તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનની પંજાબી વાર્તા: સહિ‌યારું દુ:ખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુહમ્મદ આસિફ ખાન, જન્મ: ૨૯ નવેમ્બર, ૧૯૨૯,

પાકિસ્તાની પંજાબી સાહિ‌ત્યનું ખૂબ જાણીતું નામ. પંજાબીમાં એમ.એ. કર્યા પછી પંજાબી અદબી ર્બોડ, લાહોરના સચિવ રહ્યા. કવિતા અને વાર્તાઓનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયાં છે.

છોકરીએ દસમું પાસ કરી લીધું. આટલી વારમાં વાત વધતી-વધતી ઘણી આગળ વધી ચૂકી હતી. તેઓ ઘર બહાર સાથે ફરવા લાગ્યાં. ઘણીવાર શહેરમાં આવેલા બાગમાં જઈને ચૂપચાપ બેસતાં અને હસતાં ફૂલોને વાતો કરતાં સાંભળતાં.

એ રાત જેટલી બેચેની મેં ક્યારેય નથી અનુભવી. મારાં લગ્નને છ મહિ‌ના થઈ ગયા હતા. આ સમય એવી રીતે વીતી ગયો હતો જાણે કે ગઈકાલની જ વાત હોય. મારી પત્ની દેખાવમાં એવી લાગતી હતી જાણે કે આકાશમાંથી ઊતરી આવેલી કોઈ પરી હોય. લોકોની નજરમાંથી બચાવીને હું એને લઈ આવેલો. લોકો સાથે હળવા-ભળવામાં પણ ખૂબ સારી હતી. તેના ઉછેરનો પ્રભાવ હતો કે ખબર નહીં, પણ જે સ્ત્રી સાથે એકવાર વાત કરી લે એ પછી તેનાં જ ગુણગાન ગાયાં કરતી.

હું પણ તેનાં વખાણ કર્યા કરતો હતો. સુંદર અને સ્વભાવે પણ સારી હોવાની સાથે એ સ્કૂલમાં ભણાવતી હતી અને દર મહિ‌ને ૨પ૦ રૂપિયા ઘરે લઈને આવતી હતી. બીજી બાજુ હું એક ક્લાર્ક અને પગાર પણ તેનાથી અડધો. સાચું પૂછો તો હું મારી પત્નીને લાયક નહોતો. ખબર નહીં, ભગવાનને શું સૂઝ્યું ને અમને એક સોનાનાં ઈંડાં આપતી મરઘી આપી દીધી. અમારા સંબંધીઓમાં માસી પેશાવર રહેતાં હતાં. તેમણે જ મારા માટે આ છોકરી શોધી હતી અને મારા મા-બાપે તો તાત્કાલિક લગ્ન પણ કરાવી નાખ્યાં. અમારાં લગ્ન વખતે બહુ જ શોર-બકોર થયો હતો. પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ નારાજ હતી. એકે કહેલું 'દોઢસો રૂપિયા કમાનારને અઢીસો કમાનારી મળી ગઈ. કંઈ સમજાતું નથી? બીજીએ કહ્યું 'મને તો દાળમાં કંઈક કાળું લાગે છે’ તો કોઈ કહેતી કે 'લખેલું કોણ ટાળી શકે છે?’

મારા કાન સુધી આ વાત પહોંચતી હતી, પરંતુ મેં મારી-ખોટી વાતો તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધેલું. મને સમજાતું નહોતું કે એ રાતે મારાથી કેવી રીતે ભૂલ થઈ ગઈ. છ મહિ‌ના તો એવી રીતે કાઢેલા જાણે કાલે જ લગ્ન થયાં હોય. એક તો ઓફિસની ફાઈલોએ મારી યાદશક્તિ ઓછી કરી નાખી હતી. મને હવે ઓછું યાદ રહેતું હતું એવામાં મેં એક છોકરીનો પત્ર વાંચ્યો, જેની સાથે મારે ક્યારેક-ક્યારેક 'વાતચીત’ થતી હતી. હવે તો આ એક પત્ર જ તેની નિશાનીરૂપે બચેલો. આ પત્ર એણે તેના લગ્નના બે-ચાર દિવસ પહેલાં લખ્યો હતો. પત્રમાં કોઈ ખાસ વાત નહોતી. બસ એ જ બધું જે આવા સમયે એક છોકરી પોતાની ઉંમરના છોકરાને લખતી હોય છે. થોડી યાદો હતી અને થોડાં આંસુ. આગળ લખ્યું હતું 'ચાંદજી, જે પતંગોના પેચ ઘણાં વર્ષોથી લાગી રહ્યા હતા તેમાંથી આજે એક પતંગને હવાનું ઝોકું તોડીને લઈ ગયું છે અને લોકોએ એને લૂંટી લીધો છે.’

