મધર ટેરેસા સેવા થકી જ બન્યાં સંત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં અગણિત અનાથ બાળકો-પીડતોની અવિરત સેવાયજ્ઞના કારણે વિશ્વવિખ્યાત બનેલાં ખ્રિસ્તી સાધ્વી મધર ટેરેસાને થોડા દિવસો પહેલાં જ સંતની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યાં.
કેથોલિક સંપ્રદાયના જડબેસલાખ વ્યવસ્થાતંત્રમાં સંતની પદવી ઠરાવવાની સત્તા માત્ર પોપને આપવામાં આવી છે. સંત તરીકે જેમનું નામ સ્વીકારવામાં આવે તેની પ્રતિષ્ઠા-પૂજા થઈ શકે અને તેમની પાસેથી દયા-વરદાનની માગણી કરીને શ્રદ્ધાળુઓ ચમત્કાર અનુભવી શકે છે.
મધર ટેરેસાએ જીવનભર લોકસેવા કરવામાં જાત ઘસી નાખી તે મુદ્દો જ મહત્ત્વનો છે. તેઓ ચમત્કારના કારણે સંત નથી સેવાના કારણે સંત છે

હિન્દુઓ જેમ નવા નવા ભગવાન બનાવે છે, મુસ્લિમોમાં નવા પીર-ઓલિયાઓની યાદી ઘડાય છે તેમ ખ્રિસ્તીઓમાં સંતોની
યાદીમાં સતત ઉમેરણ થયા કરે છે. કેથોલિકો સિવાય બીજા ખ્રિસ્તી ફિરકાઓમાં સંતપૂજા થતી નથી.

પણ મુખ્ય તફાવત એ છે કે હિન્દુ, મુસ્લિમોમાં ભગવાન કે ઓલિયાની વરણી આમજનતા કરે છે અને આપમેળે થાય છે. સાઇબાબા કે સંતોષીમાતા અથવા ગરીબ નવાઝ કે નિઝામુદ્દીન આપમેળે પોતાના ચરિત્ર અને લોકચાહનાથી સંતપદ પામે છે, પરંતુ ખ્રિસ્તી ધર્મમાં આવું થતું નથી, કારણ કે ખ્રિસ્તી ધર્મ સંસ્થા આધારિત ધર્મ છે.

ખ્રિસ્તી ધર્મના દરેક ફિરકાને પોતપોતાનાં વ્યવસ્થાતંત્ર હોય છે. હિન્દુ ધર્મ કે ઇસ્લામમાં આવી કોઇ વ્યાપક અને સર્વ સત્તાધીશ સંસ્થા હોતી નથી. ખ્રિસ્તી વિકાસ કથા હિન્દુ-ઇસ્લામ કરતાં અલગ હોવાથી ખ્રિસ્તી ધર્મ-સંસ્થાનો ઉદ્્ભવ થયો છે. આ ધર્મસંસ્થાને કારણે ધર્મવિચાર, પૂજાવિધિ અને શાસ્ત્રગ્રંથો વધારે વ્યવસ્થિત બને છે પણ તેના કારણે ધર્મવિચારનો વિકાસ રુંધાય છે. ધર્મ વધારે વ્યવસ્થિત અને સ્પષ્ટ બને છે પણ વૈચારિક સ્વતંત્રતાના અભાવને કારણે ખ્રિસ્તી ધર્મ વધારે એકાંગી અને વધારે રૂઢિચુસ્ત બને છે.

હિન્દુ-ઇસ્લામમાં આવાં કશાં બંધન હોતાં નથી અને તેથી આ બંને ખાસ કરીને હિન્દુ ધર્મનો વૈચારિક વિસ્તાર સતત થતો રહ્યો છે અને ઇસ્લામમાં પણ અનેક નવા વિચાર પ્રવાહો વિકાસના રહ્યા છે.
મધર ટેરેસાને સંતત્વ અપાયું તે ભારતની સમસ્ત જનતા માટે આનંદ અને ગાૈરવનો વિષય છે, કારણ કે મધરનાં સેવાકાર્યોમાં નાતજાત-ભાષા-ધર્મની કશી વાડાબંધી નહોતી પણ મધર ટેરેસાને સંતત્વ પદ અપાયું તે તેમની સેવા કે તેમના ચારિત્રના આધારે અપાયું નથી.

કેથોલિક સંપ્રદાયના શ્રદ્ધાળુઓ ચમત્કારમાં અઠંગ શ્રદ્ધા ધરાવે છે. સંત ચમત્કાર કરી શકે છે, બીમારને સાજા કરે,
આંધળાને આંખ આપે, પાંગળાને ચાલતો કરે તેવી શ્રદ્ધાનો ઊલટો ઉપયોગ પણ કરવામાં આવે છે.

