તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયતિની નિયતિ એણે જ નક્કી કરી લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 નિયતિના મેરેજને પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. એની ફરિયાદ એક જ હતી અને અસહ્ય હતી.‘મેડમ, અમે ત્રણેક વર્ષથી પ્રયત્નો કરીએ છીએ, પણ પ્રેગ્નન્સી રહેતી નથી.’ ‘ક્યાંય સારવાર કરાવી છે ખરી?’ મેં સ્વાભાવિકપણે પૂછ્યું.‘હા.’ આટલો ટૂંકો જવાબ અને પછી ટેબલ પર સાત-આઠ ફાઇલોનો ગંજ ખડકાઈ ગયો. દરેક ફાઇલ દળદાર હતી. મેં એક-એક ફાઇલ હાથમાં લઈને અંદર નજર ફેરવવા માંડી. પાને-પાને પૈસો ચુસાતો હતો અને નિષ્ફળતા ટપકતી હતી. પતિનો સિમેન રિપોર્ટ, નિયતિનો ક્યુરેટિંગ રિપોર્ટ, હિસ્ટરોસ્કોપી, લેપ્રોસ્કોપી, સિમ્પલ સોનોગ્રાફી, ઓવ્યુલેશન ટેસ્ટ, હોર્મોન્સના રિપોર્ટ્સ, થાઇરોઇડ ફંક્શન્સ, બ્લડ સુગર, યુરિન રિપોર્ટ. કંઈ કહેતા કંઈ જ બાકી રાખ્યું ન હતું. મહત્ત્વની અને આશ્ચર્યની વાત એ હતી કે બધું જ બરાબર હતું, સામાન્ય હતું. એક પણ રિપોર્ટમાં સહેજ સરખીયે ખામી જણાતી ન હતી. મેં નિયતિને તપાસ માટે ટેબલ પર લીધી. આંતરિક તપાસમાં પણ બધું નોર્મલ જણાયું.  ‘બહેન, તારો કેસ અજીબોગરીબ છે. બધાં જ રિપોર્ટ્સ નોર્મલ છે અને એ જ સૌથી એબનોર્મલ વાત છે.’‘હું સમજી નહીં. બધું નોર્મલ હોય તે વાત એબનોર્મલ કેવી રીતે હોઈ શકે?’ ‘હું સમજાવું. જો આટલા બધા રિપોર્ટ્સમાંથી એકાદ રિપોર્ટ ખરાબ આવ્યો હોત તો તારી ઇન્ફર્ટિલિટીનું કારણ પકડાઈ ગયું હોત, જો કારણ જાણવા મળી ગયું હોત તો એની સારવાર થઈ શકી હોત.’ ‘હવે સમજી કે મારા કેસમાં કારણ પકડાતું નથી માટે સારવાર થઈ શકતી નથી.’‘હા, જોકે આ તમામ ડોક્ટરોએ સારવારના નામે ગોળીઓ અને ઇન્જેક્શનો તો આપ્યાં જ છે, પણ સ્વાભાવિક રીતે જ એનું રિઝલ્ટ મળ્યું નથી. અંધારામાં તીર ચલાવવાથી ભાગ્યે જ નિશાન પાડી શકાય છે.’‘તો હવે શું કરવું, મેડમ? હું તો તમારા લેખો વાંચીને આવી છું. તમારા પર કેટલી બધી આશાઓ રાખીને આવી છું!’ મને નિયતિની વાતમાં રસ પડ્યો. મેં પૂછ્યું, ‘એમ? તેં મારા બધા જ લેખો વાંચ્યા છે?’‘હા, મેડમ.’‘તો તું જ કહે કે મારે શું કરવું જોઈએ?’‘મેડમ, સાચું કહું? એક લેખમાં તમે એવું લખ્યું હતું કે અમુક કિસ્સાઓમાં એવું બને છે કે પતિના વીર્યનો રિપોર્ટ સારો હોવા છતાં જ્યારે પત્ની સાથે સમાગમ કરે ત્યારે પત્નીની યોનિમાં પડેલા શુક્રાણુઓ વિપરીત વાતાવરણના કારણે નાશ પામે છે અને ગર્ભ રહી શકતો નથી. મારા કિસ્સામાં એવું તો નહીં હોયને?’‘ના બેટા, એવું તો બહુ ‘રેર’ કિસ્સામાં બનતું હોય છે.’ ‘મેડમ, તમે ભલે સંમત ન થાવ, પણ મારી વિનંતી છે કે તમે એકવાર એ માટેનો ટેસ્ટ કરી લોને!’મેં બે-ત્રણ વાર આનાકાની કરી, પણ નિયતિ જીદ પકડીને મક્કમ રહી. આખરે મેં ‘પોસ્ટ કોઇટલ ટેસ્ટ’ કરાવવાનું નક્કી કર્યું. ચોક્કસ દિવસે ચોક્કસ સમયે મેં નિયતિ અને એના પતિને શરીરસંબંધ બાંધવાની સૂચના આપી. પછી ચોક્કસ સમય વીત્યા બાદ નિયતિની યોનિમાં પ્રવાહી લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યું.  મારા આશ્ચર્ય વચ્ચે રિપોર્ટમાં એક પણ શુક્રાણુ જીવિત જોવા મળ્યો ન હતો. હવે એના વંધ્યત્વનું કારણ પકડાઈ ગયું. બીજા મહિને મેં સારવાર સુકાન ફેરવી નાખ્યું. સાવ સસ્તી ટેબ્લેટ્સ, પછી સ્ત્રીબીજ ક્યારે છૂટું પડે છે તે જાણવા માટેનો સોનોગ્રાફી ટેસ્ટ અને જે દિવસે બીજ છૂટું પડ્યું તે દિવસે આઇ.યુ.આઇ.ની પ્રક્રિયા કરવી. બસ, પહેલાં જ મહિનામાં પરિણામ મળી ગયું. આઇ. યુ.આઇ. એટલે પતિનું વીર્ય લેબોરેટરીમાં ‘વોશ’ કરીને સિરિન્જ દ્વારા સીધું જ ગર્ભાશયની અંદર મૂકી આપવાની ક્રિયા.   આવું કરવાથી યોનિમાર્ગ આખો બાયપાસ થઈ જાય છે. એટલે પતિના શુક્રાણુઓ યોનિમાં વ્યાપ્ત વિપરીત વાતાવરણમાં નષ્ટ પામવામાંથી બચી જાય છે. નિયતિ ખુશ હતી. મારી આટલી લાંબી કારકિર્દીમાં નિયતિનો કેસ એવો પ્રથમ હતો જેમાં દર્દીએ પોતે પોતાની સારવાર સૂચવી હોય અને જીદ કરીને મારા દ્વારા સંપન્ન કરાવી હોય.

અન્ય સમાચારો પણ છે...