર કરોડ રૂપિયા થાય છે.’

‘આઇ એગ્રી વિથ યુ સર. પણ એક પાર્ટીએ એટલું કહ્યું છે કે હું તમારા બોસ સાથે મિટિંગ કર્યા પછી વિચારી શકું કે બંગલો લેવા માટે કેટલી પ્રાઇસ આપવી!’
‘એમ? તો તમે એને કહો કે આજે જ સાંજે મને મળવા માટે આવી જાય. શું નામ છે એનું?’
‘મિ. પ્રવર્ષ પૂંઠાવાલા.’ મેનેજરે જવાબ આપ્યો. પ્રવાલ લમણા પર આંગળીના ટકોરા મારીને વિચાર રહ્યો: ‘આ નામ આજ સુધી મેં કેમ સાંભળ્યું નથી?! પાર્ટી તો મોટી જ હોવી જોઇએ...’

સાંજે પ્રવર્ષ પૂંઠાવાલા આવી પહોંચ્યો. એ પાંત્રીસેક વર્ષનો યુવાન બિઝનેસમેન હતો. હેન્ડસમ અને તરવરિયો લાગી રહ્યો હતો. બંને જણા ‘હાય-હેલ્લો’ કરીને મુખ્ય મુદ્દા ઉપર વળ્યા. થોડીક ઔપચારિક ચર્ચા પછી પ્રવર્ષે પ્રેક્ટિકલ વાત શરૂ કરી.
‘તમારા બંગલાનો નકશો મને બતાવી શકો?’

‘વ્હાય નોટ?’ પ્રવાલે ડ્રોઅરમાંથી એક ફાઇલ કાઢીને પ્રવર્ષના હાથમાં મૂકી દીધી. ફાઇલમાં દસ્તાવેજ, નકશો અને બાંધકામના પ્લાન સહિતના તમામ કાગળો મોજૂદ હતા. પ્રવર્ષ આજુબાજુના વિસ્તારોનું પણ નિરીક્ષણ કરી રહ્યો.
પછી ઊંડો વિચાર કરીને એણે કહ્યું, ‘મિ. પ્રવાલ! આ બંગલાના જો કોઇ ત્રણ કરોડ પણ આપતું હોય તો તમે રાહ ના જોશો. ફટકારી મારો!’

‘કેમ આવું કહો છો?’
‘હું તો આ શહેર છોડીને વર્ષો પહેલાં ચાલ્યો ગયો હતો, પણ અહીંના લોકો કહે છે કે આ એરિયા શાપિત છે. ત્યાં રહેતા કોઇ પણ માણસો સુખી થયાં નથી.’
‘આવું તમે શેના પરથી કહો છો?’
‘એ બધું જવા દો; તમે એક કામ કરો. મને આ બંગલાની ચારેય દિશાઓમાં આવેલી જમીન વિષેની માહિતી આપો. હું તમને જણાવી દઇશ કે શા માટે આ બંગલો ખરીદાય નહીં!’

બંને જણા નકશો પાથરીને બેઠા. ‘અહીં આ વૃક્ષ છે એ કયું છે?’
‘આંબલીનું ઝાડ છે એ.’
‘હં... મ... મ...! મતલબ કે ભૂતનો વાસ! અને આ પ્લોટ સોસાયટીના છેવાડે આવેલો છે?’
‘હા, કેમ?’
‘તમને એટલીયે સમજ નથી કે કોઇ પણ સોસાયટીના છેવાડાનો પ્લોટ ના લેવાય?! ઠીક છે; પણ પ્લોટ સમચોરસ નથી લાગતો.’
‘ના, એમાં એક દિશામાં ખૂણો પડે છે.’

‘એમ કહી દો ને ભલા માણસ કે આ પ્લોટ ત્રિકોણિયો છે.’
‘હા, પણ એમાં શો વાંધો?’
‘વાંધો? અરે, સાવ મફતમાં મળતો હોય તોય ત્રિકોણિયો પ્લોટ ના લેવાય! અને આ પાછળની બાજુએ શું છે?’
‘ત્યાં અંધારી, એકાંત જગ્યા છે.’
‘સમજી ગયો. આવી જગ્યા લવરિયાઓને બહુ ફાવતી આવે છે. સાચું બોલો! તમારા બંગલાની પાછળ પ્રેમીપંખીડાઓનો જમઘટ જોવા મળે છે કે નહીં?’

‘જોકે અમે એ તરફ જતાં કે જોતાં નથી, પણ તમે કહો છો એવું જ હોય છે ત્યાં...’
‘અને તો પણ તમારે પાંચ કરોડ રૂપિયા લેવા છે આવા બંગલાના?’
‘હા, લેવા છે; હું મારી સોનાની લગડી પિત્તળના ભાવે ફેંકી દેવા નથી માગતો. મિલકત મારી છે, કિંમત પણ હું નક્કી કરીશ.’