હા, હવે મને યાદ આવ્યું કે આ પત્ર મેં એ સમયે ડિનર વખતે વાંચ્યો હતો અને સાથે ગુજારેલા અમારા એ દિવસો આંખો સામેથી પસાર થઈ ગયા હતા. મને એ ખ્યાલ નથી કે મારી આંખમાંથી આંસુ નીકળ્યાં હતાં કે નહીં, પણ હું ગુમસૂમ જરૂર થઈ ગયો હતો. મારી પત્ની મને પૂછતી હતી તમને શું થઈ ગયું છે? ઓફિસથી આવ્યા ત્યારે તો ખુશ હતા. મારા માથા પર હાથ રાખતી, પણ હું એને શું જણાવું? તેને મેં ઘણીવાર કહ્યું કે કોઈ વાત નથી, પણ એ માને તો ને? તેના સવાલોથી બચવા માટે હું એને ફિલ્મ જોવા લઈ ગયો, પણ ઘરે આવતાં જ તેણે પાછી એ જ વાત ઉખેડી. એ જ સવાલ પૂછ્યો.

હું છુપાવી રહ્યો હતો, પરંતુ એ છુપાવા દેતી નહોતી. હું રોવા ઈચ્છું, પણ એ રોવા દેતી નહોતી. હું તેને કોઈપણ વાત કહેવા માટે ખચકાયો નહોતો, પણ આ વાત એવી હતી. વિચારતો હતો કે એના દિલ પર શું વીતશે? મેં એને જણાવ્યું કે એક પતંગની દોરી કાચી હતી અને હવાનું ઝોકું તેને તોડીને લઈ ગયું.

મારી પત્નીએ એક ઊંડો નિસાસો નાખ્યો. આંખમાં આંસુ સાથે કહેવા લાગી કે 'જો આ રીતે આપણે બંને એકબીજાથી વાત છુપાવીશું તો પછી જીવનની આ ઊંડી ખાઈ કેવી રીતે પસાર કરી શકીશું? આપણે એકબીજાનો હાથ પકડીને જ તેમાંથી પાર ઊતરવાનું છે. આપણું સુખ-દુ:ખ એક જ છે. હું મારાં માતા-પિતાને માઈલો દૂર છોડીને અહીં એટલે આવી છું કે આપણું દુ:ખ સહિ‌યારું હશે. જો તમે મને તમારી નહીં સમજો તો અહીં મારું કોણ છે?

મને કંઈ જ સૂઝતું નહોતું. એને મારી નબળાઈ કહો કે બીજું કંઈ, પણ હું કોઈ સ્ત્રીને રોતી જોઈ શકતો નહોતો. વળી આ તો મારી પત્ની હતી, જે સુંદર પણ હતી અને ભલી પણ. મેં તેને કહ્યું 'તેં કારણ વગર વાત વધારી નાખી છે. બસ એટલું સમજી લે કે ઘણાં દુ:ખ એવાં હોય છે, જે વહેંચી શકાતાં નથી. એકલાએ જ સહન કરવાં પડે છે.

આ વાતનો તેણે કોઈ જવાબ ના આપ્યો. ખબર નહીં કેમ? બસ મને ટગર-ટગર જોવા લાગી અને તેની આંખમાં મોતી જેવાં આંસુ પડવા લાગ્યાં. મેં દુપટ્ટાથી તેનાં આંસુ લૂછયાં અને કહ્યું 'હું તને એક વાત કહું છું, જે આપવીતી પણ છે અને અત્યાર સુધી ઘણા લોકો પર વીતી ચૂકી છે અને ખબર નહીં ક્યાં સુધી વીત્યા કરશે.’

તેનાં આંસુ રોકાઈ ગયાં. એ સાંભળવા માટે તૈયાર થઈ ગઈ. રાત ઘણી વીતી ચૂકી હતી. ચાંદ પણ અડધું આકાશ પાર કરીને માથા પર આવી ચૂક્યો હતો. કદાચ અમારી વાત સાંભળવા. એ સમયે તો મને એવું લાગ્યું હતું, જાણે કે એ પણ ચાડીખોર હોય. જ્યારે વાત પૂરી થઈ જશે ત્યારે એ પણ ભાગી જઈને એ છોકરીના કાનમાં કહી આવશે કે 'તું અહીં મીઠી નીંદર માણી રહી છે અને ત્યાં એ છોકરો જાગી રહ્યો છે અને ભૂલી જવા જેવાં જખમોને પાછો ખોતરી રહ્યો છે.’

તો સાંભળ, 'એક છોકરો હતો અને એક છોકરી હતી. બંને પડોશી હતાં. છોકરાનું નામ તો તું જાણે જ છે. છોકરીનું નામ હતું...પણ છોકરીનું નામ જણાવવાની જરૂર જ ક્યાં છે? એ દિવસોમાં એ સ્કૂલમાં ભણતી હતી અને છોકરો ભણવાનું પૂરું કરીને નોકર થઈ ચૂક્યો હતો. એક દિવસ છોકરી દોડતી-દોડતી છોકરાના ઘરે આવી અને છોકરાની માને કહેવા લાગી. 'કાકી, આમને કહો કે મને એક સવાલ સમજાવી દે.’ તેની માએ જવાબ આપ્યો 'દીકરી, તું શરમાય છે કેમ? જાતે જ પૂછી લે. તેની મરજી હશે તો સમજાવી દેશે, બાકી અમારું કહ્યું એ ક્યાં માનતો હોય છે.’

