માણસના આક્રોશ સામે હારી રહેલી અકલમંદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાંસી, ઉત્તર પ્રદેશમાં જન્મેલા પંકજ મિશ્રા અંગ્રેજીમાં લખતા લેખકોમાં મોટું નામ છે. એ લંડન-અમેરિકાના અનેક પત્ર-પત્રિકાઓમાં નિયમિત લખે છે. આ વર્ષની શરૂઆતમાં એમણે દુનિયાના અલગ અલગ દેશોમાં જોર પકડી રહેલી કૌમપરસ્તી, અલગતાવાદ અને અંધ રાષ્ટ્રવાદની હલચલ ઉપર એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે ‘એજ ઑફ એંગર’ (ક્રોધનો કાળ).
દુનિયામાં અત્યારે, ખાસ કરીને 2010 પછી, ધાર્મિક, રાજકીય અને સાંસ્કૃતિક મોરચે એક પ્રકારની નારાજગી અને નિરાશા પ્રર્વતી રહી છે. એક તરફ 18 દેશોમાં ઇસ્લામિક સ્ટેટનાં આતંકી સંગઠનો ક્રૂર હુમલાઓ કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ પશ્ચિમના દેશોમાં ‘બાહુબલીઓ’ને સરકારમાં બેસાડવાની લોકોની લાગણી બળવત્તર બની રહી છે. અસુરક્ષાની લાગણીની અસર ‘દૂરના અને મહફૂજ’ દેશોમાં પણ પડી રહી છે અને ત્યાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં માનતાં જૂથો મુખ્ય ધારામાં આવી રહ્યાં છે.
સંસારમાં કુલ 195 રાષ્ટ્રો છે. એમાંથી માત્ર 11 રાષ્ટ્રો જ એવાં છે, જ્યાં શાંતિ છે. બાકીનાં રાષ્ટ્રોમાં કોઇક ને કોઇક હિંસા જારી છે. રિપોર્ટ કહે છે કે 2007 પછી હિંસાનો દૌર વધતો રહ્યો છે, અને એમાં 10 દેશો, જ્યાં સૌથી ખૂંખાર રક્તપાત ચાલે છે, 2017માં વિશ્વની શાંતિ માટે ‘ફ્લેશ પોઇન્ટ’ સાબિત થઇ શકે છે.
વિચાર કરો કે દુનિયાના 184 દેશોની જનતા એમની ધાર્મિક રાજકીય અને સામાજિક સ્થિતિને લઇને એક પ્રકારના ક્રોધમાં જીવી રહી હોય તો? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમ તો એવા કોઇ ડાહ્યા માણસ નથી કે એમને અહીં ટાંકવા પડે, પરંતુ એક ઇન્ટરવ્યૂમાં એમણે જે વાત કરી હતી એ અમેરિકાના ‘વિશ્વદર્શન’ની ઝાંખી કરાવે છે. મુસ્લિમ દેશોના ઇમિગ્રાન્ટ્સ ઉપર પ્રતિબંધને લઇને એક ટીવી પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે ‘આનાથી દુનિયાના મુસ્લિમો ગુસ્સે નહીં થાય?’ ત્યારે ટ્રમ્પે કહેલું, ‘ગુસ્સો? આટલો બધો ગુસ્સો તો છે. વધારે કેવી રીતે થાય? દુનિયા કીચડમાં છે. વધુ ગુસ્સો થશે એ શું? દુનિયા ક્રોધમાં છે. ટોટલ ગડબડ છે.’
બે કારણો છે: એક, આપણા મગજની ઉત્ક્રાંતિ એવી રીતે થઇ છે કે આપણે  ખૌફ અને ખેદની લાગણી સરળતાથી વ્યક્ત કરી શકતા નથી, એટલે એમાંથી છૂટવા માટે કોઇકને બલિનો બકરો બનાવવો અનિવાર્ય બની જાય છે. અને બે, આપણી બાહ્ય દુનિયામાં અન્યાય, અસમાનતા અને અવ્યવસ્થાને કારણે માણસના ખૌફ અને ખેદને પાણી પહોંચ્યું છે. બીજી વાત પહેલાં.
2014માં પ્રસિદ્ધ થયેલા ‘ધ ફોર્થ રિવોલ્યુશન’ નામના પુસ્તકમાં એક વિધાન હતું કે, ‘અત્યાર સુધી તો પશ્ચિમના મૉડલ માટે 21મી સદી સડેલી સાબિત થઇ છે.’ 20મી સદીમાં એક એવી ધારણા મજબૂત થઇ કે દુનિયાનો ઉદ્ધાર પશ્ચિમે લખેલા પ્રિસ્ક્રિપ્શન (ઔદ્યોગિકરણ અને લોકતંત્ર) પ્રમાણે નુસખો કરવાથી જ થશે. યુરોપ-અમેરિકાની નેશન-સ્ટેટની થિયરીમાં ભવિષ્યવાણી એવી હતી કે પશ્ચિમનું રાજકીય-સામાજિક-ધાર્મિક મૉડલ ક્રમશ: પૂરા સંસારમાં અપનાવવામાં આવશે અને ઔદ્યોગિક મૂડીવાદમાંથી જન્મેલો મહત્ત્વાકાંક્ષી મધ્યમ વર્ગ જવાબદાર અને સ્થિર સરકારોને ચૂંટશે. (જેવું પશ્ચિમમાં થયું હતું.)