ચમત્કાર કરે તે સંત ગણાય છે અને તેથી સંતપદ આપતાં અગાઉ મધર ટેરેસાએ કરેલા ચમત્કારોની વિગતો એકઠી કરવામાં આવી એટલું જ નહીં, પણ તેની ચકાસણી પણ કરવામાં આવી. સાક્ષીઓ તપાસવામાં આવ્યા અને પછી તેમને સંત તરીકે સ્વીકારવામાં આવ્યાં.હિન્દુઓના ભગવાન અને મુસ્લિમોના ઓલિયાઓના ચમત્કારોની કથાઓ જાણીતી છે, પણ ભગવાન કે ઓલિયા પદ માટે, સંતત્વ માટે ચમત્કારોનો આગ્રહ રાખવામાં આવતો નથી.

ઇસ્લામમાં તો ચમત્કારોને અવગણવામાં કે ઉતારી પાડવામાં આવ્યા છે. નબી સાહેબે
પોતે જ ચમત્કારો નકારી કાઢ્યા છે. કબીર સંત છે પણ તેમનું સંતપદ કોઇ ચમત્કાર પર આધારિત નથી.

જગતમાં અનેક ઘટનાઓ એવી બને છે કે જેને આપણે સમજી કે સમજાવી શકતા નથી. પણ જે કંઇ બને છે તે કુદરતના નિયમ અનુસાર બને છે. આ નિયમોને સમજી લેવામાં આવે તો ચમત્કારોની સમજૂતી આપી શકાય છે. એક જમાનો એવો હતો કે જ્યારે સૂર્ય ચંદ્રનું ગ્રહણ ચમત્કાર જેવું લાગતું હતું. ખગોળવિજ્ઞાને આ ચમત્કારનાં ભૌતિક કારણો શોધી કાઢ્યાં છે અને સમજાવ્યાં છે.

ચમત્કારની કલ્પના કુદરતના નિયમોનો અનાદર છે અને તેથી દુનિયામાં ચમત્કાર જેવું કશું હોઇ શકે નહીં કારણ કે કુદરતના નિયમો અફર હોવાથી કોઇ પણ વ્યક્તિ તેમાં કશો ફેરફાર કરી શકે જ નહીં.
મરેલાને જીવતા કરી શકાય નહીં અથવા અંધ કે પંગુને આંખ કે પગ આપી શકાય નહીં. બીમાર કે અપંગને સહાનુભૂતિ કે પ્રેમ આપીને પગભર કરી શકાય.

આટલા મોટા બોજ સાથે વિમાનો આકાશમાં ઊડી શકે, કશા જ દોરી-દોરડા ન હોવા છતાં સમાચારો અને ફોટાઓ મેળવી અને મોકલી શકાય. લખવાની કશી જ સાધન સામગ્રી ન હોવા છતાં લાંબાલચક ઇ-મેલ મોકલી શકાય અથવા દમદાર ગ્રંથો વાંચી શકાય-આ બધું ચમત્કારિક લાગે છતાં તેમાં કશો ચમત્કાર નથી. ચમત્કારના આધારે ચાલવું તે કેવળ અંધશ્રદ્ધા છે અને માનવીના ચારિત્ર કે તેની કામગીરીના આધારે તેનું સંતત્વ ઠરાવવાના બદલે ચમત્કારો શોધવાની મહેનત કરવામાં આવે તો તેમાં ઢોંગ અને અસત્યનો આશરો લેવો પડે છે.

મધર ટેરેસાએ કોઇ બાઇને થયેલો કેન્સરનો રોગ હાથ ફેરવીને મટાડી આપ્યો તેવું કહેવામાં નરી મૂર્ખાઇ સિવાય બીજું કશું નથી. માણસને તેની કામગીરીથી ઓળખવાના બદલે આવા ગપ્પાષ્ટકોના આધારે સંતપદ અપાય તે સંતત્વની હાંસી ઉડાવવા જેવુું છે. મધર ટેરેસાએ જીવનભર લોકસેવા કરવામાં જાત ઘસી નાખી તે મુદ્દો જ મહત્ત્વનો છે. મધર ટેરેસા ચમત્કારના કારણે સંત નથી સેવાના કારણે સંત છે.

કોઇપણ ધર્મ જ્યારે સંસ્થા બની જાય, સંપ્રદાય બની જાય ત્યારે તેના આત્માનો નાશ થાય છે. બાહ્ય ખોખું ટકી રહે છે અને ધીમે ધીમે સડી જાય છે કારણ કે આત્મા વગરનો દેહ સડતરને લાયક છે.
અન્ય સમાચારો પણ છે...