પ્રાર્થના અને પ્રાર્થનાખોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આપણી આસપાસ ઘણા પ્રાર્થનાખોર માનવીઓ દેખાશે. એક લેખકે બહુ સાચું કહ્યું છે કે પ્રાર્થના જીવવી બહુ અઘરી છે, પ્રાર્થનાનો પોપટપાઠ સહેલો છે. આપણે ત્યાં કેટલાક સ્યુડો ગાંધીવાદીઓ વાર-પરબે વિનોબાએ લખેલી સર્વધર્મની પ્રાર્થના ગવડાવે છે. આ બધી ટેવવશ ફોર્માલિટી છે.

આપણા રોજિંદા જીવનમાં પ્રાર્થનાનો ખૂબ મહિ‌મા છે. આપણી નિશાળોમાં જે રીતે પ્રાર્થનાઓ ગવાય છે એ માત્ર એક પિરિયડ પૂરતી જ ફોર્માલિટી છે. ઈશ્વર આપણી ભૂલોથી ખૂબ ટેવાઈ ગયા છે, એક કીડીની પ્રાર્થના પણ ઈશ્વર સુધી પહોંચતી હોય છે. પ્રાર્થનાથી ઈશ્વર બદલાતા નથી, પણ આપણે બદલાઈએ છીએ. ચીલીના નિકોનાર પારા જેવા કવિ ઈશ્વરને અલગ અંદાજથી પ્રાર્થના કરે છે. કવિ લખે છે : 'હે પરમ પિતા ઈશ્વર, અમને ખબર છે કે તમે બહુ કફોડી હાલતમાં છો. તમે પોતે જ તમારું ઘર વ્યવસ્થિત રાખી શકતા નથી. અમને બરાબર ખબર છે કે શેતાન તમને સુખેથી જીવવા દેતો નથી. તમારી દરેક રચનાને બરબાદ કરી નાખે છે. પરમ પિતા, તમે પોતે જ ગદ્દાર ફરિસ્તાઓથી ઘેરાયેલા છો, માટે હે પરમ પિતા, અમારે માટે તમે બિલકુલ કષ્ટ ઉઠાવતા નહીં.

અમે તમને માફ કરી દઈશું.’ આ પ્રાર્થના નિકોનાર પારાએ લખી છે. આખરે તો ઈશ્વરને પ્રેમ કરવાનો છે, જર્મનીના સમર્થ કવિ રાઈનર મારિયા રિલ્કે પ્રેમને બરાબર સમજે છે. એક કવિતામાં રિલ્કે લખે છે : 'તમે મારી આંખો ફોડી નાખશો તો પણ હું તમને જોઈશ. તમે મારા પગ કાપી નાખશો તો પણ હું તમને દોડીને મળવા આવીશ...’ રિલ્કેનો આ મિજાજ હતો. રિલ્કેનો જન્મ ૪ ડિસેમ્બર, ૧૮૭પમાં પ્રાગમાં થયો હતો. રિલ્કેની કવિતામાં આધુનિક જીવનની જટિલતાઓનું ચિત્રણ માનવીય સંવેગોથી ભરપૂર ગતિમય ઢંગથી કંડારાયું છે. રિલ્કેના બાળપણની વાત કરીએ તો રિલ્કેની માતાએ રિલ્કેનો એક છોકરીની જેમ ઉછેર કર્યો હતો. શિશુ રિલ્કેને વસ્ત્રો પણ ફ્રોક અને સ્કર્ટ જેવાં પહેરાવવામાં આવતાં. રિલ્કેની માતા કાયમ રિલ્કેને સોફિયા, મારિયા જેવાં નામોથી જ બોલાવતી હતી. પોતાની માતાના આવા વિચિત્ર વ્યવહારને કવિ રિલ્કેએ અલગ અલગ રીતે સ્મૃતિમાં રાખ્યો હતો. પ્રેમને સમજવો હોય તો રિલ્કે પાસે જવું પડે. આપણે હિ‌ન્દી ફિલ્મોની વાત કરીએ તો યશ ચોપરા અચૂક યાદ આવી જાય. યશ ચોપરાની રોમેન્ટિક ફિલ્મોમાં પ્રેમની જે વિભાવનાનો અહેસાસ થાય છે તે રિલ્કેથી ખૂબ પ્રભાવિત છે. આ પ્રેમની ઝલક તમને રિલ્કેની કૃતિમાં બખૂબી જોવા મળશે. પ્રેમ એ માનવીય સંબંધોનો ઉત્સવ છે. પ્રેમનું ક્યારેય વિશ્લેષણ થઈ શકે નહીં. પ્રેમની કોઈ વ્યાખ્યા હોતી નથી. રિલ્કેની આ પ્રેમવિભાવના તમને યશ ચોપરાની ફિલ્મોમાં દેખાય છે. ખરું પૂછો તો પ્રેમ એ જ મોટી પ્રાર્થના છે.

આપણી આસપાસ ઘણા પ્રાર્થનાખોર માનવીઓ દેખાશે. ઓફિસમાં આવીને પણ પ્રાર્થના કરશે. એક લેખકે બહુ સાચું કહ્યું છે કે પ્રાર્થના જીવવી બહુ અઘરી છે, પ્રાર્થનાનો પોપટપાઠ સહેલો છે. ઇકબાલ જેવા કવિ કહી ગયા છે : 'તેરા દિલ તો હૈ સનમ આશના, મુઝે ક્યા મિલેગા નમાઝ મેં?’ અહીં મને મલાલા યુસુફઝઈનું સ્મરણ તીવ્ર બને છે. મલાલાનો જન્મ પખ્તુનિસ્તાનના સ્વાત જિલ્લામાં થયો હતો. તેર વર્ષની ઉંમરે મલાલાએ તેહરીકે - તાલિબાન સામે અવાજ ઉઠાવ્યો. મલાલા તાલિબાનના હિ‌ટ લિસ્ટમાં આવી ગઈ. ઓક્ટોબર ૨૦૧૨ મંગળવારના દિવસે લગભગ બપોરે બાર વાગ્યે મલાલા નિશાળેથી પાછી ઘેર આવતી હતી ત્યારે એની ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો. મલાલા ભયંકર રીતે ઘવાઈ ગઈ. આ મલાલાએ જે ડાયરી લખી છે તે એક જીવતી પ્રાર્થના જેવી છે. આ ડાયરીના કેટલાક અંશો મૂકવાની લાલચને હું રોકી શકતો નથી.

