તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભક્ત તો ઇષ્ટદેવનો અનુરાગી છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રાવણ મહિનો, ભક્તિનો મહિનો, વ્રત અને ઉત્સવોનો મહિનો પૂરો થયો અને શ્રદ્ધાળુ લોકોએ પોતપોતાની રીતે શિવની અને કૃષ્ણની આરાધના કરી.
ભક્તિ કરનારને પોતે શું કરે છે, શા માટે કરે છે તેનું ભાન હોતું નથી અને આવું ભાન રહે ત્યાં સુધી ભક્તિ નર્યો દેખાડો છે

ભક્તિનો અનુભવ ઓછા વધતા પ્રમાણમાં લગભગ બધા લોકોને થાય છે પણ ભક્તિની વ્યાખ્યા આપવી અથવા ભક્તિનું વર્ણન કરવું તે અતિશય અઘરું, લગભગ અશક્ય કહી શકાય તેવું કામ છે. ભક્તિ મનનો, હૃદયનો ભાવ છે અને ભાવ પ્રગટ થાય છે પણ ભાવની વ્યાખ્યા બાંધવાનું કે ભાવને સમજાવવાનું સહેલું નથી. ભક્તિમાં આદરભાવ છે પણ ભક્તમાં પ્રેમનો ભાવ વધારે પ્રમાણમાં હોય છે, તેથી નારદે લખેલા ભક્તિસૂત્રમાં ભક્તિને ‘પરમ પ્રેમ સ્વરૂપા’ કહેવામાં આવી છે. પ્રેમના ચીલાચાલુ ભાષામાં અનેક અર્થ છે અને પ્રેમ પણ અનેક રૂપે પ્રગટ પણ થાય છે. નારદે પ્રેમનું વર્ણન કર્યું છે. ‘જેના વગર ગમે નહીં અને સતત જેની સાથે રહેવાથી ઇચ્છા થાય તે પ્રેમ.’

ઇશ્વર પ્રત્યેના આવા પ્રેમને આપણે ભક્તિ કહીએ છીએ અને આજે હિંદુ ધર્મના ત્રણ મોટા પ્રવાહોએ ભક્તિને અપનાવી લીધી છે. હિંદુ ધર્મ પ્રેમનો ધર્મ બની ગયો છે તેવું કહીએ તો લગભગ સાચું કહ્યા જેવું થાય. ભક્તિની સાથે વૈષ્ણવ સંપ્રદાયો સહુથી વધારે પ્રમાણમાં જોડાયા છે. ભક્તિની આરાધના ક્યારે શરૂ થઇ, ક્યાંથી શરૂ થઇ અને કોણે શરૂ કરી તે આપણે જાણતા નથી પણ અનેક નાનામોટા ફાંટામાં વહેંચાયેલો વૈષ્ણવ સંપ્રદાય ભક્તિ સંપ્રદાય છે અને આ સંપ્રદાયના ચાર મુખ્ય ફાંટાઓ ઉપરાંત અનેક અનામી ફાંટાઓ પણ છે અને નવા નવા વૈષ્ણવ સંપ્રદાયો સતત ઊભરાતા રહે છે. બારમી સદીમાં જન્મેલા અને જીવેલા રામાનુજાચાર્યનો સંપ્રદાય શ્રી વૈષ્ણવોના નામે જાણીતો છે. માધવાચાર્યના અનુયાયીઓ સદ્્વૈષ્ણવો કહેવાય છે. વલ્લભાચાર્ય પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક છે. સૌથી પ્રાચીન ગણાતા નિમ્બાર્કાચાર્ય વિશે આપણી પાસે બહુ માહિતી નથી.

પણ વૈષ્ણવ સંપ્રદાયની શરૂઆત આચાર્યોએ કરી નથી પણ અનામી અજાણ ભક્તોએ કરી છે. ભાગવતની શરૂઆતમાં એક શ્લોકમાં કહેવાયું છે તેમ ભક્તિ તમિળનાડુમાં જન્મી, કર્ણાટકમાં ઊછરી, મહારાષ્ટ્રમાં પુખ્ત થઇ અને ગુજરાતમાં વૃદ્ધ થઇ ગઇ. પદ્મપુરાણે વધારે વિસ્તાર કર્યો છે. ગુજરાતમાં વૃદ્ધ થયેલી ભક્તિ વૃંદાવનમાં ગઇ અને નવયુવતી બની ગઇ પણ તેના બંને પુત્રો-જ્ઞાન અને વૈરાગ્યનાં અવસાન થયાં. ભક્તમાં જ્ઞાનની જરૂર નથી અને વૈરાગ્યનો નિષેધ છે. ભક્ત વૈરાગી નથી પણ પોતાના ઇષ્ટદેવનો અનુરાગી છે. ભક્તને જ્ઞાન માટે તિરસ્કાર છે. નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ-