ટૂંકમાં, ખયાલ એવો હતો (અને હજુય છે) કે જે લોકો મેકડોનલ્ડ્સના બર્ગર ખાય એ યુદ્ધો ન કરે. પંકજ મિશ્રા લખે છે, ‘19મી સદીના યુરોપમાં ઔદ્યોગિક મૂડીવાદની સાથે જે અપૂર્વ રાજકીય, આર્થિક અને સામાજિક અવ્યવસ્થા આવી અને જેના કારણે 20મી સદીના પૂર્વાધમાં મહાયુદ્ધો, સર્વસત્તાવાદી સરકારો અને જાતિસંહારો આવ્યા, આજે 21મી સદીમાં એ જ અવસ્થા યુરોપની બહારના વ્યાપક પ્રદેશો અને આબાદીને ઘેરી વળી છે.’ કાર્લ સ્મીટ નામના જર્મન કાનૂનવિદને ટાંકીને મિશ્રા લખે છે, ‘આજે જે ધડાકા-ભડાકા થાય છે તે આગમાં પલીતો 1848માં ચાંપવામાં આવ્યો હતો.’
છેલ્લી અડધી સદીથી દુનિયામાં મૂડીવાદનો એક આત્યંતિક ઢાંચો વ્યવહારમાં આવ્યો છે, જેણે મૂડીવાદના પાયાના એ સિદ્ધાંતોને ગલત સાબિત કર્યા છે કે માણસ એક તાર્કિક પ્રાણી છે અને બજારો તર્કસંગત રીતે વર્તે છે અને એ વિવેક પ્રમાણે કિંમતો નિર્ધારિત થાય છે. પશ્ચિમનું આર્થિક મૉડલ માણસની અતાર્કિક નિર્ણયશક્તિ સામે નિષ્ફળ ગયું છે અને પૂરી દુનિયામાં વિવિધ રાષ્ટ્રો વચ્ચે, વિવિધ સમાજો-વર્ગો અને સમુદાયો વચ્ચે આર્થિક અસમાનતા વધી રહી છે જેનાથી સામાજિક-ધાર્મિક પાયાઓમાં પણ હલચલ થઈ રહી છે.
આમાંથી માણસના મગજમાં પડેલી ખૌફ અને ખેદવાળી (ગરીબીનો ખેદ અને અન્યાયનો ખૌફ) સર્કિટ સક્રિય થઈ છે. સુખ-સમૃદ્ધિ અને સંતોષ માટે માણસ વિવેકપૂર્ણ વ્યવહાર કરે છે એ ધારણા ન્યૂરોસાયન્સે ગલત સાબિત કરી છે. દાખલા તરીકે દુ:ખી કે ઉદાસ માણસ સુખના ઉપાય શોધવાને બદલે ક્રોધ કરવાનું પસંદ કરે છે, એ અર્થશાસ્ત્રીઓને ખબર ન હતી. એટલે બર્ગર ખાય એ યુદ્ધ ન કરે એ માન્યતા ગલત થઇ ગઇ. 
માણસ પ્રકૃતિથી તામસિક અને ક્રોધી છે. આપસી સંબંધોથી લઇને રસ્તા ઉપર જતા ડ્રાઇવર બજારમાં ખરીદારી કરતા ગ્રાહકો અને મતદારોમાં અન્યાયની એક પૌરાણિક માનસિકતા હોય છે જેમાં કેન્દ્ર સ્થાને ભાવ એવો હોય છે કે, ‘જે થયું છે તેમાં મારી ત્રુટિ નથી અને ફરિયાદ કરવાનો મને હક છે.’ મોટાભાગના ક્રોધ આ ફરિયાદ કરવાની લાગણીમાંથી આવે છે. અન્યાય, ફરિયાદ, ક્રોધ અને આતંક એકબીજાના પાડોશી  છે.
વ્યક્તિ તરીકે અને સમાજ તરીકે આપણે આજુબાજુની દુનિયા પાસેથી બહેતર ઉમ્મીદ રાખીએ છીએ. આમાં આધુનિક અર્થવ્યવસ્થાનું પેલું ‘કસ્ટમર’ કલ્ચર જ જવાબદાર છે, જે બહેતર સુવિધાના હકને મજબૂત કરે છે. જ્યારે આ ઉમ્મીદ સંતુષ્ટ ન થાય ત્યારે એ વિવશતા ક્રોધ રૂપે વ્યક્ત થાય છે. આપણા આપસી ક્રોધ અને સંસારમાં ચાલતા ક્રોધ માણસની આ મૂળભૂત વિવશતામાંથી જ આવે છે.
અર્થશાસ્ત્રીઓને માણસની અકલમંદી (રેશનાલિટી)માં શ્રદ્ધા હતી, દાર્શનિકોને માણસના આક્રોશની (રિસેન્ટમેન્ટ) ખબર હતી. ગાંધીજીએ કહ્યું હતું કે, ‘અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે તફાવત નથી. જે અર્થશાસ્ત્ર ધનપૂજાને ઉત્તેજન આપે છે અને ગરીબોના ભોગે ધનિકોને શક્તિમાન બનાવે છે, જે અર્થશાસ્ત્ર એક દેશને બીજા દેશનો શિકાર કરવા પ્રેરે છે, તે ખોટું અને અંધકારમય અર્થશાસ્ત્ર છે.’
અન્ય સમાચારો પણ છે...