તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતની સજાથી સમાજમાં ગુનાખોરી અટકી નથી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોતની સજા આપવામાં આવે તે સમાજની નબળાઇની કબૂલાત છે કે આ માણસને સુધારવાની શક્તિ કે આવડત અમારામાં નથી. આવી સજા કરવાથી સમાજને કદાચ મોટું નુકસાન થાય છે
આમહિનાની શરૂઆતમાં 196 રાષ્ટ્રોના પ્રતિનિધિઓની હાજરીમાં યુનોની સામાન્ય સભાએ દેહાંતદંડની સજા નાબૂદ કરાવતો ઠરાવ કર્યો છે અને પોતાના તમામ સભાસદ દેશોને આવી સજા નાબૂદ કરવાની ભલામણ કરી છે. તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની માફક યુનોના બધા ઠરાવો હંમેશાં ભલામણના રૂપમાં હોય છે અને તેનો અમલ કરવાનું ફરજિયાત હોતું નથી.

ફાંસીની સજા છેલ્લાં દોઢસો વરસથી ચર્ચાસ્પદ બની છે કારણ કે સુધરેલા સમાજમાં કોઇનો જીવ લેવાનો આદેશ આપવો તે યોગ્ય નથી. ફાંસીની સજા તે અદાલતી કારવાઇના પરિણામ રૂપે કરવામાં આવતું ખૂન છે તેવી સમજણ વધારે ને વધારે વ્યાપક બનતી જાય છે.

ફાંસીની સજાનો વિરોધ બે મુદ્દા અનુસાર કરવામાં આવે છે. ફાંસીની સજા આપવી તે સજા કરવાના મૂળ ઉદ્દેશની વિરુદ્ધ ગણાય. ગુનાશાસ્ત્ર (Penology) અનુસાર ગુનેગારને સજા કરવાના ત્રણ સામાજિક ઉદ્દેશ છે. એક તો ગુનેગારને જે નિયમો તોડ્યા છે તેનો મોબદલો તેણે ભરપાઇ કરવો જોઇએ. (Retribution) ખૂન કરનારનું ખૂન થવું જોઇએ. જૂના જમાનાની કાયદાપોથીમાં આ ઉદ્દેશ સૌથી મહત્ત્વનો હતો. બાઇબલમાં કહેવાયું છે તેમ આંખ ફોડે તેની આંખ ફોડી નાખવી અને દાંત ભાંગે તેનો દાંત તોડી નાખવો. (An eye for an eye and a tooth) આ નિયમ હવે પાળવામાં આવતો નથી.

સજાશાસ્ત્રનો બીજો ઉદ્દેશ છે ગુનેગારને સુધારવાનો. ગુનેગારને સમાજથી અળગો પાડી દેવો, પોતે કરેલા ગુનાનો અહેસાસ કરાવવો અને જેલમાં તેને સુધારવાનો પ્રયાસ કરવો. આને અંગ્રેજીમાં Reformation કહેવામાં આવે છે. ગુનેગારને સજા કરવાનો ત્રીજો ઉદ્દેશ ધાક બેસાડવાનો છે. ગુનેગારને થયેલી સજા એટલી કડક હોવી જોઇએ કે બીજા લોકો ગુનો કરતા અટકે. આ ઉદ્દેશને deterrent કહેવામાં આવે છે. ફાંસીની સજા ગુનાનો બદલો લેનારી અને ધાક બેસાડનારી છે પણ તેમાં ગુનેગારને સુધારવાનો ઉદ્દેશ પાર પડતો નથી. ફાંસીની સજા અતિશય ઘાતકી છે.
શિરચ્છેદની સજા પણ ઘણી આકરી છે તલવાર કે કુહાડીના એક જ ઘાથી માણસનું માથું કદાચ ન પણ કપાય. બીજા ઘા એક જ ઠેકાણે ન પડે તેથી માણસ મરે તે પહેલાં તેણે ઘણી યાતના ભોગવવી પડે. ગળે ફાંસો આપવામાં પણ ગુનેગારે મરતાં અગાઉ રિબામણી સહન કરવી પડે છે. તેથી વધારે સુધરેલા દેશોમાં ઇલેક્ટ્રિક શોક આપીને, મરણ નીપજાવે તેવી દવાનું ઇન્જેક્શન આપીને મોત નિપજાવવામાં આવે છે.

યુનોએ ભલામણ કરી છે તે ફાંસીની સજાનો પ્રકાર કે પદ્ધતિ અંગે નથી પણ મોતની સજા નાબૂદ કરવા અંગે છે. મોતની સજા આપવામાં આવે તે સમાજની નબળાઇની કબૂલાત છે કે આ માણસને સુધારવાની શક્તિ કે આવડત અમારામાં નથી. આવી સજા કરવાથી સમાજને કદાચ મોટું નુકસાન થાય છે કારણ કે વાલિયા ભીલમાંથી વાલ્મીકિ બની શકે તેવા અનેક ગુનેગારોને આપણે ગુમાવીએ છીએ.

મોતની સજાથી ધાક બેસાડી શકાતી નથી કારણ કે વરસોથી આ સજાનો અમલ થાય છે છતાં સમાજમાં ખૂન થતાં અટક્યાં નથી અને ઓછાં પણ થયાં નથી તેવું ગુનાખોરીના આંકડાઓ દર્શાવે છે. ખૂન કરનારે સમાજના એક ઘટકનો, એક નાગરિકનો નાશ કર્યો છે અને મોતની સજા કરીને આપણે બીજા ઘટકનો, બીજા નાગરિકનો નાશ કરીએ છીએ. આ તમામ દલીલોમાં રહેલા તથ્યનો સ્વીકાર કરવા છતાં દુનિયામાં ઘણા દેશો ફાંસીની સજા નાબૂદ કરવા માટે તૈયાર નથી. યુનોની સભામાં ભારત, અમેરિકા, બ્રિટન જેવા દેશોએ વિરુદ્ધમાં મત આપ્યો છે પણ ઠરાવની તરફેણમાં મત આપનાર દેશોમાંથી ઘણા દેશો તેનો અમલ કરવા તૈયાર નથી.

ભારતે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો છે અને આજના સામાજિક અને આર્થિક માહોલમાં ફાંસીની સજા નાબૂદ કરવાનું અમારા માટે શક્ય નથી તેવી રજૂઆત કરી છે. અંગત વેરઝેર કે આવેશમાં કરવામાં આવતાં ખૂનની વાત બાજુએ મૂકીએ પણ પોતાની ફરજ કે ધર્મ સમજીને કરવામાં આવતી હત્યા અંગે શું કરી શકાય? પોતાને ન ગમે, અથવા નીચા કુળનો કે સગોત્રી વિવાહ કરનાર દીકરા-દીકરીની હત્યા તેનાં માબાપ અથવા સગાંવહાલાઓ જ કરે છે. સમાજમાં આબરૂ સાચવવા માટે કરવામાં આવેલા ખૂન-Honor Killingના નામે ઓળખાય છે અને તેમાં વેરઝેરનો કે આવેશનો અંશ પણ હોતો નથી.

આવી જ હત્યાઓ ધર્મઝનૂનથી પ્રેરાયેલા ત્રાસવાદીઓ કરે છે. મોટાભાગના આતંકવાદીઓ શિક્ષિત, સારા કુળના હોય છે અને તેમણે અગાઉ કદી ગુનો કર્યો ન હોય તેવું જણાઇ આવે છે. નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી, તેને ગાંધીજી જોડે કશી અંગત અદાવત ન હતી પણ ગાંધીજીનું ખૂન કરીને દેશભક્તિ પ્રદર્શિત કરવા માટે તેણે હત્યા કરી. આવા ખૂનીઓને કદી સુધારી શકાતા નથી. કારણ કે તેમણે બધું સમજીને, જાણી વિચારીને આવું કઠોર પગલું ભર્યું છે અને પોતે કરેલી હત્યા માટે તેમને કશો પસ્તાવો કે અફસોસ હોતા નથી. ઊલટું પોતે ધર્મકૃત્ય કર્યાનો સંતોષ તે અનુભવે છે. આવી હત્યા કરનાર લોકો પોતે જીવશે અથવા છૂટશે નહીં તે બરાબર જાણે છે.

આત્મઘાતી (ફિદાયી) ત્રાસવાદીઓની સંખ્યા અને તેમની ઉત્કટતા ઓછી નથી. ઊલટું ગઇ સદી કરતાં આ સદીમાં આવા હત્યારાઓની સંખ્યા વધતી જાય છે. આવા હત્યારાઓ જીવતા રહે તે સમાજ માટે જોખમી છે અને તેમને સુધારવાની આશા નહીંવત્ છે. તેમના માટે મોતની સજા વાજબી ગણાવી જોઇએ. દરેક પ્રગતિશીલ દેશના ન્યાયાધીશો ફાંસીની સજા ભાગ્યે જ આપે છે અને બીજો વિકલ્પ ન હોય ત્યારે જ આપે છે.
અન્ય સમાચારો પણ છે...