‘પ્રેમરસ પાને તું મોરનાં પીચ્છધર
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’

ભક્તિ કશી આશા-અપેક્ષા વગરનો અનુરાગ છે. ભક્તને કશું જોઇતું નથી, કશું મળી શકે અથવા મેળવવા જેવું છે તેની ખબર પણ ભક્તને હોતી નથી. પોતાની પાસે જે કંઇ છે, જેટલું છે અને જેવું છે તે સર્વસ્વનું ન્યોછાવર કરવાની અદમ્ય ઇચ્છા રૂપે ભક્તિ પ્રગટ થાય છે. ગીતામાં કહેવાયું છે તેમ પુષ્પં, પત્રં, ફલં-ફૂલ, પાંદડું, ફળ કે છેવટે માત્ર પાણી જ આપી દેવામાં આવે તે ભક્તિ છે. જે અપાય છે તેની કિંમત આંકવામાં આવે, પૈસાના પ્રમાણમાં ભક્તનો આદર કરવામાં આવે અથવા પ્રસાદ વેચવામાં આવે તે નરી સોદાબાજી છે અને ભક્તિનો ઢોંગ છે.
આપવામાં આવેલી વસ્તુ ‘ભકત્યા’ ભક્તિપૂર્વક આપવામાં આવે તો અમૂલ્ય બની જાય છે. ભક્તિ સહજ ભાવ છે, ભક્તિ કરનારને પોતે શું કરે છે, શા માટે કરે છે તેનું ભાન હોતું નથી અને આવું ભાન રહે ત્યાં સુધી ભક્તિ નર્યો દેખાડો છે. નરસિંહ મહેતાના જીવનમાંથી એક પ્રસંગ ઉઠાવીને કહીએ તો રાસલીલાનાં દર્શન કરતી વખતે પોતાનો હાથ બળે છે તેનો ખ્યાલ રહે તે મશાલચી જુઠ્ઠાડો છે.

ભક્તિ ગોપીભાવ છે. ભક્તિ સ્ત્રીત્વની ઉપાસના છે. સ્ત્રીઓના જે ગુણ-સેવા, સમર્પણ, ત્યાગ, સહનશક્તિ અને રાંકપણું- તે ગુણ ભક્તોમાં હોય છે. પુરુષ સ્વભાવ-આક્રમકતા, લોભ, માલિકી હક-ભક્તે છોડવા પડે છે. તેથી નરસિંહ મહેતાએ સ્ત્રીઓને બિરદાવી છે.

‘સારમાં સાર અવતાર અબળા તણો’
ભક્તિના ઉદ્્ભવ અને તેના ફેલાવાની કથા ઘણી લાંબી છે. તેનો સૌથી પહેલો ઉદય તમિળનાડુના અગણિત ‘અળવાર’ સંતોનાં પદોમાં જોવા મળે છે. રામાનુજાચાર્યના મામા યમુનાચાર્યે આવાં 4000 પદોનો સંગ્રહ કર્યો છે અને આ પદ દક્ષિણ ભારતનાં વૈષ્ણવ મંદિરોમાં હજુ પણ ગવાતાં રહે છે. અળવારોમાં ઘણા સંતો પછાત અથવા નીચલી જાતિના છે. તમામ ભક્તોની યાદી બનાવીએ તો તેમાં સવર્ણોની સંખ્યા (એકાદ નરસિંહ કે એકાદ એકનાથ) લગભગ નગણ્ય છે.
લગભગ તમામ સંતો અતિશય ગરીબ અને અભણ, પછાત જાતિના છે અને તેથી ભક્તિ સંપ્રદાયો જ્ઞાતિ વ્યવસ્થાના વિરોધીઓ છે અને ભક્તિએ સમસ્ત સમાજ માટે આધ્યાત્મ વિકાસના દરવાજા ખોલી આપ્યા છે. જડભરત જ્ઞાતિપ્રથાથી જકડાયેલા સમાજમાં કૃષ્ણે સ્ત્રી યા વૈશ્યા તથા શુદ્રાને ભક્તિ સંપ્રદાયમાં સામેલ કર્યો તે મોટી સામાજિક ક્રાંતિની કથા ઢાંકી દેવામાં આવી છે. ચારસો વરસ અગાઉ રામાનુજાચાર્યે શુદ્રોને મંદિર પ્રવેશનો અધિકાર આપ્યો છે. તેની નોંધ સરખી લેવામાં આવતી નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો