એક સાલસ વિદ્વાનનું મૃત્યુ

one salas death
Madhu Rai

Madhu Rai

Jul 22, 2010, 02:39 AM IST
Madhu Rai, Nile Gagan Ke Taleવર્ષો પહેલાં અમેરિકાના ન્યુ જર્સી રાજ્યના જર્સી સિટી નામે નગરમાં ભારતીય મહિલાઓના કપાળે ચાંદલો હોય છે તેના ઉપરથી ‘ડોટ બસ્ટર’ નામે ધિક્કારનું આંદોલન થયેલું જેમાં ત્યાં નવા નવા આવેલા ભારતીય લોકોને પથ્થરથી મારવાના, તેમનાં ઘર લૂંટવાના અને સતામણીના બનાવ બનેલા. એક નવરોઝ મોદી નામે યુવાનની હત્યા થયેલી. પાંચેક વર્ષ પહેલાં હોમડેલ શહેરનાં ગીતા અંગારા નામે યુવતીનું ખૂન થયેલું જેના હત્યારા પકડાયા નથી. ડેવ મકકાર નામે બ્લોગર જણાવે છે કે થોડા સમય પહેલાં ગીચ ભારતીય વસતીવાળા એડિસન નગરમાં એક પોલીસે અજય પટેલ અને બિમલ જોશીને ભારતીય ઝંડો ફરકાવવા બદલ તેમ જ તે પછી રજનીકાન્ત પરીખ નામે દુકાનદારને કશા બહાને ક્રૂરતાથી પીટેલા, અને એડિસનના અન્ય પોલીસોએ ભારતીયોને વંદા, ઢોર, અભણ કહીને ઘરભેગા થવા કહેલું. ગયા માસની ૨૫મી તારીખે ડૉ. દિવ્યેન્દુ સિંહા નામે કમ્પુટર નિષ્ણાત ગૃહસ્થ તેમના ઓલ્ડ બ્રિજ શહેરના નિવાસેથી તેમની પત્ની ને પુત્રો સાથે સાંજે ફરવા નીકળેલા ત્યાં અચાનક એક મોટરકારમાંથી ત્રણ છોકરાઓ કૂદીને બહાર આવ્યા ને કશાય કારણ વિના તેમના પત્ની બાળકોની સામે તેમને ઢોર માર મારીને ભાગી ગયા. સિંહાને હોસ્પિટાલ લઇ જવાયા, પેલા છોકરાઓ પકડાયા, હોસ્પિટાલમાં ડૉ. સિંહાનું મૃત્યુ થયું. આથી આખી ભારતીય પ્રજા હેબત ખાઇ ગઇ છે. અહીં ગોરા ને કાળા અમેરિકનો બેકાર થઇ રહ્યા છે, પોતાનાં ઘર ગુમાવી રહ્યા છે ત્યારે મહેનતુ, કરકસરિયા અને સફળ ધંધાદારી ભારતીયો ઓસ્ટ્રેલિયાની જેમ અહીં પણ કાળી અસૂયાનું કારણ બની રહ્યા હોય તેવા અણસાર આવી રહ્યા છે. ભારતીયો તેમની નોકરીઓ છિનવી જાય છે, ભારતનાં કોલ સેન્ટરો અહીંની નોકરીઓ ભારતમાં ખેંચી જાય છે, અને જુદા દેખાતા, જુદું અંગ્રેજી બોલતા, જુદું ખાવાનું ખાતા ભારતીયો મત્સરનો ભોગ બન્યા છે. તેઓ દાકતર,એન્જિનીયર, આઇટી જેવાં ક્ષેત્રોમાં પોતાની બુદ્ધિશક્તિથી અમેરિકાનું બુદ્ધિધન વધારે છે. સમૃદ્ધ છે તેથી ટેક્સ વધુ ભરે છે. ધંધાદારી છે તેથી તેઓ બીજા અમેરિકનોની નોકરીઓ ખૂંચવી લેતા નથી, પણ તેમને નોકરીઓ આપે પણ છે. ડૉ. સિંહાના હત્યારાઓ તે દિવસે તોફાને ચડેલા. દિવ્યેન્દુજીને મારવા આવતાં પહેલાં કોઇ ગોરાની મોટરકારની પાછળ પડેલા. પેલો જીવ બચાવીને ભાગી છુટ્યો તો પાછળથી તેની ગાડી પર પથ્થરમારો કરીને તેમની હિંસાવૃત્તિ વ્યક્ત કરેલી. તેને ‘ગુમાવી’ તેઓ પાછા જતા હતા ત્યાં આ નિરપરાધ ભારતીય પરિવારને શાંતિથી ચાલતો જોઇ કાર રોકી બહાર નીકળી ડૉ. સિંહાને મારવા લાગ્યા. અથૉત્ કદાચ આ કૃત્ય ભારતીયો સામે દ્વેષનું કૃત્ય નહોતું, એવું પોલીસ માને