Home » Magazines » Dharma Darshan » Rahe Roshan, Dr Mehboob Desai Ahmedabad Masjid

આપણો સાંસ્કૃતિક વારસો છે મધ્યકાલીન અમદાવાદની મસ્જિદો

Divyabhaskar.com | Updated - Jul 14, 2011, 01:19 AM

જામા મસ્જિદ પણ ઇસ્લામી સ્થાપત્ય કલાનો બેનમૂન નમૂનો છે

  • Rahe Roshan, Dr Mehboob Desai Ahmedabad Masjid
    Rahe Roshan, Dr Mehboob Desai Ahmedabad Masjid૧૮ એપ્રિલ, ૨૦૧૧ના દિવસને ‘વર્લ્ડ હેરિટેજ ડે’ અથૉત્ ‘વિશ્વ વારસા દિન’ તરીકે સમગ્ર વિશ્વમાં ઊજવવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત વિઝ્યુલ આર્ટિસ્ટ એસોસિયેશનના સહિયારા પ્રયાસથી તેની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સલ્તનત યુગમાં અમદાવાદમાં સર્જાયેલ અદ્ભુત મસ્જિદો પણ આપણા સાંસ્કૃતિક વારસા તરીકે આજે હયાત છે. ગુજરાતના પ્રખર ઈતિહાસકાર રત્નમણિરાવ જોટે તેમના ગ્રંથ ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ (ઇસ્લામ યુગ)’માં લખે છે. ‘બુલંદ કોમળતાનો, લાલિત્યથી પૂર્ણ મહાકાવ્યોનો, ભરપૂર અલંકાર સાથે જ સ્વચ્છ અને સાદાઇનો, મજબૂતાઇ સાથે લાવણ્યનો જે સુમેળ ગુજરાતના મુસ્લિમ સ્થાપત્યોમાં સધાયો છે, એવો હિંદના અન્ય પ્રાંતોના કે બહારના દેશોનાં સ્થાપત્યોમાં જડવો મુશ્કેલ છે.’ આજે અમદાવાદમાં હયાત એવી સલ્તનતકાળની કેટલીક અદ્ભુત મસ્જિદોની વાત કરવી છે. વિશ્વમાં જેની ગણના પથ્થરમાં કોતરાયેલ કાવ્ય તરીકે થાય છે, કલાકારીગરીના ઉત્તમ અને બારીક નમૂના રૂપ થાય છે, તે વીજળીઘર પાસે આવેલ સીદી સૈયદની મસ્જિદની જાળી છે. સીદી સૈયદ એ અમદાવાદ શહેરની સ્થાપના કરનાર બાદશાહ અહેમદશાહનો ગુલામ હતો. બાદશાહની તેના પર મીઠી નજર હતી. ધીરે ધીરે તે ધનવાન થયો અને શાહી હદમાં તેણે એક સુંદર મસ્જિદ બંધાવી. આ મસ્જિદની ઉત્તમ સ્થાપત્યકલા પથ્થરમાં કોતરાયેલી તેની સુંદર જાળીઓ છે. કહેવાય છે કે તેમાં કુલ ત્રણ જાળીઓ હતી. તેમાંથી એક લોર્ડ કર્ઝને ઇંગ્લેન્ડ લઇ જવા માટે કાઢી હતી, પણ મુંબઇ પહોંચતા તે ભાંગી ગઇ. એ ભાંગેલ ટુકડાઓ પરથી પ્લાસ્ટર ઓફ પેરિસ પર લઇ લીધેલ છાપ આજે મુંબઇના શેઠ પુરુષોત્તમ માવજી કળાસંગ્રહમાં છે. શહેરની મધ્યમાં પાનકોર નાકા નજીક આવેલી જામા મસ્જિદ પણ ઇસ્લામી સ્થાપત્ય કલાનો બેનમૂન નમૂનો છે. તેનું બાંધકામ ઇ.સ. ૧૪૧૨માં શરૂ થયું હતું. બાર વર્ષના પરિશ્રમ પછી પૂર્ણ થયેલ આ મસ્જિદનાં ત્રણ દિશામાં ત્રણ પ્રવેશદ્વાર છે. ઈતિહાસકાર રત્નમણિરાવ જોટે તેની બાંધણીમાં હિંદુ-ઇસ્લામિક સ્થાપત્યકલાના સમન્વયનો ઉલ્લેખ કરતા લખે છે, ‘અમદાવાદની જુમ્મા મસ્જિદમાં અંદર અને બહારના દેખાવમાં મુસલમાન બાંધણીના સિદ્ધાંતોને હિંદુ મંદિરની બાંધણીની કલા સાથે એવી સુંદર રીતે મેળવી દીધી છે કે અંદર જાણે મંદિરોના મંડપોની માત્ર પુન:રચના જ કરી હોઇ એવું લાગે છે.’ આવી જ અન્ય એક ઇમારત છે શાહેઆલમનો રોજો. સુલતાન મહંમદ બેગડાના ગુરુ શાહઆલમ વટવાવાળા સૂફી સંત કુતુબઆલમ સાહેબના પુત્ર હતા. શાહઆલમ સાહેબ ઇ.સ. ૧૪૭૫માં ગુજરી ગયા. તેમનો રોજો (મકબરો) મહંમદ બેગડાના અમીર તાજ ખાન નરપાલીએ બંધાયો હતો. તાજ ખાને બંધાવેલો રોજો તેની આસપાસની ભૌમિતિક આકૃતિઓની જાળીઓથી ખૂબ સુંદર ભાસે છે. દરવાજાના બારણાની નકશી પણ ઉત્તમ છે. અંદરના ૧૨ થાંભલાના ચોરસ ઉપર ઘૂમટ છે. એની બહાર પડાળી છે. એમાં સુંદર જાળીઓ આવેલી છે. શાહઆલમના રોજની આ જાળીઓ એટલી જાણીતી હતી કે શહેરની અતલસના કાપડ ઉપર જો શાહઆલમની જાળીઓની ભાત છાપેલી હોય તો તે કાપડનો ભાવ વધારે ઉપજતો હતો. મસ્જિદનું ધાબું કમાનો પર ગોઠવેલું છે. એથી તેની બાંધણી અન્ય મસ્જિદો કરતા જુદી પડે છે. એક થાંભલા પર ચાર કમાનો ઉતારેલી છે. જેના કારણે મસ્જિદની સુંદરતા બમણી થઇ જાય છે. મેદાનની ઇશાને મોટું જમાતખાનું અને દીવાનખાનું છે. જૂના દીવાનખાનાની જગ્યાએ સુલતાન મુઝફ્ફરે તે બંધાવ્યું છે. શાહઆલમના સ્થાપત્યનો આ સમૂહ અમદાવાદના પ્રવાસીઓનું અનેરું આકર્ષણ છે. www.mehboobdesai.blogspot.com રાહે રોશન, ડૉ. મહેબૂબ દેસાઈ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Magazines

Trending

વીડિયો વધુ જુઓ