શનિવાર, ૩ જાન્યુઆરી, ૨૦૦૯

'હું ડરી ગઈ અને મેં ચાલવામાં ઝડપ વધારી દીધી. કાલે આખી રાત મેં ભયંકર સ્વપ્ન જોયું હતું, જેમાં ફોજી હેલિકોપ્ટર અને તાલિબાન દેખાયાં. સ્વાતમાં ફોજી ઓપરેશન શરૂ થયા પછી આ પ્રકારનાં ડરાવનારાં સ્વપ્નાઓ હું ખૂબ જોઈ રહી છું. માએ નાસ્તો આપ્યો. પછી નાસ્તો કરીને હું સ્કૂલે જવા રવાના થઈ ગઈ. નિશાળે જતાં મને બહુ બીક લાગતી હતી. કારણ કે તાલિબાનોએ એલાન કર્યું હતું કે છોકરીઓએ નિશાળે ના જવું. આજે અમારા ક્લાસમાં ૨૭ છોકરીઓમાંથી ફક્ત ૧૧ છોકરીઓ હાજર હતી. તાલિબાનના એલાનથી ડરીને મારી ત્રણ બહેનપણીઓ નિશાળ છોડીને પેશાવર, લાહોર અને રાવલપિંડી ચાલી ગઈ. બરાબર એક વાગ્યા ને ચાલીસ મિનિટે નિશાળ છૂટી ગઈ. સ્કૂલબેગ લઈને ઘેર જતી વખતે મને પાછળથી એક આદમીનો અવાજ સંભળાયો : 'હું તને નહીં છોડું...’ હું ખૂબ ડરી ગઈ. મેં ચાલવાની ઝડપ વધારી દીધી. મેં પાછળ ફરીને જોયું તો એ આદમી ટેલિફોન ઉપર કોઈકને ધમકાવતો હતો.’

રવિવાર, ૪ જાન્યુઆરી, ૨૦૦૯

આજે રવિવારની રજા છે એટલે હું લગભગ પોણા દસ વાગ્યે જાગી, પણ ઊઠતાંવેંત જ વાલિદસાહેબે માઠા સમાચાર કહ્યા કે આજે ગ્રીન ચોકમાં ત્રણ લાશો મળી છે. આ ઘટનાને કારણે મારું હૃદય ગભરાવા લાગ્યું. મૂંઝારો વધી ગયો. સ્વાતમાં ફોજી કારવાઈ શરૂ નહોતી થઈ. એ વખતે અમે બધા કુટુંબીઓ રવિવારે પિકનિક માટે મીર ગુજાર, ફીજાપ ઘટ જતા હતા, પણ હવે હાલત એવી ખરાબ થઈ ગઈ છે કે અમે છેલ્લા દોઢ વર્ષથી પિકનિક પર ગયાં જ નથી. જમ્યા પછી રાત્રે અમે બહાર આંટો મારવા જતાં હતાં, પણ હવે તો સાંજ પછી કોઈ ઘરની બહાર નીકળતું જ નથી. આજે મેં થોડું ઘરકામ કર્યું. થોડી વાર મારા નાના ભાઈ સાથે રમી. કાલે સવારે ફરી નિશાળે જવાનું છે એ વિચારથી હૃદય ફરી જોરથી ધડકવા લાગ્યું.’

આ ડાયરી મલાલાએ લખી છે. અહીં તમે જુઓ કે આ છોકરીનો એકેએક શ્વાસ પ્રાર્થના બની ગયો છે. નિશાળે જવાની જિદ્દ એ જ મોટી પ્રાર્થના છે. નિશાળમાં થતી પ્રાર્થનાઓથી મલાલાની પ્રાર્થના કેટલી જુદી પડે છે. આપણે ત્યાં કેટલાક સ્યુડો ગાંધીવાદીઓ વાર-પરબે વિનોબાએ લખેલી સર્વધર્મની પ્રાર્થના ગવડાવે છે. 'ઓમ્ તત્સત્ શ્રીનારાયણ તું પુરુષોત્તમ હરિ તું...’ આ બધી ટેવવશ ફોર્માલિટી છે. તેઓ પ્રાર્થના જીવતા નથી. આતંકવાદીનો હુમલો થાય ત્યારે ઘરભેગા થઈને તેઓ ગોદડામાં પાણી છાંટીને સૂઈ જાય છે. એક માત્ર ગાંધીજી પ્રાર્થનાને જીવી ગયા. વસીમ બરેલવીની ગઝલના કેટલાક શે’ર એન્જોય કરો:

ઉસૂલોં પે જહાં આંચ આયે ટકરાના જરૂરી હૈ
જો જિંદા હોં તો ફિર જિંદા આના જરૂરી છે
નઈ ઉમ્રોં કી ખુદમુખ્તારિયોં કો કૌન સમઝાયે
કહા' સે બચ કે ચલના હૈ કહા' જાના જરૂરી હૈ.'
joshi.r.anil@googlemail.com