છે. પણ ભારતીયો કહે છે કે ભારતીયોની આબરૂ અહિંસક અને શાંતપ્રિય છે તેથી ભારતીય પરિવાર સહેલો કોળિયો લાગવાથી આ પાશવી કુકૃત્ય થયું છે. કદાચ કોઇ કાળો કે સ્પેનિશ પરિવાર રસ્તે જતો હોત તો તેમની નજરે ન આવત. અથૉત્ તે અર્થમાં તે દ્વેષનું જ કૃત્ય છે. ભારતીયોની અહિંસકતા તેમને કોઇ વિકૃત રીતે ધિક્કારવા પાત્ર નબળાઇ લાગે છે. ભારતની વિખ્યાત આઇઆઇટીના સ્નાતક ડૉ. દિવ્યેન્દુ સિંહા અહીંની સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી પીએચડી કરી સીમેન્સ કોર્પોરેશન નામે બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા હતા. થોડો સમય તે સિટી યુનિવર્સિટી ઓફ ન્યુ યોર્ક તથા તેમની માતૃશાળા સ્ટીવન્સમાં તે ભણાવતા પણ હતા. તેમણે મેથેમેટિકલ મોર્ફોલોજી, ફઝી સેટ થિયરી, અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ઊંડા વિષયોનાં ૫૦ જેટલાં પુસ્તકો પ્રગટ કર્યા છે. ડૉ. સિંહા જર્નલ ઓફ રીયલ ટાઇમ ઇમેજિંગ અને ઇલેકટ્રોનિક ઇમેજિંગ નામે સામિયકોના સહતંત્રી હતા, એફિશિયન્ટ એલ્ગોરિધમ ડેવેલપમેન્ટ, ઓબ્જેકટ ઓરિયેન્ટેડ સોફ્ટવેર ડિઝાઈન, મશીન વિઝન, ફ્લિપફ્લોપ બોન્ડર્સ તથા રોબોટિક વિઝનમાં વેફર ઇન્સપેકશન સિસ્ટમ જેવા વિષયોના સલાહકાર જ્ઞાતા હતા. આ વિષયોની યાદી એટલા માટે છે કે તેમની પ્રતિભાના સ્તરનો અંદાજ આવે. એવા જ્ઞાની બૌદ્ધિકનું તેમના છળી ઊઠેલાં નાના પુત્રો અને પત્નીની સામે આવું ક્રૂર ને અવિચારી હનન અહીં રહેતા ભારતીયોના મનમાં વિષાદ જન્માવે છે. તેમના ફેસબુકના પાનામાં જણાવાયું છે તેમના પરિવાર અને મિત્રો જ નહીં તેમના વિદ્યાર્થીઓ, સહપાઠીઓ, સહકર્મીઓ અને સમસ્ત ભારતીય કોમમાં જેને જ્યારે જે પણ સહાય કરી શકાય તે કરવા ડૉ. સિંહા તત્પર હતા. ત્રણ દિવસની સારવાર બાદ પણ ૪૯ વર્ષની વયના ડૉ. સિંહા બેઠા ન થયા. ડોક્ટરોએ ખિન્નતાથી જાહેર કર્યું કે તેમનું મગજ મરી ગયું છે અને હવે કેવળ દેહનું ખોખું જીવિત રાખવાનો અર્થ નથી. તેમના મોંમાં ગંગાજળ રેડાયું, તુલસીપત્ર મુકાયું અને ભજન જાપ સાથે તેમની લાઇફ સપોર્ટ વિરામ પામી. તેમના પરિવારે તેમની કિડનીનું દાન આપવાનું નક્કી કર્યું. તે રીતે ફેસબુકમાં જણાવાયું છે તે યથાર્થ થાય છે. જેને કિડનીના જીવતદાનની જરૂર હતી તેવા બીજા કોઇને સહાય કરીને મૃત્યુ પછી પણ તેમનો અંશ હજી જીવે છે. ન્યાયની માગણી કરવા ttp://justicefordivyendufamily.wordpress.com વેબસાઇટ શરૂ કરાઇ છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના બૃહદ પરિવારને તે આઘાત જિરવવાની શક્તિ આપે. અને તેમના હત્યારાઓને કઠોર સજા આપે. જય ન્યાયમાતા. મધુ રાય, નીલે ગગન કે તલે [email protected]
X
one salas death
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી