તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર થોથાં ઉથલાવવાથી જ્ઞાન મળતું નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માત્ર થોથાં ઉથલાવવાથી જ્ઞાન મળતું નથી
સામાન્ય રીતે આપણને બધાને આપવા કરતાં લેવાનું વધારે ગમે છે કારણ કે આપવામાં ત્યાગ છે, લેવામાં ભોગની સંભાવના છે. લોકો વાતો કરે ત્યારે ત્યાગનાં ગુણગાન ગવાય છે તે બધું સભા-સમારંભોમાં તાળીઓ પડાવવા માટે અતિશય ઉપયોગી થઇ પડે છે પણ ત્યાગી કહેવાતા લોકો પણ આપણા કરતાં બીજા પાસે ત્યાગ કરાવીને પોતાના માટે એકઠું કરતા રહે છે. આપણા દેશમાં ત્યાગીઓ જેવા ઢોંગીઓ જગતમાં શોધ્યા જડે તેમ નથી.

પણ શિખામણ એવી ચીજ છે કે જે બીજાને આપવા માટે સહુ કોઇ હરદમ તૈયાર હોય છે પણ બીજાની શિખામણ લેવા કે માનવા ભાગ્યે જ કોઇ તૈયાર થાય છે. શેઠની શિખામણ ઝાંપા સુધી એવી કહેવત ઘણાએ સાંભળી હશે. હવે તો શેઠ પણ ભૂંસાઇ ગયા છે અને ઝાંપાઓ પણ ખતમ થયા છે. આજની ઊછરતી પેઢી માટે તો ઝાંપો શબ્દ અતિશય ભારેખમ થઇ પડ્યો છે અને તેનો અર્થ શોધવા માટે ડિક્ષનેરી ઉથલાવવી પડે છે.

શિખામણ સાંભળવી જ પડે તો લોકો તેના પર કશું ધ્યાન આપતા નથી અને મોટાભાગે થોડા વખતમાં જ શિખામણ અને શિખામણ આપનાર બંનેને ભૂલી જાય છે. મુશ્કેલી કે મૂંઝવણમાં આવી પડેલા માણસને કોઇ પોતાના અનુભવ કે જ્ઞાનના આધારે માર્ગદર્શન કરે તેવી શિખામણ આપે તો તે ઉપયોગી થઇ પડે છે. આ માર્ગદર્શન શબ્દ બહુ છેતરામણો શબ્દ છે. દરેક માણસની જિંદગીનો પ્રત્યેક દિવસ અને પ્રત્યેક ક્ષણ નવતર હોય છે કારણ કે જિંદગીમાં કોઇ નિશ્ચિત કે સ્પષ્ટ માર્ગ હોતો નથી. ‘હવે નેતાજી અથવા ગુરુજી માર્ગદર્શન કરશે’ તેવું કહેવાની ફેશન થઇ પડી છે પણ આ નરાતાળ જુઠ્ઠાણું છે.

આવું જેમના માટે કહેવાયું છે તેમને પોતાને જ કશો માર્ગ જડતો નથી અને એક માણસનો અનુભવ બીજા માણસને કશા કામનો નથી. રામકૃષ્ણ પરમહંસ હંમેશાં કહેતા કે દરેક કરોળિયાએ પોતાની જાળમાં તાંતણા જાતે જ કાઢવા પડે છે અને કરોળિયાની લાળથી બીજો કરોળિયો કશું કરી શકતો નથી. પણ સર્વજ્ઞ હોવાનો કે અતિજ્ઞાની હોવાનો બોજ ઉઠાવનાર લોકો મુદ્દો સમજ્યા-જાણ્યા વગર શિખામણોનો વરસાદ વરસાવીને સાંભળનારને આંજી નાખે છે અને પોતાને ધન્ય સમજે છે.

આવા મહાપુરુષો આપણને જાહેરજીવનમાં અને આધ્યાત્મ જગતમાં મોટી સંખ્યામાં મળી આવશે. ‘દેશમાં હિન્દુઓની વસતી ઘટી રહી છે. ટકાવારી ઓછી છે તેથી દરેક હિન્દુ કુટુંબોએ ચાર-છ-આઠ બાળકોને પેદા કરવા જોઇએ’ અથવા ‘મુસલમાનોના રક્ષણ અને વિકાસ માટે આપણી સંખ્યા મોટી હોવી જોઇએ.’ હવે તો જૈનોના મુનિમહારાજ પણ આવો ઉપદેશ આપતા થયા છે. આ બધા મહાનુભાવો સંતતિ નિયમનનાં સાધનો વાપરવામાં પાપ સમજે છે અને આવાં સાધનોનો વપરાશ તે ‘નીતિનાશનો માર્ગ’ છે તેવું ખુદ ગાંધીજીએ પણ કહ્યું છે. ખ્રિસ્તી પાદરીઓ હરપ્રકારના જીવનને ખાળવા રોકવાના પ્રયાસોને હત્યા ગણે છે અને કેથોલિક સંપ્રદાય હજી આ મૂર્ખામીમાંથી છૂટ્યો નથી.

આવી શિખામણ આપનાર સંન્યાસીઓ, મુનિઓ, પાદરીઓને સંસાર જીવનનો, સાંસારિક સમસ્યાઓ અને વિટંબણાનો કશો અનુભવ નથી અને કશી સમજ પણ નથી. સંસાર વિષેની તેમની જાણકારી માત્ર પુસ્તકિયા કીડા જેવી ગણાય કારણ કે માત્ર થોથાં પોથાં ઉથલાવવાથી કે ગોખી કાઢવાથી જ્ઞાન મળતું નથી. સંસારને સમજવા માટે પ્રત્યક્ષ અનુભૂતિ જ કામમાં આવી શકે. ચોપડા વાંચીને પાણીમાં તરતા કે સાઇકલ ચલાવતા આવતું નથી.

સંસારની સમજ મેળવવા માટે બૌદ્ધ પરિભાષામાં વપરાતો શબ્દ-પ્રવાહયતીત થવું પડે, પ્રવાહમાં ઝંપલાવવું પડે, પાણીમાં થોડાં બડબડિયાં બોલે અને સાઇકલ સવારીમાં થોડા ગોઠણ છોલાય પછી જ આ કુશળતા પ્રાપ્ત કરી શકાય છે. આ બધા સંન્યાસીઓ-મુનિ મહારાજો પાદરીઓ કાંઠે બેસીને શિખામણોના ઢગલા ઠાલવે છે. બાળજન્મ, બાળઉછેર અને બાળતાલીમમાં માબાપે જે કઠોર અને દીર્ઘ પરિશ્રમ કરવો પડે તેનું તેમને કશું ભાનજ્ઞાન હોતું નથી તેથી આવાં પ્રવચનો ઠોકી રહેલા મહંતો અને મહારાજ સાહેબોને ખાનગી ખૂણે તેમની મર્યાદા સમજાવવાની ફરજ તેમના ભક્તો અને અનુયાયીઓ બજાવે તો સમાજને ઘણો ફાયદો થાય. જે બાબતમાં પોતાને કશી ગતાગમ નથી તેમાં અભિપ્રાય કે શિખામણ આપવી તેના માટે સંસ્કૃત ભાષામાં અન-અધિકાર ચેષ્ટા જેવો શબ્દ વપરાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો