આપણો હાઇવે મંઝીલ સે બહેતર લગને લગે હૈ યે રાસ્તે...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'જહાં સે તુમ મુજે લાયે હો, મૈં વહાં વાપસ નહીં જાના ચાહતી... જહાં ભી લે જા રહે હો, મૈં વહાં પહોંચના નહીં ચાહતી... પર યે રાસ્તે... યે બહુત અચ્છા હૈ... મૈં ચાહતી હૂં કે યે રાસ્તે કભી ખતમ ન હો.’ ઇમ્તીયાઝ અલીની 'હાઇવે’ ફિલ્મમાં આલિયા ભટ્ટની વીરાનો આ સંવાદ માણસની યાત્રા કરવાની આવશ્યકતાને ખૂબસૂરત રીતે બયાન કરે છે. માણસ હંમેશાંથી યાત્રા કરતો રહ્યો છે. પગથી ચાલીને, જહાજમાં સવાર થઇને, ટ્રેનમાં ચઢીને અથવા પ્લેનમાં ઊડીને. માણસનો પૂરો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ યાત્રા આધારિત રહ્યાં છે. સભ્યતાઓના આદાન-પ્રદાન અને જેનેટિક રૂપથી બ્રીડ્સના મિલનમાં યાત્રાનો યોગ છે. ગ્રીક લોકો એક શબ્દનો પ્રયોગ કરતા હતા: યુડેમોનિયા, એટલે કે માનવ સમૃદ્ધિ. પૂરી માનવ જાતના સફળ વિકાસ પાછળ માણસની યાત્રાનો ફાળો છે.

માનવ અને દાનવ સંસ્કૃતિનો મેળ કરાવનારી ભગવાન રામની ઉત્તરથી દક્ષિણની યાત્રાને શાંતિયાત્રા કહે છે. પૂરા દેશમાં પાંડવોની યાત્રાના સ્મારક ઉપલબ્ધ છે. ભારતને ર્તીથયાત્રાના એક સૂત્રમાં પરોવનારા શંકરાચાર્ય કદાચિત ઇતિહાસના સૌથી યુવાન યાત્રી હતા. આધુનિક વિશ્વના દમદાર ચિંતક જીદ્દુ કૃષ્ણમૂર્તિ‌ ૬૩ વર્ષ સુધી ફરતા રહ્યા હતા અને જગતના તમામ દેશોમાં ત્રણ-ચાર મહિ‌ના રોકાતા હતા. વેકાનંદની શિકાગો યાત્રા જ એમને સાધુમાંથી સ્વામીના શિખર પર લઇ ગઇ હતી. એવો કયો મુસલમાન હશે જેને હજયાત્રાની હસરત નહીં હોય? બેરિસ્ટર ગાંધી ભારત આવ્યા ત્યારે તેમણે ટ્રેનના ત્રીજા વર્ગના ડબ્બામાં પૂરા ભારતની યાત્રા કરી હતી. બેરિસ્ટરનું 'ગાંધીપણું’ આ યાત્રામાંથી આવ્યું હતું.

ઇટાલીના ઐતિહાસિક યાત્રી માર્કોપોલોની ૧૩મી સદીની પૂર્વી દેશોની યાત્રાને જ આજે ગ્લોબલ માર્કેટનું જનક બિંદુ કહેવાય છે. પોર્ટુગીઝ યાત્રી વાસ્કોડી ગામાએ કેપ ઓફ ગુડ હોપનો નવો સમુદ્રી માર્ગ શોધ્યો હતો. ક્રિસ્ટોફર કોલમ્બસે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ શોધી કાઢયાં તે પછી કહ્યું હતું કે, પૃથ્વી ગોળ છે. પ૦૦ વર્ષ પછી ૨૦૦પમાં 'ન્યૂર્યોક ટાઇમ્સ’ના પત્રકાર થોમસ ફ્રાઇડમેને બેંગલોરમાં ઇન્ફોસીસ કંપનીની ડિજિટલ દુનિયાની યાત્રા કરીને એક અદ્ભુત કિતાબ લખી તેનું ર્શીષક હતું: ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ.કાકાસાહેબ કાલેલકરે એમની આજીવન રખડપટ્ટીમાંથી ગુજરાતી ભાષાને સાત પ્રવાસ ગ્રંથો આપ્યા છે.

ખાનાબદોશી માણસનો સ્વભાવ છે. ઇમ્તીયાઝ અલીની ફિલ્મો જબ વી મેટ, લવ આજ કલ, રોકસ્ટાર અને હાઇવેમાં નાયક-નાયિકાની બહારી અને ભીતરી યાત્રાની વાત છે. એમને રસ્તા ગમે છે અને એ રસ્તા સાથે કંઇક એવી મહોબ્બત છે કે મનમરજીથી અહીં-તહીં જેવા આવ્યા તેવા સંબંધો અને જજબાતોને ઓવરટેક કરીને ખાનાબદોશીની જેમ એ ચાલતા રહેવા માગે છે.એની નાયિકા હાઇવેની વીરાની જેમ ત્યાં વાપસ જવા નથી માગતી જ્યાંથી એ આવી છે અને ત્યાંય જવા નથી માગતી જ્યાં એને લઇ જવામાં આવી રહી છે. એના માટે તો સફર જ રસ્તો છે અને સફર જ મંજિલ. અને આ કારણે જ ઇમ્તીયાઝ અલી એકાદ એવું ગીત પણ મૂકે છે જેમાં ઇરશાદ કામિલ લખે છે: હમ જો ચલને લગે, ચલને લગે હૈ યે રાસ્તે... મંઝીલ સે બહેતર લગને લગે હૈ યે રાસ્તે.

આપણે હાઇવેની વીરા કે જબ વી મેટની ગીતની જેમ ક્યારેય પાછા નહીં આવવા માટે અને કોલમ્બસની જેમ જઇને પાછા આવવા માટે સફર કરીએ છીએ. માણસની બહારની યાત્રા એની અંદરની યાત્રાની મજબૂરીમાંથી આવે છે. મૂળ ભારતના બ્રિટિશ લેખક પીકો ઐયર 'વાય વી ટ્રાવેલ’ નામની કિતાબમાં લખે છે, 'આપણી રખડપટ્ટી જાતને ખોઇ નાખવાની જરૂરિયાતમાંથી આવે છે અને એમાં જ આપણે જાતને પ્રાપ્ત પણ કરી લઇએ છીએ. આપણે સમયની રફતારને ધીમી પાડવા અને ફરીથી જાતના પ્રેમમાં પડવા રખડપટ્ટી કરીએ છીએ.’

૨૦મી સદીને ઘુમક્કડ ચિંતક જ્યોર્જ સાંતાયનાએ એની કિતાબ 'ધ ફિલોસોફી ઓફ ટ્રાવેલ’માં લખ્યું છે કે, 'યાત્રા અને યાતના વચ્ચે ગહેરો સંબંધ છે. હું યાતનાની ખોજમાં જ યાત્રા કરું છું. મને મારી યાતનાને જાણવામાં અને બીજાની યાતનાને જોવામાં રસ પડે છે.’ ગાંધીજીએ ત્રીજા વર્ગના ડબ્બામાં યાત્રા કરીને લોકોની યાતના જોઇ હતી અને પોતેય એને ભોગવી હતી.યાત્રાથી આપણી દૃષ્ટિ અને સંવેદના બદલાય છે. હાઇવે ફિલ્મમાં ચાર દીવાલો વચ્ચેના ફાઇવ સ્ટાર કમ્ફર્ટમાં વીરા જે મૌન યાતના ભોગવે છે તેની સામે અવાજ ઉઠાવાની એની હિંમત પેલી યાત્રામાંથી આવે છે જે બહાર હાઇવે પર ચાલી રહી છે.

ઇમ્તીયાઝ અલી પોતેય ખાનાબદોશ છે. એ દિલ્હીથી જમશેદપુરની ટ્રેનમાં ફરેલા છે. કોઇ જ આગોતરા આયોજન વગર સ્કોટલેન્ડમાં દીકરી સાથે કારમાં રખડતા રહ્યા છે. એ ઓરિસ્સા આખું ફરી વળ્યા છે. એ કહે છે, 'રખડપટ્ટીમાં તમારી પાસે ખૂબ સમય હોય છે. ટાઇમ ટેબલ પ્રમાણે રોજિંદાં કામ નિપટાવવાનાં હોતાં નથી. મનમાં કોઇ જ વિચારો ન હોય ત્યારે જ ઘણા બધા અભિપ્રાયો અને અનુમાનોને જગ્યા મળે છે. યાત્રાની યાતના અને અચાનકતામાંથી જ કલ્પનાઓ અને આઇડિયા જન્મે છે. આવી યાત્રાઓમાંથી જ કહાનીઓ મળે છે અને જાતને જાણવાનો ચાન્સ મળે છે.’

યાત્રા શું છે અને ક્યાંથી શરૂ થાય છે એ આખો અનુભવ સાઇકોલોજી અથવા અધ્યાત્માનો અદ્ભુત વિષય છે. યાત્રા ક્યારેક અંદરથી શરૂ થાય છે તો ક્યારેક બહારથી. ક્યારેક બહારથી શરૂ થયેલી યાત્રા અંદરની યાત્રામાં તબદીલ થઇ જાય છે. સંસ્કૃતમાં કહે છે: ચરન્ વૈ મધુ વિન્દતિ. અર્થાત્ જે ચાલે છે એને જ જીવનનું અમૃત (મધ) પ્રાપ્ત થાય છે. બહુ ઓછી જાણીતી પણ બ્રિલિયન્ટ ફિલ્મ 'શોર’માં રાજકવિ ઇન્દરજીત સિંઘે લખેલું, 'જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહો શામ’ અને મનોજકુમારે સાઇકલ પર આ ગીતનું ફિલ્માંકન કરીને માણસની બહારની અને ભીતરી યાત્રા બતાવી હતી. યાત્રામાં, રખડપટ્ટીમાં, ખાનાબદોશીમાં માણસ પોતાની સાથે સૌથી નજીક હોય છે.

તમે પહાડની પગદંડી પર ચાલતા હોવ કે ટ્રેનની બારી બહાર પસાર થતાં ખેતરને જોતા હોવ, જહાજના ડોક પર બેસીને આથમતા સૂરજને અલવિદા કહેતા હો કે પ્લેનની વિન્ડોમાંથી બહાર ઊડતાં વાદળનો અહેસાસ કરવા મથતા હોવ ત્યારે તમારી અંદર જે સંવાદ અને સંપર્ક સ્થપાય છે તે સૌથી સર્જનાત્મક અને કલ્પનાથી ભરપૂર હોય છે. તમે ક્યાંક જઇ રહ્યા છો એ અહેસાસ જ તમને અંદરના બોરિયા બિસ્તર બાંધવા મજબૂર કરે છે. એટલા માટે જ તમે તમારા ઘર કે ગામને છોડીને ટ્રેન કે પ્લેનમાં બેસો કે પછી બીજા દેશમાં ઊતરો તો તમારી ભાષા, સંવેદના, વ્યવહાર બધું જ બદલાઇ જાય છે.યાત્રા ચાહે કાલ્પનિક (ભીતરી) હોય કે વાસ્તવિક એના વિસ્તારથી મનનોય વિસ્તાર થાય છે.

સંકુચિતતાનો આયામ માત્ર સાઇકોલોજિકલ જ નહીં, ભૌગોલિક પણ છે. ઘરની ચાર દીવાલો કે કમ્ફર્ટ જેમ વૈચારિક અને અહેસાસની સંકુચિતતા વધારે છે તેમ યાત્રા તમારા ભ્રમો અને માન્યતાઓ તોડે છે. અંતરિક્ષયાત્રીઓ આમ તો સાયન્સ અને ટેક્નોલોજીના માણસો હોય છે પરંતુ એમની અંતરિક્ષ યાત્રાઓ એમને શ્રેષ્ઠ ફિલોસોફર બનાવી દે છે. માણસ પોતાના રોજિંદા કમ્ફર્ટથી જેટલો દૂર જાય એટલી એની દૃષ્ટિ વિકસે છે.હિ‌ન્દીમાં ૧પ૦ ગ્રંથોની રચના કરનાર રાહુલ સાંકૃત્યાનને પૂરી દુનિયા ઘુમક્કડ તરીકે ઓળખે છે.

ભારત ઉપરાંત તિબેટ, સોવિયત સંઘ, યુરોપ અને શ્રીલંકાની ખાનાબદોશી બાદ રાહુલે એના અનુભવ પરથી 'ઘુમક્કડ શાસ્ત્ર’ની રચના કરી છે. તેમાં એ લખે છે, 'મારા મતે દુનિયામાં સર્વશ્રેષ્ઠ વસ્તુ ઘુમક્કડી છે. રખડપટ્ટી કિતાબોથી પણ આગળ જાય છે. ઘુમક્કડ દુનિયાની સર્વશ્રેષ્ઠ વિભૂતિ છે કારણ કે એમણે જ દુનિયા બનાવી છે. દુનિયાના અધિકાંશ ધર્મનાયક ઘુમક્કડ રહ્યા છે. ભગવાન બુદ્ધ ઘુમક્કડ-રાજા હતા. એક વ્યક્તિ માટે ઘુમક્કડીથી વધીને બીજો કોઇ ધર્મ નથી.’
ખાનાબદોશી, ઘુમક્કડી, રખડપટ્ટી, યાત્રા એટલે?
જો પાસ હૈ વો અબ રાસ નહીં,
જો રાસ હૈ ઉસકી આસ નહીં,
કભી ઢૂંડે ગમ તો કભી ખુશી,
મૈં ઔર મેરી ખાનાબદોશી.'

યાત્રાથી આપણી દૃષ્ટિ અને સંવેદના બદલાય છે. હાઇવે ફિલ્મમાં ફાઇવ સ્ટાર કમ્ફર્ટમાં વીરા જે મૌન યાતના ભોગવે છે તેની સામે અવાજ ઉઠાવાની એની હિંમત પેલી યાત્રામાંથી આવે છે

રાજ ગોસ્વામી
rj.goswami007@gmail.com