તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલ્લી આંખે સ્વપ્ન જોઈ શકાય?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાદ છે? આપણે નાનકા હતા ત્યારે ડમરું વાગતું શેરીમાં અને આપણે મદારીના ખેલ જોવા કુંડાળું વળી બેસી જતા શેરી-નાકે?! યાદ છે, આપણે આંગણે સરાણિયા આવતા ને દાદી છરી-ચપ્પુનો ઢગલો તેને દઇ દેતી ને આપણે સજાતી છરીમાંથી નીકળતા તણખા પકડવાની સળી કરતા!?
જેનું જીવન જ રઝળતું ને ભટકતું, તેનાં બાળકોને હોસ્ટેલમાં રાખી ભણાવવાનું સ્વપ્ન!!
યાદ છે ઘરનાં તગારાં કે બાલદીને રેણ કરી દેનારા અને પિત્તળનાં વાસણને કલઇનો રૂપાળો ઢોળ ચઢાવી દેનારા ફળિયામાં રેંકડી લઇ વાસણને ગરમ કરી કલઇ ચોપડી પાણીમાં ડુબાડીને છમકારો બોલાવતા?! કલઇ કરે ત્યારે એક ખાસ સુગંધ આવતી તેના ધુમાડામાંથી, તે હજુ ક્યાંક નાકમાં સંતાયેલી છે.

સાવરણી આપણે ઓટલે બાંધી દેનારા અને ટાઇટમટાઇટ દોરી પર વાંસ હાથમાં રાખી સંતુલનના ખેલ કરનારા યાદ છે તમને? અને હા, સિપાઇથી લઇને શિવજી સુધીના વેશ લઇને આવતા ટોકરિયા બાવા ને પેલા બહુરૂપિયા તો કેમ ભુલાય? આપણી શેરીમાં થતો ફેન્સી ડ્રેસનો શૉ!! આજે આ બધા ક્યાં છે? છરી કોણ સજાવે છે? નાગદાદા ટોપલીમાંથી ક્યાં બહાર આવે છે?
કલઇ કરવી પડે તેવાં વાસણો ક્યાં? આપણો બહુરૂપી ક્યાં ખોવાઇ ગયો? શું આ બધાની પરંપરાગત કલા-કારીગીરીની માર્કેટ ગઇ તેની સાથે તે લોકો પણ ગયા? જી ના, એ છે, હતા ત્યાં ને ત્યાં. રઝળતું ને ભટકતું જીવન જીવે છે અને સરકારનો ને સમાજનો તિરસ્કાર ખમે છે. આજે અહીંયાં તો કાલે બીજે ક્યાંક. નવા અવતરેલા બાળકનો જન્મ કયા ગામની સીમમાં થયો એની ય ખબર ન હોય ત્યાં જન્મની નોંધણી ક્યાંથી કરાવી હોય...
હવે એ બાળકને સ્કૂલમાં જન્મના દાખલા વગર દાખલ કોણ કરે? એવામાં વળી મિત્તલ પટેલ નામની એક સંશોધક ત્યાં જઇ ચડી ને પૂછ્યું સરાણિયાને: ‘તમે બાળકોને ભણાવો છો?’ તરત તાડુકીને જવાબ મળ્યો: ‘ખાલી ખોટો ટેમ બગાડવો, ભણે તોય ખભે તો સરાણ જ લેવાનું હેં ને?’ વાદી-મદારીની સ્ત્રીએ તો રોકડું પરખાવ્યું: ‘વાદીનાં છોકરાં તો ખભે ઝોળી સાથે જ હારા લાગે.
સાપ ન હોય તો કંઇ નહીં, ઝોળીમાં માગીને ભેગું કરેલું ભરશે.’ ધક્કો પહોંચે તેવા જવાબો!! ખુલ્લી આંખે સ્વપ્ન જોવા ટેવાયેલ મિત્તલને તો પાનો ચડ્યો. જ્યાં જ્યાં આ વિચરતી જાતિ જાય ત્યાં ત્યાં ભેગી તંબુ શાળા જાય. તંબુ શાળાઓમાં ત્રણેક કલાક આ લોકોનાં બાળકો રમે-ગીત ગાય-કશુંક સાંભળે અને ધીમે ધીમે ભણે.
આ વિચરતી જાતિના લોકો પાસે કોઇ ઓળખ નહીં, ન મળે રાશનકાર્ડ કે આધારકાર્ડ કે મતદારકાર્ડ. કારણ ઘરનો કોઇ પુરાવો નહીં. પોલીસ રંજાડે. ગામમાં કોઇ લાંબું વસવા ન દે. કોઇ લોન ન આપે... મિત્તલે સમાજસેવાને શરતી બનાવી, ‘જો તમે છોકરાંવને ભણાવશો તો તમને બધાં કાર્ડ અપાવીશ.’

અને પવન પલટાયો. ગુજરાતમાં જુદાં જુદાં ગામમાં કુલ સાતસો આવાં બાળકોને ભણાવવામાં આવે છે. પણ ક્યાંક ભણાવવામાં આપણે જે ઘડતર કરવા માગીએ છીએ તે તો થાય નહીં. વળી વાદી-મદારી-સરાણિયા-ડફેર-વાંસફોડા જેવી જાતિને ગોઠે એવી કેળવણીનો માહોલ કેમ સર્જવો?

ખુલ્લી આંખે જ નહીં પણ પહોળી આંખે વિચરતા સમુદાય સમર્થન મંચે સ્વપ્ન જોયું કે આ બાળકો માટે ગુજરાતમાં સૌ પ્રથમ નિવાસી શાળા હોય અને તે પણ એક હજાર આવાં બાળકોને જીવન અને વિષય શિક્ષણ આપે તેવી શાળા!! જે સંસ્થાના નામમાં જ ‘સદ્્વિચાર’ છે તેવી પરિવાર સંસ્થાએ જમીન આપી અને મુંબઇના જૈન યુવક સંસ્થા તથા અન્ય દાતાઓએ એક કરોડથી વધુનું દાન એક જ દિવસમાં અર્પણ કર્યું.
ફળસ્વરૂપે વિશ્વકર્મા જયંતીના શુભદિને વિશ્વની વિચરતી જાતિઓની આવતી પેઢીને જ્ઞાનધામનું ભૂમિપૂજન ભેટમાં મળ્યું! ‘સાથે રમીએ, સાથે ભણીએ, સાથે કરીએ સારાં કામ’ની પ્રાર્થના હવે ફળીભૂત થશે, કારણ મિત્તલ પટેલ અને VSSM દ્વારા સિદ્ધ થયું છે કે: સાચાં પડે તેવાં સ્વપ્નો તો ખુલ્લી આંખે જ જોવાં જોઈએ.
bhadrayu2@gmail.com
અન્ય સમાચારો પણ છે...