છોકરી થોડી ખચકાતી શરમાતી છોકરા પાસે ગઈ અને કહેવા લાગી 'એક સવાલ સમજાવી દો. સરળ સવાલ તો ટીચર જ સમજાવી દે છે અને અઘરા સવાલ છોકરીઓને કહે છે કે ઘરેથી કરીને લાવજો.’

'કિંમત ચૂકવવી પડશે.’ છોકરાએ ધીમે

અવાજે કહ્યું.

શું...? છોકરીના ગળામાં અવાજ ફસાઈ ગયો. થોડી ગભરાઈ ગઈ. થોડી કાંપવા લાગી. પરસેવાનાં બે-ચાર ટીપાં પણ કપાળે ઊપસી આવ્યાં.

'બસ થોડી મુસ્કુરાહટ, જેનાથી અજવાળું થઈ જાય...’છોકરાએ કિંમત જણાવી.

'છોકરી ઊભી થઈ ગઈ અને કહેવા લાગી, હું કાકીને કહી દઈશ. બૂમ મારું?’

'મારે તો તને કહેવું હતું એ કહી દીધું. હવે જેને જણાવવાની ઈચ્છા હોય એને તું જણાવી દે.’ અને સવાલ સમજાવી દીધો.

'સમજવા-સમજાવવાની વાતમાં એક વર્ષ પસાર થઈ ગયું અને છોકરીએ દસમું પાસ કરી લીધું. આટલી વારમાં વાત વધતી-વધતી ઘણી આગળ વધી ચૂકી હતી. તેઓ ઘર બહાર સાથે ફરવા લાગ્યાં. ઘણીવાર શહેરમાં આવેલા બાગમાં જઈને ચૂપચાપ બેસતાં અને હસતાં ફૂલોને વાતો કરતાં સાંભળતાં. પક્ષીઓના મધુર અવાજ તેમના દિલની ધડકનો પર અંગડાઈ લેતા. ક્યારેક તેઓ કોઈ ભમરાને જોવા લાગતાં, જે ફૂલોને છોડીને તેની સુગંધ તરફ ભાગતો, જેને હવાની લહેર ચોરીને લઈ ગઈ હોય.’

પણ સમયનો શિકારી કૂતરો તેમની પાછળ લાગેલો હતો. એક દિવસ છોકરો ઓફિસથી પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે પડોશમાં સ્ત્રીઓનો મેળાવડો જમા થયો હતો. તેનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. તે સમયે તેને ત્યાં કોઈ જ પોતાનું ઓળખીતું જોવા મળ્યું નહીં. એ દોડતો છત પર ગયો. તેણે જોયું કે એ છોકરી પાસે તેની એક સંબંધી સ્ત્રી ઊભી હતી. છોકરીનું મોં દુપટ્ટાથી ઢંકાયેલું હતું. એ કંઈ જ બોલતી નહોતી. આંખો થોડી-થોડી લાલ હતી. ખબર નહીં, પણ એ રોઈ રહી હતી. એ સમજી ગયો, કારણ કે આ એવો અઘરો સવાલ નહોતો, જે ટીચર ઘરેથી હલ કરી લાવવા કહેતા હતા. બીજા-ત્રીજા દિવસે છોકરાને એક પત્ર મળ્યો, જેમાં કેટલીક યાદો હતી અને કેટલાંક આંસુ.

મેં એક લાંબો શ્વાસ લીધો અને ચૂપ થઈ ગયો.

'પછી...?’ મારી પત્ની પૂછવા લાગી. તેની આંખમાંથી ગરમ-ગરમ આંસુ વહેતાં હતાં અને તેં ક્યાંક બહુ દૂર પહોંચી ગઈ હતી.

'પછી કિસ્સો ખતમ થઈ ગયો.’ મેં જવાબ આપ્યો.

'શું એ છોકરી એ છોકરાને પછી નથી મળતી?’ તેણે પૂછયું.

'હા, મળે છે, પણ હવે એ વાત નથી. એવું લાગે છે કે જાણે એકબીજાને ક્યારેય ઓળખતાં જ નહોતાં. માત્ર એમ જ વાત નીકળી જાય છે, જેમ કે બાળકોથી એવું થઈ જાય તો કહી દે 'થૂં-કડવી’.

'તમે એવું ન કહો. સ્ત્રીના મોઢેથી નીકળેલી વાત તાવીજ પર કોતરાયેલા શબ્દો સમાન હોય છે, જે હંમેશાં રહે છે.’

'જો તું એવું કહે છે તો એમ હશે.’

'મેં કહ્યું 'પણ...તું કેમ રોઈ રહી છે...હવે જઈને સૂઈ જા. મારે સવારે વહેલા ઓફિસ જવાનું છે.’

થોડા દિવસો પછી હું સમજી ગયો કે એ રાતે એ આંસુઓમાં ડૂબેલી કેમ હતી? પણ મેં કશું જ ના પૂછયું. એક વાત એ પણ છે કે એ રાત પછી અમારા ઘરમાં એવો ખરાબ માહોલ પછી ક્યારેય જોવા નથી મળ્યો. '