‘નો પ્રોબ્લેમ. બેસી રહો ત્યારે રાહ જોઇને. જ્યારે કોઇ લેવાલ ન મળે ત્યારે આ નંબર પર ફોન કરજો મને. એ વખતે જો મારો વિચાર ફરી નહીં ગયો હોય તો... ! બાય...!’ અને પોતાનું વિઝિટિંગ કાર્ડ ટેબલ પર છોડીને પ્રવર્ષ ચાલ્યો ગયો. પ્રવર્ષ પૂરાં દસ-બાર વર્ષ પછી આ શહેરમાં પાછો ફર્યો હતો. એ અમેરિકામાં હતો. ખૂબ કમાઇ લીધું હતું એટલે વતનમાં વસવા માટે પાછો આવ્યો હતો.
એક સારો બંગલો ખરીદીને અહીં બિઝનેસ શરૂ કરવા માગતો હતો. અત્યારે એક ફ્લેટ ભાડે રાખીને રહ્યો હતો. રાત્રે ટી.વી. જોતાં જોતાં પ્રવર્ષ અતીતમાં સરી પડ્યો. આ શહેર એના માટે ખાસ મહત્ત્વ ધરાવતું હતું. આ શહેરે એને કિશોરમાંથી યુવાન બનાવ્યો હતો. આ શહેરે જ એને પ્રેમિકા આપી હતી. પરીના કરતાં વધારે સુંદર કોઇ છોકરી હોઇ શકે જ નહીં.
એ અને પરીના ગાઢ પ્રેમમાં હતાં; રોજ સાંજે બે કલાકનો સમય સાથે જ પસાર કરતાં હતાં. એક દિવસ પરીનાએ કહ્યું હતું, ‘પ્રવર્ષ, આપણે મળીએ છીએ એ વાત મારા પપ્પા સુધી પહોંચી ગઇ છે. કોઇએ ચાડી ફૂંકી દીધી લાગે છે.’ ‘તો હવે શું કરીશું? આપણે મળવાનું બંધ કરી દેવું પડશે?’

‘ના, આપણે મિલનની જગ્યા બદલી નાખવી પડશે. અત્યાર સુધી આપણે કોફી શોપમાં કે પબ્લિક ગાર્ડનમાં મળતાં રહ્યાં છીએ; હવેથી કોઇ નિર્જન સ્થાન શોધવું પડશે જ્યાં માણસોની અવર-જવર નહીંવત્ હોય.’
પરીનાએ એવું સ્થળ શોધી કાઢ્યું. શહેરના બહારના વિસ્તારમાં નવી જ બનેલી સોસાયટી. છેક છેવાડાનો બંગલો. ડાબી બાજુ તળાવ. એક આંબલીનું ઝાડ.
પાછળ અંધારી ગલી. ધોળા દિવસે ય ભેંકાર લાગે. ‘ખરી જગ્યા શોધી કાઢી છે તે? આખી જિંદગી તમે અહીં મળતાં રહો તો યે કોઇને જાણ ન થાય.’ પ્રવર્ષ ખુશ થઇ ગયો હતો. પણ કાળક્રમે બધું ભૂંસાઇ ગયું. પ્રેમસંબંધ જ્યારે લગ્નની વાત સુધી પહોંચ્યો ત્યારે પરીનાના પપ્પાએ પ્રવર્ષને ધુત્કારી કાઢ્યો હતો, ‘ભિખારી છે અને મારી દીકરીને પામવાનાં સપનાં જુએ છે?
હવે પછી ક્યારેય મારા ઘરની દિશામાં નજર સરખી પણ કરી છે તો તારી આંખો ફોડી નાખીશ.’ ભિખારીનું મહેણું પ્રવર્ષને અમેરિકા તરફ લઇ ગયું. આજે એ કુબેરનો ખજાનો કમાઇને પાછો આવ્યો હતો. પરીનાનું શું થયું હશે એની એને કશી જ જાણ ન હતી. બસ, એની વાતો, એની સાથેની મુલાકાતો યાદ રહી ગઇ હતી.
યાદ રહી ગયું હતું એ મિલનસ્થળ. એ અંધારી ગલી, એ ભેંકાર સન્નાટો, એ આંબલીનું ઝાડ, એ બંગલો, એ તળાવ! અચાનક પ્રવર્ષના દિમાગમાં વીજળીનો ચમકારો થયો. એણે પ્રવાલના મકાનની જા.ખ. કાઢીને ફરીથી વાંચી લીધી. એમાં ઘરનો અને ઓફિસનો એમ બંને ફોન નંબર્સ છાપેલા હતા. એની જગ્યા પણ અસલ એ જ લાગી રહી હતી જ્યાં વર્ષો પહેલાં...?
તો શું એ જ બંગલો પછીથી પરીનાના પપ્પાએ ખરીદી લીધો હશે? અને પછી જમાઇને વારસામાં આપી ગયા હશે? એ મનહૂસ બંગલો? ના, એ બંગલો બીજા માટે મનહૂસ હોઇ શકે; પણ પોતાના માટે તો મીઠી સ્મૃતિઓનો મૂક સાક્ષી છે. પ્રવર્ષે ઘરનો ફોન નંબર ડાયલ કર્યો. સામેથી મીઠો જાણીતો સ્વર સંભળાયો, ‘હેલ્લો! મિસિસ પ્રવાલ સ્પિકિંગ. આપને કોનું કામ છે?’
પ્રવર્ષને લાગ્યું કે એનું હૃદય ધબકતું બંધ થઇ જશે. એણે માંડ માંડ પોતાના દિલ પર સંયમ મૂકીને કહ્યું, ‘હું પ્રવર્ષ બોલું છું. તમારા પતિ આવે ત્યારે મારો મેસેજ એમને આપશો? હું તમારો બંગલો એમના મોં માગ્યા ભાવમાં ખરીદવા માટે તૈયાર છું. જો ઘરની સાથે ઘરવાળી પણ આપવા તૈયાર હોય તો મારી તમામ દોલત...’ ‘પ્રવર્ષ? તું ..?’
અન્ય સમાચારો પણ છે...